કોલકાતાની ધરતી પર ઘટાદાર ગુજરાતી અક્ષરવૃક્ષ ‘હલચલ’

લ્યો, આ ચીંધી આંગળી

રજનીકુમાર પંડ્યા

ગુજરાતી ભાષાનું સૌ પ્રથમ ચિત્રાત્મક અને લોકપ્રિય સાહિત્ય–સામયિક ‘વીસમી સદી’ સાહિત્યપ્રેમી ખોજા સદગૃહસ્થ હાજી મહમ્મદ અલારખિયા શિવજીના અધિક્ષક અને તંત્રીપદે 1916ના એપ્રિલની 1લીએ મુંબઈથી શરૂ કરવામાં આવ્યું. એ માત્ર સાહિત્યલક્ષી નહોતું, છતાં સાહિત્યસેવી તો હતું જ. વળી તેમાં સમગ્ર દેશને સ્પર્શતી તમામ ગતિવિધિઓને સુવાચ્ય વાચનરૂપે વાચકો સમક્ષ મૂકવામાં આવતી હતી એટલે સાચા અર્થમાં એ માત્ર ગુજરાતી ભાષાનો જ નહીં, પૂરા હિંદુસ્તાનનો અને એના એ સમયના દેશકાળનો આયનો હતું. પણ એનું મુદ્રણ ભારે ખર્ચ માગી લેતું. ચિત્રો અને છપાઈને પણ બેનમૂન બનાવવા માટે તસ્વીરો માટેના બ્લૉક્સ છેક ઈન્‍ગ્લેન્‍ડ બનાવવામાં આવતા અને ફોટોગ્રાફ્સ અને રંગીન ચિત્રોને આર્ટ પેપર પર છાપવામાં આવતા. આવા બધા જંગી ખર્ચને લીધે આ સામયિકના તંત્રી હાજી મહમ્મદ અલારખિયા શિવજીની કમર તૂટી ગઈ અને ૧૯૨૧માં એ ક્ષયરોગનો ભોગ બનીને બેતાલીસ વર્ષની નાની વયે અકાળે અવસાન પામ્યા. પણ પોતાના આ અલ્પ જીવનકાળમાં પણ ગુજરાતી સાહિત્યજગતને અને પત્રકારજગતને અમર એવું ઐશ્વર્ય બક્ષી ગયા કે જેના ગર્ભમાંથી ‘કુમાર’ અને ‘નવચેતન’ ઉપરાંત બીજાં અનેક ઉચ્ચ કક્ષાનાં સામયિકો જન્મ્યાં. એનો પહેલો ફણગો મુંબઈ નહીં, પણ કલકત્તામાં ફૂટ્યો.

મૂળ ગોંડલના ત્રીસ વર્ષના ભાટિયા જુવાન ચાંપશી વિઠ્ઠલદાસ ઉદ્દેશીએ શિક્ષકની નોકરી ત્યાગીને કલકત્તામાં ૧૯૨૨માં ‘નવચેતન’ માસિક શરૂ કર્યું. (‘કુમાર’ તે પછી અમદાવાદથી ૧૯૨૪થી કલાગુરુ રવિશંકર રાવળે શરૂ કર્યું હતું.).કલકત્તાની સંસ્કારી પ્રજાએ ૧૯૨૨ના પહેલા અંકથી જ ‘નવચેતન’ વધાવી લીધું, પણ ૧૯૪૨ના કોમી રમખાણોને લીધે તેને વડોદરા લઈ જવામાં આવ્યું. ગુજરાતની ધરતી કરતાં કલકત્તાની ભૂમિ તેને વધુ માફક આવતી લાગી એટલે ૧૯૪૬માં ફરી તેને કલકત્તા લઈ જવામાં આવ્યું. જો કે, વાતાવરણની અસ્થિરતાને લીધે તેને ૧૯૪૮માં કાયમી ધોરણે અમદાવાદ લઈ આવવામાં આવ્યું જે આજ સો વરસથી અવિરત પ્રગટ થઈ રહ્યું છે. ચાંપશીભાઈ ૧૯૭૪માં અવસાન પામ્યા પછી તેમના માનસપુત્ર મુકુંદ શાહે તે સંભાળ્યું. તેમના અવસાન પછી પ્રીતિબહેન શાહે તે જવાબદારી સંભાળી તે પછી પરીક્ષિત જોશી તે સફળતાપૂર્વક સંભાળતા હતા. તે પછી હવે તો સ્વર્ગસ્થ એવા કલાકાર રજની વ્યાસે એને એકદમ કલાત્મક ઓપ આપ્યો. અત્યારે સાહિત્યકાર યશવંત મહેતા એને પોતાની આગવી દૃષ્ટિપૂર્વક સફળતાપૂર્વક સંભાળી રહ્યા છે,જેને કુમારપાળ દેસાઈ જેવા સમર્થ સાહિત્યકારોનો સંપૂર્ણ સહયોગ છે.

