જગમોહન અને તલત મહેમૂદ મૂલાકાત ( ભાગ ૧)

લ્યો, આ ચીંધી આંગળી

રજનીકુમાર પંડ્યા

‘અરે,અરે, મૈં તો આપ કા જબરદસ્ત ફૅન રહા હૂં.’

જે મહાન ગાયક આવા વાક્યો જીવનભર અનેકવાર બીજાના મોંએ સાંભળી ચૂક્યો અને હજુ પણ અવારનવાર સાંભળવા ટેવાયેલો છે, એના મોંએ ઉચ્ચારાયેલાં આ બીજા ગાયક માટેનાં વાક્યો જેને ઉદ્દેશીને બોલાયાં એ પણ હિંદી ગીતગાયનનો ભીષ્મ પિતામહ! જેના ચહેરાની લાલી અને ગરિમા હજુ જળવાઈ રહ્યાં છે. છોતેંર વર્ષની વય છે, પણ વયોવૃદ્ધતા હજુ વરતાતી નથી. જ્યારે બોલનાર ગાયક એમના કરતાં છ વર્ષ નાના છે. પણ એમને એમની અડસઠ વર્ષની વય અઠ્યાસી સુધી લઈ ગઈ હોય એમ વરતાય છે. શરીરનું એક પડખું કદાચ લકવાગ્રસ્ત છે. સફેદ પાયજામા અને કુર્તામાં હજુ લાગે છે ફિરસ્તા જેવા જ. પણ ચાલ,ચાલ-ઢાલ, શબ્દસ્મૃતિ બધું જ લથડી ગયું છે. અવાજના જે અદભુત મુલાયમ કંપનને કારણે એમની ગઝલગાયકી અને ફિલ્મગાયનમાં જે અલગ ઊંચી ઓળખ ઊપસી હતી તે કંપન હવે રોગના સ્વરૂપે છતરાયું થયું છે. હજુ હમણાં જ દૂરદર્શન પર નલિન શાહના ‘ગાતા જાયે બન્જારા’ કાર્યક્રમ અંતર્ગત સંગીતકાર અનિલ વિશ્વાસે એમ કહ્યું હતું કે‘ઉન કે જૈસી આવાજ શાયદ કરોડોંમેં સે કિસી એક કી હી હોતી હૈ’. એ આ તલત મહેમૂદ !

જરા પણ દુઃખી નથી. આલીશાન વૈભવી – વિશાળ ફ્લૅટ છે બાંદરામાં. પુત્ર ખાલિદ પૉપ સિંગર છે. પુત્રી-જમાઈ સુખી છે. એક જમાનાની ફિલ્મ ‘કાશીનાથ’ની બાલકલાકાર લતિકા સાથે તલત મહેમૂદે યુવાવસ્થામાં પ્રેમલગ્ન કર્યા. પછી એમનું નામ નસરીન થઈ ગયું. એક વાર ફોનમાં મેં એમને ‘તલતસાહબ કી તબિયત, સુના હૈ, આજકલ જરા નાસાઝ (ખરાબ) હૈ’ એમ કહ્યું હતું ત્યારે સહેજ તીખા સ્વરે એમણે કહ્યું હતું : ‘તબિયત નાસાઝ હો ઉનકે દુશ્મનોં કી’. એટલે મેં હસીને કહ્યું હતું :‘ઉન કે કોઈ દુશ્મન ભી હૈં ક્યા ?’– આ સાંભળીને એમનો ગુસ્સો શમ્યો હતો. આવાં પત્ની હજુ ઘરની ધરી છે.

તલત મહેમૂદે પોતાના જ ઘરમાં જગમોહન સુરસાગરને વારંવાર‘મૈં તો આપ કા જબરદસ્ત ફૅન રહા હૂં’ એમ કહ્યું ત્યારે સાંભળનારાં જોનારાં હું, અને વૉઈસ ઑફ તલત – એવા અમદાવાદના કશ્યપ ભટ્ટ, એમનાં પત્ની ભગવતી ભટ્ટ અને એ આખાયે પ્રસંગની વિડિયોગ્રાફી કરનાર ભરત ભાવસાર બધાંએ જ એક જબરી થ્રિલ અનુભવી.

