તપસ્વિની ભાગ-3 (અંતિમ)

કલમના કસબી : કનૈયાલાલ મુનશી

રીટા જાની

મુનશીની કલમના કસબનો પ્રભાવ આપણે સહુ અનુભવી રહ્યા છીએ. વિવિધ પાત્રો દ્વારા રજૂ થતી અંગત સૃષ્ટિની રંગપૂરણી ક્યારે રંગોળીની સર્વાંગી સુંદરતા પ્રાપ્ત કરે તેવી વિસ્મયી સૃષ્ટિમાં આપણે પહોંચી જઈએ છીએ.

દૃશ્ય છે બારડોલી સત્યાગ્રહનું…

સામ્યવાદના પ્રચારનો ઉદ્દેશ રાખતો રવિ પક્ષના નેતાઓએ સોંપેલું કાર્ય કરવા કોંગ્રેસમાં જોડાય છે. તે હકીકતે દેશભકિતનો દંભ કરે છે પણ તેનો હેતુ છે વર્ગવિગ્રહ સર્જવાનો. વાક્ચાતુર્યથી સહુને આંજી દેવાની ફાવટ સાથે તેનો પ્રવેશ થાય છે. તે છે ટ્રોયનો ઘોડો .

બારડોલીના સત્યાગ્રહના વાતાવરણમાં રવિ ઉદયનો સેક્રેટરી બને છે. સામ્યવાદી  વાતાવરણથી અલગ અહીં તે સહકાર, સમર્પણ અને સંયમથી ઓપતા ઉદય અને શીલાના સંપર્કમાં આવે છે. આ બંને સરદાર સાહેબથી પ્રભાવિત પણ છે અને સત્યાગ્રહના પ્રચારક પણ છે. સરદાર સાહેબના કહેવાથી ઉદય ધારાસભાની ચુંટણીમાં ચૂંટાય છે. રવિ  ઉદય , રાજબા  અને શીલાને નજીકથી જુએ છે અને પ્રભાવિત થાય છે.

‘તપસ્વિની’ માત્ર નવલકથા નથી પણ મુનશીના આદર્શ સ્ત્રી પાત્રોનું ચિત્રણ છે. ઉદયની નવલકથા તપસ્વિનીથી પ્રભાવિત શીલા પતિ રાધારમણના વિલાસી પ્રેમથી પીડિત છે અને તેની તૃષા છે એવા પ્રણયની જ્યાં પ્રેમ આત્મસમર્પણ પણ છે અને આત્માનું સમર્પણ પણ છે અને તેથી તે ઉદયના સહચારમાં તેવો નિર્મળ પ્રેમ પામે છે.  પ્રેમનું બંધન સમાજના બંધનથી ઉપર છે અને શારીરિક જ નહિ પણ આત્માની સહયાત્રા છે. તે માત્ર મિલન નથી પણ ભક્તિ છે, તપ છે અને તપના અંતે મળતું વરદાન કે આત્મસિદ્ધિ પણ છે. ‘તપસ્વિની’નો આ ધ્વનિ શીલાના પાત્રમાં વ્યક્ત થાય છે.

બીજી તરફ ઉદયની બહેન રાજબા ઉદયના સેક્રેટરી રવિના આકર્ષણનું કેન્દ્ર બને છે. રવિ કમ્યુનિસ્ટ હોવા છતાં દાદા ગણપતિશંકર ત્રિપાઠીના કારણે સંસ્કૃત અને શાસ્ત્રથી પરિચિત છે. તેને માટે રાજ રહસ્યમય સ્ત્રી છે. રાજ અગમ્ય , નિર્દોષ મૂર્તિ સમાન છે પણ રવિને મોહિની લાગે છે. રાજ ભારતીયતામાં ઓતપ્રોત છે. તેને ગીતા અને વેદવ્યાસનું ભારતીય તત્વજ્ઞાન દરેક પળે દોરવણી આપે છે. તેને ભાઈ ઉદય પ્રત્યેનો પ્રેમ અદભુત છે અને ભાઈ ઉદયને પણ રાજને અનુરૂપ જીવનસાથી પ્રાપ્ત થાય તેની હોંશ છે. રાજને કોઈ દુન્યવી મોહ નથી. રાજ માને છે કે સ્ત્રી અને પુરુષનો સંબંધ દિવ્ય છે અને એક સહ તપશ્ચર્યા છે.  પ્રેમ એ અપૂર્વ એકતા આપતો સૌંદર્ય સંબંધ છે.

