પોલીસ બળમાં સમાન મહિલા ભાગીદારી : મંઝિલ ઘણી દૂર છે.

નિસબત

ચંદુ મહેરિયા

૨૦૧૧ની વસ્તી ગણતરી અનુસાર ભારતમાં મહિલાઓની વસ્તી ૪૮.૪૬ ટકા છે. પરંતુ  ૨૦૨૧માં દેશની અર્ધી આબાદી એવી મહિલાઓની ભારતના પોલીસ બળમાં ટકાવારી માત્ર ૧૦.૪૯ ટકા જ છે !.દેશના કુલ્લે ૨૦,૯૧,૪૮૮ પોલીસકર્મીઓમાં ૨,૧૫,૫૦૪ જ મહિલા છે. દર દસ પોલીસે એક જ મહિલા પોલીસ છે અને દર સો પોલીસ અધિકારીમાં સાત જ મહિલા અધિકારી છે. દેશના એકતાળીસ ટકા પોલીસ થાણામાં એક પણ મહિલા પોલીસકર્મી નથી. અગિયાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મહિલા પોલીસ કર્મચારીઓ પાંચ ટકાથી પણ ઓછા છે. સમગ્ર દેશમાં ૨૦૦૬માં તો ૩.૩ ટકા અને ૨૦૧૦માં ૪.૨૫ ટકા જ મહિલાઓ પોલીસમાં હતી. છેલ્લા એક દાયકાના પોલીસના સંખ્યાબળમાં બત્રીસ ટકાના વધારા સામે મહિલાઓનો વધારો છ ટકાનો  અર્થાત લગભગ સવા પાંચ ગણો ઓછો છે.

પરતંત્ર ભારતમાં ૧૯૩૮માં મહિલાઓનો પ્રથમવાર પોલીસમાં પ્રવેશ થયો હતો.સ્વતંત્ર ભારતમાં પહેલીવાર ૧૯૭૨માં  દસ મહિલાઓની ઈન્ડિયન પોલીસ સર્વિસમાં પસંદગી થઈ હતી. પણ પોલીસના કુલ સંખ્યાબળમાં જે દસેક ટકા મહિલા પ્રમાણ જોવા  મળે છે તે પણ મુખ્યત્વે તો મહિલા કોન્સ્ટેબલનું છે. જાણે કે મહિલાઓ માટે શિક્ષિકા, નર્સ, રિસેપ્સનિસ્ટ અને એનાઉન્સરના વ્યવસાયો જ અનામત રખાયા હોય તેવો માહોલ છે. એટલે શારીરિક બળની કામગીરીનું ક્ષેત્ર મનાતી પોલીસની નોકરીમાં આઝાદીના અમૃત કાળે મહિલાઓનું પ્રમાણ ઘણું અલ્પ  છે.

કેન્દ્ર અને રાજ્યોની ઘણી સરકારી નોકરીઓની જેમ પોલીસમાં પણ ૩૩ ટકા મહિલા અનામતની જોગવાઈ છતાં મહિલાઓનું આટલું ઓછું પ્રમાણ હોવા અંગે ઘણાં કારણો જવાબદાર છે. ભારતના પિતૃસત્તાક સમાજે પોલીસની કામગીરીને બાહુબળ સાથે જોડીને મહિલાઓ શારીરિક અને માનસિક રીતે પુરુષ કરતાં નબળી છે તેવી છાપ ઉભી કરીને તેને પોલીસની નોકરીથી વંચિત રાખી છે. સ્ત્રી-પુરુષ વચ્ચેનો આ ભેદભાવ અને મહિલાઓ પ્રત્યેના પૂર્વગ્રહોને કારણે મહિલાઓને પોલીસની કામગીરીથી દૂર રાખવામાં આવે છે.

