હા અને ‘ના’ની વચ્ચે પસંદગી

મંજૂષા

વીનેશ અંતાણી

દરેક માણસને આ બે શબ્દો વારંવાર પજવે છે: ‘હા’ અને ‘ના’. આપણી સામે ઊભી થતી કેટલીય પરિસ્થિતિમાંથી આપણે ‘હા’ અને ‘ના’ની વચ્ચે એકની પસંદગી કરવી પડે છે. આ વાત નિર્ણય લેવા વિશેની છે – માત્ર નિર્ણય લેવા વિશે નથી, યોગ્ય નિર્ણય લેવા વિશેની છે. ઘણી વાર દેખીતી રીતે ‘યોગ્ય’ લાગતો નિર્ણય ‘સાચો’ ન પણ હોય અને ઘણી વાર ‘સાચો’ લાગતો નિર્ણય ‘યોગ્ય’ ન પણ હોય. ઘણી વાર નિર્ણય લેવાની ઘડીઓમાં જીવનરૂપી મહાભારતના યુદ્ધમાં ‘નરો વા કુંજરો વા’ જેવી પરિસ્થિતિ પણ ઊભી થાય છે.

નિર્ણય લેવાની પ્રક્રિયાની સાથે જોડાયેલી દ્વિધાને સમજાવતી વખતે ટ્રેનના બે પાટાનું જાણીતું ઉદાહરણ વારંવાર આપવામાં આવે છે. ધારો કે તમે ટ્રેનના પાટા બદલવાની જવાબદારીવાળું કામ સંભાળો છો. એક ટ્રેન નજીક આવી ગઈ છે. ત્યાં બે પાટા છે. જે પાટા પરથી ટ્રેનને પસાર થવા દેવાની છે એના પર દસ-બાર બાળકો રમે છે. બીજા ટ્રેકનો ઉપયોગ ઘણા સમયથી બંધ કરવામાં આવ્યોં છે અને આગળ જતાં એના પાટા ઉખેડી લેવાયા છે. એના પર એક બાળક રમે છે. હવે તમે કયો નિર્ણય લેશો? ઘણાં બાળકોને બચાવવા માટે ઉપયોગમાં ન લેવાતા ટ્રેક પર ટ્રેનને વાળશો કે ઉપયોગમાં લેવાતા પાટા પરથી ટ્રેન જવા દેશો? બંનેમાં જોખમ રહેલું છે. ઘણાં બાળકોને બચાવવા માટે ઉપયોગમાં ન લેવાતા ટ્રેક પર ટ્રેનને વાળશો તો એના પર રમતું એક બાળક મૃત્યુ પામશે અને થોડે આગળ ગયા પછી ટ્રેનને અકસ્માત થવાનો છે. એમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓની જાનહાનિ થવાની પૂરી સંભાવના છે. ઉપયોગમાં લેવાતા ટ્રેક પર ટ્રેનને પસાર થવા દો તો ઘણાં બાળકોનું મૃત્યુ નિશ્ર્ચિત છે. આવી પરિસ્થિતિમાં લેવાતો કોઈ પણ નિર્ણય ‘યોગ્ય’ હોઈ શકે, પરંતુ ‘સાચો’ ન પણ હોય અથવા ‘સાચો’ હોય, પણ ‘યોગ્ય’ ન પણ હોય.

આપણે માની લઈએ છીએ કે નિર્ણય લેવાઈ ગયો એટલે વાત પૂરી થઈ ગઈ, પરંતુ એવું હોતું નથી. વીજળીના બે થાંભલાની વચ્ચે બાંધેલા તાર પર ત્રણ પક્ષી બેઠાં હતાં. એમાંનાં બે પક્ષીઓએ ઊડી જવાનો નિર્ણય લીધો. ત્યાર પછી એ તાર પર કેટલાં પક્ષી રહ્યાં હશે? બે પ્રકારના જવાબ મળે: એક જ પક્ષી અથવા એક પણ નહીં. તર્ક એમ સૂચવે છે કે બે પક્ષી ઊડવાથી આંદોલિત થયેલા તાર પર ત્રીજું પક્ષી સ્થિર રહી શકે નહીં એથી એને પણ ઊડી જવું પડે. પરંતુ કદાચ એ બેમાંથી એક પણ ઉત્તર સાચો ન હોય. તાર પર ત્રણેત્રણ પક્ષીઓ હોય. બે પક્ષીઓએ ‘ઊડી જવાનો નિર્ણય લીધો હતો’ એનો અર્થ એમ નહીં કે એમણે લીધેલા નિર્ણયનો ‘અમલ’ કર્યો હતો.

