નગર, જીવન અને કવિતા

નિત નવા વંટોળ

પ્રીતિ સેનગુપ્તા

ન્યૂયોર્ક જેવું અતિ-મહા-નગર. આંતરરાષ્ટ્રિય વેપાર-વાણિજ્ય અને મહાત્વાકાંક્ષી લેવડ-દેવડનું કેન્દ્ર. રોજેરોજ જ્યાં નવા નવા ધંધા ઊભા થતા હોય – જૂના પડી ભાંગતા હોય, ને જ્યાં આર્થિક રીતે ટકી રહેવા માટે જ કાતિલ હરીફાઈ ચાલ્યા કરતી હોય, ત્યાં કળા અને કવિતાને સ્થાન ખરું? ન્યૂયોર્ક શહેરની ગતિ, ઝડપ, ધમાલ, દોડાદોડ જુઓ તો આ પ્રશ્નો જવાબ નકારમાં જ આપી દેવાય. પણ અજીબ વાત એ છે કે આ જ શહેર વિવિધ કળાના ક્ષેત્રે પણ આખા વિશ્વમાં મોખરાને સ્થાને છે. છતાં પૂછવાની ઇચ્છા થાય કે, પણ કવિતાનું શું? શહેરના ધંધાકીય ને વ્યવહારિક માનસમાં કવિતાનું સ્થાન હોઈ શકે ખરું?

અલબત્ત, આનો જવાબ સીધી “હા? કે સીધી “ના”માં આપી શકાય તેમ નથી. કદાચ એનો જવાબ કંઇક મોઘમ રીતે – સ્થાન છે પણ ખરું, ને નથી પણ – એવો આપવો પડે. શહેરની સમગ્ર પ્રજાના રોજિંદા જીવનમાં કવિતાનું સ્થાન નથી – ના જ હોઈ શકે, એ સ્વાભાવિક છે. દુનિયાના કોઈ પણ શહેરમાં ના હોઈ શકે, કારણકે હકીકત એ છે કે કવિતાથી બધાંનું પેટ ભરી શકાતું નથી. પરંતુ અમેરિકામાં “નગર-કવિ” નું સ્થાન છે, તેમજ એમની જરૂર પણ છે.

પોણા બસોએક વર્ષ પહેલાં અમેરિકામાં શહેરો જ નહતાં. ચીન, જાપાન, ભારત વગેરે દેશો જેવો લાંબો ઇતિહાસ અમેરિકા પાસે નથી, પણ એમાં કૂદકે ને ભૂસકે જે પ્રગતિ થઈ તે બીજા બધા દેશોને ટપી ગઈ, અને છેલ્લાં સોએક વર્ષમાં એવાં શહેરો વસ્યાં કે એમાંનાં કેટલાંક આજે દુનિયાનાં સૌથી મોટાં શહેરો થઈને રહ્યાં છે. અમેરિકાની વસ્તી પણ વધારે ને વધારે પ્રમાણમાં આ શહેરોમાં વસતી થઈ ગઈ છે. આમ તો, અમેરિકાનો એક-દોઢ ટકા જેટલો જ ભાગ શહેરી? છે, જેની અંદર દેશની ૮૫ ટકા જેટલી વસ્તી વસે છે ( એક આંક પ્રમાણે). આવાં ભીડ ભરેલાં, હજારો ચો.મા.ના વિસ્તારમાં ફેલાયેલાં શહેરો સો વર્ષ પહેલાં પણ મુલાકાતીઓને અને કેટલાંક પ્રજાજનોને ભયજનક લાગતાં હતાં, તો આજની કે નજીકના ભૂતકાળની તો વાત જ ક્યાં?

