ઈંગમાર બર્ગમેનનું આંતર – વિશ્વ : મણકો ૪ – લગ્ન દ્રષ્યાવલિ (૧૯૭૪ ) | SCENES FROM A MARRIAGE

ભગવાન થાવરાણી

ઈંગમાર બર્ગમેનની ફિલ્મો – વિશેષ કરીને સ્ત્રીપુરુષ સંબંધો, પ્રેમ, લગ્ન, લગ્નોત્તર સંબંધો વિષયક – નું મૂલ્યાંકન કરતાં પહેલાં એ સમજી લેવું પડે કે આ પૂર્વ યુરોપ અને એમાંય સ્વીડન જેવા મુક્ત દેશની ફિલ્મો છે જ્યાં આવા સંબંધો સાવ સામાન્ય અને નિખાલસ છે, ચોખલિયાપણું નહીંવત છે અને ફિલ્મોમાં એનું પ્રદર્શન ઝાઝી સેંસરશીપ વિના થઈ શકે છે. ભારતીય સંસ્કાર અને મૂલ્યો જોડે એમની સરખામણી જ ન થઈ શકે. હા, માનવીય સંવેદનો અને એના ચિત્રાંકન બાબતે બન્ને સંસ્કૃતિઓમાં કોઈ ભેદ નથી.

બર્ગમેને એકવાર વિખ્યાત ફિલ્મ વિવેચક રોજર એબર્ટને કહેલું કે હું ફિલ્મસર્જક માઈકલેંજેલો એંતોનિયોની નો ઈંટર્વ્યુ જોતો હતો ત્યારે એ બોલતા હતા એ મેં ભાગ્યે જ સાંભળ્યું. મારું સમગ્ર ધ્યાન એમના ચહેરા પર હતું. ફિલ્મોમાં પણ માનવીય ચહેરો મારા માટે સિનેમાનું સૌથી અગત્યનું અંગ છે. કદાચ એટલે જ બર્ગમેનને ‘ કેમેરાના કવિ ‘ કહેવાયા છે.

ઉપરની વાત એટલા માટે કે આજની ફિલ્મ SCENES FROM A MARRIAGE[1]લગ્ન દ્રષ્યાવલિ મુખ્યત્વે ચહેરાઓ પર કેંદ્રિત છે. ચહેરાઓ અને એમની પરના ભાવોનું ચિત્રણ એ આ ફિલ્મનો પ્રાણ છે. ફિલ્મ મૂલત: એક નાની ટેલિ-સિરિયલ હતી કુલ છ કલાકની. ૧૯૭૪માં એ જ સિરીયલનું ટૂંકાવેલું ૧૬૭ મિનિટનું સ્વરૂપ થિયેટરોમાં ફિલ્મ તરીકે રજૂ થયું. એ એક ઉત્કૃષ્ટ કક્ષાની કલાકૃતિ તો બની છે જ, એણે ઊહાપોહ પણ ખૂબ મચાવ્યો. ફિલ્મ રિલીઝ થયા પછીના વર્ષમાં સ્વીડન અને યુરોપના અન્ય દેશોમાં છૂટાછેડાના કિસ્સાઓની સંખ્યા બેવડાઈ ગયેલી અને એ માટે આ ફિલ્મને જવાબદાર ઠરાવાયેલી.

ફિલ્મનું શીર્ષક ભલે ચીંધે કે એ લગ્નજીવનની વાત છે, વસ્તુત: એ છે એક પ્રેમકથા . નાયક યોહાન  JOHAN  (અભિનેતા ERLAND JOSEPHSON) અને નાયિકા મેરિયન (અભિનેત્રી LIV ULLMANN – લિવ ઉલમાન) ના જીવનની. આપણે સૌ હવે જાણીએ છીએ કે લીવ બર્ગમેનની સહચારિણી (પણ પત્ની નહીં !) અને એમની દીકરી લીન ઉલમાનની માતા છે. મજાની વાત એ કે આ પ્રેમકથા શરુ થાય છે એ બનેના લગ્નજીવનની દશમી વર્ષગાંઠે અને બે પુત્રીઓના જન્મ પછી અને પૂરી થાય છે એમના લગ્નના વીસ વર્ષ પછી, જ્યારે બન્ને છૂટા પડી, બીજા લગ્ન કરી, જીવનમાં બીજી વાર ‘ ઠરીઠામ ‘ થયા હોય છે ત્યારે !

ફિલ્મમાં મહદંશે આ બે જ પાત્રો છે. બન્નેની બે બાળકીઓ અને બીજા લગ્ન પછીના એમના પતિ – પત્ની –પૌલા અને હેનરીક – નો ઉલ્લેખ માત્ર છે. હા, ફિલ્મમાં બર્ગમેનના માનીતા બીબી એંડરસન ( વાઈલ્ડ સ્ટ્રોબેરીઝ ) અને અન્ય કલાકાર એમના મિત્ર દંપતિ  કેટેરીના અને પીટરની ગૌણ ભૂમિકાઓમાં ખરા પરંતુ સમગ્ર ફિલ્મ કેંદ્રિત છે માત્ર અને માત્ર મેરિયન અને યોહાન અને એમના વિકસતા, પાંગરતા, કથળતા, ગબડતા, ઝંઝાવાતો ઝીલતા અને પુન: સજીવન થતા સંબંધો પર. બર્ગમેને કબૂલ કર્યું છે તેમ, ફિલ્મ સ્વયં એમના અને લીવ ઉલમાનના સંબંધો, બર્ગમેનના બે નિષ્ફળ લગ્નો અને એમના પોતાના મા-બાપના લગ્નજીવન અને એમાંની ઘટનાઓ ઉપર આધારિત છે.

