ઉંમર અને ઉંચાઈને પણ સામાજિક ભેદ નડે છે !

નિસબત

ચંદુ મહેરિયા

દેશમાં પ્રવર્તતા વિકરાળ સામાજિક-આર્થિક ભેદ ઘણીવાર જીવનના સાવ જ અકલ્પનીય લાગે તેવા ક્ષેત્રોમાં જોવા મળે છે. કોઈ વ્યક્તિની ઉંમર અને ઉંચાઈ તેની સામાજિક-આર્થિક સ્થિતિ મુજબની હોય છે તેવું માનવું અઘરું છે. પરંતુ સંશોધનો પરથી પુરવાર થયું છે કે ઉંમર અને ઉંચાઈને પણ ભેદ નડે છે.

આઝાદી મળી ત્યારે, ૧૯૪૭માં, ભારતીયોનું સરેરાશ આયુષ્ય માત્ર ૩૨ વરસ હતું . આજે તે બમણા કરતાં વધુ એટલે કે ૬૯.૭ વરસનું છે. પરંતુ તમામ ભારતીયોને માટે આ સાચું નથી. સમાજના છેવાડાના વર્ગો કે જેમના માટે આમેય જીવન દોહ્યલું છે તેમની આવરદા પણ ટૂંકી હોય છે. યુ.એન. વુમન રિપોર્ટ ૨૦૧૮માં સમાવિષ્ટ ‘ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઑફ દલિત સ્ટડીઝ’ના ૨૦૧૩ના મહિલાઓ સંબંધી અભ્યાસ મુજબ કથિત ઉચ્ચ વર્ણની મહિલાઓ અને દલિત મહિલાઓની સરેરાશ ઉંમર વચ્ચે મોટો ફરક હોય છે. દલિત મહિલાઓ સમાજની ઉચ્ચ વર્ણીય મહિલાઓ કરતાં લગભગ સાડા ચૌદ વરસ વહેલી મરી જાય છે. કથિત સવર્ણ મહિલાઓનું સરેરાશ આયુષ્ય ૨૦૧૩માં ૫૪.૧…વરસ  હતું જ્યારે દલિત મહિલાઓનું ૩૯.૫ વરસ હતું ! શા માટે દલિત મહિલાઓ ઓછું જીવે છે તેના કારણો જગજાહેર છે. કુપોષણ, દલિતથી અદકી દલિત હોવું, જીવનની જદ્દોજહદ અને સંઘર્ષોને કારણે તેમનું આયખું અન્ય મહિલાઓ કરતાં ટૂંકુ હોય છે.

દલિત મહિલાઓ સહિત સમાજના દલિત, આદિવાસી, પછાત અને મુસ્લિમ જેવા  વંચિત સમુદાયની સરેરાશ આવરદા પણ કથિત ઉજળિયાત વર્ણ અને આર્થિક સમૃધ્ધ વર્ગ કરતાં ઓછી હોય છે. જાણીતા અર્થશાસ્ત્રી વાણીકાંત બરુઆના ૨૦૧૮માં પ્રકાશિત સંશોધન, ‘કાસ્ટ, રિલિજિયન એન્ડ હેલ્થ આઉટકમ્સ ઈન ઈન્ડિયા, ૨૦૦૪-૧૪’માં ૨૦૦૪ થી ૨૦૧૪ વચ્ચેના ભારતીયોના મૃત્યુ સમયના સરેરાશ આયુષ્યનું અધ્યયન, નેશનલ સેમ્પલ સર્વે(૨૦૦૪-૨૦૧૪)ના આધારે, કરવામાં આવ્યું છે.  આ અધ્યયનના તારણો પ્રમાણે ૧.આદિવાસીઓ બહુ ઓછું જીવે છે. દેશમાં સૌથી ઓછું સરેરાશ આયુષ્ય આદિવાસીઓનું છે.૨.આદિવાસી પછીના ક્રમે ઓછું આયુષ્ય દલિતોનું છે. ૩.આદિવાસી અને દલિત પછીના ક્રમનું સરેરાશ આયુષ્ય પછાત વર્ગના લોકોનું છે. અને ૪. કથિત ઉંચી જ્ઞાતિના લોકો દલિત -આદિવાસી-પછાત કરતાં વધુ જીવે છે.