અમેરિકાનાં શહેરો અત્યારે ભુલભુલામણી જેવાં છે – ભૌગોલિક, ભૌતિક, આર્થિક, આધ્યાત્મિક -બધી રીતે. એ બધાંમાંથી પ્રજાજનોને સાચવીને દોરી જવાં પડે છે. તો નગર-કવિનું કામ છે એ ભુલભુલામણીઓમાંની ગલી-કુંચીઓ અને ગર્ભ-ગૃહોને શોધવાનું, બહાર લાવવાનું, એમનાં પર વિચાર કરવાનું, ને પછી એ વિષે લખવાનું. નગર-કવિનું દાયિત્વ છે પોતાની સર્જન-પ્રક્રિયા દ્વારા પ્રજાને માર્ગ બતાવવાનું, પોતાનાં સંવેદનોને આધારે પ્રજાના રોજિંદા કઠિન જીવનમાં કુમાશ દાખલ કરવાનું. દરેક વ્યફિત પોતાના જીવનની આસપાસ સ્વપ્નોનાં ફૂલ ઉગાડવા મથતી હોય છે. અમેરિકાના નગર-કવિ આ સ્વપ્નો, આ વાસ્તવિકતા, તેમજ દરરોજની નાની-મોટી, સાધારણ-અસાધારણ બિનાઓને વાચા આપે છે. જો “વ્યક્તિનો પ્રતિનિધિ?” ના બની શકે તો એ અમેરિકન નગર-કવિ શાનો?

આમ તો, અમેરિકાની નીતિ “અનેક મળીને એક”ની છે, પણ કવિ-કર્મને નજરમાં રાખીએ તો “એક દ્વારા અનેક” એવું સૂત્ર બનાવી શકાય. એક કવિનો અવાજ અનેક જણના વિચારો ને ભાવોનો પડઘો પાડે છે. કવિ હંમેશાં આ સભાનપણે નથી પણ કરતો હોતો, ને પરિણામ એ પ્રકારે આવી શક્તું હોય છે. વોલ્ટ વ્ડિટમૅન કદાચ સૌથી પ્રથમ આવા નગર-કવિ હતા. જન્મ ૧૮૧૯માં, મૃત્યુ ૧૮૯૨માં. ખેડૂતને ત્યાં જન્મેલા વ્હિટર્મેન તેર વર્ષની ઉમરથી તો નાની નોકરીઓ કરવા લાગી ગયા હતા. એક છાપામાં પટાવાળા અને કારકુન તરીકે કામ કર્યા પછી એ ખબરપત્રી બન્યા, પછી પુસ્તક-સમીક્ષક, અને છેલ્લે એક તંત્રી બન્યા. છાપાંમાંનું એમનું લખાણ ફ્યારેય બહુ મૌલિક કે ઉત્તમ નહતું ગણાયું.

છત્રીસ વર્ષની ઉમરે “લીવ્સ ઓંફ ગ્રાસ” નામની એમનાં કાવ્યોની પુસ્તિકા બહાર પડી, જેની અસર એક સર્જનાત્મક વિસ્ફોટ જેવી થઈ. એ કાવ્યો સામાન્ય પ્રજાજનનું, દેશની લોકસત્તાનું, રોજિંદા આધા-અધ્‌રા, ભૂલ ભરેલા જીવનનું મુક્ત કંઠે સન્માન કરતાં હતાં. એમનાં કથનમાં વિનોદ તેમજ ડહાપણનો ભાવ હતો, ને એમની શૈલી પ્રથાથી જુદી જ દિશામાં – ગીતિમય મુક્ત છંદઃ પ્રતિ – ગઈ હતી.

એ કાળે અમેરિકાનું સામાજિક, સાંસ્કૃતિક, રાજકારણીય બંધારણ માંડ શરૂ થયું હતું. ત્યારે એક આગવી છટા વ્ડિટમૅનની લેખિનીમાંથી પ્રકટ થઈ. પોતાના દેશ તથા એની લોકતંત્રીય માન્યતાઓ પ્રત્યે વિશ્વાસ, આશા ને ગૌરવના ઉદાત્ત ભાવ એમના શબ્દોમાં નિરૂપાયા છે. એમના પંક્તિ-વિન્યાસમાંથી દેશભફિતિના ભાવને અનુર્‌પ સૂર સ્પષ્ટ રીતે ગુંજી રહે છે. આ પુસ્તકના આમુખમાં વ્હિટમેંન અમેરિકાને બિરદાવે છે : “યુનાઈટેડ સ્ટેટ્સ પોતે જ એક સૌથી મહાન કાવ્ય છે…અહીં કેવળ એક દેશ નથી, પણ અનેક દેશો થકી ઊભરાતું રાષ્ટ્ર છે…અહીં એ પ્રકારનું આતિથ્ય છે, જે સદાકાળ ઔદાર્ય અને ઉદાત્તતા સૂચવે છે.”

