બાળ ગગન વિહાર : મણકો – ૧૫ – ઈવાન

શૈલા મુન્શા

“પેલા પંખીને જોઈ મને થાય,
એના જેવી જો પાંખ મળી જાય,
તો આભલે ઉડ્યાં કરૂં,
બસ! ઉડ્યાં કરૂં.

-પિનાકીન ત્રિવેદી

કયું બાળક એવું હશે જેના મનમાં આ કલ્પના નહી જાગી હોય? ઘણીવાર કુદરત કોઈ એવી ચાલ ચાલે છે કે જાણે આ બાળકોની પાંખ કપાઈ ગઈ હોય એવું લાગે છે.

ઈવાનને જ્યારે જ્યારે જોઉં છું, ત્યારે અચૂક આ પંક્તિ મારા મનમા રમી રહે છે.

પાંચ વર્ષનો ઈવાન મસ્ત મજાનો છોકરો. વાંકડિયા વાળ અને હસે ત્યારે સરસ મજાના ગાલમાં ખાડા પડે જે એના હાસ્યને વધુ લોભામણુ બનાવી દે. માતા પિતા ઈથોપિયાથી અમેરિકા આવીને વસ્યા. બે વર્ષથી ઈવાન અમારા સ્પેસિઅલ નીડના ક્લાસમાં છે. જ્યારે આવ્યો ત્યારે ખાસ બોલતો નહોતો પણ ધીરે ધીરે વાચા ખૂલવા માંડી. અમારા આ ઈવાનભાઈની એક ખાસિયત કે દરેક કામ અમુક પધ્ધતિસર જ થવું જોઈએ. આમ તો લગભગ બધા Autistic બાળકોની અમુક ખાસ રીત કે ખાસિયત હોય જ છે.

ઈવાનની ખાસિયત કે જો દરરોજ સવારે નાસ્તાના સમયે એના દુધનુ કેન મીસ મેરી ખોલી આપતી હોય તો બીજા કોઈથી ના ખોલાય. જો ભૂલથી પણ મેં હાથ લગાડ્યો તો ચીસાચીસ કરી મુકે. ક્લાસમાંથી બહાર જતી વખતે જો મારી આંગળી પકડે તો તો પછી બીજા કોઈ સાથે ના જાય.

એને રમતના મેદાનમાં રમવું ખૂબ ગમે, આકાશે ઊડતા પંખીને જોઈ એના ચહેરા પર અનોખી ચમક આવી જાય, જાણે એ પણ આ પંખીઓ સાથે ગગન વિહાર કરવા માંગતો હોય!

ઈવાનની એક લાક્ષણિકતા કે સહજતાથી બીજા ક્લાસના બાળકો સાથે પણ ભળી જાય અને પ્રેમથી રમે. થોડા દિવસ પહેલાની વાત છે, પહેલા ધોરણના બાળકો પણ રિસેસમાં અમારી સાથે મેદાનમાં હતા. બધા સરસ રીતે રમતા હતા અને ઈવાન એકદમ રડતો અને ચીસ પાડતો અમારી પાસે આવ્યો, અમે એને કાંઈ સવાલ કરીએ તે પહેલા તો મારા ક્લાસના બીજા બાળકો દોડી આવ્યા અને કહેવા માંડ્યા કે પહેલા ધોરણના માઈકલે ઈવાનને જોરથી પેટમાં ગુંબો માર્યો છે. અમે માઇકલને બોલાવ્યો, સમજાવ્યો કે આવું ના કરાય અને એને ઈવાનની માફી માંગવાનુ કહ્યું. ઈવાનને પણ સમજાવ્યો કે માઇકલ તારો દોસ્ત છે અને બન્નેના હાથ મિલાવી એમને રમવા પાછા મોક્લ્યા. માઇકલ તો રમવા ભાગી ગયો, પણ ઈવાન જે ડરી ગયો તે ત્યાર પછી રોજ અમે જ્યારે પણ રમતના મેદાન પર જઈએ ઈવાન રમવા જવા તૈયાર જ નહિ. અમારી સાથે જ બેસી રહે. એનો ડર કાઢવા ઘણો પ્રયાસ કર્યો, પણ એ વાત એના મનમાંથી નીકળી જ નહિ.

એક દિવસ તો હદ થઈ ગઈ. હું બાળકોને સંગીતના ક્લાસમાં લઈ જતી હતી. અમારા ક્લાસ સાથે પહેલા ધોરણના બાળકો પણ આવતા હોય. એ દિવસે જે ક્લાસના બળકો આવ્યા એ માઈકલનો ક્લાસ હતો. આઘેથી જ એ ક્લાસને જોતાં જ ઈવાન વાંદરીનુ બચ્ચું જેમ માને વળગે તેમ કુદકો મારીને મને વળગી પડ્યો અને ચીસાચીસ કરી મુકી કે ના મારે સંગીતના ક્લાસમાં નથી જવું, અને રડતો ચીસ પાડતો અમારા ક્લાસ તરફ ભાગવા માંડ્યો. મારી તો દશા સુડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ. મારી સાથે બીજા આઠ નાના બાળકો હતા એમને એકલા છોડી ને મારાથી ઈવાન પાછળ પણ ના જવાય, અને ઈવાનભાઈ તો ભૂત પાછળ પડ્યું હોય તેમ નાસવા માંડ્યો હતો. અનોખી વાત તો એ હતી કે માઈકલ તો તે દિવસે સ્કૂલમાં આવ્યો જ ન્હોતો,પણ એ ક્લાસને જોતાં જ જે ડર એ ક્લાસનો ઈવાનના મનમાં પેસી ગયો હતો એને લઈને ઈવાન ભાગ્યો હતો.