વાર્તાપ્રવાહ આગળ વધે છે અને આ તરફ પતિ રાધારમણ દ્વારા અપમાનિત શીલા ગૃહત્યાગ કરે છે. તો બીજી તરફ ઉદય સરદારના સહાયક બની પૂના જાય છે અને અંતે બારડોલી સમાધાન આકાર લે છે. પણ શીલાના વિરહમાં ઉદય બિમાર થાય છે અને હોસ્પિટલમાં સરદાર સાહેબ તેની મુલાકાત લે છે અને સૂચવે છે કે તેણે હવાફેર માટે યુરોપ જવું. રાજ ઉદયને ખબર આપે છે કે શીલા યુરોપમાં છે. ઉદય પર્વતીય પ્રદેશની રમણીયતાનો આસ્વાદ લેતો લેક કોમોના તીરે પહોંચે છે, જ્યાં તેની સ્વપ્નમૂર્તિ શીલા મળે છે.

પણ શીલા તપસ્વિની મટીને ઉદયની દાસી બનવા માગે છે તો ઉદય પણ તેને તપસ્વિનીના બદલે પ્રિયતમા કહેવા તૈયાર છે. પણ કર્તવ્ય અને હૃદયની વચ્ચે ઝોલાં ખાઈ રહેલા આ સ્વપ્નની શરૂઆતનો અંત આવે છે સ્વીટઝર્લેન્ડમાં.  શીલા કહે છે કે તપ વિના સૌંદર્ય નથી આવતું , તૃપ્તિમાં એ નહીં જડે અને તપના અંતે સિદ્ધિ પણ આવે. આ સ્વપ્નનો, મિલનનો અંત આવે છે રાધારમણના પત્રથી. પત્ર પ્રમાણે રાધારમણ પેરિસમાં બિમાર છે અને શીલાને મોકલવા ઉદયને વિનંતી કરે છે. ભગ્નહૃદય શીલાના શબ્દમાં ‘આખરે રાજાએ કવિ અને તપસ્વિનીનો શિરચ્છેદ કર્યો ખરો’.

શીલા અને ઉદય સ્ટીમરમાં મુંબઇ આવે છે. સાથે છે  રાધારમણ – બિમાર પણ કુટિલ .

અહીં મુંબઈમાં પ્રસ્તુત છે એક નવું દૃશ્ય ….

રવિ મહારાણી હંસકુંવરબા અને તેમના માતાની સેવામાં રવજી શેઠના કહેવાથી લાગે છે. હંસકુંવરબાના બિમાર માતાનું સ્ટવ વડે દાઝી જવાથી ભેદી મૃત્યુ થાય છે. આ કાવતરામાંથી રાજબાની અંત:દૃષ્ટિના લીધે રવિ બચે છે અને કૃતજ્ઞ બને છે. હંસકુંવરબા ઉદયને મળવા આવે છે અને કહે છે કે ઉદય તેને માટે સોગંદનામુ કરી આપે જેથી તેમને મહારાજા સાહેબના આઠ લાખ રૂપિયા મળે. ઉદય કહે છે નાણાં ચૂકવાઈ ગયેલ છે તેથી તે અશક્ય છે.

