આપણું આગવું ચોમાસું

પુસ્તક પરિચય

પરિચાયકઃ દીપક ધોળકિયા

આપણું આગવું ચોમાસું  

(વરસાદ અને ચોમાસાં વિશે વૈજ્ઞાનિક માહિતી)

             : લેખકઃ ડૉ. પરેશ ર, વૈદ્ય

કૃષ્ણ ભગવાને ઇંદ્ર દેવતાની પૂજા બંધ કરાવી એટલે એ ક્રોધે ભરાયા અને મથુરા, વૃંદાવન, ગોકુળમાં બારે મેઘ ખાંગા થયા. શેરીઓમાં એક-દોઢ માથોડું પાણી. ઘરો ડૂબવા લાગ્યાં. ગાયો તણાવા લાગી. માણસો ત્રાહીમામ પોકારી ઊઠ્યા. કૃષ્ણે બધાને  હિંમત આપી અને ગોવર્ધન પર્વત પાસે લઈ ગયા. ત્યાં એમણે ટચલી આંગળીએ ગોવર્ધન ઉપાડ્યો અને ગામ આખું પર્વતની મહા છત્રી નીચે સુરક્ષિત થઈ ગયું. કથાઓની  વાત જુદી છે, અહીં એ વિચારીએ કે થયું શું હશે?  વાદળ ફાટ્યું?

બીજી એવી જ ઘટના છે. કૃષ્ણે અર્જુનને મોકલ્યો કે દ્વારકા ડૂબવાની છે, તું જઈને બધાંને બહાર કાઢી લાવ. અર્જુન ગયો અને બધાંને દ્વારકાથી લઈ આવ્યો. એમણે નગર છોડ્યું  કે તરત જ દરિયો ગાંડો થયો. ઊંચાં ઊંચાં મોજાં ઊછળ્યાં અને આખી દ્વારકાને તાણીને લઈ ગયો. ભગવાન સૃષ્ટિની રચના કરે પણ એના કામમાં માથું ન મારે. કૃષ્ણે આગાહી કરી પણ દ્વારકાના વિનાશને રોક્યો નહીં. પણ એ શું હશે? ત્સુનામી હશે?

૦૦૦

આવા સવાલોના જવાબ માટે આપણે વરસાદનો, વાદળનો, વાવાઝોડાંનો અભ્યાસ કરવો પડે. આજે પર્યાવરણ વિફર્યું છે ત્યારે તો આ સમજવાનું બહુ જરૂરી બની જાય છે.  આ જરૂર સંતોષવા માટે ભાભા પરમાણુ સંશોધન કેન્દ્રમાં પરમાણુ ઈંધણ વિભાગમાંથી ઉચ્ચ પદે નિવૃત્ત થયેલા વૈજ્ઞાનિક અને વેબગુર્જરીના લેખક ડૉ. પરેશ ર. વૈદ્યે એક પુસ્તક લખ્યું છેઃ “આપણું આગવું ચોમાસું”. અહીં એની ઝલક આપવાનો પ્રયાસ કર્યો છે.

પુસ્તક અત્યારે તો અમેઝોનની કિંડલ આવૃત્તિ તરીકે મળે છે અને એની કિંમત ૧૪૦ રૂપિયા છે.

આ જ પુસ્તક બે મહિનામાં ‘ભારતીય ચોમાસું’ના નામે મુંબઈના નવભારત સાહિત્ય મંદિર દ્વારા પ્રકાશિત થશે. (nsmmum@yahoo.co.in).