પોતાની પ્રેરણાનું મૂળ દર્શાવતાં કવિ આગળ લખે છે : “ ભૂમિ અને સમુદ્ર, પ્રાણી, જળચર અને વિહંગ, સ્વર્ગ સુધીનું આકાશ અને બ્રહ્માંડ, વનો, પર્વતો અને નદીઓ, કાંઈ સાધારણ વિષય-વસ્તુ નથી…પણ લોકગણની અપેક્ષા એ હોય છે કે રોજિંદી સામાન્ય બાબતો સાથે સંકળાયેલાં સૌંદર્ય ને ભવ્યતા કરતાં વધારે કશુંક કવિ નિર્દેશેત કરે…લોકગણ ઇચ્છે છે કે આ વાસ્તવિકતા તથા એમનાં સ્વપ્નોની વચ્ચેનો પથ કવિ સૂચિત કરી આપે.”

પ્રજાના માનસ સાથે વ્હિટર્મેનની સંવેદનશીલતાનું જે તાદાત્મ્ય હતું તેવું અમેરિકાના બીજા કોઈ કવિ પાસેથી નથી મળ્યું, છતાં કવિતા અહીં જીવંત છે, સન્માન્ય છે. અનેક પ્રતિષ્ઠિત સામયિકો કવિતા માટે સ્થાન રાખે છે. બધી જ શિક્ષણ-સંસ્થાઓ કાવ્ય-વાંચન અને કાવ્ય-લેખન ભણાવે છે. દરેક શહેરમાં કાવ્ય-પઠનના કાર્યક્રમ નિયમિત રીતે યોજાતા હોય છે. ચિકિત્સાના ભાગ તરીકે હૉસ્પિટલોમાં દરદીઓ માટે કવિતા-લેખનના વર્કશોપ ગોઠવવામાં આવે છે. વળી, છપાવવા અઘરા ગણાતા હોવા છતાં હજારેક કાવ્ય-સંગ્રહો દર વર્ષે દેશમાં છપાતા હોય છે.

ન્યૂયોર્ક શહેરની ભૂગર્ભ-રેલમાં જાહેરાતનાં પાટિયાં તો હોય છે, પણ ફ્રેમ કરીને મૂકેલી કાવ્ય-પંક્તિઓ પણ હોય છે. એ જાણીતા કવિઓની હોય, અને ઓળખાણ વિનાના, ઘર-બાર વિનાના કમભાગીઓની લખેલી પણ હોઈ શકે છે. સરળ-સામાન્ય તો ફ્યારેક મર્મસ્પર્શી આ પંક્તિઓને “ગતિમાન કવિતા” કહે છે. ઊભાં ઊભાં મુસાફરી કરનારાંનું ધ્યાન પણ આ વાંચવામાં પરોવાય છે, ને જીવનની કઠિનાઈ બે ઘડી વિસારે પડે છે.

જટિલ ભુલભુલામણીઓમાંથી પ્રજાજનોને દોરવાનું કામ જાણે નગર પોતે પણ કરે છે. અને અન્ય કવિઓનો સાથ પણ નગરને છે જ.

વ્હિટમેને કહેલું છે તેમ, “જો એક જગ્યાએ હું ના મળું તો બીજે શોધજો. તમારી રાહ જોતો હું ક્યાંક ઊભો જ હોઉ છું.”


સુશ્રી પ્રીતિ સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.