વાદ્યવિશેષ : નવી શ્રેણીના પ્રારંભે – પ્રસ્તાવના

પીયૂષ પંડ્યા, બીરેન કોઠારી

લગભગ બે વરસ ચાલેલી અને ત્રણેક મહિના અગાઉ, જૂન, 2022માં સમાપ્ત થયેલી ‘ફિલ્મસંગીતના નક્શીકારો’ શ્રેણીમાં હિન્‍દી ફિલ્મસંગીતમાં મહત્ત્વનું પ્રદાન કરનારા કેટલાક વાદકોનો પરિચય કરાવવામાં આવ્યો હતો. એ સમયે કેટલાક જિજ્ઞાસુઓએ સંબંધિત વાદ્ય વિશે જાણવાની ઉત્સુકતા દેખાડી હતી. આથી વાદ્યોને કેન્‍દ્રમાં રાખીને તૈયાર કરવાની શ્રેણીનું બીજ લગભગ ત્યારનું મનમાં રોપાઈ ગયું હતું. ‘ફિલ્મસંગીતના નક્શીકારો’ શ્રેણીનું સમાપન થયા પછી એને નક્કર સ્વરૂપ આપવાની ચર્ચા શરૂ થઈ. એ શ્રેણીથી આ નવી શ્રેણી શી રીતે અલગ પડશે એનો ખ્યાલ મનમાં સ્પષ્ટ હતો, અને તેને વધુ સ્પષ્ટ કરવામાં બીરેન કોઠારી તેમજ અશોક વૈષ્ણવે પણ સુયોગ્ય સૂચનો આપ્યાં. અગાઉની શ્રેણીની દરેક કડીમાં ઊંડો રસ લઈને તેના મૂલ્યવર્ધનમાં સતત પ્રદાન કરતા રહેનારા બીરેન કોઠારીએ આલેખનમાં પણ સાથે રહેવાની તૈયારી બતાવી, તો અશોક વૈષ્ણવે બનતી તમામ વિગતો પૂરી પાડવાની ભૂમિકા સ્વીકારી.

આથી ‘ફિલ્મસંગીતના નક્શીકારો’થી આ નવી શ્રેણી ‘વાદ્યવિશેષ’ શી રીતે અલગ પડે છે એની વાત પહેલાં કરીએ.

મોટાં ભાગનાં ફિલ્મી ગીતોમાં એક બાબત સામાન્ય કહી શકાય એવી હોય છે કે તેની મૂળ તર્જ મધુર હોય છે, પણ કેવળ એટલું હોવું પૂરતું નથી. વિવિધ વાદ્યોના વાદન વડે તેમાં સ્વરપૂરણી કરવામાં આવે છે. પરિણામે એની એ જ તર્જ વધુ ચિત્તાકર્ષક અને કર્ણપ્રિય બની જાય છે.

આ બાબતને સમજવા માટે એક ઉદાહરણ સાંભળીએ. ‘આવાઝ’(1956)ના સંગીતકાર સલિલ ચૌધરીએ આ ફિલ્મના એક ગીતમાં મૂળ બંગાળી ભાષાના એક લોકગીતની ધૂનનો ઉપયોગ કરવાનું વિચાર્યું. મૂળ હેમંતકુમારે ગાયેલા બંગાળી ગીતના શબ્દો ‘ધીતાંગ ધીતાંગ બોલે, કે માદોલેતન તોલે’ હતા, જેમાં સંગીત માત્ર પૂરક હિસ્સો ધરાવતું હતું. આ ગીત સાંભળવાથી તેનો અંદાજ આવી શકશે.

સલિલ ચૌધરીએ આ જ મૂળ ધૂનનો ઉપયોગ ‘આવાઝ’ (1956)માં કર્યો ત્યારે તેમણે તેને ઓરકેસ્ટ્રેશન (વાદ્યવૃંદ)થી સજાવ્યું. વાદ્યો, સમૂહગાન જેવી અનેક ચીજો થકી તેમણે ગીતની મૂલ્યવૃદ્ધિ કરી. વાદ્યોનો શણગાર ધરાવતું આ હિન્‍દી ગીત સાંભળીએ, જે લતા મંગેશકરે ગાયેલું છે.

