જગમોહન અને તલત મહેમૂદ મૂલાકાત ( ભાગ ૨)

લ્યો, આ ચીંધી આંગળી

રજનીકુમાર પંડ્યા

ભાગ ૧ થી આગળ

મેં જોયું કે તલત મહમૂદ બરાબર ગાઈ શકતા હતા, પણ બોલી શકતા નહોતા. શબ્દ સેળભેળ થઈ જતા હતા. વારંવાર વાતના દોરમાંથી એ અધવચ્ચે તંતુ છોડી દેતા હતા. બોલી શકાતું નહોતું – વ્યક્ત થઈ શકતું નહોતું. લાંબા ગાળે આંગણે આવેલા ગુરુસમાન સમકાલીન ગાયકને મળવાનો આનંદ ચહેરા પર છલકાતો હતો, પણ એ સાથે જ ઊંડી મનોવેદનાનો ઓછાયો સિકલ પર વંચાઈ જતો હતો.

‘તલતસાહબ!’ મેં પૂછ્યું : ‘યાદ હૈ આપ કા વો કૉર્નર સોંગ ! ફિલ્મ ‘બહેરામ ડાકૂ’ કા ?’

એમના ચહેરા પર યાદદાસ્તને જોર આપ્યાની પીડા ઊપસી આવી. બહુ યાદ કર્યું ત્યારે એમને માત્ર એટલું યાદ આવ્યું કે ગુજરાતી નાટ્યકલાકાર અશરફખાનના પુત્ર સઆદતખાને બનાવેલી એ એક ઉત્તમ ધૂન હતી, પણ તર્જ ? શબ્દો ? કંઈ જ યાદ નહોતું આવતું. અંતે મારે યાદ કરવું પડ્યું : ‘બેતાબ હૈ દિલ, બેચૈન નઝર, અંજામ હો ક્યા માલૂમ નહીં, અપની ભી નહીં કુછ હમ કો ખબર, ઉનકા ભી પતા માલૂમ નહીં.’

‘હાં હાં, યાદ આયા, યાદ આયા.’  એમણે કહ્યું, ‘બડી અચ્છી ધુન થી… મગર…’ ફરી એ અટક્યા. તર્જ યાદ નહોતી આવતી. છેવટે એ મુખડું પણ મારે જાતે ગાઈને એમને એ ગાઇ દેવા માટે ઉશ્કેરવા પડ્યા. ફરી એ સાંભળીને એમના મોં પર પ્રસન્નતા છવાઈ ગઈ. અને પછી એ આખું મુખડું એમણે ગાઈ બતાવ્યું. તલત સાથે દ્વન્દ્વમાં ગાવાનો આનંદ, અલબત્ત બહુ રોમાંચક હતો, પણ એનું કારણ કંઈ રાજી થવા જેવું નહોતું.

(ડાબેથી) તલત મહેમૂદ, જગમોહન અને રજનીકુમાર પંડ્યા

એ વિચારતાં હું જરા ગંભીર થઈ ગયો – મૌન કેમ ભાંગવું એનો વિચાર જ કરતો હતો ત્યાં ગાયકીની વાતચીતમાં ત્રીજું પરિમાણ ઉમેરાતું હોય તેમ તલત મહેમૂદના પુત્ર ખાલિદે અંદર પ્રવેશ કર્યો. જુવાન, તસતસતી ત્વચાવાળું ચમકતું મોં, પણ પિતાના ગળાને બદલે એમની ટાલનો વારસો એમને હાંસલ થયો છે એ તો તરત જ સમજાય. જગમોહનને એમની ઓળખાણ મારે જ કરવવાની રહી. કારણ કે આ અગાઉ અનેક વાર હું એમને મળ્યો હતો, પણ જગમોહન ક્યાંથી મળ્યા હોય ?

‘દાદા’  મેં કહ્યું : ‘ ખાલિદ તલત મહેમૂદ સે મિલિયે.’

