સુરાવલી, સિનેમા અને સ્મૃતિઓ : (૧૯) શરાબમાં ડૂબેલાઓ

નલિન શાહ

{નલીન શાહના અંગ્રેજી પુસ્તક Melodies, Movies and Memories (૨૦૧૬) નો  અનુવાદ}

અનુવાદ: પિયૂષ મ. પંડ્યા

ન્યુ થિયેટર્સની ફિલ્મ ‘દેવદાસ’ (૧૯૩૫) અભૂતપૂર્વ સફળતાને વરી હતી. તે એક એવા લાચાર પ્રેમીના અધૂરા રહી ગયેલા પ્રણયની કથા હતી, જેમાં (પ્રેમી) સાયગલ પોતાની જાતને ઉદ્વેગ અને શરાબના વહેણમાં વહાવી દે છે. સ્વાભાવિક રીતે જ તે ભરયુવાનીમાં મૃત્યુ પામે છે. કે.એલ. સાયગલે પરદા ઉપર તેમ જ જીવનમાં પણ દેવદાસની ભૂમિકા નિભાવી. તેમને હશે તો પણ કઈ બાબતે ઉદ્વેગ હતો તે કોઈ જાણતું નથી. ગીતો અને શરાબ તેમના જીવનનાં સૌથી મોટાં વળગણ હતાં અને સાયગલને તે બન્નેમાંથી એક પણ વગર ચાલતું નહીં. દેવદાસની જેમ જ, તે જિંદગીના શ્રેષ્ઠ તબક્કે મૃત્યુ પામ્યા.

આ ફિલ્મની અત્યંત કડવા શબ્દોમાં ટીકા કરનારા થોડા લોકોમાંના એક દિગ્દર્શક વી. શાંતારામ હતા. ‘દેવદાસ’ની પ્રતિક્રીયારૂપે તેમણે ૧૯૩૯માં Life is for Living (જીવન જીવવા માટે છે) નો સંદેશો આપતી ફિલ્મ ‘આદમી’ બનાવી. તેમણે સમજાવ્યું કે અસાધ્ય પ્રશ્નોનો સામનો કરવાનો થાય ત્યારે નશામાં ડૂબી જવું યોગ્ય નથી. મનોરંજનની દુનિયાનો કલાકાર મોટે ભાગે એવી ભ્રમણામાં રહે છે કે નશો તેની ક્ષમતાને શ્રેષ્ઠ રીતે બહાર લાવવામાં મદદરૂપ થાય છે. આગળ જતાં નશાને વાજબી ઠેરવવા એ તેનો ઉપયોગ કરવા લાગે છે. આખરે પાછા ન વળી શકાય તેવી પરિસ્થિતિ ઉભી થાય છે, ત્યારે તે તેને વાજબી ઠેરવતો અટકે છે. અને પરિણામની પરવા કર્યા વિના પીધે રાખે છે.

નૌશાદે શરાબનું એક બુંદ પણ પીધા વગર હૈયું હચમચાવી દે તેવી કેટલીયે ધૂનો બનાવી છે.  પણ આવું એકલદોકલ ઉદાહરણ નશો કરનારા કલાકારોને પોતાની માન્યતામાંથી વિચલિત નથી કરી શકતું. તે લોકો માનતા હોય છે કે તેમની નસોમાં શરાબ નહીં વહે તો તેમનું જીવન ઉમંગ, રોમાંચ કે કોઈ ઉપલબ્ધિ વિનાનું થઈ જશે. કહેવાય છે કે દારુડીયાઓની આવરદા ડૉક્ટરો  કરતાં વધુ હોય છે. તે જ રીતે એવા ઘણા કલાકારોનાં ઉદાહરણો છે, જે ગળા સુધી પીતા રહ્યા હોવા છતાં લાંબું જીવ્યા છે.

અહીં હું સંગીતની દુનિયાના એવા અસાધારણ ક્ષમતાવાન લોકોની વાત કરવા માંગું છું, જેમણે બેકસ (એક ગ્રીક લોકકથા મુજબ શરાબનો દેવ)ની વેદી ઉપર પોતાની યુવાનીનો ભોગ ચડાવી દીધો. શરાબના આત્મઘાતિ સ્તરના તેમના વ્યસને સંગીતની દુનિયાને ક્યારેય ન પૂરાય તેવું નૂકસાન પહોંચાડ્યું. શું આ કલાકારો જીવન ટકાવી રાખવા માટેના અન્ય રસ્તા નહોતા જાણતા? કદાચ તેઓ જાણતા જ નહોતા અથવા જિંદગીના ઉત્તમ ગાળામાં તેઓ મોતને ભેટ્યા ત્યારે કેટલી બધી ક્ષમતા વેડફાઈ ગઈ તેની તેમણે પરવા જ ન કરી. કોઈ વાર મને થાય છે કે એ તેમની આત્મઘાતી અંત:પ્રેરણા હતી, જે તેમને સર્વનાશના કિનારા સુધી લઈ ગઈ.

