પ્રેમ, મૃત્યુ અને કવિતા

નિત નવા વંટોળ

પ્રીતિ સેનગુપ્તા

“…. કાંઈ વાંધો નહીં. એ બાજુથી એ નથી આવવાનો. એ જ્યાં છે ત્યાં એને ગમે છે. અથવા જો ના ગમતું હોય, તો એ વિષે એ મને કશી ખબર પડી શકે તેમ નથી. પંખીઓને ગાવા દો. એમનું ગીત સાંભળવું એને દિવસના કોઈ પણ સમયે ગમતું હતું. પણ આ કવિતાને એની પોતાની બધિરતા મળવા દો…. એ જો આવી શકત તો મારી પાસે આવ્યો જ હોત. મૃત વ્યફ્તિની વાત કરતી વખતે કશાક વિષે ખાત્રી હોય તે સારું છે….”

એક પ્રેમ-કહાણી. અમેરિકાનાં બે મોખરાનાં, મહત્વનાં સર્જકો વચ્ચેની પ્રેમ-કહાણી. બંને કવિ, બંને સંવેદનશીલ, બંને સફળ. સારસ-યુગલ જેવો એમનો સહવાસ. નરનું અકાળ મૃત્યું થતાં માદાનું અંતર ચીસ પાડી ઊઠે છે. જો એ સારસી સ્ત્રી હોય, અને કવયિત્રી હોય, તો એનો આર્તનાદ શબ્દ-સ્વરૂપ પામે.

અમેરિકાના વિખ્યાત વાતીકાર અને નામી કવિ તે રેમન્ડ કાર્વર. ૧૯૮૮માં પચાસમે વર્ષે એ મૃત્યુ પામ્યા. એમનાં પ્રેયસી અને પત્ની તે ટૅસ ગેલાઘર. ત્યારે એ ઉત્તમ કવયિત્રી હતાં જ, અને પ્રેમી-મિત્ર-પતિ કાર્વરને ગુમાવ્યા પછી અનુભવેલી ઊંડી ઉદાસીમાંથી મર્મસ્પર્શી એવાં ઘણાં મૃત્યુકાવ્યો-પ્રેમકાવ્યો એમણે લખ્યાં. એમાંનું એક તે શર્‌આતે ટાંકેલું “ બધિર કવિતા” નામનું કાવ્ય. આ કાવ્ય-ગુચ્છ એકલી રહી ગયેલી વ્યફિતના મૌનને તીવ્ર-સુંદર શાબ્દિક અભિવ્યક્તિનીની ભેટથી નવાજે છે. આ દેશના સમકાલીન સર્જન-ક્ષેત્રમાં બીજો આવો વિચ્છેદ થયો હોવાની જાણ નથી.

વાચક તરીકે એ બંને સર્જકોથી હું પરિચિત હતી. રેમન્ડ કાર્વરની, અમેરિકાના મધ્યમ વર્ગની મુંઝવણો અને એકલતાનું પ્રતિબિંબ બનતી વાતીઓ તથા પુસ્તકોએ નવો એક ચીલો પાડ્યો છે, એમ વિવેચકો કહેતા આવ્યા છે. એમના યુવા-જીવન વિષે પણ વાંચેલું. અનેક હેરાનગતીઓ, અને આત્મનાશ તરફ લઈ જતી પ્રવૃત્તિઓ કર્યા પછી છેવટે એ સીધા રસ્તા પર ચડ્યા હતા. પણ સતત સિગારેટ ફૂંકવાની ટેવ ગઈ નહતી.