ખાલિદે નમસ્કારની મુદ્રામાં હાથ જોડ્યા. દાદાએ પૂછ્યું : ‘ ક્યા કરતે હો, બેટા? સંગીતકે ક્ષેત્ર મેં હો ? ‘

‘જી,’ ખાલિદ બોલ્યા, પણ આગળ ન બોલ્યા. ચૂપ થઈ ગયા. એ જે વાતને કારણે બોલતાં અટક્યા હતા એ વાત અંતે મેં જ કહી દીધી. ‘વે ભી અપને પિતાકી તરહ ગાયક હી હૈં. મગર ગઝલોંસે શુરૂ કર કે અબ પૉપસિંગર હો ગયે હૈં.’

‘તલત કા બેટા !’ દાદાએ આશ્ચર્ય  વ્યક્ત કર્યું. ‘ઓહ, પૉપસિંગર ! ’

‘જી.’  ખાલિદે કહ્યું.

‘અરે બેટા!’ દાદાના ચહેરા પર દુઃખની રેખાઓ ઊપસી આવી: ‘તેરે પિતા કે કિતને અમર ગાને હૈં. વો ક્યૂં નહીં ગાતે?’

‘મેરી આવાઝ ઉનસે એકદમ અલગ કિસમ કી હૈ.’ ખાલિદ એકદમ ખરજના સ્વરમાં બોલ્યા. બોલ્યા ત્યાં જ એમની અને એમના પિતાની વચ્ચેનો સ્વરનો ભેદ કાનને સ્પર્શ્યો. દાદાની વેદના સાચી હતી, જે આપણા સૌની હોઈ શકે. મખમલ જેવા મુલાયમ ગળાવાળા ચિરંજીવ ગાયકનો પુત્ર પૉપ સિંગર! – પણ પછી વિચાર કરતાં થાય કે એમાં ખોટું શું છે ? સન ઑફ તલતે શા માટે વૉઈસ ઓફ તલત બનવું ?

એ પછી થોડી વાતો થઈ. ખાલિદસાહેબ, મેં કહ્યું : ‘એક બાત હૈ. દાદા કે નામ પર હમ લોગ ને અહમદાબાદ મેં ‘જગમોહન ફાઉન્ડેશન ચૅરિટેબલ ટ્રસ્ટ’કી સ્થાપના કી હૈ. ઉસી કે અંતર્ગત  હમ એક કાર્યક્રમ કર રહે હૈં – તલતસાહેબ ઔર જગમોહનદાદા દોનોં કા સન્માન અહમદાબાદમેં કરના ચાહતે હૈં… આપ આયેંગે ના ?’

પિતા-પુત્ર બંનેએ પરસ્પર જોયું. તલત એ પછી ‘હા’ પાડવા જતા હશે, પણ ખાલિદની સૂરત પર વિવેકભર્યો નકાર ઊપસી આવ્યો. કહ્યું : ‘ અબ્બા કી તબિયત નાસાઝ રહેતી હૈ. આજકલ વો કહીં નહીં જાતે!’

‘એસા હૈ તો હમ..’ મેં કહ્યું : ‘અહમદાબાદ કી બજાય બમ્બઈ મેં રખ્ખેં.’

‘ફિર ભી..’ ખાલિદ બોલ્યા : ‘આના મુશ્કિલ હૈ.’

‘આના મુશ્કિલ હૈ’ શબ્દોમાં પણ છૂપો રંજ વરતાઈ આવ્યો. મને યાદ આવ્યું કે હજુ હમણાં જ અમેરિકામાં ન્યુ જર્સીમાં તલતનો કાર્યક્રમ  ગોઠવાયો હતો. મોટી સંખ્યામાં ચાહકો એકત્ર થયા હતા. સૌ વીતેલા દિવસોના મધુર સંગીતમાં તરબતર થવા તત્પર હતા. પણ ત્રણેક ગીતો લથડતા અવાજે એમણે ગાયાં કે તરત જ એમને ખુદને ખુદ પરથી વિશ્વાસ ડગી ગયો હશે અને એમણે ખાલિદને સ્ટેજ પર રજૂ કર્યા. ગળાની સૂક્ષ્મ કારીગરીવાળાં ગીતો તલતનાં અને અવાજ ખાલિદનો ખરજનો ભારે અને સપાટ. શ્રોતાઓએ બે ગીત સુધી ચલાવ્યું અને પછી દેકારો કર્યો. શો જેમ તેમ ચલાવ્યો, પણ એ ઘટના પછી કદાચ તેમણે બહાર જઈને ગાવાનું બંધ કર્યું. એવું લાગ્યું કે રેકોર્ડ હવે વગાડવા માટે નથી રહી. જોવા માટે જ રહી છે. એટલા પૂરતી આપણી ખુશનસીબી સમજવી.