આ શ્રેણીના કેન્‍દ્રમાં વાદ્યો અને વાદ્યવૃંદ રહેલાં હોવાથી આવું વધુ એક ઉદાહરણ જોઈએ, જે સંગીતકાર રાહુલ દેવ બર્મનનું છે. મૂળ બંગાળી ગીત ‘હાય કી જે કોરી ઓ મોનો નિયા’ના ગાયક અને સંગીતકાર સચીન દેવ બર્મન છે. આ ગીતમાં કેવળ પૂરક કહી શકાય એવાં વાદ્યો છે.

પણ આ જ ધૂનનો ઉપયોગ રાહુલ દેવ બર્મને ‘કુદરત’ (1981)માં કર્યો, જેની પર નવેસરથી શબ્દો લખ્યા મજરૂહ સુલતાનપુરીએ. આ ગીત તેમાં રહેલા ઓરકેસ્ટ્રેશનને કારણે જાણે કે નવા જ અવતારમાં લાગે.

https://youtu.be/vLeNeAZmZgo

એટલે સવાલ એ થાય કે આ ઓરકેસ્ટ્રેશન એટલે શું? તેમાં વપરાતાં વાદ્યો કયાં? આ વાત કરતાં પહેલાં હિન્‍દી ફિલ્મોમાં ‘ગીત’ના પ્રવેશ વિશે કેટલીક પ્રાથમિક માહિતી. ગીત-સંગીત આપણી સંસ્કૃતિનો અવિભાજ્ય હિસ્સો છે, અને ફિલ્મોના આવિષ્કાર પહેલાં પણ તે આપણા જનજીવનમાં વણાયેલાં હતાં. જીવનના સારાનરસા દરેક પ્રસંગને અનુરૂપ કોઈ ને કોઈ ગીત આપણા પ્રદેશમાં મળી રહે. 1931માં સૌ પ્રથમ બોલપટ ‘આલમઆરા’ રજૂઆત પામ્યું તેમાં સાત ગીતો હતાં. આ ફિલ્મનું વઝીર મહંમદ નામના અભિનેતા-ગાયકે ગાયેલું ગીત ‘દે દે ખુદા કે નામ પે પ્યારે’ રૂપેરી પડદે સંભળાયેલું પહેલું ગીત કહી શકાય. આરંભિક કાળમાં સિનેમા પર નાટકનો ઘણો પ્રભાવ હતો, પરિણામે એવાં અભિનેતા-અભિનેત્રીઓ જ મુખ્ય ભૂમિકામાં ચમકવાને લાયક ગણાતાં, જે થોડુંઘણું ગાઈ શકતાં હોય. તદુપરાંત એ સમયે શૂટિંગ દરમિયાન જ ગીત ગાવું પડે એવી ટેક્નોલોજીને કારણે તેમાં સંગીતનો ઉપયોગ પણ પૂરક સામગ્રી જેટલો જ રહેતો. તેમાં ગાયકની સાથે સૂર જાળવવા માટે મુખ્યત્વે હાર્મોનિયમ અને સારંગી જેવાં વાદ્યો અને તાલ માટે તબલાં, ઢોલક જેવાં તાલવાદ્યોનો ઉપયોગ થતો.

પાર્શ્વગાયનનો યુગ આરંભાયો એ પછી એક આખો વર્ગ એવો ઊભો થયો કે જે કેવળ ગાયક કે ગાયિકા જ હોય. તેમણે પડદે દેખાવાની અને અભિનય કરવાની જરૂર નહોતી. પાર્શ્વગાયકોના પ્રવેશને કારણે પ્રતિભાશાળી સંગીતકારોને મોકળું મેદાન મળ્યું, જેનો તેમણે ભરપૂર લાભ ઉઠાવ્યો. કાળક્રમે હિન્‍દી ગીતનું જે સ્વરૂપ ઘડાયું એમાં આરંભિક સંગીત (પ્રિલ્યુડ), મુખડું, વચ્ચેનું સંગીત (ઈન્‍ટરલ્યુડ), ગીતની જરૂર મુજબ એક, બે કે ત્રણ અંતરા અને છેલ્લે સમાપન સંગીત. આ મૂળભૂત સ્વરૂપમાં સમયાંતરે ભાગ્યે જ કશો મોટો ફેરફાર થયો. ફેરફાર થતો ગયો તેની સાથેનાં વાદ્યોમાં. શરૂઆતમાં સાજીંદાઓ ગાયકની સમાંતરે જે તે તર્જ વગાડતા, એમ વચ્ચે વચ્ચે મધ્યાલાપ તરીકે પણ એ જ તર્જ સાંભળવા મળતી. આગળ જતાં આ પ્રણાલીમાં ક્રમશ: બદલાવ આવતો ગયો. મધ્યાલાપમાં મૂળ તર્જને સુસંગત પણ સહેજ અલગ એવું વાદ્યસંગીત તૈયાર થવા લાગ્યું. જુદાંજુદાં વાદ્યોનો ઉમેરો થવાની શરૂઆત થઈ. આમ, એકવિધતાની જગ્યાએ વૈવિધ્ય ઉમેરાવા લાગ્યું. આ વૈવિધ્યમાં પ્રયોગશીલતા ઉમેરાતી ગઈ.

