આદિવાસી

દુર્ગેશ ઓઝા

‘કેમ છો નીલેશભાઈ? મજામાં ને? લ્યો આ તમારી સ્કુટરની ચાવી. થેંકયુ હો. તમે મને…’

‘અરે એનું થેંકયુ ન હોય મયંકભાઈ, ને તમે તો અમારા પડોશી. પહેલો સગો પડોશી, શું સમજ્યા? પણ તમે આમ બહાર કાં ઊભા? અમારા ઘરમાં તો આવો! આમેય હમણાં ઘણા દિવસથી આપણે નથી મળ્યા. એ બહાને મનેય કંપની રહેશે. સાંજે હું હમણાં એકલો જ હોઉં છું. પહેલાં તો અજય આ સમયે આવી જતો, પણ..’ મયંકભાઈને થોડા દિવસથી મનમાં આ ઘોળાતું જ હતું, એમાં આજે નીલેશભાઈએ સામે ચાલીને આ વાત કાઢી એટલે.. ‘નીલેશભાઈ, હું તમને આ જ વાત પૂછવા માંગતો હતો. પહેલાં તો તમારો અજય સાંજે છના ટકોરે ઘરે અચૂક આવી જ જતો, પણ હમણાં એને ઘરે આવતાં લગભગ રોજ રાતના આઠ કે નવ વાગી જાય છે.’

‘મયંકભાઈ, તમારી વાત સાચી. નોકરી પૂરી કર્યાં પછી મારો દીકરો એક મિનિટ પણ ઓફિસમાં ન રોકાય. એકવાર તો એણે એના સાહેબને સાફ કહી દીધું હતું કે ‘જુઓ, હું નોકરી કરીશ નિષ્ઠાથી. કામચોરી જરાય નહીં કરું, પ્રામાણિકતા ને ચીવટ એ બધું સો ટકા. કબૂલ, પણ હું નોકરીને પરણ્યો નથી. એટલે સમય પૂરો થયે હું રોકાઈશ નહીં. મારેય ઘરબાર છે, હુંય માણસ છું.’

‘હા, નીલેશભાઈ, મને અજયના આ સિદ્ધાંતની ખબર છે. વળી એનો નિર્ણય અફર જ હોય. એમાં એ પાછો ન હટે. ને એટલે જ મને નવાઈ લાગે છે કે આવો અજય હવે કેમ મોડે સુધી ઓફિસમાં? હા, જો કે કામ હોય તો કયારેક રોકાવુંય પડે, પણ આ તો લાગલગાટ ૧૫ દિ’થી હું જોઉં છું કે અજય કાયમ હમણાં મોડો જ ઘરે…’

મયંકભાઈને આગળ બોલતાં અટકાવી નીલેશભાઈએ સ્પષ્ટતા કરી. હા, અજય ઓફિસમાંથી તો પહેલાંની જેમ જ સમયસર નીકળી જ જતો હતો, પણ ત્યાંથી નીકળી હવે તે શહેરથી ૨૦ કિલોમીટર દૂર આદિવાસી વિસ્તારમાં ત્યાં રહેતા લોકોને ભણાવવા વગેરે માટે જતો હતો. અજય આમ લહેરીલાલો. કોઈની ઝાઝી પરવા ન કરે. તે અજય આમ..!  મયંકભાઈ નવાઈમાં ડૂબી ગયા, પણ પછી કહી રહ્યા, ‘આ તો બહુ સારું કહેવાય. તમારો દીકરો સુધારાના પંથે છે. આ તો પુણ્યનું કામ.  ટૂંકમાં એમ કહો ને તમારા દીકરાએ સમાજસુધારણા ને  શિક્ષણનું કામ હાથમાં લીધું, સેવાની જયોત પ્રગટાવી, ખરું ને?’

