પ્રશ્ન –પગદંડી, પૂર્ણતા તરફની

ઉપનિષદોમાં શિક્ષણ વિભાવના

દિનેશ.લ. માંકડ

         બાળપણમાં અંગ્રેજી ભાષા નવી નવી શીખતાં હતા ત્યારે મિત્રોને સવાલ કરતા, -What એટલે શું ? અને મિત્ર આપે ‘શું ? ‘ -એ વખતે ખબર પણ નહોતી કે પ્રશ્ન એ જ કશુંક શીખવાની શરૂઆત છે. પ્રશ્નોપનિષદ પણ આ જ સંદેશ લઈને આવે છે.પ્રશોપનિષદ, અથર્વવેદની પિપ્પલાદ શાખાનો બ્રાહ્નણ ભાગ છે. પ્રશ્નોપનિષદનો વેદમંત્ર-શાંતિપાઠ જ ભવ્ય છે.અમે કાનોથી કલ્યાણ વચન સાંભળીએ,આંખો વડે કલ્યાણમય નિહાળીએ,દુશ્મનોથી રક્ષણ કરીને પરમાત્મા અમારું કલ્યાણ કરે. ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः । भद्रं पश्येमाक्षभिर्यजत्राः|.

તીવ્ર જિજ્ઞાસુઓ દ્વારા મહર્ષિ પિપ્પલાદને પ્રશ્નો પૂછવામાં આવે છે. મહર્ષિ પિપ્પલાદની પોતાની સંઘર્ષકથા છે. અસુરો સામે લડવા માટે દેવોને વજ્રની જરૂર હતી પિપ્પલાદ પિતા ,દધીચિએ તે બનાવવા માટે પોતાના હાડકાં સમર્પિત કરવા પોતે દેહત્યાગ કર્યો.` આઘાત સહન ન થતાં ધર્મપત્નીએ સંતાન પિપ્પલાદને પીપળાના વૃક્ષને હવાલે કરીને પોતે સતીત્ત્વ સ્વીકાર્યું. એ પછી પણ પિપ્પલાદે અનેક સંઘર્ષ ઝીલ્યા છે.નોંધવા જેવી વાત એ છે કે આટલા સંઘર્ષો વચ્ચે પણ જ્ઞાનપિપાસુ પિપ્પલાદે જ્ઞાન મેળવવામાં ક્યાંય કચાશ નથી રાખી.અને તેથી જ બ્રહ્માંડ ને છેડેથી પણ પોતાની જ્ઞાનભૂખ સંતોષવા કોઈપણ શિષ્ય તેમના દ્વારે ઉભા રહેતા.

તીવ્ર જિજ્ઞાસા અને અપેક્ષા સાથે આવેલા શિષ્યો સામે  પ્રશ્નો પૂછવા પહેલાં મહર્ષિએ મુકેલી પૂર્વધારણાઓ યાદ રાખવા જેવી છે.

तान्‌ ह स ऋषिरुवाच भूय एव तपसा ब्रह्मचर्येण श्रद्धया संवत्सरं संवत्स्यथ यथाकामं प्रश्नान्‌ पृच्छत यदि विज्ञास्यामः सर्वं ह वो वक्षाम इति ॥-

તમે શ્રદ્ધાળુ અને પવિત્ર બની ,બ્રહ્મચર્ય પાલન કરી એક વર્ષ અહીં રહી તપ કરો પછી તમારા પ્રશ્નો પૂછો અને જો હું જે જાણતો હોઈશ તે તમને નિઃસંદેહ કહીશ.’ એક જ શ્લોકમાં કેટલી વાતો આવી જાય છે ! શ્રદ્ધાળુ  બનવાની વાત એ ગુરુ પ્રત્યેની અને મેળવવાના જ્ઞાન માટેની શ્રદ્ધાની છે. પવિત્ર અને બ્રહ્મચર્યની શરત એ તેની મજબૂત માનસિક તૈયારી માટેની સૂચક છે.એક વર્ષ અહીં એટલે કે ગુરુ સાથે જ રહેવાથી ગુરુ તેમને આચરણ અને નિરીક્ષણના પાઠ શીખવવા માંગે છે.આ જ શ્લોકમાં હવે ગુરુ કોઈપણ પ્રશ્ન પૂછવાની અનુમતિ સાથે- પોતે જે જાણતા હશે તે કહેશે અને તે નિઃસંદેહ કહેશે.- ગુરુની પોતાની નિષ્ઠા અને જ્ઞાન માટે ખાતરી છે  સાથે સાથે સ્વીકાર અને નમ્રતા પણ છે.

