યુવકો સાથે ગોઠડી

વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી

જગદીશ પટેલ

જાન્યુઆરી, ૨૦૧૪માં ગુજરાત યુનિવર્સીટીના માસ્ટર્સ ઇન લેબર વેલ્ફેરના ચોથા સેમિસ્ટરમાં ભણતા યુવક યુવતીઓ સાથે ગોઠડી કરવાની તક મળી. સુહાસિની બહેને મારો પરિચય આપ્યા બાદ મેં વિદ્યાર્થીઓનો પરિચય મેળવ્યો. પરિચય બાદ મેં પુછયું કે તમે શા માટે આ કોર્સ કરવા આવ્યા છો? જીવનમાં શું કરવું છે? જે જવાબો  મળ્યા તેનો સાર એ હતો કે કોર્પોરેટ સેકટરમાં સારી નોકરી મેળવવી છે. પરિવર્તન કરવું છે એવી વાત ખુલીને કોઇએ કરી નહી તે સારૂં જ થયું. વધુ ચર્ચા કરતાં હાલ જે ચાલતું હોય તે કામ વધુ સારી રીતે કરવું, પોતાનું શ્રેષ્ઠ પ્રદાન કરવું એવી વાતો આવી. કોઇએ પછાતપણું દુર કરવાની વાત કરી તો પછાતપણું શું છે તે પર થોડી ચર્ચા થઇ. આપણી સાંસ્કૃતિક પરંપરાઓનું આપણને ગૌરવ છે કે કેમ અને તેનું આપણે જતન-સંવર્ધન કરવું જોઇએ કે કેમ? કઇ પરંપરા ટકાવવી છે અને શેને પછાત ગણી બહાર નીકળવું છે તેના માપદંડ વિષે આપણે સભાન હોવા જોઇએ તેની વાત પરિણિત મહીલાઓએ પડદો રાખવાના ઉદાહરણથી કરી.

ધીમેથી વાતને કામને સ્થળે સલામતી અને આરોગ્યની સ્થિતિ તરફ વાળી. વિદ્યાર્થીઓએ ઔદ્યોગિક એકમોમાં અભ્યાસક્રમના ભાગરૂંપે ચોકકસ વિષય પર કામ કર્યું હોવાની માહિતી તેમણે આપી. કેટલાક વિદ્યાર્થીઓએ તાલીમ અંગે ઔદ્યોગિક એકમોમાં કામ કરેલું. બે વિદ્યાર્થીઓએ આરોગ્ય, સલામતી અને પર્યાવરણના વિષય પર એક એકમમાં કામ કર્યું તેના અનુભવો તેમણે પીરસ્યા. દવાનું ઉત્પાદન કરતા એકમમાં તેમણે કામ કરેલું. ત્યાં તેમણે અકસ્માત કેવા થાય છે તેની પુછપરછ કરતાં તેમને જણાવવામાં આવેલું કે અહીં કોઇ અકસ્માત થતા નથી. (આ સાંભળીને તરત મને મનમાં થયેલું કે હું પછીથી અકસ્માતના રિપોર્ટીંગ અને રેકોર્ડીંગ સિસ્ટમ વિષે વાત કરીશ અને નીઅર મીસ, લોસ્ટ ટાઇમ, સિરિયસ, ફેટલ, ઇન્સીડન્ટ જેવા શબ્દોનો ભેદ સમજાવીશ. પણ વાતોના પ્રવાહમાં એ રહી ગયું) વ્યાવસાયિક રોગો વિષે પણ તેમણે પૂછેલું અને તેવું કંઇ નથી તેવું નિવેદન જવાબદાર અધિકારીએ કર્યું હતું. તમારા નિરિક્ષણ શું હતા તેમ પુછતાં તેમણે જણાવ્યું કે ત્યાં લેબોરેટરી હતી અને એન્જીનીયરીંગ વિભાગ હતો. આ વિભાગમાં એટલો બધો અવાજ રહેતો કે અમે પણ વધુ સમય ઉભા રહી શકીએ નહી. એકમમાં સુરક્ષા માટે ઇઅર મફ અને હેલ્મેટ હતા અને તે પુરતા પ્રમાણમાં હતા પણ કામદારો વાપરતા ન હતા. એ માટે કામદારોએ એવું કારણ રજુ કર્યું કે ઇઅર મફ પહેર્યા બાદ બીજું કોઇ બોલે તો સંભળાય નહી, તેથી કામ કરવાનું ફાવે નહી. વિદ્યાર્થીઓએ પોતે પ્રયોગ કરી જોયો. તેમને લાગ્યું કે કામદારોની વાત સાચી છે.