કલકત્તાની(હવે નવું નામકરણ કોલકાતા) જ વાત કરીએ તો એદલજી નવરોજી કાંગા નામના પારસી ગૃહસ્થે ૧૯૧૯માં અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષામાં સંયુક્ત રીતે શરૂ કરલા ‘નવરોઝ’ સાપ્તાહિકને યાદ કરવું ઘટે. તેમના સંપાદન અને સંચાલનમાં તેમનાં પત્ની બચુબાઈ, પુત્રો નવલ અને ફરામરોઝ તથા પુત્રવહૂ જાલુબહેનનો પૂરો સહયોગ પ્રાપ્ત થયો.

કલકત્તા (હવે નવું નામકરણ ‘કોલકાતા’)ના ગુજરાતી સામયિકોની આ કેવળ અછડતી વાત થઈ, પણ તેની જવલંત ઇતિહાસરેખાને આજના દિવસ સુધી સોનેરી શાહીથી આલેખી લાવનારા છે બે ગુજરાતી જુવાનિયા –ભાવેશ શેઠ અને સંજય શાહ. સ્કૂલના કાળથી ગોઠિયા એવા આ બન્ને મિત્રો કલકત્તાની ભવાનીપુર કૉલેજમાં પણ સાથે હતા. પત્રકારત્વની ન તો એમને કોઈ પારિવારિક પશ્ચાદ્‍ભૂ હતી કે ન હતો થોડો ઘણો પણ અનુભવ. છતાંયે ૧૯૮૬ની સાલમાં માત્ર ઓગણીસ-વીસ વર્ષની વયે એમને કલકત્તાના જ નહીં, પૂરા પૂર્વ ભારતના ગુજરાતીઓના સ્વજન સરખું બની રહે તેવું સામયિક પ્રગટ કરવાનો મનોરથ જાગ્યો. એ વખતે તેમની પાસે આ વિચાર સિવાય કોઈ મૂડી નહોતી. કાર્યાલય માટે કોઈ જગ્યા નહોતી. તો પછી પોતાના પ્રેસની વાત તો ક્યાં રહી ? પણ મેઘાણીના શબ્દોમાં કહીએ તો એમના ‘ઘટમાં ઘોડા’ થનગનતા હતા. ને ‘આતમ વીંઝે પાંખ’ જેવી મનઃસ્થિતિ હતી. ભવાનીપુરની માધવ ચેટરજી લેનમાં એક મકાનમાં માત્ર સો ફૂટની ભાડાની ઓરડીમાંથી આજથી ઓગણત્રીસ વર્ષ પહેલાં 1લી જૂન, ૧૯૮૬ના દિવસે ટેબ્લોઇડ પખવાડિક સ્વરૂપે એનો પ્રથમ અંક ‘કલકત્તા હલચલ’ તરીકે પ્રગટ થયો, જેમાં અમદાવાદથી લવાયેલા ગુજરાતી ટાઇપનાં બીબાં દ્વ્રારા સોળ પાનાં હતાં.

એ દિવસોમાં આધુનિક ટાઇપસેટિંગ પદ્ધતિની શોધ થઈ નહોતી અને લખાણના પ્રત્યેક અક્ષરને કમ્પોઝીટરો જે તે અક્ષરનું બીબું ચીપિયાથી ઊંચકીને એને પંક્તિમાં ગોઠવી ગોઠવીને પેજ પાડતા અને તેને લાકડાની એક લંબચોરસ તાસકમાં મૂકીને ગોઠવતા જેને ‘ગેલી’ કહેવામાં આવતી. કમ્પોઝીટરો પાછા જે તે ભાષાના જાણકાર હોવા જોઈએ, જે અહીં શક્ય નહોતું. એટલે બંગાળી કમ્પોઝીટરો પાસેથી કામ લેવું પડતું, જે સમય અને બહુ મહેનત માગી લેતું હતું. ગોઠવેલી વજનદાર ગેલી ક્યારેક ત્રીજા માળેથી નીચે પ્રિન્‍ટિંગ મશીન સુધી લાવતાં તૂટી જતી અથવા વિંખાઈ જતી. અને ફરી બધું કમ્પોઝ સમયની મર્યાદા સાચવતાં સાચવતાં કરાવવું પડતું. આ બધી વિપરિતતાઓ વચ્ચે ‘કલકત્તા હલચલ’ની આગેકૂચ થતી રહી, કારણ કે પહેલા જ અંકથી તેને પ્રજા તો ખરી જ, પરંતુ શિવકુમાર જોશી જેવા સાહિત્યકારો કે ભરતભાઈ મેઘાણી જેવા એજન્ટોએ વધાવી લીધું.