જ્ઞાન પ્રાપ્તિ અને શિક્ષણ પ્રાપ્તિ એ જીવનની અવિરત ચાલતી પ્રક્રિયા છે. એટલે જ.ખુબ જ વિદ્વાન અને અનેક વિદ્યામાં પારંગત એવા ભારદ્વાજ પુત્ર સુકેશ,સીબીપુત્ર સત્યકામ ,ગર્ગ ગોત્રના સૌર્યાયણી ,કૌશલ દેશના આશ્વલાયન ,વિદર્ભ દેશના ભાર્ગવ અને કાત્યાયન ગોત્રના કબંધી, વિશેષ પ્રશ્નો લઈને, શિષ્ય બનીને પોતાની જિજ્ઞાસા સંતોષવા મહર્ષિ પિપ્પલાદ પાસે આવ્યા. પ્રત્યેક શિષ્યએ તેના દરેકના આગવા પ્રશ્નો પૂછ્યા છે.

કબંધીએ જટિલ પ્રશ્ન કર્યો,’ ભગવન ,આ પ્રજા રીતે પ્રગટ થઇ ?’ भगवन् कुते ह वा इमाः प्रजाः प्रजायन्त  इति॥ ના પ્રશ્નના વિસ્તૃત ઉત્તર દરમિયાન મહર્ષિ પિપ્પલાદે સૂર્યતેજની વ્યાપકતાનું વર્ણન કર્યું છે.यदन्तरा  दिशो  यत्  सर्वं  प्रकाशयति  तेन  सर्वान्  प्राणान्  रश्मिषु  सन्निधत्ते ॥ વળી અહીં  ઉત્તમ મનુષ્ય બનવા કુટિલતા અને કપટ ત્યજવાની ઉપદેશાત્મક વાત પણ છે.येषु जिह्मम् अनृतं न माया च न तेषाम् असौ विरजः ब्रह्मलोकः इति| પછી ભાર્ગવનો ‘અતિશ્રેષ્ઠ’ ને શોધવાનો સવાલ છે.તેના ઉત્તરમાં મહર્ષિ દરેક દેવોની શ્રેષ્ઠતાનું વર્ણન કરી ને છેવટે ‘પ્રાણ તત્વ’ નું મૂલ્ય સમજાવતાં કહે છે प्राणस्येदं वशे सर्वं त्रिदिवे यत्‌ प्रतिष्ठितम्‌।  શિષ્યોમાં પણ તંદુરસ્ત સ્પધા હોય તે અનિવાર્ય છે .

પ્રાણ તત્વ શ્રેષ્ઠ છે એવા ઉત્તરથી પાસે બેઠેલા આશ્વલાયનને સંતોષ ન થયો.તેની ઉત્કંઠા વધી એટલે એમણે મહર્ષિ પિપ્પલાદને નવો પ્રશ્ન કર્યો, ‘આ પ્રાણ ઉત્પન્ન ક્યાંથી થાય છે ?’ એટલું જ નહિ પણ એક સાથે બીજા અનેક પેટા પ્રશ્ન પણ પૂછીને પોતાની જિજ્ઞાસા પૂર્ણ રીતે સંતોષવા માટે તેમણે ગુરુજી સામે સવાલોનો ઢગલો ઉભો કરી દીધો.પણ અહીં તો અવિરત ફેલાતા અગાધ જ્ઞાનના ફુવારારૂપ ઋષિ છે. ખુબ સ્વસ્થતાથી બધાજ પ્રશ્નોના ઉત્તર આપ્યા.’तान् वरिष्ठः प्राण उवाच । मा मोहमापद्यथ अहमेवैतत्पञ्चधाऽऽत्मानं प्रविभज्यैतद्बाणमवष्टभ्य विधारयामीत ॥ આ બધા દેવતાઓમાં શ્રેષ્ઠ પ્રાણે કહ્યું કે હું જ પોતાના પાંચ વિભાગોથી આ શરીરને આશ્રય પ્રદાન કરીને ધારણ કરું છું. – પ્રાણની ઉત્પત્તિ ,આગમ,સ્થાન અને વ્યાપકત્વને તથા બાહ્ય તેમજ આધ્યાત્મિક -પાંચ ભેદોને પણ જાણીને અમૃતનો અનુભવ કરે છે..’ ’ विज्ञायामृतमश्नुत इति ॥