આવી સ્થિતિમાં ઉપાય શો? એક વિદ્યાર્થીએ અવાજ ઓછો કરવાનો ઉપાય સુચવ્યો અને તે માટે અવાજ શોષી લે તેવી દિવાલોની વાત કરી. કામદારો સાધનોનો ઉપયોગ કરે તે માટે મેનેજમેન્ટ વર્તન પરિવર્તન માટે શું કરે છે તેવા મારા સવાલના જવાબમાં એક વિદ્યાર્થીએ જણાવ્યું કે તે જે એકમમાં હતા ત્યાં અંગત સુરક્ષાના સાધનનો ઉપયોગ ન કરતા કામદારોને દંડ કરવાની જોગવાઇ હતી. જો કે કેટલા કામદારોને દંડ થયો કે કરવામાં આવતો હતો, તેની શી અસરો હતી તેની માહિતી તેમણે મેળવી ન હતી. તેમનું નિરિક્ષણ હતું કે તેમના સાહેબો આંટો મારવા આવે ત્યારે કામદારો સાધન પહેરી લેતા હતા અને પછી કાઢી નાખતા હતા. હવે કામદારોને સાધનો પહેરતા કરવા તે એક ઉપાય છે અને બીજો ઉપાય છે આ અંગેની કાનૂની જોગવાઇઓના પાલન માટે મેનેજમેન્ટને પ્રોત્સાહિત કરવી.

એ માટે કાયદામાં શી જોગવાઇ છે તેની પૂછપરછ કરતાં એકાદ વિદ્યાર્થીને થોડી ખબર હતી કે અમુક ડેસીબલની મર્યાદા છે. પણ તે મર્યાદાના સમય સાથેના સંદર્ભનો, એટલે કે કેટલા કલાક સુધી તે મર્યાદામાં અવાજ સાંભળી શકાય, તેનો તેમને ખ્યાલ ન હતો. તે જોગવાઇ ફેકટરી એકટમાં છે તે તેમને ખબર હતી. થોડા વિદ્યાર્થીઓ પાસે પુસ્તક હાજર હતું તેથી એ ખોલીને જોવા કહ્યું. તેમણે ખોલીને ચોથા પ્રકરણમાં શોધવા માંડયું. તેથી સમય બચાવવા મેં પ્રકરણ ૪, અની ક.૪૧-એફ જોવા સુચવ્યું. એક વિદ્યાર્થીએ તે જોગવાઇ સૌને મોટેથી વાંચી સંભળાવી. પછી તેમને આ જોગવાઇમાં જેનો સંદર્ભ હતો તે શીડયુલ ૨ જોવા સુચવ્યું. તે ‘પરમીસીબલ એકસપોઝર લિમિટ’ અને ‘ટાઇમ વેઇટેડ એવરેજ’ અને ‘શોર્ટ ટર્મ એકસપોઝર લિમિટ’ જેવા શબ્દોના ઉદાહરણ સાથે અર્થ સમજાવ્યા. ‘ટાઇમ વેઇટેડ એવરેજ’ મર્યાદા આઠ કલાકની સરેરાશ છે તે વાત સમજાવી. અવાજની ‘ટાઇમ વેઇટેડ એવરેજ’ ૯૦ ડેસીબલ છે (માર્ચ, ૨૦૧૬માં ગુજરાત ફેકટરી નિયમો,  નિયમ ૧૦૨, પરિશિષ્ટ ૨૩માં થયેલા સુધારા મુજબ આ મર્યાદા હવે ૮૫ ડેસીબલ છે પણ જો મશીનનો અવાજ ૯૨ ડેસીબલ હોય તો મશીન કેટલા કલાક ચલાવી શકાય તેની ગણતરી માંડવા જણાવ્યું. એક જુથે ૭.૬૨ કલાક, એટલે કે ૮ કલાક ૨ મિનિટનો જવાબ આપ્યો જે બરાબર હતો.