ફિલ્મ વિવેચક રોજર એબર્ટના મતે આ ફિલ્મ ‘ વિશ્વની બેહતરીન, ઈમાનદાર અને ઝળહળતી પ્રેમકથાઓમાંની એક ‘ છે. અન્ય એક વિવેચક કહે છે કે આ ફિલ્મ ‘ અનોખી અને અંતરંગ રીતે અસામાન્ય છે જે આપણી પરંપરાગત માન્યતાઓનો ભાંગીને ભુક્કો કરી નાંખે છે.‘ 

ફિલ્મના નાયક – નાયિકા એક ઉચ્ચ મધ્યમવર્ગીય સ્વીડીશ યુગલ છે. યોહાન પ્રોફેસર છે અને મેરિયન કૌટુંબિક વિખવાદોની નિષ્ણાંત વકીલ. બન્ને બુદ્ધિશાળી અને સ્વતંત્ર છે. એમને બે દીકરી છે જે ફિલ્મમાં દેખાતી નથી. ટીવી સિરિયલની જેમ ફિલ્મને પણ છ ભાગમાં વહેંચી છે અને દરેક પ્રકરણને શીર્ષક આપ્યા છે. ચાલો, વિગતે જોઈએ –

૧. નિર્દોષતા અને આતંક

લગ્નના દસ વર્ષ સુખરૂપ વીતાવ્યા બાદ ( એમને ત્યાં આ એક ઘટના કહેવાય ! ) યોહાન અને મેરિયનનો ઈંટર્રવ્યુ લેવાય છે. પત્રકાર બાનુ એમને કેમેરા સમક્ષ અંતરંગતા અને પ્રસન્ન દાંપત્યનો અભિનય કરવાનું કહે છે. યોહાન એ કામ વધુ સ્વસ્થતાથી કરે છે. મેરિયનને ફાવતું નથી. યોહાન ગૌરવપૂર્વક કહે છે કે પોતે એક સફળ પિતા, પુત્ર અને પતિ છે અને એક જવાબદાર નાગરિક પણ.  ‘ અને હા, હું એક અદ્ભૂત પ્રેમી પણ છું. ‘ કહી એ મેરિયન તરફ અનુમોદન માટે જુએ છે. મેરિયન પોતાના તરફથી કશું ઉમેરતાં ખચકાય છે. એ એટલું ઉમેરે છે  ‘ પણ અમે સુખી તો છીએ જ.

ઔપચારિક પ્રશ્નોના જવાબમાં યોહાન કહે છે કે અમે મળ્યા અને પરણ્યા એ પહેલાં અન્ય પાત્રો જોડે સંકળાયેલા હતા. મેરિયન તો પરણેલી અને ગર્ભવતી પણ થયેલી ! બન્ને એકસરખી રીતે નાખુશ હતા એટલે નિકટતા વધી. લગ્ન પછી પ્રેમમાં પડ્યા. હા, ક્યારેક અસહમતિ પણ થાય. ઈંટરવ્યુ સમાપ્ત.

મેરિયન અને યોહાને પોતાના મિત્ર દંપતિ કેટરીના અને પીટરને પોતાને ત્યાં ડીનર પર નિમંત્ર્યા છે. મહેમાન દંપતિ વચ્ચે સતત ખટરાગ અને એકબીજાને વાક્બાણથી પીંખી નાંખવાની ચડસાચડસી ચાલે છે. યોહાન કહે છે પણ ખરો ‘ જિંદગીએ આપણી સાથે કરેલા અન્યાયની ફરિયાદો કરવા કરતાં આપણે આજની સાંજ ખૂબસુરત રીતે વીતાવીએ. ‘ પીટર કેટરીનાથી છૂટો પડવા મક્કમ છે. યજમાન દંપતિ એમની વચ્ચેની ભયાનક કડવાશ અચરજથી નિહાળે છે. બન્ને વચ્ચેના આક્ષેપ – પ્રતિઆક્ષેપ ગંદકીની સીમાઓ વળોટે છે. બન્ને જમીને નીકળી જાય છે.

એમના ગયા પછી મેરિયન અને યોહાન પોતાની અંગત જિંદગી – જાતિય સવિશેષ – ની મુક્ત ચર્ચા કરે છે. ‘ ગનીમત એ કે આપણે સહિયારી ભાષા બોલીએ છીએ. એ લોકો સાવ અલગ-અલગ. અમુક પતિપત્ની તો એવા ફોન પર વાત કરે જે બગડેલા હોય. ક્યાંક વળી પહેલેથી રેકર્ડ કરેલી ટેપ વાગતી હોય. ક્યારેક બે જણ વચ્ચે અંતરિક્ષનું મૌન વ્યાપેલું હોય. (એટલે કે આપણે એવા નથી ! )

૨. ઝઘડાને જાજમ નીચે સંતાડવાની કળા

યોહાન – મેરિયનના બેડરૂમમાં સવાર. મેરિયનની ઈચ્છા કાલે રવિવારે એની માને ત્યાં ડીનર માટે જવાની નથી. એને રવિવાર પતિ-બાળકો સંગે ગાળવો છે. ‘ ક્યારેક તો મને એમ થાય કે આપણે આખું અઠવાડિયું સળંગ પથારીમાં પડ્યા રહીએ.‘ અને પછી રમતિયાળતાથી ‘ ક્યારેક એકબીજાને છેતરીએ તો કેવું રહે ? ‘ બન્નેને પોતાની જિંદગીમાં એમના માબાપનો ચંચુપાત પસંદ નથી.

યોહાન ક્યારેક કવિતાઓ પણ લખી લે છે પણ પત્નીને સંભળાવતો નથી. પોતાની સ્ત્રી મિત્રને વાંચવા આપે છે પણ એના ટાઢાબોળ પ્રતિભાવથી હતાષા અનુભવે છે.

