: પુણ્ય અને પાપની પરિભાષા :

નિત નવા વંટોળ

પ્રીતિ સેનગુપ્તા

હજારો લોકો સમાઈ શકે તેવા ખૂબ મોટા એક ભવનની અંદર કથા શરૂ‌ થઈ ગઈ હતી. ગોઠવનારાઓએ ધાર્યું હતું એટલી સંખ્યામાં શ્રોતા કદાચ થયા નહતા. અહીં, એટલેકે અમેરિકામાં, ઉનાળાના મહિનાઓમાં સામાજિક પ્રસંગો ઘણા હોય ને! જે સાંભળવા આવ્યાં હતાં તે સહુ સરસ તૈયાર થઈ સમયસર આવી ગયાં હતાં, ને અંદર બેસી ગયાં હતાં.

ફક્ત એક યુવતી – ને તે ય અમેરિકન – હજી આગલાં પહોળાં પગથિયાં પર ઊભી હતી. વારંવાર એ કાંડા પરની ઘડિયાળ પર નજર નાખતી રહેતી હતી. બાકીનો વખત એની ડોક રસ્તા પર ખેંચાયેલી રહેતી હતી. હું ઓળખતી હતી એને, ને મારે એની સાથે બીજી કશીક વાત કરવાની હતી. એ વાત દરમ્યાન પણ એનું ધ્યાન રસ્તા પર જતું રહેતું હતું. કશાકની રાહ જોવાતી હતી, તે તો મને સમજાયું, પણ શેની રાહ? છેવટે મેં પૂછ્યું, તો એ કહે, “ગંગાજળ આવવાનું છે.”

આમ તો, ગંગાનું જળ, એટલે ગંગામાંથી જ આવવાનું હોયને, પણ માહિતી એવી અણધારી હંતી કે મારાથી પુછાઈ ગયું, “ક્યાંથી આવવાનું છે?”

“એરપોર્ટથી”, એણે સ્વાભાવિક ભાવે જવાબ આપ્યો. “કોઈ મોટરમાં અહીં લાવવાનું છે. પણ બહુ મોડું થઈ ગયું લાગે છે.”

મેં ભોળાભાવે પૂછ્યું, “ઓહ, બધાંને પ્રસાદી માટે આચમન આપવાનું છે?” શિંગ ને મિસરીનાં નાનાં પૅકૅટ જતી વખતે રોજ દરેક શ્રોતાના હાથમાં મૂકાતાં હતાં, તેથી મેં ભોળીએ એમ માન્યું કે આજે ગંગાજળની ચમચી પણ દરેકની હથેળીમાં મુકાવાની હશે. ભઈ, મને શી ખબર?

ગંગાજળ લાવનાર વ્યફિતિની રાહ જોતી યુવતીએ પહેલાની જેમ જ સમ-સ્વરે મને જણાવ્યું, “ના, ના, એમ નહીં. કથાકારશ્રીનું ખાવા-પીવાનું ગંગાજળમાં બનાવાય છેને, એ માટે આવે છે.”

“વ્હૉટ?, મારાથી ભૂલમાં મ્લેચ્છ ભાષાનું ઉચ્ચારણ થઈ ગયું. શું વાત છે? મારી નવાઈનો પાર ના રહ્યો. હા, હરદ્વારની કે બનારસની વાત હોય તો નવાઈ ના રહે. આ તો અમેરિકામાં બની રહેલી વાત છે. અહીંની હડસન કે ઓહાયો કે મિસિસિપિ કે પોટોમેક કે રિઓ ગ્રાન્દે જેવી સુંદર નદીઓનું જળ વાપરવું જોઈએ કે નહીં? વિમાનમાં આવે તોયે પીપમાં ભરાઈને કેટલા દિવસે ગંગાનું પાણી અહીં પહોંચે. એમાં ના રહી હોય કશી શુદ્ધિ. અરે, એ સ્થગિત પાણી કદાચ સ્વાસ્થ્યને હાનિ પણ કરે. અને એ પીપને અહીં સુધી પહોંચાડવાના ખર્ચાનું શું? કદાચ આને પવિત્ર કામ માની મફતના ભાવે એંર-ઇન્ડિયા એને લઈ આવતું હશે ખરું, પણ આ જાણે શોભાસ્પદ નથી લાગતું. કેટલો ખર્ચો, યજમાનને કેટલી તકલીફ. “મન ચંગા તો કથરોટમેં ગંગા” જેવી સાદી-સીધી કહેવતની જાણ નહીં હોય કોઈને? કે પછી “કથાકારની ક્યાં માગણી છે? એ તો કેવળ ભક્તોની લાગણીને નકારી નથી શકતા.”