આ તરફ રવિ ઉદય અને શીલાના પ્રણયની નિર્મળતા અને આત્મસમર્પણ વડે મુગ્ધ થાય છે અને ભૂતકાળમાં શીલાએ તેને સોંપેલા કાગળોમાંથી મળેલ કવિનો પ્રેમપત્ર જે તેણે રાખી મૂકેલો તે પરત કરવા નક્કી કરે છે. પત્ર હકીકતે તપસ્વિની નવલકથાને માટે છે, પણ રવિ તે શીલા માટે છે તેમ માને છે.  સત્ય સમજાઈ જવાથી તે રજિસ્ટર્ડ ટપાલથી શીલાને મોકલે છે. આ પત્ર ગુમ થયા બાદ ફરીથી શીલાને મળે છે. તેનું કારણ રાધારમણ છે, જેણે તેની છબી પડાવી લીધી હોય છે. તે છબી વડે શીલાને ધમકી અપાય છે કે ‘સનાતન ધર્મ ‘ના તંત્રી કાલિદાસ તે પ્રગટ કરશે. શીલા ઉદયને જાણ કરે છે. ઉદય  કાલિદાસને ચામડાના સાટકાથી ફટકારવા કહે છે. પરિણામે કાલિદાસ માફી પત્ર લખી આપે છે.  ઉદય રાધારમણની ઉપસ્થિતિમાં આ પત્ર શીલાને વાંચી સંભળાવી રાધારમણની ચાલબાજી ખુલ્લી પાડે છે.

સમય એક પ્રવાહ છે, જે ઘણા બધા સમાંતર પ્રવાહોને સાથે લઈ ચાલે છે. ઉપરની બધી જ ઘટનાઓ આકાર લે છે પરંતુ સાથે જ તવારીખમાં વિલીન થાય છે સ્વાતંત્ર્ય સંગ્રામનું એક અગત્યનું પૃષ્ઠ, જેનો સમય છે દાંડી સત્યાગ્રહ.  હિન્દની લોક ચેતના જાગી ઊઠી છે. પૂર્ણ સ્વરાજની પ્રતિજ્ઞા લેવાય છે અને પૂર્ણ સ્વરાજ દિન ઉજવાય છે 26 જાન્યુઆરી 1930 ના રોજ. ગાંધીજી 12માર્ચ 1930ના રોજ દાંડીકૂચ યોજી મીઠાનો સત્યાગ્રહ કરે છે. રવિ રાજબાને કહે છે કે ઉદયે પણ હવે અગ્રેસર થવું.  પણ ઉદય તૈયાર નથી. રાજ તેને કહે છે ભગવાન વેદવ્યાસના દર્શનથી આ આદેશ છે. ઉદય માનતો નથી, પણ રાજ તેને ખાતરી કરાવે છે. ધારાસભાના સભ્ય ઉદયને સત્યાગ્રહના પરિણામે મળે છે છ મહિનાની કેદ. શીલા પણ હવે તે જ રસ્તે છે અને રવિની સૂચનાથી નેતાગીરી લે છે અને વડાલા મીઠાના અગર પર દરોડો પાડવા જાય છે.

કોંગ્રેસમાં પહોંચેલા રવિને ગાંધીજીના સિદ્ધાંતોમાં વિશ્વાસ નહોતો. તે તો હતો વિપ્લવ ઝંખના ધરાવનાર વૃંદનો સહયોગી. પરંતુ  રાજનો આત્મસમર્પણનો નિશ્ચય જાણી રવિની પ્રભાવ ઘેલછા અને અહંકાર અદ્રશ્ય થાય છે. તે આત્મતિરસ્કાર અનુભવે છે અને રાજને કહે છે: “રાજબા, તમે મારું સત્ય છો  સૌંદર્ય છો , તમારો પ્રણય પામવાની લાલસા મેં સેવી હતી પણ હું તમારે યોગ્ય નથી.”