શરૂઆતના સમયગાળામાં હિન્દી ફિલ્મોના મોટા ભાગના સંગીતકારો પંજાબના અને ઉત્તર પ્રદેશના હતા. તેથી શરણાઈ, ક્લેરીનેટ, વાંસળી અને સિતાર તેમ જ સરોદ જેવાં વાદ્યોનો પ્રભાવક ઉપયોગ થતો હતો. બંગાળી સંગીતકારો મુખ્યત્વે કોલકાતામાં બનતી બંગાળી અને હિન્‍દી ફિલ્મો માટે સંગીત તૈયાર કરતા. તેમણે પાશ્ચાત્ય સંગીતને ઘણું વહેલું અપનાવી લીધું હતું એમ કહી શકાય. સમયાંતરે તેમાંના ઘણા મુંબઈ ખાતે સ્થાયી થવા લાગ્યા. હિન્દી ફિલ્મોમાં તેમણે કામ શરૂ કર્યું. લગભગ એ જ અરસામાં ગોવાથી પાશ્ચાત્ય સંગીતની તાલિમ લીધેલા જાણકાર વાદકોએ પણ મુંબઈને પોતાની કર્મભૂમિ બનાવી. એ સાથે ફિલ્મી ગીતોનો તખ્તો બદલાવાની શરૂઆત થઈ.

પિયાનો, એકોર્ડીયન, વાયોલીન્સ, ચેલો, ગીટાર અને  ટ્રમ્પેટ, સેક્સોફોન, પાઈપ ફ્લ્યુટ જેવાં પાશ્ચાત્ય વાદ્યો તેમ જ બોન્ગો, કોન્ગો, ડ્રમસેટ જેવાં તાલવાદ્યોનો ઉપયોગ સામાન્ય બનવા લાગ્યો. તેને કારણે દરેક વાદ્ય વગાડનાર સાજીંદા માટે અલગ સ્વરલીપિ લખવાનું ચલણ શરૂ થયું. વાદ્યવૃંદના વિસ્તરવાની સાથે તેના સુચારુ સંચાલન માટે મુખ્ય સંગીતકારોએ સહાયકોની મદદ લેવા માંડી. આ સહાયકો કેવળ સૂચનાનું પલન કરનારા આજ્ઞાંકિતો નહોતા, બલ્કે પોતાના ક્ષેત્રના નિષ્ણાત હતા. તેમની પાસે સંગીતની આગવી સૂઝ હતી. તેમના પ્રવેશને કારણે હિન્દી ફિલ્મીસંગીતનું સાવ નવતર સ્વરૂપ ઘડાવા લાગ્યું. ફિલ્મમાં ગીતોની સંખ્યા વધુ હોય એ સામાન્ય બાબત હતી, પણ એ તમામ ગીતો અલગ અલગ મૂડનાં, જુદું જુદું સંગીત ધરાવતા હતા. 1940 અને 1950નો દાયકો આવાં અનેક યાદગાર ગીતોનો જનક બની રહ્યો.