આવા કેટલાક હુન્નરબાજો કઈ ઉમરે જતા રહ્યા તે જાણીએ ત્યારે બહુ ગ્લાનિજનક ચિત્ર ઉભું થાય છે. મદન મોહન – ૫૧, હુશ્નલાલ(ભગતરામના જોડીદાર) – ૪૮, શાંતા આપ્ટે – ૪૮, ગુલામ હૈદર – ૪૫, કે.એલ.સાયગલ – ૪૩, ગીતા દત્ત – ૪૨, ખેમચંદ પ્રકાશ – ૪૨, પંડીત અમરનાથ – ૪૨, જયકિશન – ૪૨, શ્યામસુંદર – ૪૧ અને વિનોદ – ૩૮.

અલૌકિક ગળાના માલિક કે.એલ. સાયગલ માની બેઠેલા કે તે ‘કાલી પાંચ’ (તે હાર્મોનિયમના કાળી પાંચ સૂરથી ગાતા તેના ઉપરથી શરાબને પણ તેવું હુલામણું નામ આપ્યું હતું.) સેવન વગર સારું ગાઈ જ નહીં શકે. ૧૯૪૧માં કલકત્તાથી મુંબઈ ગયા પછી તેમની તબિયત વધુ ને વધુ બગડતી ગઈ. ૧૯૪૬ની ફિલ્મ ‘શાહજહાં’ના એક ગીત કર લીજીયે ચલકર મેરી જન્નત કે નજારે નું ફિલ્માંકન છ દિવસે પૂરું થઈ શકેલું કેમ કે સાયગલે તે ગીત ચાલતા ચાલતા ગાવાનું હતું અને તે ચાલી શકતા જ નહોતા! ફિલ્મ ‘પરવાના’નું શૂટીંગ પૂરું થવામાં હતું તેવામાં સાયગલે જલંધર ખાતેના પોતાના ઘરે જઈને તબિયત સુધારવાનું નક્કી કર્યું.

પણ તેઓ પાછા ફરી શકવાની હદથી આગળ નીકળી ગયા હતા.૧૯૪૭ની ૧૭મી જાન્યુઆરીના રોજ સાયગલે શરાબ માંગ્યો. તેમના ભાઈએ તેમને એક પ્યાલામાં થોડું પાણી આપ્યું. એમનું માનવું હતું કે ત્યારની અવસ્થામાં સાયગલને ખબર નહીં પડે. મોતની પથારી પર પડેલા સાયગલની રમૂજવૃત્તિ અકબંધ હતી. તે બેસ્વાદ પ્રવાહી ચાખીને મંદ હસ્યા અને એક ઉર્દુ શાયરનો શેર બોલ્યા. તેનો અર્થ કંઈક એવો હતો કે હું સભાન નથી એવું સમજીને સાકીએ મને શરાબની જગ્યાએ પાણી આપ્યું છે. આ વાત સાયગલના ભાઈ મોહીન્દરે કેદાર શર્માને કહી હતી. બીજી સવારે એક દૈવી ગાયક-અભિનેતાને સ્વપ્ના વગરની ઊંઘે ઉઠાવી લીધો. તે માત્ર ૪૩ વર્ષના હતા.

બરાબર આઠ વર્ષ પછી ‘ચલ ચલ રે નૌજવાન’(૧૯૪૪), ‘એઈટ ડેઝ’(૧૯૪૬) અને ‘મીરઝા ગાલીબ’ જેવી ફિલ્મો સાથે જોડાયેલા ખ્યાતનામ ઉર્દુ લેખક સઆદત હસન મન્ટો પણ સાયગલની જેમ જ ૪૩ વર્ષની વયે ૧૮મી જાન્યુઆરીની વહેલી સવારે મૃત્યુ પામ્યા. આગલી રાતે તેમણે પોતાના રોજીંદા પ્રમાણની સરખામણીએ વધુ પડતો શરાબ પી લીધો હતો. તેમની સૌથી નાની દીકરીએ તેમને લોહીની ઉલટી કરતા જોયા. મન્ટોએ તેને એ તો પાનની પીચકારી હતી તેમ કહીને એ વાત કોઈને જણાવવાની ના પાડી. બીજી સવારે પરિસ્થિતિ વધુ બગડી. “મારું ગળું કોરું પડી ગયું છે” કહીને મન્ટોએ શરાબની માંગણી કરી. ત્યાં હાજર ડૉક્ટરે હવે કશો ફેર નથી પડવાનો એમ સમજીને એક ચમચીભર પીવાની છૂટ આપી. મન્ટો એકાદ-બે ટીપાં ગળે ઉતારી શક્યા. તેમને લાહોરની મેયો હોસ્પિટલમાં પહોંચાડે ત્યાં સુધીમાં મન્ટો મૃત્યુ પામી ચૂક્યા હતા.