પુસ્તક સરળ અને વાતચીતની ભાષામાં લખાયેલું છે અને  ઉદાહરણો પણ સામાન્ય જીવનમાંથી  લીધેલાં છે એટલે કોઈ પણ તબક્કે એમ ન લાગે કે આપણે બહુ ગહન વૈજ્ઞાનિક વાત વાંચીએ છીએ. ડૉ. વૈદ્ય પ્રસ્તાવનામાં જ રસપ્રદ વાત કરે છેઃ “આપણા દેશ માટે ચોમાસું એટલે માત્ર વરસાદ નથી. તેને વીંટળાઈને આપણી આખી સંસ્કૃતિ પડી છે. સૌંદર્ય, રિવાજો, ધર્મ, પ્રેમ, સમાજકારણ અને અર્થકારણ…”  લેખકે ફિલ્મોની પણ ઉપેક્ષા નથી કરી અને દરેક પ્રકરણને અંતે એના વિષયવસ્તુને સ્પર્શતું એક વર્ષા ગીત ફિલ્મમાંથી મૂક્યું છે, જે યૂ-ટ્યૂબ પર ઉપલબ્ધ છે. આ રીતે આ પુસ્તક વાચક સાથે સીધો સંબંધ સ્થાપે છે અને વરસાદને એની સમગ્રતામાં જોવા પ્રેરે છે.

સુજલા-સુફલા ભારત ભૂમિની આબોહવા એકસરખી નથી અને જાણવા જેવી વાત એ છે કે આપણે પૃથ્વી પર એવી જગ્યાએ છીએ કે ચોમાસાની ઋતુ માત્ર આપણે ત્યાં  અને બીજા અમુક પ્રદેશોમાં  છે, પણ યુરોપને આ લાભ નથી મળતો. ત્યાં ચોમાસા જેવી કોઈ ઋતુ જ નથી. વરસાદને મન થાય ત્યારે વરસી જાય. લંડનમાં તો જે દિવસે આપણે છત્રી ઘરે ભૂલી ગયા હોઈએ તે દિવસે તો વરસાદ પડે જ!

વિષુવવૃત્ત પાસેના પ્રદેશોમાં જ ચોમાસાની મોસમ હોઈ શકે. ભારતની જેમ ચોમાસાની મઝા મલેશિયા-ઇંડોનેશિયાના અમુક ભાગ કે ન્યૂ ઝીલેંડના અમુક પ્રદેશને મળે  છે.  ભારત એક જ એવો આખો પ્રદેશ છે (એટલે કે પાકિસ્તાન અને બાંગ્લાદેશ પણ) કે જેને ચોમાસાની મઝા માણવા મળે છે. ડૉ. વૈદ્ય દેખાડે છે કે આપણા ચોમાસાની શરૂઆત અને અંત પણ નિશ્ચિત છે અને પાણીથી લબાલબ ભરેલાં વાદળોનું વહન કરતા પવનોનો માર્ગ પણ નિશ્ચિત છે અને એટલે સુધી કે તારીખો કહી શકાય.  માર્ગ નક્કી ન હોત તો કાલિદાસનો વિરહી યક્ષ પ્રેયસીને સંદેશ કેમ મોકલી શક્યો હોત? યક્ષને ખબર હતી કે વરસાદ આવશે અને અમુક માર્ગે જ આગળ વધશે. શેક્સ્પીઅરે તો એવું કંઈ કર્યું નહીં.  આપણા કેટલાયે લોકકવિઓએ મેઘાના મલાવા કર્યા છે તો ફિલ્મોમાં પણ વરસાદનો મહિમા અનોખો છે. રાજ કપૂર અને નરગિસનું ‘પ્યાર હુઆ, ઇકરાર હુઆ…” પુસ્તકના મુખપૃષ્ઠ પર જ ઊપસ્યું છે. કવિઓ અને સાહિત્યકારોની વાત જવા દો,  આપણા ખેડૂતો પણ,  કવિતાઓથી પેટ ન ભરાય એ જાણે સમજતા હોય તેમ, આપણાં પેટ ભરાય એવી ચિંતામાં નેજવાં કરીને આભ ભણી મીટ માંડતા રહ્યા છે.