વિવિધ વાદ્યો થકી ફિલ્મગીતોમાં પ્રદાન કરનારા વાદકો વિશે ‘ફિલ્મસંગીતના નક્શીકારો’ શ્રેણીમાં વિગતે જાણ્યા પછી આ નવી શ્રેણીમાં વિવિધ વાદ્યોના ફિલ્મસંગીતમાં થયેલા પ્રભાવી ઉપયોગ વિશે જણાવવાનો ઉપક્રમ છે. ગીતોની સફળતામાં વાદ્યસંગીતનું પ્રદાન ગણનાપાત્ર રહ્યું છે. એવાં અનેક ગીતો છે કે તેની કોઈ એક પંક્તિ ગાતાંની સાથે એ પંક્તિની પાછળ વાગતા ચોક્કસ વાદ્યનો અંશ અનિવાર્યપણે ગણગણવો જ પડે. જેમ કે, ‘આવારા’(1951)ના ગીત ‘આવારા હૂં’માં ગાયક મુકેશ દ્વારા ગવાયેલું મુખડું ‘આવારા હૂં’ ગણગણ્યા પછી તેની સાથે જ જોડાયેલા હુબહૂ એકોર્ડિયનના જ સ્વર લાગે તેવા હાર્મોનિયમવાદનને ગણગણવું જ પડે.

વધુ એક ઉદાહરણ. ‘આરાધના’ (1969)ના ગીત ‘રૂપ તેરા મસ્તાના’નું મુખડું ‘રૂપ તેરા મસ્તાના, પ્યાર મેરા દીવાના, ભૂલ કોઈ હમ સે ના, હો જાયે’માં ‘જાયે’ પછી વાગતા સેક્સોફોનનો ટુકડો ગણગણીએ નહીં તો મુખડું અધૂરું લાગે.

https://www.youtube.com/watch?v=dyEdcOhxJNQ

વાદનનો આવો અંશ જાણે કે ગાયકીની સાથે વણાઈ ગયો છે! સંગીત સાથે પ્રાથમિક નિસ્બત ધરાવતા મોટા ભાગના લોકો આ વાદ્યો વિશે જાણતાં હોય, પણ ઘણાને ગીતો અને સંગીતમાં રસ હોવા છતાં વાદ્યો વિશે ખ્યાલ ન હોય એમ બને.

આ લેખમાળાનો હેતુ હિન્‍દી ફિલ્મોનાં યાદગાર ગીતમાં વિવિધ વાદ્યોનો પ્રભાવક અને યાદગાર પ્રયોગ થયો હોય તેને અધોરેખિત કરવાનો છે. આમાં ગીતોના રાગ કે ગાયકી વિશે નહીં, પણ તેમાં ઉપયોગમાં લેવાયેલાં ચોક્કસ વાદ્યોના સંગીતના આસ્વાદનો ઉપક્રમ છે. તમામ ગીતોનો સમાવેશ શક્ય નથી, અને ઈચ્છનીય પણ નથી. એમ લેખકોનો આ વિષય બાબતે નિષ્ણાત હોવાનો કોઈ દાવો નથી, કે નથી અસંગત અને બિનજરૂરી વિગતો છાંટીને કોઈને પ્રભાવિત કરી દેવાનો ઉપક્રમ. આથી અહીં અપાતી વિગતો વાદ્યકેન્‍દ્રી અને સંગીતકેન્‍દ્રી જ હશે. એક સહૃદય બીજા સહૃદય સાથે કંઈક વહેંચે એ રીતે આ વિગતો આપવાનો પ્રયાસ રહેશે.

આ લેખમાળા થકી ફિલ્મસંગીતમાં વપરાયેલાં વિવિધ વાદ્યોની પ્રાથમિક સમજ કેળવાય તો પણ ચાહકો માટે એ એક નવું જ રસક્ષેત્ર ખોલી આપશે એ નક્કી છે.

‘વાદ્યવિશેષ’ શ્રેણી દર મહિનાના ચોથા શનિવારે પ્રકાશિત થતી રહેશે.

Author: Web Gurjari

2 thoughts on “વાદ્યવિશેષ : નવી શ્રેણીના પ્રારંભે – પ્રસ્તાવના

  1. આ નવી શ્રેણી જરૂર સંગીતપ્રેમીઓને ગમશે તેમ માનુ છું. જાણકારી માટે ઉત્સુકતા.

Leave a Reply

Your email address will not be published.