કૌટુંબિક વિખવાદના કિસ્સાઓની બાહોશ વકીલ હોવાના નાતે મેરિયન પાસે ભાત-ભાતના કેસ આવે છે. ક્યારેક તો દરેક રીતે સુખી અને નિરુપદ્રવી જીવન માણતી સ્ત્રીઓ ‘ માત્ર લગ્નજીવનમાં પ્રેમના અભાવને કારણે ‘ તલાક મેળવવા દોડી આવે !  એમના મતે ‘ સાથે રહીને એકલતા વેઠવી ‘ એ કરતાં અળગા રહેવું બહેતર છે ! મેરિયનના પોતાના મતે મૈત્રી, વફાદારી અને સંવાદની હાજરી એ જ તો પ્રેમ છે ! આ બધા લોકોના જીવનની વિગતો જાણી મેરિયન મનોમન પોતાના લગ્નજીવનના સંદર્ભે એની મૂલવણી કરતી રહે છે.

એ યોહાનને કહે છે કે લગ્નજીવનમાં અમુક સમય પછી શારીરિક ખેંચાણ જતું રહે છે. ‘ પણ એટલું સારું કે આપણા કિસ્સામાં એવું નથી. જોકે સેક્સ જ સર્વસ્વ છે એવું પણ ક્યાં છે ? ‘ બન્ને વચ્ચે એ બાબતે અસહમતિ છે. ‘ એકબીજાને નાની-નાની વાતોમાં દુખી કરીએ અને પછી એ કાંટા પથારીમાં શૂળની જેમ ભોંકાયા કરે એનો શો અર્થ ? પૂરતું આપીએ નહીં તો પૂરતું પામીએ પણ નહીં ‘ બન્ને વચ્ચે કડવાશ વિના નોંકઝોંક ચાલતી રહે છે. નાના – નાના સત્ય ઉજાગર થતા રહે છે. મેરિયન ક્યારેક યોહાનને દિલથી બિરદાવે છે પણ ખરી. ‘ તું અધકચરાપણાના દરિયા વચ્ચે અદ્ભુત ક્ષણો ખેંચી લાવે છે.‘ ક્યારેક અપવાદરૂપ એવું પણ બને કે મેરિયનના ખુલ્લા ‘નિમંત્રણ’ ને નકારી યોહાન ઉદાસીનતાથી પડખું ફેરવી જાય. મેરિયનને આ ઉદાસીનતા પર પણ પ્રેમ ઉભરાઈ આવે !

૩. પૌલા

એક દિવસ અચાનક ઝંઝાવાત આવે છે. શાંત વહેતી નદીમાં વમળ જેવું. બહારગામ ગયેલો યોહાન પાછો ફરીને એલાન કરે છે કે પોતે પૌલા નામની સ્ત્રીના પ્રેમમાં છે. એ કાલે જ એની સાથે પેરિસ નીકળી જવા માંગે છે. ‘ કદાચ ભૂલ હોય મારી પણ હું નિ:સહાય છું.‘ મેરિયનને અચાનક માથા પર ઘણ પડ્યો હોય એવું લાગે છે. એ સ્તબ્ધ છે. ખાસ્સી વાર અવાક રહ્યા બાદ એ પીડા પી જઈ કહે છે ‘ બધું રાબેતા મૂજબ તો ચાલતું હતું અને આમ સાવ અચાનક ! હવે ? અહીંથી ક્યાં જઈશું ?  તારે છૂટાછેડા જોઈએ ? ‘ આ વજ્રઘાત પચાવી ગયા પછી જે બાકી વધેલી પીડા એના ચહેરા પર ઝલકે છે એ એના માટે જ નહીં, દર્શક માટે પણ અસહ્ય છે. સિનેમાના પડદા પરની શ્રેષ્ઠતમ ક્ષણો !

‘ હું મજબૂર છું. પૌલા વિના રહી શકું તેમ નથી.’ મેરિયન આ આઘાત પહેલાંની પ્રેમાળ પત્નીની જેમ પૂછે છે  ‘કાલે વહેલી સવારે નીકળવું છે ને ? ચાલ સુઈ જઈએ.‘ 

ભીતર વલોપાત અને બહાર સ્વસ્થતા !  ‘તને તો વળી પેકીંગ પણ ક્યાં આવડે છે! હું કરી દઈશ. તારો પેલો માનીતો સૂટ ધોબી પાસે છે. હું લઈ આવીશ. કેટલા સમય માટે જવાનો ?’  ‘હમણાં તો છ મહિના. કપાત પગારે.’  મેરિયન સ્વસ્થ રહેવાનો મરણિયો પ્રયત્ન કરે છે પણ આપણે એનો ચહેરો વાંચી શકીએ છીએ. ‘ એને પોતાની જિંદગી જેટલી જ ચિંતા યોહાનના આગામી દુખી જીવનની પણ છે !  ‘ ખરેખર તો હું છેલ્લા ચાર વર્ષથી તારાથી છૂટવા ઈચ્છતો હતો. હું ફલાણો શું કહેશે અને ઢીંકણાને કેવું લાગશે એ તારી ટકટકથી ત્રાસ્યો હતો. માબાપની અને તારી મરજી મૂજબ ખૂબ જીવ્યો. ‘

બેડરૂમ . બન્ને પડખે-પડખે. મેરિયન ધ્રુસ્કે – ધ્રુસ્કે રડે છે. ‘ હું ઘરેથી કશું લઈ જતો નથી. મારા પુસ્તકો સિવાય. હું સ્વયંને તારી જિંદગીમાંથી ભૂંસી નાંખવા માગું છું. તને અને બાળકોને ભૂખે મરવા નહીં દઉં. અહીં જોસેફસન ( યોહાન ) પણ અભિનયમાં લીવ ઉલમાનનો સમોવડિયો સાબિત થાય છે.

