નારાયણ આશ્રમ – એક યાદગાર પ્રવાસ [૧]

સુશ્રી આશાબેનની કલમે લખાતી વિશેષ નવલિકાઓના સ્વાદથી આપણે હવે ભલીભાંતી પરિચિત છીએ.

તેમની રસાળ અને તાદૃશ વર્ણનાત્મક શૈલીમાં હવે તેમના એક યાદગાર પ્રવાસની વાત તેમના જ શબ્દોમાં વાંચવાનો આપણને લ્હાવો મળી રહ્યો છે.

‘નારાયણ આશ્રમ – એક યાદગાર પ્રવાસ’માં આપણે વેબ ગુર્જરી પર દર મહિનાની આખરી તારીખોમાં આપણે પણ અપ્રત્યક્ષપણે જોડઈશું.

સંપાદક મંડળ – વેબ ગુર્જરી


સાજન માજન સાથે અમારો રસાલો નારાયણ આશ્રમ જવા ઉપડ્યો

આશા વીરેન્દ્ર

આમ તો શબ્દકોશમાં પ્રવાસનો અર્થ જોવા જઈએ તો આપણો સૌનો જાણીતો અર્થ મુસાફરી અથવા એક સ્થળેથી બીજે સ્થળે જવું એવો જ મળે.  પણ મને હંમેશ એવું લાગ્યું છે કે પ્રવાસ પર વાસ પણ હોઈ શકે – સ્વમાંથી નીકળીને પરમાં વસવું – બીજાં સ્થળે, બીજાં લોકો સાથે, બીજાં વાતાવરણમાં વસવું. મારું ગામ, મારો ઓરડો, મારી પથારી એમ આખો વખત સ્વકેન્દ્રી રહેતાં આપણે પ્રવાસ દરમ્યાન સર્વકેન્દ્રી બનતાં હોઇએ છીએ. જ્યાં જઈએ ત્યાં એ સ્થળની, એ લોકોની, ત્યાંના પરિવેશની અનૂભૂતિ કરતાં થઈએ છીએ. સહપ્રવાસીઓની સગવડ-અગવડ, ગમા-અણગમા, અનુકૂળતા-પ્રતિકૂળતા બધું જોઈ , સમજીને એની સાથે તાલ મિલાવવાની કોશિશ કરીએ છીએ. એટલે એ અર્થમાં પ્રવાસ પણ મને બહુ ગમે છે. જેમ જેમ ઉત્તરાવસ્થા તરફ એક એક ડગલું મડાતું જાય છે તેમ તેમ ‘જીવ્યા કરતાં જોયું ભલું’નો મહિમા વધારે સમજાતો  જાય છે.

કોઈ લગ્નોત્સુક યુવક કન્યા જોવા નીકળે અને સૌ પહેલી કન્યા નજરમાં અને દિલમાં વસી જાય છતાં મનમાં છતાંય થાય કે, સાવ પહેલી કન્યા જોઈને પસંદગીનો કળશ ઢોળવામાં ઉતાવળ ક્યાં કરવી ? બીજી બે ત્રણ જોઈ લઈએ ! પણ જોયા પછી પહેલી તરફ જ ફરવાનો વારો આવે એવું જ અમારું નારાયણ આશ્રમની બાબતમાં થયું. બે વર્ષ પહેલાં ત્યાં જવાની ફૂલપ્રૂફ તૈયારીઓ થઈ ગયેલી, પણ કંઈ વિઘ્ન આવી પડતાં કાર્યક્રમ ફસકી પડેલો. વચ્ચેનાં બે વર્ષોમાં પેરિયાર ને મુન્નાર, કોડાઈ કેનાલ ને ઊટી બધે જઈ આવ્યાં, પણ ‘પર્વતકે ઉસ પાર’થી ઈશારા કરીને પેલી પહાડી કન્યા પોતાના તરફ બોલાવતી જ રહી. અંતે એ આકર્ષણને વશ થઈને ઉત્તરાખંડમાં આશરે ૯,૦૦૦ ફૂટની ઊંચાઈએ આવેલ નારાયણ આશ્રમ જવાનો નિર્ણય આ વર્ષે લેવાઈ જ ગયો.

અમારું ગંતવ્ય – નારાયણ ધામ

સંવત ૨૦૭૪ના ભાદરવા સાતમને સોમવારના શુભ દિવસે અને શુભ ચોઘડિયે જ્યારે અમે ગૃહત્યાગ કર્યો (ભલે ને ૧૪-૧૫ દિવસ માટે જ) ત્યારે જે આનંદ થયો તે અવકાશમાં ચંદ્રયાન છોડવામાં સફળ થનાર વૈજ્ઞાનિકોને પણ નહીં થયો હોય ! ચાર મહિના પહેલાં બુક કરાવેલી ટિકિટો તરફ જોઈને જોઈને ઊંડા નિઃસાસા નાખતાં કેટલીય વાર ‘ટુ બી ઓર નોટ ટુ બી’ની માફક જવાશે કે નહીં જવાય એ સવાલનો જવાબ શોધવા પ્રયત્ન કર્યો હતો. ઓગણીસ જણાના રસાલા સાથેનો સંઘ કાશીએ (નારાયણ આશ્રમે) પહોંચશે કે નહીં પહોંચે એ અંગે કેટલીય શંકા-કુશંકાઓએ અમને ઘેરી લીધાં હતાં.અને તેથી જ અભિમન્યુને ચક્રવયૂહના કોઠા ભેદીને જે ખુશી મળી હશે એ અમને ઘરના ઊંબરના કોઠાને ભેદીને મળી.

અમારામાંથી બે ત્રણ જણાંને બાદ કરતાં બાકીનાં બધાં માટે નારાયણ આશ્રમ તદ્દન નવી જગ્યા હતી. શ્રી મેઘાણીએ આવી જગ્યા માટે જે ગાયું છે કે ‘કેવી હશે ને કેવી નૈ’, એવો જ ભાવ અમારા મનમાં પણ હતો કે આ જ્ગ્યા કેવી હશે અને કેવી નહીં. પણ, મનમાં દૃઢ નિશ્વય હતો કે ‘યા હોમ કરીને પડો ફતેહ છે આગે’. એટલે મુંબઈથી નીકળનારાં સહપ્રવાસીઓ જોડે જોડાવા અમે વલસાડવાસીઓ સુરત પહોંચ્યાં. સુરતથી અને અમદાવાદથી આવનારાં પણ ત્યાં મળ્યાં. આમ અમારો કાફલો બનતો ગયો. જોનારાં તરત જ સમજી જાય કે આ ગુજ્જુ ભાઈ-બેનોનું ટોળુ છે એવા ટ્રેડમાર્ક જેવા નાસ્તાના ત્રણ મોટા મોટા થેલા, એક મોટું ટિફિન કેરિયર,  પાણીનો એક મોટો જગ, અને અલબત્ત વ્યક્તિ દીઠ બે ત્રણ અન્ય મુદ્દા તો ખરા જ. આમ સાજનમાજન સાથે અમારો રસાલો અમારાં ગંતવ્ય ‘નારાયણ આશ્રમ’ની પ્રવાસ-યાત્રાએ ઉપડ્યો.


સુશ્રી આશા વીરેન્દ્રનો સંપર્ક  avs_50@yahoo.com   વીજાણુ સરનામે થઈ શકે છે.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.