નીલેશભાઈ પોરસાયા, ’હા, એવું જ કંઈક. એ અભણ આદિવાસીઓ ને એમનુ જીવનધોરણ, બેય સુધરી જાય, એ બહાને એ લોકો કંઈક શીખે તો મજાનું. પણ સાંભળ્યું છે કે એ લોકો બહુ જુનવાણી માનસ ધરાવતા હોય છે. જલદી કોઈ પાસેથી કશું શીખવા તૈયાર ન થાય. ત્યાં દારૂ, બીડી, ગાળાગાળી એવું પણ ચાલતું હોય. મને થોડીક બીક છે કે એ લોકોને સારું શીખવાડવાને બદલે ઊલટું મારો અજય જ ક્યાંક બગડીને…’

‘નીલેશભાઈ, સાંભળેલું બધું સાચું ન પણ હોય, ને અજય છે સીધોસાદો, સુસંસ્કારી છોકરો. એવું કંઈ હોય તો પણ એને તેની ખરાબ અસર ન જ થાય. મને સંસ્કૃતનો પેલો શ્લોક યાદ આવી ગયો કે ‘વિકૃતિ નૈવ ગચ્છન્તિ સંગદોષેણ સાધવ: આવેષ્ટિતં મહાસર્પેશ્ચચંદન ન વિષાયતે.’ એટલે કે ‘જેમ મહાસર્પથી વીંટળાયેલું ચંદનનું વૃક્ષ ઝેરી બની જતું નથી, તેમ ખરો સાધુ સંગદોષ કરે તો પણ વિકૃત બનતો નથી.’  અજયને કંઈ નહીં થાય. એ સૌનું કામ કરવા, લોકોનું ભલું કરવા જાય છે એથી ખુશ થઈ તમે એ વાતનું ગૌરવ લ્યો.’

‘હા મયંકભાઈ, ગૌરવ તો હોય જ ને! શહેરમાં આટલા લોકો છે તેમાંથી  અજયને જ આવું કામ કરવાનું સૂઝ્યું એ સારી વાત કહેવાય. હા, એની સાથે કોલેજમાં ભણતી’તી, એ સોનલ પણ આ કામમાં તેનો સાથ આપે છે. બેયને સેવાનો નાદ લાગ્યો છે. તો ભલે ને કરે. આ તો સારી વાત. કોઈ સુધરતું હોય, આદિવાસી સુસંસ્કૃત બને, આપણા સમાજના મુખ્ય પ્રવાહમાં એ લોકો આમ ભળી જાય એ તો મજાનું.’

‘ને મજાની વાત એ પણ છે કે તમારા અજયની પત્ની ધારા પણ આ વાતથી ખુશ છે. પતિ મોડો આવે છે ને પોતાની સાથે વીતાવવાનો સમય એ આદિવાસીઓને આપી દે છે એનો એને રંજ નથી.’ મયંકભાઈએ ખુશી વ્યક્ત કરી, બીજી થોડી વાતો કરી ને પછી નિલેશભાઈની રજા લઈ પોતાના ઘર ભણી ડગ માંડ્યા.

બે દિવસ પછી.. સરોજે પતિ નિલેશભાઈને ચેતવ્યા: ‘તમે ઘરમાં કાંઈ ધ્યાન આપો છો કે નહીં? આ અજયને આદિવાસીઓને સુધારવાનો ફંદ વળગ્યો તો ભલે વળગ્યો, પણ એનીય કાંઈક હદ તો હોય ને? સોનલનું તો જાણે સમજયા, પણ બે દિવસથી એ ધારા અને સંગીતાને પણ પોતાની સાથે ત્યાં લઈ જાય છે, બધું બતાવવા કે અમે ત્યાં શું શું કરીએ છીએ ને આ આદિવાસી કેવા છે, કંઈ રીતે જીવે છે ને વર્તે છે? દીકરો પોતે ત્યાં જાય ને એની પત્ની ને દીકરીનેય સાથે લઈ જાય એ મને જરાય ઠીક નથી લાગતું.’

‘પણ એમાં ખોટું શું છે? આ તો ભલાઈની વાત, તો ભલે ને લઈ જાય! એકથી ભલા બે. ને બેથી ભલા ચાર.’