તે પછી મેં પૂછયું કે જો મશીન સતત ૯૫ ડેસીબલ અવાજ કરતું હોય તો શું? કાયદાભંગ થયો ગણાય? તે અંગે ગુજરાત કારખાના નિયમોની જોગવાઇની વાત જણાવી. નિયમ ૧૦૨ અને તેના પરિશિષ્ટો, ખાસ કરીને નં.૨૩, ‘વધુ અવાજ’ અંગેની વાત કરી. ઇન્ડસ્ટ્રીયલ હાયજીન વિજ્ઞાનની વિશિષ્ટ શાખા છે તેની વાત જણાવવા પૂછયું કે તમે આ એકમમાં અવાજનું માપન થતું જોયું છે કે કેમ? તેમણે ‘ના’માં જવાબ આપ્યો. અવાજ માપવાનું મીટર હોય તો કેટલે દૂરથી માપવું જોઇએ, (મશીનથી એક ઇન્ચ છેટે રહીને કે મશીનથી વીસ ફુટ દુર ઉભા રહીને, કયાંથી માપવું? ) મીટરને કેલીબ્રેટ કરવું જોઇએ વગેરે વાતો ઉદાહરણો સાથે સમજાવી. (રાજાઓ જંગલમાં શિકાર કરવા જતા ત્યારે શિકાર કર્યા બાદ મરેલા વાઘની લંબાઇ મપાતી. માપવા માટેની પટ્ટી શુન્યને બદલે ૧થી શરૂ થતી જેથી કશું કર્યા વગર લંબાઇ એક ફુટ વધી જાય તે ઉદાહરણ આપી કેલીબ્રેશનની વાત કરી.)

અવાજ ઓછો કરવા મેનેજમેન્ટને પ્રોત્સાહિત કરવા શા ઉપાય કરી શકાય તેની પણ ચર્ચા થઇ. કાયદાભંગ માટે કોર્ટમાં ફરિયાદ થાય અને દંડ, સજા એક ઉપાય છે. બીજો ઉપાય કામદારો તે માટે આગ્રહ રાખી હડતાલ કે તેથી હળવા શસ્ત્રોથી દબાણ વધારે. અસરગ્રસ્ત કામદારો વળતર દાવા કરી દબાણ ઉભું કરે તે ત્રીજો ઉપાય. શેરહોલ્ડરો કંપની પર દબાણ કરે તે ચોથો ઉપાય. કાયદામાં સુધારા કરી કાયદા પાલનમાં કામદાર સંઘો અને સ્વૈચ્છિક સંસ્થાઓને ભેળવવા તેમને કેટલાક અધિકારો અપાય તે વધુ એક ઉપાય એવી ચર્ચા થઇ.

એક વિદ્યાર્થીએ વળતર દાવા માટે પુરાવા શી રીતે મેળવી શકાય તેમ પૂછતાં મેં અવાજને કારણે આવતી બહેરાશ સેન્સરી ન્યુરલ લોસ ગણાય અને તે ઓડીયોગ્રામ દ્વારા જાણી શકાય તેમ માહિતી  આપી. બહેરાશ એટલે સંપૂર્ણ બહેરાશ હોય તેવું જરૂરી નથી પણ ઓછી, વધુ હોય અને તેને આધારે વળતરની ગણતરી થાય. બહેરાશ માટે ઓછામાં ઓછા છ મહીના કામ કરેલું હોવું જરૂરી છે એટલે કે કાયદા મુજબ એ ‘કવોલીફાઇંગ પિરિયડ’ છે. વળી, એક વિદ્યાર્થીના સવાલના જવાબમાં મેં જણાવ્યું કે કામદારે બે ત્રણ જુદા જુદા એકમોમાં કામ કર્યું હોય અને બહેરાશ આવી હોય તો વળતર કમીશ્નરશ્રી તમામ જવાબદાર એકમોને ભાગે પડતું વળતર ચુકવવા હુકમ કરી શકે છે.

એક અન્ય વિદ્યાર્થીએ પોતે જે કાપડના એકમમાં હતા ત્યાં બીસ્સીનોસીસની વાત આવી હતી. કામદારોએ એવી ફરિયાદ કરી હતી કે તબીબો નિદાન કરતા નથી તેથી કામદારો આગળ વધી શકતા નથી.

અંતે પ્રતિભાવો લેતાં બે વિદ્યાર્થીઓએ નવી વાતો જાણવા મળી, પ્રેરણા મળી તેમ જણાવ્યું. મેં લાગણીસભર અપીલ કરતાં કહ્યું કે તમારા જેવા યુવાનોમાંથી કોઇકે આ પ્રકારના કામ કરવા આગળ આવવું જોઇએ. બધા જ જો કોર્પોરેટમાં જવાની વાત કરશે તો આવા કામ કરશે કોણ? ઓછામાં ઓછું જીવનનું એક વર્ષ આ કામમાં આપો તેવી અપીલ છે. કોઇ ભણવાનું પૂરૂ કર્યા બાદ મારી સાથે કામ કરવા માગતું હોય તો સ્વાગત છે.’સલામતી’ના અંક સૌને વહેંચીને લવાજમ ભરવા અપીલ કરી. એક વિદ્યાર્થીનીએ આભાર દર્શન કર્યા બાદ કાર્યક્રમ પૂરો થયો. યુવકો સાથે ગોઠડી કરવાનો અનુભવ બહુ સંતર્પક રહ્યો. યુવકોના મોં પરથી લાગ્યું કે તેમને પણ મજા આવી.