સંગીતનિર્દેશક વિનોદનાં ઘીર ઘીર કે આયી બદરીયાં (ફિલ્મ ‘એક થી લડકી’, ૧૯૪૯), સૂની કર ગયે શામ હમારી (ફિલ્મ ‘વફા’, ૧૯૫૦) અને શીકવા તેરા મૈં ગાઉં (ફિલ્મ ‘અનમોલ રતન’,૧૯૫૦) જેવાં ગીતો પુરાણાં ગીતોના ચાહકોને હજી પણ ખુશ કરી દે છે. શરાબના વ્યસને તેમને શારીરિક અને આર્થિક રીતે પાયમાલ કરી નાખ્યા.

તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો હતો તે અરસામાં એક વાર ઓ.પી.નૈયર વિનોદની ખબર કાઢવા ગયા. તેમણે કાળજીભરી ચતુરાઈથી વિનોદની નવ વર્ષની દીકરીને ગીત ગાવા કહ્યું . તે છોકરીએ તે કર્યું. નૈયરે તેની કદર કરતા હોય તેમ તેના હાથમાં ૫૦૦ રૂપીયા મૂક્યા (૧૯૫૭ની સાલમાં!). વિનોદ લાચારીથી જોઈ રહ્યા. તે જાણતા હતા કે નૈયર તેમનું સ્વમાન ન ઘવાય તે રીતે મદદ કરી રહ્યા હતા.

લાંબા નબળા અરસા પછી વિનોદને એક મોટા નિર્માણગૃહ ‘ફિલ્મીસ્તાન’ તરફથી ‘એક લડકી, સાત લડકે’ માટે સંગીત તૈયાર કરવાનું નિમંત્રણ મળ્યું. એ ફિલ્મના દિગ્દર્શક વિનોદના પ્રિય રૂપ કે શોરી હતા તેથી તેમને લાગ્યું કે આ તક વડે પોતાની ખોવાયેલી પ્રતિષ્ઠા અને આર્થિક હાલત તે બન્નેમાં સુધારો થઈ શકશે. પણ તેમ બનવા ન પામ્યું. વિનોદ ઉર્ફે એરીક રોબર્ટ્સને ફરીથી હોસ્પીટલમાં દાખલ થવું પડ્યું. તેમણે ભગવાનને ઊંડેઊંડેથી પ્રાર્થના કરી કે પોતાને એક વર્ષ વધુ આપે જેથી બગડેલી આર્થિક પરિસ્થિતિ સુધરી શકે. પણ, ઈશ્વરે ન સાંભળ્યું. બરાબર ક્રિસમસના દિવસે જ તે કોમામાં જતા રહ્યા. એમનાં કુટુંબીઓ ક્રિસમસની શુભેચ્છા પાઠવવા ગયાં અને તે લોકોએ વિનોદ આંખો ખોલે તેની રાહ જોઈ. એમની આંખો ખુલી જ નહીં . વિનોદ માત્ર ૩૮ વર્ષના હતા.

કવિ કમર જલાલાબાદીએ મને કહ્યું હતું કે ‘દાસી’(૧૯૪૪) અને મીરઝા સાહીબાન (૧૯૪૭) જેવી ફિલ્મોના ૪૨ વર્ષના સંગીતકાર પંડીત અમરનાથ કે તે સમયમાં ખુબ જ માનવંતું સ્થાન ભોગવતા હતા. તેમની માંદગી વખતે મળવા મુંબઈથી લાહોર ગયેલા એક નિર્માતાએ હોસ્પિટલમાં જ  શરાબની થોડી પ્યાલીઓ પીવા માટે આગ્રહ ન કર્યો હોત તો તેઓ કદાચ બચી ગયા હોત.

ફિલ્મ સંગીતની દુનિયામાં થઈ ગયેલા અત્યંત પ્રતિભાશાળી સંગીતકારોમાંના એક શ્યામસુંદર હતા. લતા મંગેશકરે ગાયેલાં શ્રેષ્ઠ ૨૦ ગીતોની યાદી બનાવવામાં આવે તો તેમનાં બનાવેલાં સાજન કી ગલીયાં છોડ ચલે (‘બાઝાર’, ૧૯૪૯) અને બહારેં ફીર ભી આયેગી (‘લાહોર’, ૧૯૪૯)ને અચૂક સ્થાન મળે.