ઘણા અવરોધોને વળોટી મહિલાઓ પોલીસની કામગીરીમાં જોડાય છે ત્યારે કાર્યસ્થળે તેના માટે સમસ્યાઓ ઉભી જ હોય છે. પોલીસની કામગીરી માટેના હથિયારો અને સાધનો પુરુષોને ધ્યાનમાં રાખીને બનાવાયા છે. તે આકાર અને વજનની દ્રષ્ટિએ મહિલાઓને માફક આવે તેવાં નથી. પોલીસનો ગણવેશ, જૂતાં, ટોપી જ નહીં બુલેટપ્રુફ જેકેટ પણ મહિલા પોલીસને ધ્યાનમાં રાખીને .બનાવ્યા નથી. અલગ મહિલા શૌચાલય,  ચેન્જિંગ રૂમ, મહિલાકર્મીના નાના બાળકો માટે ફિડિંગ પ્લેસ કે ઘોડિયા ઘર જેવી પાયાની સુવિધાનો અભાવ, ગ્રામીણ પરિવેશના પુરુષ કર્મચારીઓનું મહિલા વિરોધી વલણથી માંડીને મહિલા માટે કાર્યસ્થળે પ્રતિકૂળ માહોલને કારણે પણ મહિલાઓ પોલીસમાં ભરતી થતાં અચકાય છે.

કાયદો અને વ્યવસ્થા રાજ્યોનો વિષય હોઈ પોલીસની નિમણૂક બદલી બઢતીની સત્તા  રાજ્યો હસ્તક છે. એટલે પોલીસમાં  મહિલાઓનું પ્રમાણ વધે તે માટે ભારત સરકારે રાજ્યોને  વારંવાર વિનંતીપત્રો લખ્યા છે. ગ્રુહ મંત્રાલયે ૨૦૧૩માં રાજ્યોને જણાવ્યું હતું કે દરેક પોલીસ સ્ટેશનમાં ઓછામાં ઓછા ૧૦ મહિલા કોન્સ્ટેબલ અને ત્રણ પોલીસ સબ ઈન્સપેકટરમાં એક મહિલા હોય તેવું સુનિશ્ચિત કરો. પરંતુ તેનું ધાર્યું પરિણામ ન મળતા કેન્દ્રે રાજ્યોને  પોલીસના આધુનિકીકરણ માટેની કેન્દ્રિય ગ્રાન્ટ આપશે નહીં કે તેમાં કાપ મુકશે તેમ પણ જણાવ્યું છે.

બીમારુ અને મહિલાઓના મામલે રૂઢિવાદી ગણાતા બિહારમાં  ૨૦૧૦માં માત્ર ૨ ટકા જ મહિલાઓ બિહાર પોલીસમાં હતી. સરકારના સઘન પ્રયત્નોને કારણે ૨૦૧૯માં તેની ટકાવારી વધીને ૨૫ ટકા થઈ છે.૨૦૨૦માં તમિલનાડુ પોલીસમાં ૧૯.૪ ટકા, ગુજરાતમાં ૧૬ ટકા અને હિમાચલ પ્રદેશમાં ૧૩.૫ ટકા મહિલાઓ છે. જમ્મુકશ્મીરમાં ૩.૩૧, તેલંગાણામાં ૮, મધ્યપ્રદેશમાં ૬.૬, અરુણાચલમાં ૬.૩ ટકા છે. વળી તેમાં મોટાભાગે તો નીચલાસ્તરની જગ્યાઓએ જ મહિલાઓ ની ભરતી થઈ છે. કુલ મહિલા પોલીસ કર્મીઓમાં મધ્યપ્રદેશમાં ૬૪ અને બિહારમાં ૪૧.૮  મહિલાઓ કોન્સ્ટેબલ છે. આ સ્થિતિ લગભગ તમામ રાજ્યોમાં છે.જમ્મુકશ્મીરમાં ૨, કેરળમાં ૩, હિમાચલમાં ૪, બિહારમાં ૬ અને તમિલનાડુમાં ૨૦.૨ ટકા જ મહિલાઓ પોલીસ અધિકારી છે.