મેરિયન ગળગળી થઈ બોલી પડે છે  ‘ તું ન જા. તને વીનવું છું. કમસેકમ એક – બે મહીના આ નિર્ણય પાછો ઠેલ. આપણે આપણું લગ્નજીવન બચાવી શકીશું. નવેસરથી શરુ કરીએ. તું કહે તો હું પૌલા સાથે વાત કરું. ‘ એ જાણે ખોળો પાથરે છે. ‘તું મને એક અનિચ્છનીય અને અસહ્ય પરિસ્થિતિમાં ધકેલી રહ્યો છે.‘ જાતને સંભાળી એ પૌલા વિષે પૂછે છે. ‘પૌલાને અમારા બન્નેના ભવિષ્ય અંગે ઝાઝી આશા નથી. એ તો એમ પણ માને છે કે હું વહેલો – મોડો તારી પાસે પાછો ફરીશ.’  ‘એ શૈયાસંગિની તરીકે કેવી છે ?’  ‘આપણે બન્નેએ એકબીજાને મજબૂત શિકંજામાં જકડી રાખેલા. અન્ય સાથે તાલમેલ સાધતાં વખત લાગે ને !’ મેરિયન કડવાશને જાકારો દઈ શારીરિક નિકટતા ઝંખે છે. ‘તું મારી નજીક જ રહે. કાલનો દિવસ આપણા બન્ને માટે આકરો ઊગવાનો છે.‘  ‘હું શરમિંદો છું, પણ શું કરું ?’ ‘ અત્યારે માત્ર હું અને તું છીએ. રાતના થોડાક કલાકો બચ્યા છે.

સવાર. મેરિયન ડરતાં ડરતાં આંખો ખોલે છે. વાસ્તવિકતાનો સામનો બને એટલો મોડો કરવો પડે એટલા માટે. હજી સૂતેલા યોહાનના ચહેરાને ધારી-ધારીને નીરખે છે અને વિચારે છે  ‘ આ એ જ પુરુષ ? ‘ 

યોહાન ઊઠીને એને પોતાની ટપાલ અને કાર અંગે જરૂરી સૂચનાઓ આપે છે. નીકળવા જાય છે અને મેરિયન એને વળગી પડે છે. ‘ તું મને તારી જિંદગીમાંથી ધકેલીને કાઢી રહ્યો છે. તારો પાછા ફરવાનો કોઈ ઈરાદો ન હોય તો પણ મને કહે કે તું પાછો આવીશ. ‘ યોહાન બળપૂર્વક પોતાને મેરિયનના પાશમાંથી છોડાવીને નીકળી જાય છે.

મેરિયન રજાઈ ઓઢી ઢબૂરાઈ જવાનો નાકામ પ્રયત્ન કરે છે. એ એમના એક મિત્ર વિક્ટરને ફોન કરે છે, પોતાની વ્યથા ઠલવવા ખાતર. એને એ જાણીને આઘાત લાગે છે કે વિક્ટરને યોહાનના પૌલા સાથેના પ્રેમ-પ્રકરણની ઘણા વખતથી ખબર હતી ! કદાચ એ એકલી જ એવી હતી જેને આ બાબતની ગંધ પણ નહોતી !

મેરિયન રડે છે, તરફડે છે.

૪. અશ્રુધાર

ખુશખુશાલ મેરિયન પોતાના ઘરમાં. યોહાન છ મહિના પછી પૌલા વિદેશ ગઈ હોવાથી મેરિયનને મળવા આવ્યો છે. મેરિયન હવે વિચ્છેદનો આઘાત પચાવી ગઈ છે. એ યોહાનને હોંશે-હોંશે જણાવે છે કે બધું નવેસરથી ગોઠવાઈ ગયું છે. યોહાન એનું શારીરિક સાન્નિધ્ય ઝંખે છે પણ મેરિયનનો પ્રતિભાવ ઠંડો છે. ‘જમીને જજે.‘ પોતાને અમેરિકાની એક યુનિવર્સિટીમાં નોકરી મળ્યાના ખુશખબર યોહાન આપે છે. ‘હવે છૂટાછેડાનું ગોઠવીએ. હું કદાચ પુનર્લગ્ન કરું. તું અમેરિકા જતો રહે એ પહેલાં એ પૂરું કરીએ.‘ પછી થોડુંક વિચારીને  ‘હું વિચારતી રહું છું કે એવું તે મારાથી શું થઈ ગયું કે આપણી વચ્ચે આવી ખાઈ પડી ?’ ફરી થોડાક વિરામ બાદ  ‘હું આજકાલ એક પુરુષને મળું છું. શરીર સંબંધ પણ બાંધ્યો. જામ્યું નહીં એટલે બંધ કર્યું. હવે બદલાઈ રહી છું. તારી બધી વસ્તુઓ એક બાજુ ખસેડી મારી ગોઠવી. શરુઆતમાં અપરાધ-બોધ જેવું લાગ્યું. પછી ફાવી ગયું. મારા ડોક્ટરની સલાહ પ્રમાણે હમણાં જે વિચારું-અનુભવું એ ટપકાવી રાખું છું. ‘ તો મને એ વાંચી સંભળાવ ને ! ‘ યોહાન એને ચૂમે છે. ‘મારા શરીરને છોડ અને મારા આત્માની વાત સાંભળ.‘ મેરિયન નોટબુક લઈ આવે છે.  ‘હું તારો સ્પર્શ એટલે ટાળું છું કે તું જતો રહીશ પછી મારે પાછું આ આગમાં સળગવું પડશે.‘ થોડુંક અટકીને  ‘અને હા, તેં મારી સાથે જે કર્યું છે એ બદલ હું તને ધિક્કારું છું. જો કે તને એટલો જ પ્રેમ પણ કરું છું . તું માનીશ, મારે હવે મિત્રો અને પ્રેમીઓ સુદ્ધાં છે. છતાં હું સ્વયંને તારી સાથે બંધાયેલી ભાળું છું. હું એકમાત્ર તારી સાથે જ રહેવા માગું છું. હું કંઈ તને ઈમોશનલ બ્લેકમેઈલ નથી કરતી. માત્ર મારી લાગણીઓને વાચા આપું છું.‘ 