૧૯૯૩ના છઠ્ઠી ઓક્ટોબરની એ સાંજ હતી. છઠ્ઠા માળે આવેલા એમના ફ્લૅટની વિશાળ અગાશીમાંથી થોડે દૂર નૌશાદનો બંગલો પણ ધારો તો જોઈ શકાય અને સમુદ્ર પર અસ્ત થતો સૂર્ય પણ. બધું કેટલું બધું સૂચક લાગે ? જીવનનો સાર સમજાઈ જાય એવું.

હિંદી ફિલ્મી-બિનફિલ્મી સુગમ સંગીતના આ દિવસોમાં તો પુરુષગાયકોમાં માત્ર ત્રણ જ દિગ્ગજો હયાત. તલત મહેમૂદ, જગમોહન અને મન્નાડે. મન્ના ડેને હમણાં જ બાયપાસ સર્જરી કરાવી, પણ મિજાજ હજુ તીખા મરચા જેવો –થોડા જ દિવસ ઉપર થોડા બીજા સંગીતકાર ગાયકોની સાથે એમનું સન્માન કરવા માંગનાર પ્રભાકાર વ્યાસ અને પરેશ દુબેને પોણો કલાક પોતાના દરવાજે જ ઊભા રાખ્યા અને પોતે એ બીજાની કક્ષાના છે ? એમ પૂછીને ધૂળ કાઢી નાખી. ખેર, પણ હજુ આ બે તલત-મહેમૂદ અને જગમોહન ચાહકોને જોઈને અઢળક ઢળી ઢળી જાય છે.‘આપ લોગોં કી બદૌલત તો હમ હૈં’એમ કહે ત્યારે આપણાથી એમ સહજપણે જ બોલી જવાય –‘વો  હમ નહીં  જાનતે, જાનતે હૈં તો બસ ઉતના કિ આપ લોગોં કી બદૌલત જિંદગી કી સબ સે ખૂબસૂરત ઘડિયાં હમેં નસીબ હુઈ, ઔર આપ લોગોં કે સ્વર ને હી હમારે જખ્મોં કો સહી ઝુબાન દી’.

(ડાબેથી) તલત મહેમૂદ અને જગમોહન

પણ એવે વખતે આપણા સંવાદો અવરોધક બને. બે મિત્રોને પછી ‘શામળિયો બોલિયો તને સાંભરે રે, મને કેમ વીસરે રે’ કરવા દેવાય. એમના એ સંવાદોના સાથી બનવું એ પણ સદભાગ્ય.પણ કોણ જાણે કેમ પહેલાં એકબીજાને ભેટ્યા પછી થોડું ‘કૈસે હો, કૈસે હો’ થયું – અને પછી વાતચીત પ્રગટપણે બહુ ન ફૂટી –પાંચેક વરસ પહેલાં હરમંદિરસિંગ ‘હમરાઝ’ના એક સમારંભમાં બંને પાંચેક મિનિટ માટે એકબીજાને ઉપલક રીતે મળ્યા.તે સિવાય આ મુલાકાત પણ દસકાના અંતરાલ પછી. એમ લાગતું હતું કે પરસ્પર ભાવાવેશને કારણે કદાચ વાણી રૂંધાતી હતી. કોઈએ તો દરમિયાનગીરી કરવી જ રહી. અંતે મારે જ પૂછવું પડ્યું: ‘આપ દોનોં પહલે પહલે કબ મિલે થે, યાદ હૈ ?’

તરત જ તલત બોલ્યા : ‘ઉન્નીસસૌ ઈકતાલીસ મેં – કલકત્તા મેં. ડમડમમેં સ્ટુડિયો થા એચ.એમ.વી.કા, વહીં પર. ફિફ્ટી-ટુ સાલ કે પહેલે –એક આધી સદી બીત ગઈ.’