પણ અમારે ક્યાં કાર્યક્રમ કરવો હતો ? મેં હસીને એ વાત બીજા શબ્દોમાં દોહરાવી. ‘સિર્ફ આપ કી મૌજૂદગી કાફી રહેગી. –ગાને કે લિયે હમ આપ કો મજબૂર ના કરેંગે.’

‘સબ કહતેં તો હૈ, લેકિન…’

મારે નીચે જોઈ જવું પડ્યું. સૂકા થવા આવેલા માનસરોવરમાંથી પણ ચાંગળું ભરીને પાણી ચાખવાની મરજી સરોવર સામે હોય ત્યારે ન રોકી શકાય. વાત સાચી.

ત્યાં તો તલત ખુદ જ બોલ્યા : ‘દાદા (જગમોહન) કે પ્રતિ મેરા બહુત ગહરા સમ્માન હૈ. કાશ કિ મૈં આ સકતા…લેકિન..’. એ અટકી ગયા : ‘ ઐસા કરના, મેરા રિકાર્ડ બજાના, દાદા..’ એ બોલતાં થોથવાઈ ગયા : ‘દાદા,  કાશ કિ મૈં આપ કી તરહ ગા સકતા!’

વધુ પૂછવાનો –એમને દબાણ કરવાનો શો અર્થ હતો. મેં તંત મૂકી દીધો.

કશ્યપ ભટ્ટ ક્યારનાય પૂછવા માટે તલસતા હતા. ‘તલતસાહબ, આપ કા અપના સબ સે ફેવરિટ ગાના કૌનસા હૈ ?’

બે પળ એમણે વિચાર કર્યો. હું આ પ્રશ્ન એમને પૂછી ન શકત. દરેક વખતે એમનો પ્રત્યુત્તર જુદો જુદો હોય ક્યારેક ‘જાયે તો જાયે કહાં’, ક્યારેક ‘યે હવા, યે રાત યે ચાંદની,’ ક્યારેક ‘એ મેરે દિલ કહીં ઔર ચલ’,  ક્યારેક…

પણ મારા મનમાં એમનું છેલ્લું જે ગીત હતું એ જ એ બોલ્યા : ‘જલતે હૈ જિસ કે લિયે !’

‘તલતસાહબ!’ મેં કહ્યું, ‘હમસે તો પૂછિયે આપ કા ફેવરિટ ગાના કૌન સા ?’

એમણે મરકીને વગર પૂછ્યે પૂછી લીધું. નજર મારા તરફ માંડી. મેં કહ્યું. ‘મિતવા…મિતવા…’ ‘દેવદાસ’ કા યે ગાના સુનકર પતા નહીં ક્યૂં મેરી આંખોમેં બરબસ હી દો બુંદે આ જાતી હૈં –ઐસા લગતા હૈ જૈસે કોઈ એકદમ પૈને ખંજરકી નોક પૂરે દિલ કે ધરાતલ તક પહુંચ જાતી હૈ ! ઔર હમ લહૂલહાન હો જાતે હૈં – દમ ઘૂટતા હૈ, ઔર…’

‘કુછ ગાને ઐસે હોતે હૈ.’  એમણે કહ્યું : ‘જો સુને નહીં જાતે, મગર ઈતના સમઝાઈયે, અગર સુનને મેં આપ કો ઐસા મહસૂસ હોતા હૈ તો ગાને પર હમ પર ક્યા ગુઝરી હોગી ?

