ગઈ કાલના દુષ્કૃત્ય બદલ આવતી કાલે માફી માંગીએ તો ચાલે?

ફિર દેખો યારોં

બીરેન કોઠારી

ધર્મ વિશે એમ કહેવામાં આવે છે કે તેનો આખરી ઉદ્દેશ્ય માનવજાતની શાંતિ માટેનો છે, અને તમામ ધર્મોનો સાર એ જ છે. અલબત્ત, એ હકીકત ધ્યાનમાં લેવા જેવી છે કે યુદ્ધમાં થઈ છે એથી અનેકગણી જાનહાનિ ધર્મના નામે અને કારણે થઈ છે, અને હજી થતી રહે છે. ધર્મમાં આસ્થા ધરાવતી વ્યક્તિ એમ કહી શકે કે ધર્મના પાયાગત સિદ્ધાંતો માનવજાતના કલ્યાણ માટે છે, પણ છેવટનો આધાર તેના આચરણકર્તા પર હોય છે. માનવા ખાતર આ હકીકતને સાચી માનીએ તો સવાલ એ થાય કે સદીઓથી ચાલી આવતી આ હિંસાખોરીમાં કેમ કશો ફરક ન પડ્યો?

રોમન કેથલિક ચર્ચના સર્વેસર્વા પોપ ફ્રાન્‍સિસ સમાચારમાં ચમક્યા છે. તાજેતરની તેમની કેનેડાની મુલાકાત દરમિયાન તેમણે રોમન કેથલિક ચર્ચ દ્વારા કેનેડાનાં સ્થાનિક બાળકો પર આચરવામાં આવેલા અમાનવીય જુલમ બાબતે જાહેરમાં માફી માંગી છે. પોપની આ ચેષ્ટા બાબતે ટીપ્પણી કરતાં અગાઉ જે બાબતે તેમણે માફી માંગી એ મુદ્દો સમજવા જેવો છે.

ઓગણીસમી સદીના આરંભકાળથી કેનેડામાં નિવાસી શાળાઓની સંસ્કૃતિ આરંભાઈ હતી. આવી મોટા ભાગની શાળાઓનું સંચાલન ચર્ચ દ્વારા કરવામાં આવતું હતું. કેનેડાના સ્થાનિક નિવાસીઓનાં બાળકોને બળજબરીપૂર્વક આ શાળાઓમાં અભ્યાસ માટે ધકેલાતાં, જેથી તેઓ ‘સુધરીને’ ગોરી સંસ્કૃતિમાં હળીમળી શકે. આવી શાળાઓમાં અભ્યાસ માટે ‘લઈ જવાયેલાં’ ઘણાં બાળકો કદી ઘેર પાછા ન આવતાં. પૂછપરછ કરતાં તેમના પરિવારને અષ્ટમપષ્ટમ સમજૂતિ આપી દેવામાં આવતી કે જવાબો ટાળી દેવામાં આવતા. આ બાળકો સાથે શું કરવામાં આવતું અને તેઓ કેમ પાછા આવતા નહોતા એ અટકળનો વિષય હતો, અને એ અટકળ તેમના અપમૃત્યુ તરફ દોરી જતી હતી. અલબત્ત, તેનો કોઈ પુરાવો નહોતો. છેક 1970ના દાયકા સુધી આવી નિવાસી શાળાઓ ચાલતી રહી. સૌથી છેલ્લી શાળા 1996માં બંધ થઈ.

આ બાબતે તપાસ કરવા માટે સરકાર દ્વારા ‘નેશનલ ટ્રુથ એન્‍ડ રિકન્‍સાઈલેશન કમિશન’ (એન.ટી.આર.સી.)ની રચના કરવામાં આવી. આ કમિશન દ્વારા કરવામાં આવેલી તપાસમાં જણાયું કે વિવિધ શાળાઓમાંથી ઓછામાં ઓછા ૪,૧૦૦ બાળકો મૃત્યુ પામ્યાં હતાં. મૃત્યુ ચાહે તેમની સાથેના દુર્વ્યવહારથી થયું હોય કે રોગ યા અકસ્માતથી.

ઘણી શાળાઓના સંકુલમાં કશી નિશાની વિનાની કબરો મોટી સંખ્યામાં હોવાની અફવાઓ ચાલતી હતી, પણ નિવાસી શાળા કાર્યરત હતી એવા એક સંકુલમાં પહેલવહેલી વાર એવું કબ્રસ્તાન મળી આવ્યું છે, જ્યાં ૨૧૫ બાળકોને દફનાવવામાં આવ્યા હતાં. ‘એન.ટી.આર.સી.’ના અહેવાલમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ નિવાસી શાળાઓ ‘સાંસ્કૃતિક નિકંદન’નો કાર્યક્રમ જ ચલાવતી. તેમાં સ્થાનિક ભાષા પ્રતિબંધિત હતી, અને તેના માટે હિંસાનો આશરો લેવામાં સુદ્ધાં ખચકાટ નહોતો.