ખેર, કોઈએ કશી ચર્ચા કરી નહતી. કદાચ એવા પાપમાં કોઈ પડવા માગતું નહતું. “ભલેને આવતું પીપ. આપણે શું? આપણે ક્યાં એ પાણી પીવું છે, કે એમાં ખાવું છે?” આવા જ વિચાર બધાંએ કર્યા હશે. “આચમન માટે નથી એ પાણી, એ જ સારું છે. આપણે તો શિંગ- મિસરીનાં પડીકાં લઈ લેવાનાં. ઘરમાં વપરાઈ પણ જાય, ને પાછું ચોખ્ખાનું ચોખ્ખું.”

કેટલાંક વિષયો ને બાબતો એવાં હોય છે કે જેમની ચર્ચા કરી જ ના શકાય. કોઈને ગમે-ના ગમે તો પાપ તો શું, યુદ્ધનાં યુદ્ધ શર્‌ થઈ જાય. એવો એક વિષય આ છે. એના નામના અઢી અક્ષર છે ખરા, પણ એ શબ્દ તે “પ્રેમ’ નથી.

આ વિષય-વસ્તુથી થોડા જ અંશાંક દૂર વળી જઈએ તો નિરાપદ અને સુરક્ષિત વિચાર-ભૂમિ પર પહોંચી જવાય. ચર્ચા કરી શકાય આત્મનની શોધ અંગે, ફિલસૂફીના ઊંડાણ અંગે, વિશ્વના બૌદ્ધિક વિચારકોનાં મંતવ્યો વિષે. ભારતીય સમાજમાં જ નહીં, પણ પશ્ચિમના જીવનમાં પણ, ઈશ્વર તથા કર્મકાંડોની સાથે સાથે, તાત્તિક પ્રવૃત્તિઓનું પણ સ્થાન હોય છે. માનસિક  અને શારીરિક ચિકિત્સાની જેમ આધ્યાત્મિક આધાર આપતાં કેન્દ્ર અમેરિકાનાં અનેક શહેરોમાં સ્થપાઈ ચુક્યાં છે. અસંખ્ય સામયિકો પણ બહાર પડવા લાગ્યાં છે. એમાંનું એક “ફ્રી સ્પિરિટ” નામનું દ્વિ-માસિક હું ખૂબ કુતૂહલથી જોઈ ગઈ.

ખોલતાં જ, અંદરના પુંઠા પર બે ફોટા હતા – આ નવ્ય કાળમાં માનસિક સ્વાસ્થ્ય અને સામાજિક સાફલ્ય માટે સલાહ આપતા, અત્યંત લોકપ્રિય એવા બે ઉપદેશકોના. બંનેનાં નામ જાણીતાં છે, ને એ બંનેના ફોટા દ્વારા બે નવાં તાત્ત્વિક, અભૌતિક, આધ્યાત્મિક સામયિકોની જાહેરાત કરવામાં આવી રહી હતી. પછીના પાના પર, પર્વતોના સુંદર પરિસરમાં વસાવેલી – “દેહ, મન અને આત્મા”ને નવચેતના આપતી – એક આધુનિક ક્લબની જાહેરાત હતી. “સ્વ-સામર્થ્ય” માટેની કેટકેટલી રીતો હોઈ શકે છે તે મેં એ સામયિકમાં જોયું. આપણે ધ્યાન અને યોગ વિપે જાણતાં હોઈએ. રેઈકી અને પ્રાણિક પુષિનાં નામ પણ સાંભળ્યાં હોય. એમ તો, અહીં હરે ક્રિષ્ણ કેન્દ્ર (માથે ચોટલી), સંખ્યા-વિજ્ઞાન અને હિપ્નોસિસ જાણકાર (દાઢી, મૂછ, ત્રાંસી ટોપી), આધ્યાત્મિક વિજ્ઞાનના પ્રણેતા (દાઢી, મૂછ, શીખ પાઘડી), શ્રી સ્વામીજી (દાઢી, મૂછ, તિલક) ઇત્યાદિ જેવી ભારતીય વંશાવલિવાળી ઉપસ્થિતિઓ છે જ, અને ગર્જિએફ, બૌદ્ધ, ઝેન વગેરે ફીલસૂફીને અનુસરતાં કેન્દ્રો પણ છે.

આ સિવાય ઘણાં ધોળાં અને શ્યામ અમેરિકનો, ચીની, જાપાની, કોરિઅન, યુરોપી વગેરે કેટલી જાતનાં સ્ત્રી-પુરુષો પોતપોતાનાં નાનાં-મોટાં કેન્દ્રો ચલાવી રહ્યાં છે. વળી, ચિકિત્સા- રીતિઓ તો પાર વગરની. અંગ્રેજી શબ્દ-પ્રયોગોનું ભાષાંતર કર્યા વગર એક નાની સૂચિ આપું

ધ ટૅરૉટ સ્કૂલ, ક્રિસ્ટલ વર્કશોપ, ન્યૂરો-લિન્ગ્વિસ્ટિક પ્રોગ્રામિન્ગ, રિફ્લૅફસોલોજી, ટ્રાન્સ્ફોર્મેશનલ બ્રૅંથ, લવિન્ગ ટચ સેન્ટર; શિઆત્સુ, ચિગૉન્ગ ને તાઈ-ચિ હીલિન્ગ સેન્ટર; રૉૅલ્ફિન્ગ, જિન શિન ડો, ઈનર ફાયર, હૉલિસ્ટિક મૅડિસિન, ડ્રીમ એનાલિસિસ, સેલેસ્ટિયલ સોલ ફ્િલિઅરિન્ગ વગેરે વગેરે.