કેટલાક રાજ્યોએ મહિલા પોલીસ ભરતીમાં શારીરિક યોગ્યતાની લાયકાતમાં, ખાસ તો ઉંચાઈ અને વજનમાં, છૂટછાટ આપી છે.  તો પણ પોલીસમાં ૩૩ ટકા મહિલાપ્રતિનિધિત્વ સુધી પહોંચતા અનેક રાજ્યોને વરસો લાગશે. નમૂના દાખલ બિહારને ૮, દિલ્હીને ૩૧, ઓડિશાને ૪૨૮ મિઝોરમને ૫૮૫ને ૪૨૮ વરસો લાગશે.એટલે પોલીસમાં મહિલાઓના યોગ્ય પ્રતિનિધિત્વ અને સમાન ભાગીદારીની મંઝિલ ઘણી દૂર છે. રાજ્યોને મહિલાઓના ઉચિત પ્રતિનિધિત્વની તાકીદ કરતી કેન્દ્ર સરકાર પણ લક્ષ્ય સિધ્ધિમાં ઘણી પાછળ છે. કેન્દ્ર સરકાર હસ્તકના સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સમાં પાંચ મહિલા બટાલિયનનું કેન્દ્રને ઉચિત ગૌરવ છે પણ બીએસએફ અને સીઆરપીએફમાં મહિલાઓનું પ્રમાણ ૩.૬૮ ટકા જ છે.!

જો દેશની વસ્તીમાં મહિલાઓનું પ્રમાણ પચાસ ટકા જેટલું હોય તો રોજગારના ક્ષેત્રમાં પણ તેનું પ્રમાણ તેટલું હોવું જોઈએ. પોલીસમાં મહિલાઓનું યોગ્ય પ્રતિનિધિત્વ પોલીસની લોકવિરોધી  અને મહિલાવિરોધી છાપ ભૂંસવા પણ જરૂરી છે. પોલીસનું  કામ માત્ર દંડો ઉગામવાનું , ખતરનાક અને જોખમી કામગીરીનું જ નથી તે દિલ અને દિમાગનું પણ છે તે મહિલા પ્રતિનિધિત્વથી સાકાર થઈ શકશે. સંચાર કૌશલ અને લોકો સાથે સંવાદની ભૂમિકા ઉભી થઈ શકશે.હિંસા અને સંઘર્ષને નિયંત્રિત કરી શકાશે. પોલીસનો બળપ્રયોગ ઘટશે. મહિલા સલામતીની ખાતરી માટે પણ વસ્તીના પ્રમાણમાં પોલીસમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ હોવું જોઈએ. પોલીસમાં મહિલાઓના હોવાથી પોલીસ થાણાનો પરિવેશ ભયરહિત બનવાની સંભાવના રહેલી છે.

ભારતના પોલીસ બળમાં મહિલાઓનું સીમિત પ્રતિનિધિત્વ ચિંતાનો વિષય છે. પરંતુ જેમ મહિલાઓને કમજોર માની તેને આ કામગીરીથી અળગી રાખી છે તેમ તેની સામેલગીરી પછી તેની શક્તિને ઓછી આંકી ઉતરતી કક્ષાની કામગીરી આપી તેને સમાન ભાગીદારીથી વંચિત રાખવામાં આવતી હોવાનું પણ જોવા મળે છે. કાગળ પર લક્ષ્ય હાંસલ કરવાથી કે સંખ્યાબળ વધારી દેવાથી પ્રશ્ન હલ થતો નથી. મહિલાઓના સંખ્યાબળમાં વૃધ્ધિથી મહિલા સમાનતા અને મહિલાઓની સમાન ભાગીદારી થઈ શકશે નહીં. તે પણ સમજી લેવું પડશે.  પોલીસમાં મહિલાઓની ભરતીનો સવાલ સ્ત્રી-પુરુષ સમાનતાનો તો છે જ તે કાર્યસ્થળને સમાન  અને સમાવેશી બનાવવાનો પણ છે.પોલીસમાં મહિલાઓના પ્રવેશથી મહિલાસલામતીનું પરિદ્રશ્ય બદલાવાની અને પોલીસનો ચહેરો વધુ સંવેદનશીલ તથા માનવીય બનવાની પણ શક્યતા છે.


શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.