રાજ કહે છે કે તે ઉદયને માટે પોતાની આહુતિ આપવા તૈયાર છે. રવિ તેની પ્રવૃત્તિના પરિણામે જેલમાં જાય છે. જેલમાં એક દિવસ તેને રાજનો પત્ર મળે છે :

કંઇક આ પ્રમાણે…

“પ્રિય રવિ…

તું મને પત્ની તરીકે સ્વીકારશે કે?… મને કાલે આદેશ મળ્યો છે.. વાચા , મન અને કર્મે કરીને રવિ જોડે એકાકાર થઈ જા. આજે હું તારી વચનદત્તા નહીં પણ આદેશદત્તા બની ગઈ છું …પાણિગ્રહણથી, સંસારી સંબંધથી તેમ જ સાહચર્યને પ્રેમના બંધનોથી પર આત્માની લગ્નવિધી છે. તે વિધિ વડે હું મારો પ્રાણ તારા પ્રાણને અર્પણ કરું છું. તું સ્વીકારે તેની રાહ જોઉં છું….આવ , આવ જલ્દી આવ.”

પરંતુ રવિના નસીબમાં કંઇક બીજું જ નિર્માણ થયું હતું.

વિધિનું નિર્માણ કહો કે ભગવાન વેદવ્યાસનો આદેશ…

રવિ જેલ તોડી તેના વિપ્લવી સાથીઓને મળે છે, ટ્રેનમાં સરકારી તિજોરીની લૂંટના કેસને પરિણામે તેને ફાંસીની સજા થાય છે. પણ તેને આનંદ છે તેના સાથીદારોને નિર્દોષ છોડાવવાનો અને તેથી વિશેષ મરણનો ડર નથી. મૃત્યુ પર તે સ્વામિત્વ મેળવે છે. રવિ અનુભવે છે કે તે સનાતન છે. તેને હવે સ્વાતંત્ર્યનું હાર્દ સમજાય છે. શું અંગ્રેજોને કાઢવા એ જ સ્વાતંત્ર્ય છે? ના, ખરું સ્વાતંત્ર્ય છે મનુષ્યનું ઉદાત્તપણું. તેને રાજની સિદ્ધિ સમજાઈ. આ સિદ્ધિ વિદ્વતા નહિ, પણ અહંભાવનો વિનાશ કરીને મળે. વ્યક્તિત્વઘડતર એ હૃદય પરિવર્તનથી થાય. આ શક્તિ અંતરની છે. જેલર ખુશખબર આપે છે, રાજનો તાર મળે છે. રવિની ફાંસીની સજા રદ થાય છે અને હવે ચૌદ વર્ષની સખત કેદ.  પણ રવિ તો આમરણ અનશન કરે છે. તેને દિવ્યમૂર્તિ રાજના દર્શન થાય છે.  આમરણ અનશન તોડાવવાના સરકારી પ્રયત્નો નિષ્ફળ જાય છે.

અંતિમ દૃશ્ય. …

રવિની બેહોશી તૂટે છે રાજના સ્વરથી..પ્રેરણામુર્તિ, દિવ્યમૂર્તિ રાજ તેને મોસંબીનો રસ પાઇ રહી છે. નયનો મળે છે.. એ નયનો જે તેણે સ્વપ્નમાં જાગતાં જોયેલાં …તેને અમર થવું હતું, મરીને ..પ્રભાવ દેખાડવો હતો…પણ પ્રભાવ માત્ર સમર્પણથી નહી, અહંભાવના નાશથી મળે છે તે સત્ય રવિને સમજાયું. અહંભાવના નાશનો આ પ્રભાવ છે રાજના નયનોમાં…

અહંકારનો નાશ એ જ સિદ્ધિ. અને તપ વિના સિદ્ધિ નથી.

નવલકથા પૂર્ણ થાય છે, પણ આપણી વિચારમાળાના મણકા પૂર્ણ થતા નથી. તપસ્વિની આપણને દોરે છે જીવનસિદ્ધિ તરફ, સમર્પણ તરફ. આ જ છે સંદેશ ભારતીય વૈદિક પરંપરાનો, ભગવાન વેદવ્યાસનો, ‘તપસ્વિની’નો .


સુશ્રી રીટાબેન જાનીનો સંપર્ક janirita@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.