કશ્યમ ભટ્ટ સામે મેં જોયું. થોડા દિવસ પહેલાં જ મેં એમને કહ્યું હતું,  ‘જો તાર સે નિકલી હૈ વો ધુન સબ ને સુની હૈ – જો સાઝ પે ગુઝરી હૈ વો કિસ દિલ કો પતા હૈ ?’ ‘૧૯૬૪ ની ફિલ્મ ‘ચાંદી કી દિવાર’ ના તલતે જ ગાયેલા ‘અશ્કો મેં જો પાયા હૈ, વો ગીતો મેં દિયા હૈ’ નો એક આ અદભુત અંતરો કલાકારના સત્યથી ભરેલો. એમને મેં એ વખતે કહ્યું હતું કે કશ્યપ, આટલો મીઠો કંઠ ધરાવો છો તો તલતની ગાયકી પણ લઈ આવો, પણ સાથે તલતની પીડા પણ લઈ આવો,એમાં ડૂબી જાઓ અને પછી ગાઓ.’

કશ્યપ ભટ્ટ એ પછી એમ કરવામાં થોડા કામયાબ રહ્યા હતા –

‘તલતસાહબ!’ મેં કહ્યું : ‘અહમદાબાદ કે ઈસ જવાન ગાયક કો આપ આશીર્વાદ દીજિયે.’

(ડાબેથી) રજનીકુમાર પંડ્યા, તલત મહેમૂદ, જગમોહન અને કશ્યપ ભટ્ટ

એમણે આશીર્વાદની મુદ્રામાં કશ્યપ માથે હાથ મૂક્યો. કહ્યું : ‘ગાયકી કે સાથસાથ ભૈયા, શાયરી કા સાથ નિભાયે જાઓ. માલૂમ હૈ ?’ એમણે કહ્યું : ‘હૈં સબ સે મધુર વો ગીત જિન્હેં હમ દર્દકે સુરમેં ગાતે હૈ’  ઇસ ગાને કે લબ્ઝોં કા સુઝાવ મૈં ને હી શૈલેન્દ્રજી કો દિયા થા. મશહૂર અંગ્રેજ કવિ શેલી કે લફ્ઝ થે, ‘અવર સ્વીટેસ્ટ સોંગ્સ આર ધોઝ ધેટ ટેલ ઑફ ધ સૅડેસ્ટ થૉટ.’ મુઝે બાત બિલકુલ સહી લગી,ઔર સુઝાવ દિયા તો ઉન્હોંને એક ખૂબસૂરત ગીત ફિલ્મ ‘પતિતા’ કે લીયે લિખકર મુઝે દિયા – ‘હૈ સબ સે મધુર વો ગીત જિન્હેં હમ દર્દ કે સુરમેં ગાતે હૈં.”

અચાનક ક્યારનાય મૌન રહેલા જગમોહનદાદા બોલ્યા : ‘તલત, દેખા ! હમારે ચાહનેવાલે ભી હમ સે કૈસી કૈસી બાતેં ઉગલવાતે હૈં.’

‘જી, ઉન કા હક હૈ.’ તલત બોલ્યા.

તલતના ઘરની વિશાળ ટેરેસમાંથી સામે દૂર સુધી સમુદ્ર દેખાઇ રહ્યો હતો. એમાં સૂરજ ડૂબતો હતો. અચાનક દાદા ઊભા થયા અને એમની પાછળ તલત. એકબીજાના ખભે હાથ મૂકીને બંને અગાસી તરફ ચાલ્યા કે તરત અમારાથી તેમને અનુસરાઈ જ ગયું. તલતને ચાલવામાં તકલીફ પડતી હતી. પણ દાદા આગળ નીકળી ગયા. લથડતાં લથડતાં ચાલતાં તલતને મેં હાથ આપવાની ચેષ્ટા કરી, પણ કાં તો એમણે જોયું નહીં, ને કાં તો એમણે જોયું છતાં સ્વીકાર્યું નહીં. જો કે, બીજી વાત માનવી મને વધારે ગમે.