(‘હલચલ’ના વિવિધ અંકનાં મુખપૃષ્ઠ)

અને કલકત્તાની ગુજરાતી પ્રજાને તો પહેલો અંક હાથમાં આવતાં જ બીજા અંકની, અને બીજો અંક આવતાં જ ત્રીજા અંકની એમ આગામી અંકોની ઇંતેજારી એટલા માટે રહેતી કે એમાં એમને પોતાના સ્વજન સાથેની ખબરઅંતરની ગુફ્તેગુ લાગતી. કશા પણ ‘નેગેટિવ’ સમાચારો વગરનું, દેશ અને દુનિયાની ખબરો ઉપરાંત સ્થાનિક ગતિવિધિઓની ત્વરિત જાણકારી આપતું આ પહેલું જ કલકત્તાકેન્દ્રી અને સમગ્ર પૂર્વભારતલક્ષી (ખડગપુર, બેલદા, મિદનાપુર, જમશેદપુર, ચક્રધરપુર, ભુવનેશ્વર, દુર્ગાપુર, ધનબાદ, ઝરિયા, આસનસોલ, કતરાસગઢ, પ્રુરુલિયા, ગૌહાટી જેવાં અનેક સ્થળોને આવરી લેતું) અખબાર ત્યાંની પ્રજાને સાંપડ્યું કે જ્યાં ‘ચિત્રલેખા’ જેવા ક્લાસ–વન સાપ્તાહિક સિવાય કોઈ ગુજરાતી સામયિક કે અખબાર ગુજરાતી પ્રજાને મળતું નહોતું. એમનો વતનઝૂરાપો ત્યારે જ શમતો કે જ્યારે એમાં પાછા પોતાના વતન (ગુજરાત-સૌરાષ્ટ્ર)ના સમાચારો પણ પીરસાયા હોય. એટલે એમને તો એ હૈયાસરસું અખબાર થઈ પડ્યું. પ્રજા સાથેના આ હૃદયબંધનનો પરચો તરત મળ્યો. માંગ એટલી વધી કે એક જ વર્ષમાં એને સાપ્તાહિક બનાવવું પડ્યું. એ વાચકોના સુખદુઃખનો સથવારો બન્યું. ઘટના-દુર્ઘટનાઓના સમાચારો તેમાં પૂરતા વજૂદ સાથે છપાતા રહ્યા. એટલું જ નહિ, પરંતુ એ બાબતમાં એ લોકો જણાવે છે તેમ સૌરાષ્ટ્ર ટ્રસ્ટનાં પત્રો(જન્મભૂમિ-ફૂલછાબ-કચ્છમિત્ર)ની પરંપરાને અનુસર્યું અને આવી દુર્ઘટનાઓના પ્રસંગે એના ભોગ બનેલાઓની વહારે ચડ્યું. 2000ની સાલમાં ‘ફૂલછાબ’ દ્વારા જળવિતરણ સેવા શરૂ કરવામાં આવી, તેની વ્યાપક પ્રસિદ્ધિ પોતાની વિશિષ્ટ વિસ્તૃત આવરણકથા દ્વારા સમગ્ર પૂર્વાંચલમાં આપી અને એ કાર્યમાં સારી એવી લોકભાગીદારી મેળવી આપી. ‘ફૂલછાબે’ તેની ‘હલચલ’ને સલામ, બંગભૂમિને સલામ, સલામ કલકત્તા’ એ શીર્ષકથી બહુ સારી નોંધ લીધી. ‘હલચલ’ દ્વારા કોલકતા તળ સહિતના સમગ્ર પૂર્વાંચલની ઉત્તમ સામાજિક સેવા થઈ.