જાણે મેરિયનની ભીતર ધરબાયેલું નઘરોળ સત્ય બહાર આવી રહ્યું છે. લીવ ઉલમાન ખરી જિંદગી અને અભિનય વચ્ચેનો ભેદ જાણે ભૂંસી નાંખે છે. કેવું દ્રષ્ય, કેવું કેમેરાવર્ક અને અભિનયની શી ઊંચાઈ ! ફિલ્મકળામાં ચહેરા અને એના ભાવોનું શું મહત્વ છે અને શરૂઆતમાં લખ્યું છે તેમ સર્જક બર્ગમેન શા માટે ચહેરાઓ પાછળ ગાંડા છે તેનું રહસ્ય અહીં ખૂલે છે. ‘ મારાથી દૂર રહે યોહાન. તું મને તબાહ કરીને જતો રહીશ. પછીનું યુદ્ધ મારે એકલીએ લડવાનું આવશે . ‘  યોહાન – ‘ હું પણ તને ચાહું છું .  ‘ જૂઠ. તું જતો રહે. ‘ વાતને વાળી યોહાન મેરિયનને નોટબુકમાં એણે ટપકાવેલું વાંચી સંભળાવવા કહે છે. મેરિયન વાંચે છે. એની આંખો આગળ એનું બચપણ તરે છે. ‘ મારે અભિનેત્રી બનવું હતું. વકીલ બની ગઈ. મારી ઈચ્છા પોષવા હું જીવનમાં અભિનય કરવા લાગી. ‘ મેરિયન નોટબુક હટાવીને જૂએ છે તો યોહાન ઘસઘસાટ ઊંઘી ગયો છે. મેરિયનને ઉપેક્ષાની નવી પીડા ઘેરી વળે છે. યોહાન સફાળો જાગે છે.  ‘ તું તારા ઘરે જઈ આરામ કર. બાળકો ખાતર પણ મળતો રહેજે.‘ યોહાન નીકળી જાય છે પણ ન જીરવાતાં થોડીક વારમાં પાછો ફરે છે. બન્ને ભરપૂર પ્રેમ કરે છે.

મોડી રાત્રે એ ઊંઘમાંથી જાગે છે. ‘ મને અહીં ઊંઘ નહીં આવે. ‘ મેરિયન એને એક પત્ર દેખાડે છે. એ પૌલાએ મેરિયનને લખ્યો છે. એ પરદેશ એટલા માટે ગઈ છે કે જેથી યોહાન સાથેનુ ઈર્ષા અને શંકાનું ચક્ર થોડોક સમય તૂટે. એને એ પણ ખબર છે કે પોતે વિદેશ જશે એટલે યોહાન તુરંત એની પાસે દોડી આવશે. એના કથનમાં યોહાનને પત્ની-બાળકોથી છીનવી લેવાનો અપરાધ-ભાવ છે. પત્ર વાંચી યોહાન જાય છે. મેરિયન શૂન્યમાં તાકતી રહે છે.

૫. અભણ લોકો

મેરિયન યોહાનની ઓફિસે આવે છે. પોતે તૈયાર કરેલા છૂટાછેડાના કાગળો હોંશભેર દેખાડે છે. ‘ બરાબર વાંચીને સહી કરજે. ‘ યોહાન કાગળો નિરીક્ષે છે.  ‘ મેં તને છેતર્યો નથી એ ચકાસી લેજે. ‘ મેરિયનનો ખુશનુમા મૂડ અચાનક ઉદાસીમાં પલટાય છે.  ‘ તલાક એટલે માત્ર કાગળિયાં જ ? મને તો સતત હું ગુનેગાર હોઉં એવું લાગ્યા કરે છે. ‘ ઘડીક વિચારશીલતામાં વિચરી, મેરિયન પાછી રોમાંટિક મૂડમાં આવી જાય છે. ‘ ચાલ, મને ચુંબન કર. ‘  ‘ પણ મને સખત શરદી છે. ‘  ‘ કંઈ વાંધો નહીં. મને તારો ચેપ ક્યારેય લાગતો નથી. ‘ બન્ને અંતરંગ. ‘ હજી આપણા કાયદેસર છૂટાછેડા ક્યાં થયા છે ! ‘ બન્ને ચકચૂર પ્રેમ કરે છે.  ‘ છૂટાછેડા કાલ પર મુલતવી રાખીએ. ‘ ઉત્તેજના શમ્યા પછી  ‘ સહી-સિક્કા અત્યારે જ કરીએ પછી બહાર જઈને આ ઘટનાની ઉજવણી કરીએ. ‘ યોહાન કાગળો ઘરે લઈ જઈને તપાસવાનો આગ્રહ રાખે છે. એ અચાનક નિરાશાની ગર્તામાં સરકી પડે છે.  ‘ હું પિસ્તાલીસનો થયો. હવે વધીને બીજા ત્રીસ વર્ષ. અત્યારે પણ એક બિનકાર્યક્ષમ મોંઘા મશીન જેવો છું. ભંગારવાડે નાખવા લાયક. થાકી ગયો છું જિંદગીથી. ‘