ટૅસ ગૅલાઘરમાં કાર્વરને સમાનધર્મા માનસ-સાથી મળેલાં. ગૅલાઘરનાં કાવ્યોએ મને પ્રભાવિત કરેલી. એમનાં કલ્પન આડંબર-વિહીન, શૈલી સાહજિક અને દૃષ્ટિ વિશદ હતાં. ન્યૂયોર્કમાંની અમેરિકન પોએટ્રી સોસાયટીમાં એક વાર એમનું કાવ્ય-વાંચન સાંભળવા હું ઉત્સાહથી ગઈ હતી. પહેલી જ હરોળમાં બેઠેલી. સુંદર, ગૌર વર્ણ, લાંબા કાળા વાળ, અને મુખ પર સહજ સ્મિત. દેખાવે બહુ રૂપાળાં નહતાં, છતાં આભિજાત્ય ને પ્રસન્ન વ્યફિતિત્વને કારણે એ સુ-દર્શના લાગતાં હતાં. એ સાંજે એમણે “પુલ પરથી પસાર થતો ચંદ્ર નામના કાવ્ય-પુસ્તકમાંથી મૃત્યુકાવ્યો તથા પ્રેમકાવ્યો વાંચ્યાં હતાં.

આગલે વર્ષે હું પોર્તુગાલ ગયેલી. ત્યાંના એક નાના, ફકૂત પિસ્તાલિસ હજારની વસ્તીવાળા, રોમનકાળમાં સ્થપાયેલા એવોરા નામના સુંદર ગામમાં ફરતાં ફરતાં દીવાલ પર લગાવેલું એક પોસ્ટર જોયેલું. પોર્તુગીઝમાં લખાયેલું છતાં એટલું સમજાયેલું કે મુખ્ય નાટ્ય-ગૃહમાં રેમન્ડ કાર્વરની વાતીઓનું વાંચન ગોઠવાયું હતું. “ ઓહો, પોર્તુગાલમાં પણ એ જાણીતા છે, ને વાતીઓના અનુવાદ પોર્તુગીઝમાં પણ થયા છે?”, એમ થયેલું. ગેલાઘરનું કાવ્ય-પઠન પૂરું થયા પછી હું એમની સાથે વાત કરવા ગયેલી. બીજી વાતોની સાથે મેં આ ઉલ્લેખ પણ કરેલો. સાંભળીને એ ખુશ થયેલાં. એ સાંજે જાણે હું એમને કવિ તરીકે તેમજ વ્યક્તિ તરીકે મળવા પામી હતી.

એક કાવ્યમાં ગૅલાઘર કકળે છે, “મને એ ડર છે કે હવે પછી ક્યારેય હું સુખી નહીં થાઉં.” બીજા એક કાવ્યમાં એ સીધેસીધું જાતને જ પૂછે છે, “ત્રણ રાત તું આપણા ઘરમાં સૂતો રહ્યો. ઠંડાગાર દેહની સાથે ત્રણ રાત. શું મારે એ ખાત્રી કરવી હતી કે હું ખરેખર પાછળ એકલી રહી ગઈ હતી?”

કવયિત્રીનાં આખાં ને આખાં કાવ્યોનો અનુવાદ કરવો સહેલો નથી, કારણકે એક, કાવ્યોની અંદર અંગત સંદર્ભો ઘણા પ્રમાણમાં હોય છે અને બે, કાવ્યોની અંદરના કલ્પન-સંપુટ ઘણા જટિલ હોય છે. “વીંટી” નામનું કાવ્ય જોઈએ. એમાં કુલ સાડત્રીસ પંફિતઓ છે. પહેલી સાડા ઓગણીસ લીટીઓમાં એક ચાંદીની વીંટીની વાત છે. લગભગ કાળો લાગે એટલો ઘેરો લીલો અકીક એના પર જડેલો છે. “ જેને ઓરિંગૉન રાજ્યમાં એક નાનકડી દુકાનમાં આપણે સાથે જોઈ હતી તે” વીંટી. “જાણી જોઈને, એના સામર્થ્યની સામે થવાના વિચારે એ વીંટી મેં અમારા મિત્રને આપી દીધી, જે વીંટી ક્યારેય પહેરતા નહતા, પણ જેમને એના “લકની જરૂ‌ર હતી.” પણ એ મિત્રે તો થોડા સમય પછી એ વીંટીને બીજી ન-કામની ચીજો સાથે ખાનામાં મૂકી રાખેલી, એટલે કવયિત્રીએ પાછી માગી લીધી. પહેલાં તો એમણે ગળાના અછોડામાં પરોવીને પહેરી, “હાઈસ્કૂલની છોકરીઓની જેમ”. પણ પછી સંકોચાઈને કાઢી નાખી, ને કૂયાંક મૂકી દીધી. પાછું વળી એને શોધવા માટે આખું ઘર ઊંધું-ચત્તું કરી નાખ્યું. ના મળી, એટલે અપશુકન જેવું લાગ્યું. “જાણે કોઈ ખોટી માગણી માટે પાણીના ફુવારામાં પૈસો નાખીને સુખ વેડફી નાખ્યું ના હોય.”