સૂર્યનો પીળો પ્રકાશ જેમાં છવાઈ ગયેલો હતો તે અગાસીમાં બે મહાન ગાયકોને અમે એકબીજાને ખભે હાથ રાખીને ઊભેલા જોયા. સૂરજ ક્યાં ડૂબતો હતો ? આ તરફ ? કે પેલી તરફ !

સારી વાર સુધી ત્યાં ઊભા રહ્યા પછી અમે અંદર આવ્યા અને ફરી એમના દીવાનખંડમાં બેઠા…. થોડી જ વાર પહેલાં સુરૈયાએ તલત સાહેબની સામે જ એક નાની એવી બંગલીમાં રહેતા અભિનેતા જયરાજજી મારફત (અને જયરાજજીએ મારા મારફત) મોકલાવેલા ‘વારિસ’ ફિલ્મના એમના અને સુરૈયાના સ્ટીલ્સ મેં એમને સોંપ્યા. ત્યાં એકાએક મને શું સૂઝ્યું કે એમની એક તસવીરમાંના ઝગઝગાટ જુવાનીવાળા તલત મહેમૂદને બાજુમાં રાખીને અત્યારના સાવ કૃશ તલત મહેમૂદની એક ફ્રેમ વિડિયોમાં લઈ લીધી.

ઓહ…. અમારી દોઢ કલાકની રામ-ભરત મિલન જેવી તલત–જગમોહન મુલાકાતનું સૌથી કરુણ દૃશ્ય એ હતું!


નોંધ: આ મુલાકાત પછી જગમોહનદાદા (જન્મ ૬-૯-૧૯૧૮)   ૩-૯-૨૦૦૩ના રોજ સ્વર્ગવાસ પામ્યા. તલત મહેમૂદ (જન્મ ૨૪-૨-૧૯૨૪) ૯-૫-૧૯૯૮ના રોજ જન્નતનશીન થયા. જ્યારે એ પણ આઘાતજનક હકીકત છે કે યુવાન કશ્યપ ભટ્ટ ( જન્મ ૧૭-૧-૧૯૫૪) તા ૧૦-૧૨-૨૦૦૯ના રોજ યુવાન વયે અવસાન પામ્યા.


લેખકસંપર્ક :
રજનીકુમાર પંડ્યા.,
બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક, મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦
મો. +91 95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન- +91 79-25323711/ ઇ મેલ: rajnikumarp@gmail.com

Author: Web Gurjari

1 thought on “જગમોહન અને તલત મહેમૂદ મૂલાકાત ( ભાગ ૨)

 1. હેલો રજની ભાઈ,
  વેબ ગુર્જરી માં બે દિગ્ગજ મારાં ચહીતા એવા તલતજી અને જગમોહન જી વિશે ની બે ભાગની લીંક જોઈને ભર ઉનાળે તરસ્યાં ને લોટો એક પાણી મળે ને જેમ ગટગટાવી જયને તરસ છીપાવે એમ બંને લીંકને પેટ ભરીને માણી લીધી…. રાધર તરસ છીપાવી લેવાની કોશિશ કરી.
  તમારી પાસે તો આ બંને ઉપર પીએચડી થાય એટલું સાહિત્ય ઉપલબ્ધ છે. ખૂબ સરસ પ્રાસંગિક વાતો વાંચી ને તાદ્રશ્ય થાય એટલું સરસ તમે બયાં કર્યું…..
  મજા પડી. મારો એક પણ દિવસ બંને કલાકાર ના ગીતો ગાયા વગર કે સાંભળ્યા વગર જતો નથી. કલાક પહેલા જ એક અદભુત ગીત સાંભળી ને ક્લિનિક આવ્યો… અને આ પોસ્ટ ઉજાગર થઈ,,,, અને માટે રિવ્યૂ બોક્સ માં એ શેર કર્યા વગર રહી નથી શકતો…. મારું અતિ પ્રિય https://youtu.be/vy3c6Ozk4M8
  Film: joru ka ભાય….
  🎧🎵🎹🎺🎶🎧🎵🌹🙏🌹🎵🎹🎺🎶🎺🎹🎵🎧

Leave a Reply

Your email address will not be published.