થોડેઘણે અંશે એવું કહી શકાય કે શ્યામસુંદરની પીવાની આદતે તેમની વ્યવસાયિક કારકીર્દિને પણ નૂકસાન પહોંચાડ્યું. ‘બાઝાર’ના નિર્માતાએ ફિલ્મ પૂરી કરતાં પહેલાં જ શ્યામસંદર સાથેનો કરાર રદ કર્યો અને ફિલ્મનાં બીજાં બે ગીતો માટે અન્ય નિર્દેશકને રોક્યા ૧૯૪૮ની નવમી નવેમ્બરના રોજ તેમને મોકલાયેલી કાયદાકીય નોટીસમાં કહેવામાં આવ્યું હતું, “તમે તમારા કામ પ્રત્યે બેદરકારી દાખવી છે.” નોંધનીય બાબત તો એ છે કે કાયદાકીય કાર્યવાહી છતાં રસિકો દ્વારા શ્યામસુંદરનાં બનાવેલાં બે ગીતો થકી જ ‘બાઝારની યાદ ટકી રહી છે.

શ્યામસુંદરને ડૉક્ટર આર.પી. કપૂરે શરાબ છોડી દેવા કહ્યું ત્યારે તેણે રુક્ષતાથી કહી દીધું હતું કે પોતે દવા લેવા આવ્યા છે, નહીં કે સલાહ લેવા! લાંબી ચાલેલી બિમારીએ તેમની સર્જકતાને બૂઠ્ઠી નહોતી કરી દીધી. તેમની આખરી ફિલ્મ ‘અલિફ લયલા’(૧૯૫3)નાં ગીતો બહાર આયી ખીલી કલીયાં (લતા) અને ખામોશ ક્યું હો સીતારોં (લતા, રફી) તેમની ઉત્કૃષ્ટ સર્જકતાનું પ્રમાણ પૂરું પાડે છે.

અંતિમ દિવસોમાં શ્યામસુંદરને કમળો લાગુ પડ્યો હતો. ડોક્ટર કપૂરની એક વીઝીટ વખતે તેમના સહાયકે પથારીની નીચે વ્હીસ્કીની બોટલ જોઈ. લુચ્ચાઈભર્યા બચાવમાં શ્યામસુંદરે કહ્યું કે સાવચેતી માટે પોતે તેમાં લીંબુનો રસ ભેળવી, તેને મંદ કરીને પીતા હતા. ખેર, કોઈ ફેર નહોતો પડવાનો. થોડા દિવસોમાં જ, ૧૯૫૨ની ૧૬મી જુલાઈની સવારે શ્યામસુંદરની જીવનયાત્રા પૂરી થઈ ગઈ. સંગીતના આકાશનો એક ચળકતો સિતારો ખરી પડ્યો. તે દિવસે બપોરે માહિમના સ્મશાનની ચિતા ઉપર શ્યામસુંદરના પાર્થિવ દેહને મૂકવામાં આવ્યો ત્યારે ગોરંભાયેલા આકાશમાંથી વરસાદ તૂટી પડવાની પૂરેપૂરી વકી હતી. એક મૃત માણસ તેની અંતિમ ઈચ્છા વ્યક્ત કરી શકતો હોત તો શ્યામસુંદરે પણ શાયર સુદર્શન ફાકીરના શબ્દો – હમ તો સમજે થે બરસાત મેં બરસેગી શરાબ, આયી બરસાત તો બરસાત ને દિલ તોડ દીયા – વડે તે વ્યક્ત કરી હોત!


નોંધ:

૧) તસવીરો તેમ જ ગીતોની લિંક્સ યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીંથાય તેની બાહેંધરી સહિત સાભાર લીધી છે.

૨) પરામર્શન: બીરેન કોઠારી.


શ્રી પિયૂષ પંડ્યાનું વીજાણુ સંપર્ક સરનામું: piyushmp30@yahoo.com

Author: Web Gurjari

2 thoughts on “સુરાવલી, સિનેમા અને સ્મૃતિઓ : (૧૯) શરાબમાં ડૂબેલાઓ

  1. વાહ ભાઈ વાહ, કેવું સુંદર આલેખન અને દુર્લભ માહિતી!

  2. દેવદાસ(1935) થી બહારે ફિર ભી આયેગી (1949) ની સુરાવલી-સંગીતની સફરનું સુંદર આલેખન. આભાર પિયુષભાઇ.

Leave a Reply

Your email address will not be published.