‘તમને તો કશી ખબર જ નથી પડતી. એ આદિવાસી કેવા હોય છે ખબર છે? ગમાર ને બીમાર! ન રહેવાનું કે ન પહેરવા-ઓઢવાનું ઠેકાણું, ન બોલવાચાલવાની સમજ! અજય જાય છે તો ત્યાં બધાને શીખવાડવા, પણ આ બેય ત્યાંથી બીજું ન શીખવાનું શીખીને આવશે, બગડીને ધૂળ થઈ જશે એનું શું? આપણી સંગીતા ગઈકાલ સુધી કહેતી હતી કે ‘’ક કલમનો ક..’’ હવે એ કાગડાનો ‘ક’, કોયલનો ‘ક’ પણ બોલે છે. કાલે ઊઠીને એ દડાનો ‘દ’ બોલવાને બદલે દારૂનો ‘દ’ બોલશે. ‘બ’ બકરીનો નહીં, બીડીનો બોલશે. તમે કંઈક વાતમાં સમજો. બંધ કરાવો આ બધા ફંદફિતૂર. ઓલી સોનલી પણ સાલી હાલી મળી છે તે આને સાથ આપે છે. હજી મોડું નથી થયું. ચેતી જાવ વેલેરા. ને એટલેય ના પાડું છું કે ધારાને આ છઠ્ઠો મહિનો જાય છે. ત્રણ મહિના પછી એ બે બાળકની મા બની જશે. હવે એણે ઝાઝી દોડાદોડી ન કરાય.

વળી ત્યાં કોણ જાણે બધા કેવા હોય ને કેમ વર્તતા હોય? એ બધાની અસર આવનારાં બાળક ઉપર પણ પડે…’ પત્નીએ તો લાંબુ લેક્ચર ફટકાર્યું. નીલેશભાઈ પત્નીને સમજાવવા મથ્યા. ‘જો સરોજ, તું જેવું માને છે, એવા એ નથી હોતા…’

બે દિવસ પછી.. સંગીતા બોલી, ‘દાદી, તું રોટલી તો સરસ બનાવે છે, પણ મારે તો આજે રોટલો ખાવો છે, પેલો જીવતીકાકીને ત્યાં ખાધો’તો એવો ચૂલાનો રોટલો. એવો રોટલો દાદી તને તો ન જ  આવડે.’

’ચૂલામાં જાય તારો રોટલો. આદિવાસી પાસેથી આવું જ શીખીને આવી છે તું? ખાધો’તો કે ખાધો હતો? ને ‘તમે’માંથી સીધું તું.!’

‘દાદી, એમાં ગુસ્સે શું થા છો? ‘ર’ રોટલાનો ‘ર.’ મેં તો દીઠો, રોટલો મીઠો. ને ત્યાં મને કેવી મજા આવી? પેલી બત્રીસ પૂતળીનો ખેલ. બધા મરી ગ્યા, પણ છેલ્લે એક માણસ વધ્યો’તો એ કેમેય કરી મરે જ નહીં ને? આમ ધબ દઈને પડી જાય ને આમ પાછો ફટ દઈને ઊભોય થઈ જાય. હિંમત જ ન હારે. હું પણ હવે હિંમત નહી હારું દાદી. ને મદારીનો ખેલ. કરંડિયામાં સાપ, બાપ રે બાપ! પણ એ તો જરાય ડરે જ નહીં. ભગવાન શંકરની જેમ સાપને વહાલ કરે. ને પેલી રૂખડીની દાદી તો રુખડીને કાંઈ વહાલ કરે, વહાલ કરે..!’

‘ઓ હો હો તારી તો કંઈ જીભડી થઈ ગઈ છે લાંબી! બંધ કર તારો લવારો, બાકી કાઢીશ તારો બરાબરનો વારો.’ સરોજ ગુસ્સામાં બોલી. એમાંય ‘એવો રોટલો દાદી તને તો ન જ આવડે’ એ શબ્દોએ એને વધુ…!