કેવાં અવનવાં, અટપટાં નામો. પણ પરિણામો સરખે સરખાં – મનની શાંતિ, તનની સ્વસ્થતા, વ્યફ્તિગત સમતોલન, આત્માનું ઊંડાણ. આ બધાં નામોની થોડી સમજુતી આપતી ભાષા પણ અવનવી, અતિશયોફિતથી ભરેલી લાગે. વિષયને ઉપયુફ્ત પરિભાષા વાપરવી તો પડે જને. હું કદાચ કૈંક સંશયવાદી હોઈશ, પણ એવાં વર્ણનોથી મને હસવું આવી જાય, ને હું “કમાલ છે”નું માથું હલાવું ! સદ્ભાગ્યે આવાં સામયિકમાં લેખ બે કે ત્રણ જ હોય, ને આવી ઘણી જાહેરખબરોએ પાનાં ભરેલાં હોય, એટલે વાંચવાનું બહુ રહે નહીં. જેમને આ બધી જાતના આધારની જરૂર હશે એમનાં પર શું આ કૃત્રિમ જેવી પરિભાષા અસરકારક નીવડતી હશે ખરી?

અંગ્રેજીમાંથી ગુજરાતી કરી ઉદાહરણ આપવા જાઉ તો નિરર્થક થશે, પણ છતાં થોડાં વાક્યો પરિવર્તિત કરવા પ્રેરાઉ છું. ત્રણ ભારતીય “સંતોનાં ભક્તો ઘણાં હોંશિયાર નીકળ્યાં, કે એમણે મુખ્ય પ્રવાહના એક સામયિકમાં એમના હાસ્યોજ્જૂવળ ફોટા છપાવી દીધા. એમને માટે (મૂળ અંગ્રેજીમાં) લખાયેલા શબ્દો જોઈએ: (૧) દક્ષિણ ભારતનાં જીવંત “સંત શ્રી અમ્માચીને મળો અને વ્યક્તિગત રીતે એમના આશીર્વાદ પામવાનો અસાધારણ અનુભવ માણો. (૨) શ્રી શ્રી રવિશંકર એક એવા ગુરુ છે જે ઈશુના પ્રેમ અને કરુણા, તથા બુદ્ધનું ઊંડું મૌન વહન કરતા વર્ણવાયા છે. (૩) કરુણામયી ભગવતી શ્રી શ્રી શ્રી વિજ્યેશ્વરી દેવી જન્મથી “દેવ્ય માતા ” સરસ્વતી – કે જે જ્ઞાન, સંગીત અને કળાની દેવી છે- તરીકે પૂજાતાં આવ્યાં છે. માનવજાતને માટે થઈને એ દસ વર્ષ સુધી દૂરના એક જંગલમાં ધ્યાન-રત રહ્યાં. આવો, આ માતાના બિનશરતી પ્રેમની પૂર્ણતા અનુભવો.

આ આખો વિષય શ્રદ્ધાનો છે, અને બધા પ્રયત્નો આત્માના ઊંડાણ પ્રતિ જવાના અથવા લઈ જવાના હોય છે. પણ તો પછી બધું છલના જેવું કેમ લાગે છે? કોઈ “સંત”ની અસંભવ જેવી જરૂરિયાત, કોઈ “સંતઃ માટેની અસ્વાભાવિક જેવી ભાષા – એમનામાં વિશ્વાસ મૂકતાં પણ ડર
લાગે, રખેને મૂરખાં બનીએ.

શક્ય છે કે આ “”સંતો”ને પણ કશાક ડર લાગતા હોય. દાખલા તરીકે, એક જમાનામાં દરિયાપાર જવું મોટું પાપ ગણાતું. કદાચ એટલે જ આધુનિક “સંતો” ગંગાજળનાં પીપ દરિયા-પારમંગાવી લેતા હશેને?

પાપ ગમે તેટલાં જટિલ હોય, એમને ધોવાના ઉપાય સહેલા બની ગયેલા લાગે છે.


સુશ્રી પ્રીતિ સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે

Author: Web Gurjari

2 thoughts on “: પુણ્ય અને પાપની પરિભાષા :

  1. “દુનિયા ઝૂકતી હૈ, ઝૂકાનેવાલા ચાહિયે ‘ બીજું શું?

Leave a Reply

Your email address will not be published.