મેરિયનને યોહાનની હતાશાની તમા નથી. ‘ તારી લાગણીઓનું ખૂબ ધ્યાન રાખી લીધું. એમાં પ્રેમ મરી ગયો. યાદ કર, આપણી નાની દીકરીના જન્મ પછી મને શરીર-સંબંધમાં રસ ઘટી ગયેલો. તેં દોષનો ટોપલો મારા બે ગર્ભાધાન પર ઢોળેલો . હવે હું તારાથી સાચા અર્થમાં મુક્ત છું. ‘  યોહાન  ‘ તું પણ ફરી લગ્ન કરીશ તો થોડાક સમયમાં પાછું એનું એ થઈ જશે. પછી તારી નફરતથી પીછો છોડાવવા પાછો નવો પ્રેમી શોધીશ. ‘  ‘ કામોત્તેજનાથી ઉપરવટ એક નિ:સ્વાર્થ પ્રેમ પણ હોય છે. ‘ બન્ને ફરી આરોપનામાઓ પર ઉતરી આવે છે. ‘ હાશ ! બધી જ વાતમાં મારો વાંક હોય એ દિવસો પૂરા થયા. તું પરોપજીવી જીવડું છો અને રહીશ. તારા અને મારામાં ફેર એ છે કે મેં હંમેશા પરિસ્થિતિઓનો સામનો કર્યો છે. મને મુશ્કેલીઓ અતિક્રમવામાં મજા આવે છે. યોહાન’ આપણે મળ્યા અને સાથે રહેવાનું નક્કી કર્યું એ જ મોટી ભૂલ હતી. ભવ્ય રકાસ !’  ‘ આપણે જલદી છૂટાછેડાના કાગળોમાં સહીઓ કરી ફારેગ થઈએ એમાં જ બન્નેની ભલાઈ છે. મને તો શંકા છે કે તારે એ જોઈતા જ નથી. એવું નથી એ સાબિત કરવા હમણાં જ સહીઓ કર. ‘ યોહાન ઢીલો પડે છે  ‘ હા. હું પૌલાથી થાકી ગયો છું. મારે પાછા ફરવું છે. હું નિષ્ફળ માણસ છું. મારું તારી સાથેનુ બંધન મેં ધાર્યું હતું એ કરતાં મજબૂત નીકળ્યું. પૌલા સાથેની એકલતા મારા એકલાની એકલતા કરતાં પણ ખતરનાક છે. ‘ મેરિયન મક્કમ છે. એ નીકળી જવા ફોન કરી ટેક્સી બુક કરે છે. ‘ આપણે સાથે હતા ત્યારે પણ આમ નથી વર્ત્યા ‘ યોહાન એને હડસેલીને ચાલી જતાં અટકાવે છે. ‘ એટલે જ હું છૂટાછેડાની પ્રક્રિયામાંથી પસાર થતી દરેક સ્ત્રીને ચેતવું છું કે હિંસાથી બચવા પતિથી દૂર રહો. ‘ યોહાન અચાનક ઊભો થઈ મેરિયનને મારઝૂડ કરે છે. મેરિયન મારથી બચવા ટૂંટિયું વળી જાય છે. ‘ આજે તને મારી જ નાંખીશ. ‘ મેરિયનના નાકમાંથી લોહી વહે છે.

ભયાનક ઝનૂન થોડીકવારમાં શમી જાય છે. યોહાન પશ્ચાત્તાપમાં રડે છે.

બન્ને છૂટાછેડાના દસ્તાવેજોમાં સહીઓ કરી છૂટા પડે છે.

૬. અડધી રાત – અંધારિયું મકાન

મેરિયન અને યોહાન વધુ એક વાર અને આ ફિલ્મમાં આખરી વાર મળે છે. બન્નેએ પોતાના જૂના મકાનમાં મળવાનું નક્કી કર્યું છે. બન્નેના જીવનસાથી પૌલા અને હેનરીક પરદેશ ગયા છે. આ પહેલાં પણ બન્ને અવારનવાર મળતા રહ્યા છે. એમના લગ્નને હવે વીસ વર્ષ થયા છે. બન્નેએ બીજા લગ્ન કર્યા એને પણ હવે આઠેક વર્ષ થયા છે. બન્નેની દીકરીઓ પણ હવે મોટી થઈ છે અને એમની સ્વતંત્ર જિંદગી છે. એ બન્ને હવે પિતાને ભાગ્યે જ યાદ કરે છે.

બન્ને પોતાના જૂના અને જાણીતા શયનખંડના પલંગ ઉપર. બન્નેને આ જગ્યાએ ખદબદતી પુરાણી સ્મૃતિઓ વચ્ચે મૂંઝારો થાય છે. યોહાન મિત્ર વિક્ટરને ફોન કરી, એના ગામના છેડે આવેલા અંધારિયા મકાનમાં એક રાતનો ‘ રાતવાસો ‘ ગોઠવે છે.

બન્ને એ મકાને પહોંચે છે. અંદર બધું વેરવિખેર છે. બધું વ્યવસ્થિત કરી બન્ને પલંગમાં લંબાવે છે. મેરિયન પોતાના ‘ ભૂતપૂર્વ ‘ પતિ અને ‘ વર્તમાન ‘ પ્રેમી યોહાનને નીરખી રહે છે. એની આંખો સજળ છે. એ એને વળગીને જાણે બાળકને પુચકારતી હોય તેમ પૂછે છે  ‘ તને કોઈ હેરાન તો નથી કરતું ને ? ‘ યોહાન કહે છે કે એ હવે બદલાયો છે  ‘ હું હવે ઓછો આક્રમક છું. મારી મર્યાદાઓ સમજ્યો છું. તેં જે અપેક્ષાઓ મારી પાસે રાખેલી એ કદાચ વ્યાજબી હતી. ‘ મેરિયન પણ કબૂલે છે કે પોતે ફરી લગ્ન કર્યા એ ભૂલ હતી. કેવળ શારીરિક આકર્ષણ. મારા પતિના મતે હું વધારે પડતી સંવેદનશીલ – વેવલી છું. હું હવે માત્ર વર્તમાન વિષે વિચારીને આનંદિત રહું છું. યોહાન – ‘ જીવને આપણને ઘણું બધું શીખવ્યું. આપણે આપણને જ શોધી કાઢ્યા. અહીં બેઠા – બેઠા આપણા જીવનસાથીની ઉણપો કાઢવાનો કોઈ અર્થ નથી. જીવન તો આપણે ઢાળીએ તેમ ઢળે. ‘  મેરિયન – ‘ હું હવે મારા ભીતરના અવાજ પર ભરોસો રાખું છું. સંજોગોએ મને બે પતિ ઉપરાંત એક ત્રીજો જીવનસાથી બક્ષ્યો છે. અનુભવ. મને હવે લોકો ગમે છે. ચર્ચા પણ. હવે સમાધાનો પણ સ્વીકાર્ય છે. ‘ બન્ને ચર્ચા બંધ કરી સુઈ જાય છે.