…..ધારાને સાચી વાતની ખબર ન પડે એમ મેડીકલ ચેક-અપનું ખોટું બહાનું કાઢી ગર્ભપરીક્ષણ માટે એને ડોકટર પાસે લઈ ગયેલી સરોજે ઘરે આવીને અજયને ખાનગીમાં આ વાત કરી પોતાનો નિર્ણય જણાવ્યો. ‘જો બેટા, શાંતિથી મારી વાત સાંભળ. બીજીય છોકરી જ જન્મવાની છે. મારું કહેવું એમ છે કે આ ગર્ભ પડાવી નાખ. કોઈને કાંઈ ખબર નહીં પડે. કોઈ પૂછે તો એમ કહી દેવાનું કે કસુવાવડ થઈ જતાં…!’

ને અજય લાલઘૂમ! ‘મમ્મી..! આ તું શું બોલે છે? એ કોઈ કાળે નહીં બને. જે વ્યક્તિ દીકરાની અપેક્ષાએ ગર્ભપરીક્ષણ કરાવે એના મગજનું જ પહેલાં તો પરીક્ષણ કરાવવું જોઈએ. આમ તો ગર્ભપરીક્ષણ એ કાનૂની અપરાધ છે, પણ મારી દ્ષ્ટિએ પહેલાં તો એ નૈતિક અપરાધ છે. તું સ્ત્રી થઈને સ્ત્રીની હત્યા..’

‘તું મને સમજાવવાનું રહેવા દે. મેં તારા કરતાં ઝાઝી દિવાળી જોઈ છે. સો વાતની એક વાત. મારે બીજી દીકરી ન જોઈએ. પહેલાં તો તું જ મારી હામાં હા ભણતો હતો. આવું થાય તો ગર્ભ પડાવી નાખવા તૈયાર હતો ને હવે અચાનક તેં પાટલી બદલી! નક્કી આ બધાં પેલી સોનલીનાં કામાં. જોઈ ન હોય મોટી સુધારાવાળી..’

‘મમ્મી, કારણ વિના એનો વાંક ન કાઢ. એને તો આ કાંઈ વાતની જ ખબર નથી. ને તારી વાત સાચી. હુંય પેલા આ મતનો હતો. પણ હવે..નો વે. એ મારી ભૂલ હતી. બીજી દીકરી મને મંજૂર છે ને એ પણ પ્રેમથી. ખબરદાર જો તેં આવી વાત ફરી ઉચ્ચારી છે તો!’ અજયના આવા વલણથી સરોજ હતપ્રભ. પતિ ઘરે આવતાં જ સરોજે બધી વાત કરી એની સમક્ષ પોતાનો અણગમો જાહેર કર્યો. ‘જોયું ને? હું નો’તી કે’તી? છોકરો બીજાને સુધારવા ગયો ને પોતે જ બગડી ગયો. હાથથી ગયો. બોલીને સાવ ફરી ગયો તેમાં..! ને એ એકલો નહીં, હવે તો એની સાથે આ સંગીતા ને ધારા પણ ‘બગડતાં’ જાય છે.’

બે દિવસ પછી.. દાદા ચમક્યા. ‘અરે સંગીતા દીકરી, આ શું લઈ આવી? ’

જવાબ ધારાએ આપ્યો. ‘પિતાજી, આદિવાસી મહિલા જીવતીને ઘેર બીજી દીકરી જન્મી એના માનમાં એના વર નરસીએ લાપસી મોકલાવી છે.’

‘ને મારા માટે ચૂલાનો રોટલો નીલુદાદા. ને એ જીવતીકાકી છે ને તે મને બહુ વહાલ કરે છે હો!’ બટકબોલી સંગીતા ઠેકડો મારતા ખુશીથી બોલી ઊઠી. દાદાએ સંગીતાના ગાલે ચૂમી ભરી એને કહ્યું, ‘કાલે ત્યાં જા ત્યારે મારા તરફથી શુકનના એકસો ને એક રૂપિયા તારા હાથે એ જીવતીને આપજે. જીવતી, તું સો વર્ષ જીવતી રહે.’