લેવાયેલો નિર્ણય અમલમાં મુકાય નહીં ત્યાં સુધી એ માત્ર વિચાર જ રહે છે. મોટા ભાગના લોકો નિર્ણયો તો ઘણા લે છે, એને અમલમાં મૂકતા નથી. નિષ્ક્રિય વલણ કોઈ પણ જાતનું પરિણામ લાવી શકતું નથી. નિષ્ક્રિય લોકો હંમેશાં અવઢવમાં જ રહે છે. એથી તેઓ માની લે છે કે તેઓ કદીય નિષ્ફળ જતા નથી. નિર્ણય લેવાની કે લીધેલા નિર્ણય મુજબ સક્રિય થવાની તૈયારી ન હોય ત્યાં સુધી સફળતાની કોઈ શક્યતા નથી.

કોઈએ કહ્યું છે, “આપણું જીવન આપણે દરરોજ લીધેલા નિર્ણયોનો સરવાળો હોય છે. જીવનમાં થયેલા અનુભવો આપણને યોગ્ય સમયે નિર્ણય લેતાં શીખવે છે. આપણો કોઈ પણ નિર્ણય સમયથી પહેલાં લેવાયેલો ન હોવો જોઈએ કે મોડો ન હોવો જોઈએ. ઉતાવળમાં લીધેલો દરેક નિર્ણય હાનિકારક નીવડે છે. પાનખરમાં સુકાયેલાં ઝાડને કાપવાનો નિર્ણય લેવો નહીં. તમારો ખરાબ સમય ચાલતો હોય ત્યારે નકારાત્મક નિર્ણય લેવો નહીં. એ રીતે મૂડ ખરાબ હોય ત્યારે કોઈ પણ અગત્યનો નિર્ણય લેવો નહીં. ધીરજ રાખો. વાવાઝોડું પસાર થવાનું જ છે, વસંત આવવાની જ છે.”

વિચારકો બીજી એક વાત પણ સમજાવે છે. તેઓ કહે છે, તમારા વિશેનો કોઈ પણ અગત્યનો નિર્ણય લેવાની છૂટ બીજી વ્યક્તિને આપો નહીં. તમે જાતે જ, આગળપાછળનું વિચારીને, તમારા માટે શ્રેષ્ઠ લાગતો હોય તે નિર્ણય જાતે લો. જાતે નિર્ણય લીધા પછી જ એના અમલની જવાબદારી ઉપાડવાની તૈયારી જન્મશે અને એવી જવાબદારી સમજાશે ત્યારે યોગ્ય નિર્ણય લેવાની દિશા સૂઝશે.

સુપ્રસિદ્ધ અમેરિકન ફિલ્મ અભિનેતા-દિર્ગદર્શક-સંગીતકાર કૅવિન કોસ્ટનરે કહ્યું છે: “મને ખબર છે કે હું પરફેક્ટ જિંદગી જીવ્યો નથી, મેં ઘણી ભૂલો કરી છે. મને એનો અફસોસ પણ છે. તેમ છતાં મને સંતોષ છે કે મેં મારી જિંદગીમાં આવેલી દરેક તકને ઝડપી છે, એ માટે મેં નિર્ણય લીધા છે. મેં લીધેલા ખોટા નિર્ણયોમાંથી હું એક વાત શીખ્યો છું – ખોટા નિર્ણય લેવામાં જેટલું જોખમ છે એનાથી વધારે જોખમ નિર્ણય  લેવાથી ઊભું થાય છે.”


શ્રી વીનેશ અંતાણીનું વીજાણુ સંપર્ક સરનામું: vinesh_antani@hotmail.com

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.