આ ગોષ્ઠીને આજે ૮ વર્ષ વીતી ગયા છે. તે દરમિયાન ઘણું બદલાઇ ગયું છે. ‘સલામતી’નું પ્રકાશન બંધ થયું છે તો હવે ફેકટરી એકટનું સ્થાન ઓએચએસ કોડે લીધું છે. જો કે હજુ તેનો અમલ શરૂ થયો નથી. આ સમયગાળામાં કોરોના આવતાં આપણે ઓનલાઇન મીટીંગ કરવાનું શીખી ગયા. પણ આ ત્રણ વર્ષ દરમિયાન ઔદ્યોગિક અકસ્માતોમાં અસાધારણ વધારો થયો હોવાની છાપ અખબારી અહેવાલો પરથી આવે છે. એકંદર સામાાજીક, આર્થિક, રાજકીય સ્થિતિ એવી છે કે એવો સવાલ મનમાં ઘોળાયા કરે કે ‘ત્યારે કરીશું શું?”


શ્રી જગદીશ પટેલના વિજાણુ સંપર્કનું સરનામું:  jagdish.jb@gmail.com  || M-+91 9426486855

Author: Web Gurjari

4 thoughts on “યુવકો સાથે ગોઠડી

  1. કામના સ્થળે સ્વાસ્થ્ય અને સલામતી માટે ગુજરાતમાં જગદીશભાઇનું કામ ખરેખર પ્રશંસા પાત્ર છે. ગુજરાતમાં આ વિષયમાં ઝાઝી સંસ્થાઓ કે સરકારી વિભાગો આમેય ઓછા છે અને એવામાં કોઈ મોટા સહયોગ,ત્યાં સુંધી કે કામદારો અને શ્રમિકો સુધ્ધાંના કોઈ પણ પ્રકારના ટેકા સિવાય કામદારોના સ્વાસ્થ્ય અને સલામતી માટે જગદીશભાઈ અને પી ટી આર.સીનું કાર્ય ખૂબ જ મહત્વનું છે. આમ જ કાર્ય કરતા રહી કામદારો અને શ્રમિકોના સ્વાસ્થ્ય અને સલામતીને માટે કાર્ય કરતા રહેશો.આપના આવા મહત્વના કાર્ય હંમેશા કામદારોના હિતમાં કાર્ય કરનાનારાઓને માર્ગદર્શન અને સતત હિંમત આપતા રહેશે. સલામ .

  2. જગદીશભાઈ હોય એટલે વિષયમાં ખૂબ સચોટતા ભારોભાર હોય આ વિદ્યાર્થીઓ આ જાણકારી યાદ રાખી અભલ કરે એ અભ્યર્થના…આને સચ્ચાઈ થી અમલવારી થાય ત્યારે શ્રી જગદીશભાઈ ની મહેનત ફળી એમ હું માનીશ.

  3. વ્યવસાયિક ક્ષેત્રે સલામતી અને સુરક્ષા નાં પ્રશ્નો અંગે સામાજિક સજાગતા અને કામદારોમાં પોતાની સુરક્ષા અંગે ની ચિંતા વગર આ કાર્ય કેટલું જટિલ છે તે જગદીશભાઈ જ કહી શકે એમ છે. આ પ્રકારના અભિયાન અંતર્ગત જરૂરી સેવા કરતા રહેવા માટે જે તે સંસ્થાને સમાજ નાં પ્રોત્સાહન અને મદદની જરૂરિયાત એક મહત્વની કડી છે. મને લાગે છે કે આ અભિયાન માં સમાજે જગદીશભાઈ જેવા દરેક નિઃસ્વાર્થ સેવા કરતા કાર્યકર ને તેમની હિઁમત અને ધૈર્ય ને ટકાવી રાખવા આર્થિક સહાય કરીને આવા ઉત્તમ કાર્યમાં સહભાગી થવા વિશે ગંભીતાપૂર્વક વિચારીને અમલ કરવો જોઈએ.,

  4. મીતેશ ભાઇ, પ્રભુ ગજ્જર અને મનહરભાઇ – આપ સૌ એ લેખ વાંચીને અહીં આપનો પ્રીતીભાવ વ્યકત કર્યો તે બદલ અને નૈતીક હિંમત આપી તે બદલ આભાર

Leave a Reply

Your email address will not be published.