અડધી રાતે મેરિયન દુ:સ્વપ્નમાંથી જાગે છે. ‘ મને સપનું આવ્યું કે આપણે બન્ને એક ભયાનક રોડ ઓળંગતા હતા. હું ઈચ્છતી હતી કે તું અને દીકરીઓ મારો હાથ પકડો પણ મારા હાથ જ ગાયબ હતા ! હું રોડની એક તરફ રહી ગઈ અને તમે બધાં સામેની તરફ. યોહાન, શું આપણે કોઈક ઊંડી ગર્તામાં ધકેલાઈ રહ્યા છીએ ? ‘  ‘ હા, પણ હવે બહુ મોડું થઈ ચૂક્યું છે. ‘  ‘ કશુંક અગત્યનું ચૂકાઈ ગયું છે. એ શું હશે ? હું ક્યારેક તારું મન વાંચી શકું છું. એ સમયે એવી ઋજુતા અનુભવું કે જાતને ભૂલી જઉં. ‘ પછી સુદીર્ઘ મૌન. બન્ને એકબીજાનું મૌન સાંભળી રહે છે.

મેરિયન મૌન તોડે છે. ‘ મને ક્યારેક એ વાતનું દુખ થાય કે મેં ખરેખર દિલથી કોઈને ચાહ્યો જ નથી. મને કોઈએ ઈમાનદારીથી ચાહી હોય એમ પણ માનતી નથી.‘  ‘ એ તો ચોંકાવનારી વાત. હું માનું છું કે હું તને ચાહું છું. જોકે મારા સ્વાર્થ પ્રમાણે. એ જ પ્રમાણે તું. બીજા શબ્દોમાં આપણે બન્ને એક બીજાને પાર્થિવ રીતે અને અપરિપૂર્ણ રીતે ચાહીએ છીએ. ‘ મેરિયન આ આખી વાત સમજતી હોય તેમ એના ભાવ કહે છે. યોહાન – ‘ હા, તારી અપેક્ષાઓ બહુ મોટી. હું તો આ રહ્યો અડધી રાતે તારી આગળ નિરાવરણ. જગતના કોઈ ખૂણે આવેલા અંધારિયા મકાનમાં તને વીંટળાઈને બેઠેલો. મારો પ્રેમ શું છે એનું વર્ણન પણ મને આવડે નહીં. ‘  મેરિયન – ‘ અને છતાં તને એવું લાગે છે કે હું તને ચાહું છું ? ‘  ‘ હા. પણ જો એ વાત પર ધ્યાન આપીશું તો પ્રેમ સરી જશે. ‘  ‘ તો પછી સુઈ જઈએ ? સવારે જોયું જશે.

બન્ને મીણબત્તી ઓલવી સુઈ જાય છે.

સુખી અંત. લગભગ.

શરુઆતમાં જ કહ્યું કેમ આ એક વિલક્ષણ અને અદ્ભૂત પ્રેમકથા છે. આપણે જે પ્રેમકથાઓથી ટેવાયેલા છીએ એ સામાન્યત: બન્ને પાત્રોના લગ્ન પહેલાં શરુ થાય ( અને લગ્ન સાથે કે પછી એ પૂર્ણવિરામ પર પહોંચે !! ) આ કહાણી બન્ને પાત્રોના લગ્નના દસ વર્ષ પછી તો શરુ થાય છે અને અનેક અંતરાયો, કલહો, ઉગ્રતાઓ, મારપીટ, છૂટાછેડા અને બન્નેના અલગ-અલગ પાત્રો સંગેના પુનર્લગ્નો પછી પણ ફિલ્મના ખૂબસુરત અંત લગી ચાલુ રહે છે. કારણ એ કે બન્નેના સહવાસ દરમિયાન બન્ને વચ્ચે કોઈક એવો અદ્રષ્ય સેતુ રચાયો છે જેને આ બધી ઘટનાઓ અસર કરી શકી નથી ! આ સેતુને જ કદાચ પ્રેમ કહે છે. એને કશું મિટાવી શકતું નથી. આ પ્રેમને સાથે કે અલગ રહેવા સાથે લેવાદેવા નથી. એને પરણવા – ન પરણવા સાથે, છૂટાછેડા કે પુનર્લગ્નો સાથે કે જોજનોના ભૌતિક અંતર સાથે પણ નિસબત નથી. 

ફિલ્મનો પ્રાણ છે અભિનેત્રી લીવ ઉલમાન. આ ફિલ્મમાં એમનો અભિનય અવાચક કરી દે છે . જોકે નાયક અર્લેંડ જોસેફસન પણ જરાય ઉતરતા નથી. ફિલ્મના કેટલાય દ્રષ્યોમાં એ ઉલમાનનો સમોવડિયા પૂરવાર થાય છે. આ બન્ને કલાકારોના પૂર્ણ સમર્પણ અને વ્યક્તિગત તેજસ્વિતાને કારણે એમના મોટા ભાગના દ્રષ્યોમાં ભાગ્યે જ રિટેક થયેલા. લીવ ઉલમાને આ ઉપરાંત પણ બર્ગમેનની આઠ ફિલ્મોમાં કામ કર્યું છે ( જેમાંની એક ઓટમ સોનાટા આપણે જોઈ ચૂક્યા છીએ ) એ ૮૩ વર્ષે આજે પણ હયાત છે. ફિલ્મમાં બર્ગમેનના કાયમી સિનેમાટોગ્રાફર સ્વેન નિકવીસ્ટ કમાલ કરે છે. બન્ને મુખ્ય કલાકારોના ચહેરાઓ એમનો કેમેરા પૂર્ણ સંવેદનશીલતાથી વાંચે છે.