બરાબર. બરાબર. એ વખતે તલતની ઉંમર સત્તર-અઢારની હતી. જગમોહન તેવીસના. નવી ભરતી કરેલા ગાયકોમાં તલતના સ્વરમાં ખરજ (બેઝ) ન મળે. એ યુગમાં પંકજ મલિક, સાયગલ, હેમંતકુમાર, કે.સી.ડે, સુરેન્દ્ર, અમીરખાન બધા જ ભારે પુરુષ સ્વરવાળા. એમાં તલત બેસે નહીં. બધા સાશંક હતા ત્યારે સંગીતકાર કમલદાસ ગુપ્તાએ કહ્યું : ‘જગમોહન, ઈસ લડકે કે ગલે મેં કોઈ ખાસ બાત હૈ. અપીલ હૈ. ક્યોં નહીં તુમ ઉસ કો જરા ટ્રેન કરતે ?’– અને જગમોહને એમને માઈક્રોફોન સામે ગાવાનો હુનર શીખવ્યો. બધા હિંદુ ગાયકોમાં મુસ્લિમ નામ લોકોને જરા અડવું અડવું લાગતું હતું. ભજનોમાં તો ન જ ચાલે. એટલે નામ આપ્યું તપનકુમાર. પહેલું ગીત થયું તે ‘સબ દિન એક સમાન નહીં’. રેકોર્ડ જબરી ચાલી અનેપછી ધૂમ મચી ગઈ. બધાએ કબૂલ કર્યું કે કમલદા સાચા ઝવેરી નીકળ્યા.જગમોહનની પ્રબળ અસર નીચે તલતે બિનફિલ્મી ‘સોયે હુએ હૈં ચાંદ ઔર તારે’ ગાયું, અને હિટ ગયું.

(ડાબેથી) તલત મહેમૂદ, જગમોહન અને રજનીકુમાર પંડ્યા

‘યાદ હૈ, દાદા ?’ તલતે પૂછ્યું : ‘આપ કે ડાઈરેક્શન મેં મૈં ને દો બંગલા ગીત રેકોર્ડ કિયે થે ? બડે મશહૂર હુએ થે વે ગાને…’

જગમોહને ડોકી ધુણાવી હા પાડી એટલામાં તો તલતે સહસા જ શરૂ કર્યું.‘આમ રેખેછિ જે દૂવારો ખુલે, નીલો નોરો આભાશે આભાશે… આમિ રેખેછિ મોર અંતરો ઢાલો છાયા મિશે જાય આકાશે આકાશે…’

‘ઔર અંતરા?’ જગમોહને પૂછ્યું : ‘ભૂલ ગયે ?’ તલત બે ઘડી વિચારમાં પડી ગયા. સ્મૃતિ દગો દેતી હતી. ત્યાં જ જગમોહને શરૂ કર્યું : ‘મોનો દુટિ આંખ ખોલો ખોલો ગો, બિરહેર કથા ભોલો ભોલો ગો’. હજુ એ પૂરું કરે તે પહેલાં તલતે એમાં સૂર પુરાવ્યો. જગમોહને પણ ગાયે રાખ્યું.અને એમ અભૂતપૂર્વ કહી શકાય એવું તલત – જગમોહનનું દ્વંદ્વગીત વિડિયોમાં ઝડપાઈ ગયું. એમ લાગ્યું કે થોડી વાર પહેલાં બંને ભેટીને મળ્યા તે નહીં, પણ આ એમનું પરસ્પરનું સ્વર-આલિંગન એ જ સાચું મળવાનુંહતું.

અલબત્ત, હજુ મિલન તો અધુરું હતું. આગળ પણ સુંદર મુકામો હતા. એ શું?


(ક્રમશ)


લેખકસંપર્ક :
રજનીકુમાર પંડ્યા.,
બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક, મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦
મો. +91 95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન- +91 79-25323711/ ઇ મેલ: rajnikumarp@gmail.com

Author: Web Gurjari

1 thought on “જગમોહન અને તલત મહેમૂદ મૂલાકાત ( ભાગ ૧)

Leave a Reply

Your email address will not be published.