શિષ્યોની જીજ્ઞાસાની ટોચ પ્રશ્નોપનિષદમાં ખુબ ઊંચી દેખાય છે. મનમાં ઉભા થતા કોઈ પણ પ્રશ્નને ઉત્તર લીધા સિવાય છોડી ન દેવો ,એ સાચા શિષ્યનું લક્ષણ છે. નિંદ્રા એ પ્રાણીમાત્રના જીવનનું અભિન્ન અંગ છે.સુતા પછી આપણી દશા કઈ ?  સૂવું અને જાગવુંનો ભેદ શો ?’  ગર્ગગોત્રના સૌર્યાયણીએ માનવજીવનના દૈનિક જીવનનો સરળ લાગતો પણ ગૂઢ એવો પ્રશ્ન કર્યો,’ નિંદ્રા પછી શરીરમાં કોણ સુઈ છે ? કોણ જાગે છે ? भगवन्नेतस्मिन् पुरुषेकानि स्वपन्ति कान्यस्मिञ्जाग्रति  કોણ સ્વપ્નની ઘટના ઓ જુએ છે ? અને ઊંઘમાં આપણે કોને આશ્રિત છીએ ?’  એક સાથે પ્રશ્નોની ઝડી વરસાવીને ગુરુ સામે બેસી ગયા. કશીએ ધીરજ છોડ્યા વગર મહર્ષિ પિપ્પલાદે તેને સમજાવવાનું શરુ કર્યું. प्राणाग्नय एवैतस्मिन् पुरे जाग्रति । ‘ સ્થૂળ શરીર જયારે સુવે છે ત્યારે પાંચ પ્રાણરૂપ અગ્નિ જાગે છે.મન એની દિશામાં કાર્ય કરે છે. શરીર રૂપી યજ્ઞમાં શ્વાસ ઉચ્છવાસ મુખ્ય ઋત્વિક છે અને અન્ય પ્રાણાગ્નિ શરીરની અન્ય ક્રિયા આહુતિરૂપ ચાલુ રાખે છે.’‘ તેવે વખતે આ મન,બુદ્ધિ,ઇન્દ્રિયો અને પ્રાણ કોના આશ્રયે રહે છે ? ‘ – બિલકુલ સરળ ઉદાહરણથી મહર્ષિ તેની શંકાનું સમાધાન કરે છે. स यथा सोभ्य वयांसि वसोवृक्षं संप्रतिष्ठन्ते एवं ह वै तत्‌ सर्वं पर आत्मनि संप्रतिष्ठते ॥  ‘.જે રીતે પક્ષીઓ સાંજ પડતાં પોતાના નિવાસ રૂપ માળા માં આવીને સુખ મેળવે તેમ બધાં તત્ત્વો પરમાત્મામાં સુખથી આશ્રય મેળવે છે ‘.

ૐ કાર નું રહસ્ય જાણવા અને તેની ઉપાસના ફળ વિશેના શીબી પુત્ર સત્યકામના પ્રશ્ન प्रायणान्तमोङ्कारमभिध्यायीत । कतमं वावस तेन लोकं जयतीति । નો ઉત્તર આપતાં ત્રણેય માત્રાનું મહત્ત્વ દર્શાવીને મહર્ષિ કહે છે. ‘ પૂર્ણ ચિત્ત એકાગ્રતાથી ૐ કાર કરે તે જ્ઞાની ક્યારેય વિચલિત થતો નથી. सम्यक्प्रयुक्तासु न कम्पते ज्ञः ॥

ભારદ્વાજ પુત્ર સુકેશના પ્રશ્ન પહેલાંની ભૂમિકામાં શિષ્યની પ્રમાણિકતાનું દર્શન છે.કોસલરાજ હિરણ્યગર્ભએ તેમને એક વખત પ્રશ્ન પૂછેલો, ‘તમે સોળ કળાવાળા પુરુષને જાણો છો ?’- સુકેશએ જરા પણ વિલંબ વગર નમ્રતા પૂર્વક ઉત્તર આપેલો, ‘ હું જાણતો નથી અને જુઠ્ઠું નહિ બોલી શકું. तस्मान्नार्हम्यनृतं वक्तुम् । રાજા તો ઉત્તર વિના પાછા વળી ગયા પણ સુકેશના મનમાં આ સવાલ ઉભો રહી ગયો જે તેમણે  મહર્ષિને પૂછી પોતાની જિજ્ઞાસા વ્યક્ત કરી. મનુષ્યમાં રહેલી સોળેસોળ કળાઓ મહર્ષિ પિપ્પલાદએ ઊંડાણ અને વિસ્તારપૂર્વક સમજાવી, तस्मै स होवाच। इहैवान्तः शरीरे सोम्य स पुरूषो यस्मिन्नेताः षोडश कलाः प्रभवन्तीति।। અર્થાત્ – આ શરીરની અંદર જ તે પુરુષ છે, જેમાંથી એ સોળ કળા પ્રગટ થાય છે.

ને પછી પણ  तान् होवाचैतावदेवाहमेतत् परं ब्रह्म वेद । नातःपरमस्तीति ॥ ‘ આ પરબ્રહ્મ વિષે હું આટલું જ જાણું છું.’- કહીને નમ્રતા અને આત્મવિશ્વાસનો સંયોગ કરીને પુનરોચ્ચાર કરે છે,  ‘ આનાથી  ઉત્કૃષ્ટ તત્ત્વ બીજું કોઈ નથી.શિષ્યોની કૃતજ્ઞતા અભિવ્યક્તિ પણ કેટલી ઉચ્ચ છે તે જોવા જેવી છે.ते तमर्चयन्तस्त्वं हि नः पिता योऽस्माकमविद्यायाः परं पारंतारयसीति । नमः परमऋषिभ्यो नमः परमऋषिभ्यः । -‘ આપ જ અમારા પિતા છો જેમણે અમને વિદ્યાને પેલેપાર પહોંચાડયા છે પરમ ઋષિને નમસ્કાર નમસ્કાર છે.’


શ્રી દિનેશ  માંકડનું સંપર્ક  ઈ-મેલ સરનામું :-   mankaddinesh1952@gmail.com

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.