આ કલ્પન કદાચ સમજવું પડે, કારણકે એ કદાચ પાશ્ચાત્ય રિવાજનો સંદર્ભ દર્શાવે છે. જોકે નદી પરથી ટ્રેન પસાર થતી હોય ત્યારે ભારતીયો પણ નદીમાં પૈસા નાખતાં હોય છે. છતાં, હોજ, ફુવારા કે શોભા માટે બાંધેલાં નાનાં જળાશય જુએ કે તરત “વેશ? કરીને સિક્કા નાખવાની પ્રથા કદાચ પશ્ચિમી છે.

આ પછીની પંફેતઓમાં મૃત સાથી માટેના વિરહને લગતાં સંવેદનો વણાયાં છે. ખૂબ ઘટ્ટ પોત છે. એ સાડા સત્તર પંફિતિઓ ફકત ચાર પૂરાં વાક્યોમાં વહેંચાયેલી છે, અને દરેક વાક્ય અલ્પ-વિરામ ચિહ્ધોથી સંધાયેલા ટુકડાઓનું બનેલું છે. એ જ સ્વરૂપે આ પંફિતિઓનો અનુવાદ કરવો લગભગ અશક્ય લાગે છે. વળી, ઉફિતમાં જટિલતા તો ખરી જ. પોણા છ લીટીમાં સળંગ ખેંચાઈને રહેલા છેલ્લા વાક્યને ગુજરાતીમાં રજુ કરવાનો પ્રયત્ન કરું છું :

“આમ મારા પ્રેમની મૃત-જીવંતતા સ્મરણના વહેણમાં ડોલતી રહે છે, જે કદાચ છે ને એના સ્મરણમાં પણ આવતી હોય, જેવી રીતે એ એને ઓરિંગૉન રાજ્યની એક ગલીમાં (સ્મરણ દ્વારા) બોલાવતો હોય છે, મૃત કે જીવંત પ્રેમમાં, એના નવ્ય-રચિત હાથની આંગળીની ફરતે ચપોચપ રહેલી ઠંડીગાર ચાંદીના આશ્ચર્યપણાની સાથે.”

ટૅસ ગૅલાઘરના શબ્દોમાં સચ્ચાઈનું વજન જરૂર જણાય છે. એમનું ઉષ્માભર્યું, સરળ જે વ્યક્તિત્વ છે તે એમની કૃતિઓમાં અછતું નથી રહેતું. એમને ને રેમન્ડ કાર્વરને એક સાથે યાદ કરું છું, ને મને અંગ્રેજ કવિ-યુગલ એલિઝાબેથ અને રૉંબર્ટ બ્રાઉનિંગનું સ્મરણ થઈ આવે છે. બંને પ્રેમી-કવિ-યુગ્મોએ પ્રેમ અને વિરહનાં સંવેદનોને કેવી ત્રક્જુ-તીવ્ર વાચા આપી છે. ગૅલાઘર કાર્વરના મૃતદેહ પાસે બેસીને કલાકો સુધી વાતો કરે છે, ને છેલ્લે કહે છે, “અમારી વચ્ચે કશું અધૂરું ના રહ્યું ત્યાં સુધી હું બોલતી રહી. એના પગ હજી ત્યાં હતા, ને મારા હાથ પણ, તેથી એમનાં તળિયાં પર હું તેલ ઘસતી રહી. અને ભલે એમને માટેનું એ મારું છેલ્લું કાર્ય બન્યું, પણ તોયે એ સાર્થક કાર્ય હતું.”


સુશ્રી પ્રીતિ સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.