પાંચસો જેટલા વિદ્યાર્થીઓ ધરાવતી, સૌથી મોટી નિવાસી શાળાઓ પૈકીની એક એવી કેમ્લૂપ્સ નિવાસી શાળામાં સ્થાનિક વિદ્યાર્થીઓ સાથેની ગેરવર્તણૂકના અનેક કિસ્સા જાણમાં આવ્યા, જે અહીંની પરંપરા સમા બની રહેલા. છેક ૧૯૧૮માં અહીં નિરીક્ષણ માટે આવેલા એક સરકારી અધિકારીએ આ શાળાનાં બાળકો યોગ્ય આહારના અભાવે કુપોષિત રહેતાં હોવાની શંકા દર્શાવી હતી. ‘એન.ટી.આર.સી.’ની તપાસમાં જેરાલ્ડિન બૉબ નામના એક ભૂતપૂર્વ વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે આવી શાળાના કર્મચારીઓ વિદ્યાર્થીઓને મારતા, પોતાના પરનો કાબૂ તેઓ ગુમાવી બેસતા અને વિદ્યાર્થીને દિવાલ સાથે અફાળતા, ભોંય પર પછાડતા, લાતો મારતા કે મુક્કા મારતા.

અહેવાલમાં આવાં અનેક શરમજનક તથ્યો બહાર આવવા લાગ્યાં એટલે વેનકુવર આર્ચડાયોસિઝના આર્ચબિશપ જે. મિશેલ મિલરે પ્રાયશ્ચિતના સૂરે એક નિવેદનમાં જણાવેલું, ‘આ પ્રકારના સમાચારથી થતી વેદના આપણને એ યાદ કરાવે છે કે ચર્ચ દ્વારા સંચાલિત નિવાસી શાળાઓમાં થયેલી પ્રત્યેક કરુણાંતિકાને પ્રકાશમાં લાવવી. સમયનો પ્રવાહ વેદનાને ભૂંસી શકતો નથી.’ વેનકુવર આર્ચડાયોસિઝ અંતર્ગત કેનેડાના પશ્ચિમી પ્રાંત બ્રિટીશ કોલમ્બિયાનાં તમામ ચર્ચને આવરી લેવામાં આવે છે, અને આર્ચબિશપ તેના વડા હોય છે. આર્ચબિશપે નિવાસી શાળાની નીતિ અંતર્ગત ચર્ચે ભજવેલી ભૂમિકા બાબતે ૨૦૧૫માં જાહેર માફીપત્ર પણ લખ્યો. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ૨૦૧૮માં રોમન કેથલિક ચર્ચના સર્વોચ્ચ વડા પોપ ફ્રાન્‍સિસને પણ માફી માંગવા માટે અપીલ કરી હતી, જેને એ સમયે પોપે નકારી કાઢી હતી.

એના ચારેક વરસ પછી, કેનેડાની મુલાકાત વેળા આ જ પોપે દિલગીરી તેમજ શરમ વ્યક્ત કર્યાં.

સવાલ એ છે કે ભૂતકાળમાં આચરવામાં આવેલા કોઈક કૃત્ય બદલ વર્તમાનમાં પસ્તાવો પ્રગટ કરવાથી કે માફી માંગવાથી ભૂતકાળનાં દુષ્કૃત્યોથી થયેલું નુકસાન સમું થઈ શકવાનું છે? જે પરિવારોએ પોતાનાં બાળકો સદાયના માટે ગુમાવ્યાં એમને એ પાછાં મળવાનાં છે? એ બાળકોએ અને તેમના પરિવારોએ જે માનસિક યાતના વેઠી એનું શું? આ બધા સવાલો અણિયાળા છે, છતાં એ હકીકત છે કે ભલે વરસો પછી, પણ પસ્તાવા અને પ્રાયશ્ચિતની લાગણી અનુભવાય તો એ એક આવકાર્ય ચેષ્ટા છે. પોતાના પૂર્વસૂરિઓએ કશુંક ખોટું કર્યું હોવાનો એમાં સ્વીકાર છે, જે મિથ્યાભિમાનને પોષતું અટકાવે છે. આવો સ્વીકાર અને તેનો અહેસાસ કદાચ ભવિષ્યમાં આવી કરુણાંતિકા બનતી રોકી શકે એવી શક્યતા હોય છે.

આ હકીકત કેવળ રોમન કેથલિક સંપ્રદાયને જ લાગુ પડે છે એવું નથી. ધર્મના નામે જ્યાં અને જ્યારે પણ અમાનવીય કૃત્યો આચરવામાં આવ્યાં છે એ તમામ ધર્મોને આ લાગુ પડે છે. ધર્મને વ્યક્તિગત આસ્થાને બદલે સામૂહિક ઓળખ બનાવી દેવામાં આવે તો છેવટે એ બાહ્યાચાર બનીને જ રહી જાય છે. આટલું સાદું સત્ય હજી આપણે સમજી શકતા નથી, અને ધર્મના નામે રોજેરોજ બાખડવાનું અટકવાને બદલે વકરતું રહ્યું છે.


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૦૪-૦૮ –૨૦૨૨ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.