ચોમાસાની સર્વાંગી માહિતી આ પુસ્તકમાંથી મળી શકશે. લેખકે વિજ્ઞાનની સાથે સાહિત્ય અને સંગીતનો પણ સંગમ કર્યો છે. વળી ભાષા આઠમા-નવમા ધોરણના વિદ્યાર્થીઓ માટેની રાખી છે એટલે ઘણી અવધારણાઓ સહેલાઈથી સમજાય છે. આમ તો ઘણી સાદી વાતોના ઊંડાણમાં આપણે ઊતરતા નથી એટલે ધારો કે કોઈ બાળક આપણને સવાલ પૂછી લે તો આપણે એને સાચો અને વૈજ્ઞાનિક જવાબ આપી શકીએ? દાખલા તરીકે,  વાદળાં કેમ બંધાય, એમાં સમુદ્ર કે પર્વતોનો ફાળો શું, ભેજ એટલે શું? આવા ઘણા સવાલ છે જેનો વૈજ્ઞાનિક જવાબ આપવા માટે આપણે તૈયાર છીએ કે કેમ તે વિચારવા જેવું છે. દાખલા તરીકે વીજળી કેમ થાય છે? ‘વીજળી થવી’ અને ‘વીજળી પડવી’ એ બન્ને ઘટનાઓ એક જ ક્રિયા અથવા વિજ્ઞાનના નિયમને અનુસરે છે.  આમ છતાં બન્ને વચ્ચે કેટલો મોટો ભેદ છે! પરંતુ આપણે એ નથી જાણતા હોતા કે વીજળી થતી હોય તે વખતે ધરતીમાંથી પણ ઘન વીજભારવાળા કણોની સેર નીકળે છે જે આપણને દેખાતી નથી પણ એ વીજળીને આકર્ષીને લઈ આવે છે.

આપણે નસીબદાર છીએ કે બે બાજુથી પવનો પાણી ભરેલાં વાદળો લઈને આવે છેઃ એક તો દક્ષિણમાં હિંદ મહાસાગરમાંથી અને બીજું બંગાળના ઉપસાગરમાંથી.  કાલિદાસ ઉજ્જૈનમાં રહેતો અને રામટેકના ડૂંગર પર એણે ઘટાટોપ વાદળ જોયાં અને એણે એને પોતાના કાવ્યમાં ટપાલી તરીક જોતરી દીધો.. ઉજ્જૈન બંગાળના ઉપસાગરના પવનના માર્ગે આવેલું છે, એટલે મેઘદૂત વાંચીએ તો બંગાળના ઉપસાગરમાંથી આવેલા ચોમાસાના માર્ગનો પણ ખ્યાલ આવી જાય.

કેટલીક વાતો આપણે કદાચ જાણતા હોઈશું કે પહેલો વરસાદ પડે ત્યારે માટીની ભીની સુગંધ કેમ આવે છે. ડૉ. વૈદ્ય સમજાવે છે કે એ ખરેખર તો જીવાણુની ગંધ છે. એ ધૂળમાં અચેત થઈને પડ્યાં હોય છે. પાણીનો સ્પર્શ થતાં એ સક્રિય બને છે અને ખાસ જાતની સુગંધ છોડે છે.

 વરસાદ પછી  ઘણી જાતની જીવાત દેખાય છે. આમાં લાલ ચમકતા, સુંવાળા મખમલી કીડા  પણ હતા. (હજી છે કે નહીં તે ખબર નથી). ઓચિંતા દેખાય છે.  એને કચ્છીમાં ‘મીં જો મામો’ (મેઘના મામા) કહે છે. જેવો વરસાદ પડે કે મામા પણ હરતાફરતા દેખાય!  એને Trombidiidae (Trombidium holosericeum ) કહે છે. હવે તો જંતુનાશકો, રાસાયણિક ખાતરો વગેરેના વપરાશથી આવા તો અનેક જીવો નાશ પામ્યા હશે.કદાચ મેઘના મામાનુંય નિકંદન નીકળી ગયું હોય; ‘બચપન કે વોહ દિન’ પછી વર્ષોથી એમનો ભેટો નથી થયો.

એ જ રીતે મેઘલી રાતે મૂસળધાર વરસાદ પછી સવારે ઉઘાડ થાય ત્યારે આકાશ આસમાની રંગે ચમકતું હોય અને વાતાવરણ મહેકતું હોય. આનું કારણ શું? કંઈ નહીં, એ ઓઝોન વાયુને કારણે છે. વીજળીને કારણે ઑક્સીજન (O2)ના કેટલાક અણુ O3 એટલે કે ઓઝોનમાં પરિવર્તિત થઈ જાય છે.