સમયના વહેવા સાથે ‘હલચલ’ આપોઆપ વિકસતું રહ્યું. એની પ્રથમ વર્ષગાંઠ પછી તેઓનું સ્થળાંતર બકુલબગાન રોડ પરની જરી મોટી જગ્યામાં થયું, જે એમને બહુ ફળ્યું. તેમની સાથે કૉલમિસ્ટો તરીકે કાંતિ ભટ્ટ, સુરેશ દલાલ અને ચંદ્રકાંત બક્ષીથી માંડીને ભગવતીકુમાર શર્મા, વિષ્ણુ પંડ્યા, ગિરીશ ગણાત્રા, બકુલ બક્ષી, કાજલ ઓઝા વૈદ્ય, અવંતિકા ગુણવંત જેવા નામાંકિત સાહિત્યકારો જોડાયા, તો હરસુખ થાનકી જેવા ફિલ્મો ઉપરાંત બહુક્ષેત્રમર્મજ્ઞ કૉલમિસ્ટ બનવા ઉપરાંત ગુજરાતના બ્યુરો ચીફ તરીકે જોડાયા. આ બધી કલમોએ ‘હલચલ’ને મેઘધનુષના રંગે રળિયાત કર્યું.

એક ઉત્તમ કામ ‘હલચલ’નું તે શારદીય અંકોનું. જેમાં પોતે પાંગર્યું છે તે બંગભૂમિના સાહિત્ય અને સંસ્કૃતિને તેમની સુગંધ જાળવીને ગુજરાતીમાં પેશ કરીને તે ભૂમિ પરત્વે અનુગ્રહ પ્રગટ કરવામાં આવે છે. આ પગલાંને કારણે કલકત્તામાં જ જન્મેલી નવી ગુજરાતી પેઢી બન્ને ભાષાઓ સાથે સમન્વયનો ભાવ અનુભવે છે.

બેંગ્લોરથી ગુજરાતી સામયિક ‘દક્ષિણ દર્શન’ છેલ્લા 18 વર્ષોથી પ્રગટ થાય છે. આ પરંપરામાં 22મી એપ્રિલ 2017 ના દિવસે ‘હલચલ’ ગૃપે તેલંગણાના હૈદરાબાદથી પણ આવૃત્તિનો આરંભ કર્યો. આમ, પહેલાં બેંગલોર અને તે પછી હૈદરાબાદ અને ત્યાર પછી દક્ષિણ ભારતના વિવિધ શહેરોની આવૃત્તિઓ દ્વારા દક્ષિણ ભારતના ગુજરાતીઓ ‘હલચલ’ માધ્યમ થી એકસૂત્રે બંધાયા.

કોરોનાના કપરા કાળ દરમિયાન ‘હલચલ’ જૂથે દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઇથી 2017 ની 22 મી એપ્રિલથી ડિજિટલ આવૃત્તિનો આરંભ કર્યો, જે માત્ર પોણા બે વરસના ટૂંકા ગાળામાં જ મુંબઇ-મહારાષ્ટ્રના ગુજરાતીઓમાં અતિ લોકપ્રિયતા પામી છે.

કોઈ ટૂંકા આલેખમાં તેની વિકાસગાથા સમાવવી શક્ય નથી. એ તો સમાજલક્ષી પત્રકારત્વ પર ડૉક્ટરેટ કરવા માંગનારા માટેનો ઉત્તમ વિષય બને તેમ છે. ‘કલકત્તા હલચલ’એ હવે આ 1લી જૂને પાંત્રીસ વર્ષ પૂરાં કરીને છત્રીસમા વર્ષમાં પ્રવેશ કર્યો છે. એમની સાથે વરિષ્ઠ સાહિત્યસેવી શ્યામ આશર પણ સહસંપાદક તરીકે કાર્યરત છે. જ્યારે આ બન્ને ભાઈબંધો ભાવેશ શેઠ અને સંજય શાહ પણ હવે વીસી વટાવીને આયુષ્યની અર્ધી સદી પાર કરી ચૂક્યા છે. ત્યારે એમની દડમજલની આગળની મંઝીલો વિષે કોઈને પણ જાણવાની ઉત્કંઠા રહેશે.

એમનો સંપર્ક: Bhavesh Publications Pvt Ltd.  ‘HALCHAL’ House,13-B, Chakraberiya Lane, KOLAKATA- 700 020 /Tel- Mo.+91 98300 71294 and +91 33 2419 2731 and 2419 2712 // E Mail- halchal.group@halchalgrouo.in and Website – www.halchalgroup.in


લેખકસંપર્ક :
રજનીકુમાર પંડ્યા.,
બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક, મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦
મો. +91 95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન- +91 79-25323711/ ઇ મેલ: rajnikumarp@gmail.comRajni

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.