ફિલ્મનો અંત દર્શાવે છે કે અનેક ઉતાર-ચડાવમાંથી પસાર થયા બાદ હવે યોહાન અને મેરિયન સમાધાનના એ બિંદુએ પહોંચ્યા છે જ્યાં બન્ને અલગ હોવા છતાં સાથે છે અને સુખી છે ! એમનું લગ્નજીવન વેરવિખેર થયું છે , પ્રેમ નહીં ! એમણે કોઈક બિંદુએ એકમેકના અંતરતમને સ્પર્શી લીધું છે. આ સ્પર્શ એમને કાયમ જોડી રાખશે. બર્ગમેન એ પણ સાબિત કરી શક્યા છે કે પ્રત્યેક પુરુષ એક ટાપુ છે. એમનો નિષ્કર્ષ એ છે કે સમાધાનની સહિયારી ભૂમિકા લગ્નની ઉપરવટ, પ્રેમની ઉપરવટ, પ્રેમને ખતમ કરનારા સ્વાર્થની ઉપરવટ અને અહમના ટકરાવની ઉપરવટ કશુંક એવું રચે છે જે બે જણને જોડે છે.

ન્યૂયોર્ક ટાઈમ્સે લખ્યું છે  ‘ આ ફિલ્મ તીવ્ર રીતે, લગભગ અસહ્ય કહેવાય એ હદે વિચલિત કરે છે. મોટા ભાગના દ્રષ્યોમાં પડદા પર માત્ર બે ( મહદંશે તો એક જ ! ) જણને જોઈએ છતાં પડદો જાણે વિરોધાભાસી પણ જકડી રાખનારા સંવેદનોથી ઊભરાતો લાગે છે. ‘

આપણા ગોવિંદ નિહાલાણીની ૧૯૯૦ની ફિલ્મ ‘ દ્રષ્ટિ ‘ આ ફિલ્મ પર આધારિત હતી તો બર્ગમેનના પરમ ચાહક વૂડી એલન તો એમની કોઈ ફિલ્મમાંથી પ્રેરણા ન લે તો જ નવાઈ ! એમની HUSBANDS AND WIVES ( 1992 ) અને ANNIE HALL ( 1977 ) પર આ ફિલ્મની અસર છે. ફિલ્મસર્જક રિચર્ડ લિંકલેટરની  ‘ BEFORE MIDNIGHT ‘ આ ફિલ્મને પ્રમાણભૂત માને છે તો રશિયન સર્જક ANDRE ZVYAGINTSEV ની LIVELESS ( 2017 ) તો આ ફિલ્મની જ રિમેક છે. બે’ક વર્ષ પહેલાંની ફિલ્મસર્જક NOAH BAUMBACH ની સફળ ફિલ્મ MARRIAGE STORY માં પણ આ ફિલ્મના સંદર્ભો છે .

બર્ગમેનની મોટા ભાગની ફિલ્મો કરતાં બમણી લંબાઈની હોવા છતાં એક ક્ષણ માટે પણ છોડવી ન ગમે એવી ફિલ્મ !

[1]

https://youtu.be/W1yR5m3O4c8


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.

Author: Web Gurjari

6 thoughts on “ઈંગમાર બર્ગમેનનું આંતર – વિશ્વ : મણકો ૪ – લગ્ન દ્રષ્યાવલિ (૧૯૭૪ ) | SCENES FROM A MARRIAGE

 1. અદભુત ફિલ્મ અને અદભુત એનું નિરૂપણ.
  આપણાં સમાજ અને સંસ્કૃતિથી જોજનો દૂર હોવા છતાં ફિલ્મ વિશે ખુબ સમજપૂર્વક લખાયું છે તેના માટે થાવરાની ભાઈ ને ખુબ ખુબ અભિનંદન. આવી ફિલ્મ સમજવી અઘરી છે કારણ કે તેનું પરીપેક્ષ્ય બિલકુલ અલગ છે. અને તેથી તેનું નિરૂપણ ખુબ અઘરું છે.
  ખુબ ખુબ આભાર, થાવરાની ભાઈ !

 2. માનવીય સંવેદનાઓ થી ભરપૂર , નિખાલસ નિરૂપણ… ખાસ કરી ને મેરિયન એન્ડ યોહાન ની લાગણીઓ જે મૌન કે સંવાદો થી પ્રદર્શિત થતી રહે છે તેમાં આપણે ઓતપ્રોત થઈ જઇ ને એકધારું જાણે ફિલ્મ જોઈ રહ્યા છીએ તેવું ફિલ કરીયે છે..એક જબરદસ્ત સંવેદનનાઓ સભર ફિલ્મ નો આલેખ એટલોજ દમદાર જે ફરી વાંચવું ગમે.. અભિનંદન ભગવાન થાવરાની સાબ👏👏👏👌👌👌🌹

 3. લગ્ન જીવન ના દશ વર્ષ પછી શરુ થતી ફિલ્મ SCENES FROM A MARRIAGE ને જાણે જોતા હોઈએ એવી સુંદર પ્રસ્તુતિ. ફિલ્મના છ અંક માંનો દરેક અંક ત્યાંની સંસ્કૃતિ પ્રમાણે લગ્ન જીવન ની સમસ્યાઓ , માનસિક ગડમથલ અને આંતરિક વિરોધાભાસી સમસ્યાઓથી ભરપૂર છે. આમછતાં એકબીજા પ્રત્યેનો પ્રેમ પણ અકબંધ છે .
  “એમનું લગ્નજીવન વેરવિખેર થયું છે , પ્રેમ નહીં ! એમણે કોઈક બિંદુએ એકમેકના અંતરતમને સ્પર્શી લીધું છે. આ સ્પર્શ એમને કાયમ જોડી રાખશે.” શબ્દો દ્વારા પણ જે વ્યક્ત ના થઇ શકે, તેને ચેહરા ના હાવભાવથી વ્યક્ત કરવાની કલા ના ગુરુ એવા દિગ્દર્શક Ingmar Bergmanઅને બંને મુખ્ય કલાકારો ERLAND JOSEPHSON – LIV ULLMANN ને પણ બિરદાવવા જ રહ્યા.
  આવી સુંદર ફિલ્મોને અમારા સુધી લોકભોગ્ય સ્વરૂપમાં પ્રસ્તુત કરવા બદલ આપનો આભાર અને અભિનંદન.

Leave a Reply

Your email address will not be published.