વંચિતો અને સમાજના ઉપલા વર્ણોના લોકોના આયુષ્ય વચ્ચે મોટું અંતર છે. ૨૦૧૪માં ભારતના આદિવાસીઓની મૃત્યુ સમયની ઉંમર ૪૩ વરસ, દલિતોની ૪૮ વરસ, પછાત મુસલમાનોની ૫૦ વરસ, પછાત બિનમુસ્લિમોની ૫૨ વરસ હતી. જ્યારે આ વરસે ઉપલા વર્ણના હિદુઓની ૬૦ વરસ અને બિનપછાત મુસલમાનોની ૪૯ વરસ હતી. ૨૦૦૪માં ઉપલા વર્ણના હિંદુઓ સરેરાશ ૫૫, બિનમુસ્લિમ પછાત ૪૯, પછાત મુસલમાન ૪૩, બિનપછાત મુસલમાન ૪૪, દલિતો ૪૨ અને આદિવાસીઓ ૪૫ વરસનું સરેરાશ આયુષ્ય ભોગવતા હતા. ૨૦૦૪માં ૪૨ વરસનું સૌથી ઓછું સરેરાશ આયુષ્ય ધરાવતા દલિતોના આયુષ્યમાં ૨૦૧૪માં ૬ વરસનો વધારો થઈને ૪૮નું થયું હતુ. પરંતુ  ૨૦૦૪માં ૪૫ વરસની આવરદા ધરાવતા આદિવાસીઓની જીવન રેખા ૨ વરસ ઘટીને ૪૩ થઈ ગઈ હતી.! ૨૦૦૪ અને ૨૦૧૪ના સરેરાશ આયુષ્યમાં સર્વાધિક ૭ વરસની વૃધ્ધિ પછાત મુસલમાનોમાં જોવા મળી હતી. તેમની સરેરાશ ઉંમર આ દાયકામાં ૪૩ વરસથી વધીને ૫૦ વરસની થઈ હતી..

ભારત રાજ્યોનો સંઘ છે.પરંતુ તમામ રાજ્યોનો વિકાસ એકસરખો નથી. તેથી વિકસિત અને અવિકસિત રાજ્યોના લોકોનું સરેરાશ આયુષ્ય પણ એકસરખું નથી. અવિકસિત રાજ્યોના લોકો વિકસિત રાજ્યોના લોકો કરતાં સાત વરસ વહેલા મરે છે. સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ ૨૦૧૫-૧૯ના ડેટા પરથી જણાય છે કે દેશમાં સૌથી વધુ સરેરાશ આયુષ્ય દિલ્હીના લોકોનું છે. દિલ્હીના પુરુષો સરેરાશ ૭૪.૩ વરસ અને સ્ત્રીઓ ૭૭.૫ વરસ જીવે છે. સૌથી ઓછું આયુષ્ય છત્તીસગઢના લોકોનું (પુરુષો ૬૫. ૩ અને સ્ત્રીઓ ૬૩.૭ વરસ) છે.