કચ્છ અને રાજસ્થાન પર બે પ્રવાહ આવે છે. એક અરબી સમુદ્રમાંથી આવે છે પણ એ જમીન પર અમુક ખૂણે દાખલ થાય છે. આ કારણે કચ્છ અને રાજસ્થાનમાં જેસલમેર અને બાડમેર એની ડાબી બાજુ રહી જાય છે એટલે  બન્ને પ્રદેશો વરસાદની આતુરતાથી રાહ જોતા હોય અને મેઘરાજા તો દૂરથી જ રામરામ કરીને નીકળી જાય છે.પણ બંગાળના ઉપસાગરનો પ્રવાહ આવે છે ત્યારે વરસાદ પડે છે. જો કે આ વર્ષે અરબી સમુદ્રનો પ્રવાહ પણ મહેરબાન રહ્યો. આ પ્રવાહો આગળ જતાં ચોમાસું ઢીલું પડવા લાગે છે. આવો વિષય સરળતાથી સમજાવવો એ મહત્ત્વની વાત છે. દાખલા તરીકે લેખક કહે છે કે ચોમાસાને ‘આળસ’ આવે છે! એમણે દાખલો આપ્યો છે કે  ગોવાથી મુંબઈનું ૪૫૦ કિ. મી.નું અંતર કાપતાં ચાર દિવસ લાગે છે પણ કચ્છમાં બન્નીથી રાજકોટ સુધીનું માત્ર ૧૫૦ કિ. મી. નું અંતર કાપતાં ૧૫ દિવસ લાગી જાય છે! એના આળસે અમારા જેવા કચ્છીઓને બહુ દુઃખી કર્યા છે. માંડ ત્રણ વર્ષે એક વાર સારો વરસાદ પડે. એમાં પહેલવહેલા વરસાદમાં છત્રી લઈને નીકળ્યા હો તો કોઈક ઘરની અગાશીમાં વરસાદમાં નહાતો કોઈ મસ્તીખોર કિશોર આપણને જોઈને બૂમ પાડ્યા વગર ન રહે – “દુકાળિયો…!”

સત્ય એ છે કે ચોમાસું માનવ જીવનનાં લગભગ દરેક અંગ સાથે વણાયેલું છે. કદાચ એ જ કારણે આપણે એને સમજવાની મહેનત નથી કરી. ડૉ. પરેશ વૈદ્યે આ દિશામાં આપણને સભાન કરવાનો પ્રયત્ન કર્યો છે.  ખેડૂતો, પ્રેમીઓ, ક્રિકેટરો, કવિઓ અને વૈજ્ઞાનિકોની વરસાદને જોવાની નજર જુદી હોય છે.  પણ આ નજરોને એક તાંતણે બાંધવી એ કલાપારખુ વૈજ્ઞાનિક જ કરી શકે.  ‘આપણું આગવું ચોમાસું’ પુસ્તકમાં આ કલાની પીંછીએ બનાવેલી રંગોળી છે. વાંચતાં જ વરસાદની લાલસા જાગશે અને મેઘાણીજીની મહાન રચના અંદર ગૂંજી ઊઠશે… મન મોર બની થનગાટ કરે…

૦૦૦

શ્રી દીપક ધોળકિયાનાં સંપર્કસૂત્રો
ઈમેલઃ dipak.dholakia@gmail.com
બ્લૉગઃ મારી બારી

Author: Web Gurjari

3 thoughts on “આપણું આગવું ચોમાસું

  1. ખુબ ખુબ સરસ પરિચય અને પ્રસ્તાવના.
    ખુબ આભાર ,દીપકભાઈ !

  2. આપણે ત્યાં કહેવત જેવા ભડલી વાક્યો ચોમાસાની નિયમિતતા સૂચવે છે.

  3. સરસ માહિતી. આવા વિષય પર ગુજરાતીમાં પુસ્તક લખાય -એ આપણા સાહિત્ય જગતે કરેલી પ્રગતિની નિશાની છે.

Leave a Reply

Your email address will not be published.