અજય કહી રહ્યો, ‘વાહ પપ્પા, તમારી આ વાત મને ગમી હો! ને પપ્પા, અમુક બાબતોમાં આદિવાસી ભલે પાછળ રહ્યા, પણ એના સમાજમાં એવા અનેક રિવાજો ને વ્યવહારો છે જે બેનમૂન છે, જે આપણે પાળવા જોઈએ એમ મને લાગ્યું. ત્યાં ખોટી શરમ કે ખોટા ભેદભાવ મારા જોવામાં ન આવ્યાં.’ અજય મમ્મી સામે એક વેધક નજર નાખતાં આગળ કહી રહ્યો, ‘એમના જીવનનો મેં બારીક અભ્યાસ કર્યો ને એની સાથે રહ્યો, તો મને એમ થયું કે હું શું એ લોકોને શીખવાડતો’તો? શીખવાનું તો આપણે એમની પાસેથી છે! આપણે સુધરેલા એને ‘અબૂધ’ કહીને ઉતારી પાડીએ છીએ, પણ મારી એ લોકો માટેની અબુધની વ્યાખ્યા જુદી જ છે. ‘‘જે બુદ્ધિથી નહીં, પણ હ્રદયથી વિચારે એનું નામ અબૂધ.’’  એ આવા આધુનિક ને નિષ્કપટ અબૂધ છે. આદિવાસી આમ વાસી નથી, પણ તાજા છે.‘ અજયની વાત સાંભળીને મમ્મી વિસ્ફારિત નેત્રે એની સામે જોઈ જ રહી.

વસંતપંચમીના દિવસે જ ધારાએ બીજી દીકરીને જન્મ આપ્યો. ઘરમાં જાણે વસંત છવાઈ ગઈ. દીકરીનું નામ રાખ્યું દિશા. નવી દિશા મળી હતી અજયને. હા, એણે આદિવાસીને અમુક કુરિવાજોમાંથી છોડાવ્યા હતા ને એમને થોડું નવું સારું શીખવાડ્યું પણ હતું, એની ના નહીં, પણ..! એ ગયો હતો તો આદિવાસીઓને કશુંક શીખવાડવા, પણ એ જ કશુંક નવલું શીખીને આવ્યો હતો ત્યાંથી. અમૂલ્ય, અનેરું, ઘણું ને અનેકગણું સારું!

                               (‘મુંબઈ સમાચાર’ વસંત અંક – ૨૦૨૧)

0 0 0 – – – 0 0 0

શ્રી દુર્ગેશ ઓઝા લેખક –ગાયક –નાટ્ય કલાકાર –ક્રિકેટર એવી અનેક બહુમુખી પ્રતિભાશાળી વ્યક્તિ છે.

૧૯૯૧થી વિવિધ સામયિકો, સમાચારપત્રો, આકાશવાણી, બ્લોગ્સ વગેરેમાં લઘુકથા, ટૂંકી વાર્તા, નાટક, હાસ્યલેખ, બાળવાર્તા, લેખ વગેરે પ્રસિદ્ધ. અત્યાર સુધીમાં ૨૫૦થી વધુ કૃતિ પ્રકાશિત.

ડી ડી-ગુજરાતી પરની સંગીતશ્રેણી ‘સૂરીલી સરગમ’ વગેરેમાં ગાયક તરીકે પ્રદાન.

છેલ્લા ૩૫ વર્ષોથી નિયમિત સવારે ૫૭ વર્ષની ઉંમરે પણ સક્રિય ક્રિકેટ રમવામાં પ્રવૃત.


દુર્ગેશ ઓઝા. : ૧, જલારામનગર, નરસંગ ટેકરી, હીરો શોરૂમ પાછળ, ડો. ગઢવીસાહેબના મકાન પાસે, પોરબંદર.૩૬૦૫૭૭. મો. ૯૮૯૮૧૬૪૯૮૮ E Mail: durgeshoza@yahoo.co.in

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.