આ ડર એના મનમાંથી કાઢવો એ અમારા માટે એક કસોટીનો વિષય બની ગયો હતો. ત્યારે તો મારી મદદે સંગીત ક્લાસના સર આવ્યા અને મારા બાળકો ને એમણે સંભાળ્યા ને હું ઈવાનને પાછો અમારા ક્લાસમાં લઈ ગઈ ને મીસ મેરીના હવાલે કર્યો.

આટલા નાના બાળકો અને ખાસ તો અમુક પ્રકારની માનસિક હાલત વાળા બાળકને કેમ સમજાવવો અને કેવી રીતે એને ડર દુર કરવો એ મારા માટે પણ એક મોટી સમસ્યા હતી.

આ ડરના કારણે ઈવાનની પ્રગતિમાં અવરોધ આવતો હતો અને કોઈ પણ બાળકનો વિકાસ અટકે એ કોઈ સમસ્યાનુ સમાધાન નહોતું.

એક શિક્ષિકાની સાથે હું એક માતા હતી અને તે પણ ભારતીય!! મારું એ સૌભાગ્ય હતું કે મારી સાથે કામ કરતી યુવાન મીસ મેરી હમેશ મને માન આપતી અને હું કોઈ નવો પ્રયોગ બાળકોના હિતમાં કરવા માંગુ તો મને હમેશ પ્રોત્સાહિત કરતી અને સાથ આપતી.

ઈવાનના મનનો ડર દૂર કરવો અનિવાર્ય હતો. સહુ પ્રથમ અમે એવો સમય પસંદ કર્યો જ્યારે રમતના મેદાનમાં અમારા ક્લાસ સિવાય બીજું કોઈ ના હોય. ધીરે ધીરે ઈવાન ક્લાસના બાળકો સાથે આનંદથી રમવા લાગ્યો, અમે ક્લાસના બીજા થોડા મોટા બાળકોને લસરપટ્ટી પર રમતાં અને એકબીજાને ધક્કામુક્કી કરતાં ઈવાનને બતાડ્યા અને એને હું સાથે લસરપટ્ટી પર લઈ ગઈ. જાણી જોઈ મેં ઈવાનને હળવો ધક્કો માર્યો અને એ પડવા જાય તે પહેલા પકડી લીધો અને તરત sorry, sorry Ivan કહેતા એને બાથમાં લઈ લીધો

ઈવાનને મેં હાથ મિલાવી કહ્યું ”friends!!” અને એ હસી પડ્યો.

અમે માઈકલને બોલાવી જ રાખ્યો હતો, એ પણ તરત દોડી આવ્યો, ઈવાનને ભેટી કહેવા લાગ્યો “friends??”

મારો અને મેરીનો જીવ તો તાળવે ચોંટ્યો હતો પણ અમારી અજાયબી વચ્ચે ઈવાન પણ હસી પડ્યો, મારી સામે જોઈ કહે “Ms. munshaw friends” અને કાંઈ થયું ના હોય એમ માઈકલ સાથે રમવા માંડ્યો.

તે દિવસથી ઈવાનનો ડર નીકળી ગયો.

આ ઈવાનની જ નહિ બધા બાળકોની વાત છે, ભલે એ દિવ્યાંગ બાળક હોય કે સામાન્ય!!

નેહ અને પ્રેમભરી સમજાવટ હમેશ ધાર્યું પરિણામ લાવે છે.

ઈવાન અને આવા અગણિત બાળકો અમને પણ રોજ નવું શીખવે છે. એમની તકલીફોને મારી ગણી એમાંથી રસ્તો કાઢવાનો પ્રયાસ મારામાં વધુ શક્તિનો સંચાર કરે છે અને એ નિર્દોષ, માસુમ હાસ્ય નવી ઉર્જાનો સંચાર!!

મારા આ ચમકતા સિતારા નભોમંડળમાં ચાંદની નહિ પણ ટમટમતું તેજ જરુર રેલાવશે એ વિશ્વાસ સહિત,

અસ્તુ,


સુશ્રી શૈલાબેન મુન્શાનો સંપર્ક smunshaw22@yahoo.co.in  સરનામે થઈ શકે છે.

Author: Web Gurjari

1 thought on “બાળ ગગન વિહાર : મણકો – ૧૫ – ઈવાન

  1. Shaila,
    As usual you have really narrated in detail and perfectly written and described.You are really blessed by ‘Ma Saraswati’ .The way you have described is like any suspense movies,keeping your readers in such state of inquisitive mind that i was spell bound and awaiting that what solution you have found to remove fear of Ivan.As a good teacher you have tackled Ivan in such a nice manner that you could suceed in removing not only fear from his mind but at the same time you have motivated him to become friend of Michael too.You are really great not only in the minds of all your readers/teachers but above all your Austic Children.May Almighty bless you.

Leave a Reply

Your email address will not be published.