વ્યક્તિની ઉંચાઈ જેનેટિક કન્ડીશન પર આધાર રાખે છે. પણ ભારતમાં સામાજિક-આર્થિક સ્થિતિ પણ વ્યક્તિની ઉંચાઈ પર અસર કરે છે. ઉંમરના પ્રમાણમાં ઓછી ઉંચાઈના, પાંચ વરસ કરતાં ઓછી વયના,  સૌથી વધુ બાળકો ભારતમાં છે. દુનિયાના ઓછી ઉંચાઈના કુલ બાળકોમાં એકતૃતીયાંશ બાળકોના હિસ્સા સાથે ભારત ઠીંગણા બાળકોનું ઘર ગણાય છે.  ભારતમાં જ્ઞાતિ અને સામાજિક-આર્થિક કારકોની બાળકોની ઉંચાઈ પર સારી-નરસી અસરો તપાસતા સંશોધન , “ધી મિસિંગ પીસ ઑફ પઝલ : કાસ્ટ ડિસ્ક્રિમિનેશન એન્ડ સ્ટન્ટિંગ’ના તારણો ચોંકાવનારા છે. હાઈડેલબર્ગ યુનિવર્સિટી,જર્મનીના રાજેશ રામચન્દ્રન અને અશોકા યુનિવર્સિટી,નવી દિલ્હીના અશ્વિની દેશપાંડેનો અભ્યાસ જણાવે છે કે દલિત બાળકો સામાજિક ભેદભાવનો સૌથી વધુ ભોગ બને છે. સામાજિક સમાનતા અને સામાજિક સલામતીની દ્રષ્ટિએ તેઓ સૌથી વધુ અસુરક્ષિત હોઈ તેમની ઉંચાઈ ઉપલાવર્ણના અન્ય બાળકોની તુલનામાં ઓછી જોવા મળે છે. દલિતો અને ઉપલા વર્ણના બાળકોની ઉંચાઈનો આ તફાવત આભડછેટ અને સામાજિક ભેદભાવના કારણે છે. દેશના જે જિલ્લાઓમાં અસ્પૃશ્યતાનું ચલણ વધારે છે તે જિલ્લાના દલિત બાળકોની ઉંચાઈ ઓછી રહી જવા પામે છે. જ્યારે જે જિલ્લાઓમાં આભડછેટ ઓછી છે તે જિલ્લાના બાળકો  પ્રમાણમાં સામાન્ય ઉંચાઈ ધરાવે છે.

ઉંચાઈના આ તફાવતનું કારણ આભડછેટ ઉપરાંત શૌચાલય સહિતની સ્વચ્છતાનો અભાવ, કુપોષણ, માતાનું ઓછું શિક્ષણ, પરિવારનું મોટું કદ અને નબળી આર્થિક સ્થિતિના કારણે છે. અભ્યાસ હેઠળના દલિત માતા સરેરાશ ૫.૨૬ વરસ અને અન્ય માતા સરેરાશ ૯.૪૭ વરસ શાળા શિક્ષણમાં  ગાળતા જોવા મળ્યા છે. કથિત અવર્ણ માતાઓનો સાક્ષરતા દર ૫૧ ટકા જેટલો નીચો અને સવર્ણ માતાઓનો સાક્ષરતા દર ૮૩ ટકા જેટલો ઉંચો છે તેની અસર બાળકોના લાલનપાલન પર પડે છે. સામાજિક પરિવેશમાં ફરક પણ આ ઉંચાઈના તફાવતના મૂળમાં રહેલો છે.

ઉંમર અને ઉંચાઈની બાબતમાં જોવા મળતા તફાવતનું સામાન્યીકરણ કરવાની જરૂર નથી. વંચિત વર્ગના બાળકોના ઠીંગણાપણાના અભ્યાસમાં નોંધવામાં આવ્યું છે તેમ જ્યાં આભડછેટનું આચરણ વધુ છે ત્યાં સામાજિક અસલામતીથી દલિત બાળકોનું કદ ઓછું છે પણ તેમના પ્રત્યે આભડછેટ આચરનારા વર્ગના બાળકોનું કદ કંઈ વધારે નથી. એ જ રીતે સામાજિક-આર્થિક વંચિત સમુદાયના બધાજ ભારતીયો ઓછું જીવે છે અને તેનાથી વિપરીત સ્થિતિના બધાજ લોકો હંમેશા લાંબુ જ જીવે છે તેવું નથી હોતું. સહિતો અને રહિતો વચ્ચેનો આ ભેદ દેશમાં કેવી ભયાવહ સામાજિક-આર્થિક અસામનતા પ્રવર્તે છે અને તે કેવી કેવી અસરો જન્માવે છે તે દર્શાવીને સર્વસમાવેશી એવા સૌના વિકાસની જરૂરિયાત ચીંધે છે.


શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.