ખેલદિલીનાં રમત મેદાનો કે ભેદભાવનાં ભારખાનાં ?

નિસબત

ચંદુ મહેરિયા

કોઈપણ પ્રકારની રમતની પ્રાથમિક શરત ખેલદિલી છે.પરંતુ ખેલદિલીની આ ભાવના માત્ર હારજીત સુધી જ મર્યાદિત છે. રમતના મેદાનો પર કે તેની બહાર દેશ, પ્રદેશ, રંગ, ધર્મ, જ્ઞાતિ અને બીજા અનેક પ્રકારના ભેદભાવ ભારોભાર જોવા મળે છે. ભેદભાવના આચરણની બાબતમાં કોઈ દેશ કે કોઈ રમત બાકાત નથી.

ઈ.સ. ૧૯૯૮માં ઈંગ્લેન્ડ અને વેલ્સના ક્રિકેટ બોર્ડે ’રેસિઝમ સ્ટડી ગ્રુપ’ની રચના કરી હતી. રંગભેદના બનાવો અને કોઈ જ ભેદ વિના સૌને રમવાની સરખી તક મળે છે કે નહીં તેની તપાસ તેણે કરી હતી. “હિટ રેસિઝમ ફોર એ સિક્સ “ (રંગભેદને છગ્ગો ફટકારો અર્થાત તેને મેદાનની બહાર ફેંકી દો) એવા બહુ સૂચક શીર્ષક સાથે જૂન,૧૯૯૯માં તેનો અહેવાલ પ્રગટ થયો હતો. હવે સવા બે દાયકે ફૂટબોલની વલ્ર્ડ ગવર્નિંગ બોડી ,’ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ એસોસિએશન ફૂટબોલ’ (ફીફા) અને ફૂટબોલ પ્લેયર્સના યુનિયન ‘ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ પ્રોફેશનલ ફૂટબોલર્સ’ (ફિફપ્રો)એ મળીને ફૂટબોલના ખેલાડીઓને ઓનલાઈન ટાર્ગેટ કરતી કોમેન્ટ્સનો તાજેતરમાં અભ્યાસ કર્યો છે. યુરો કપ ૨૦૨૦ અને આફ્રિકા કપની સેમિફાઈનલ –ફાઈનલની ચાર લાખ સોશ્યલ મીડિયા પોસ્ટના અભ્યાસ પરથી જણાયું છે કે પચાસ ટકા કરતાં વધુ ખેલાડીઓને ઓનલાઈન દુર્વ્યવહાર  સહેવો પડ્યો છે. કોમેન્ટ્સ કરનારાના નિશાના પર મોટાભાગે શ્યામવર્ણી ફૂટબોલર્સ જ હોય છે. એટલે રંગભેદ અને બીજા ભેદ ક્રિકેટ કે ફૂટબોલના મેદાન પર અને બહાર હજુય હયાત છે.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ક્રિકેટ ટેસ્ટ શ્રેણીની એજબેસ્ટન સ્ટેડિયમની મેચ દરમિયાન ભારતીય ટીમના ચાહક દર્શકો ઈંગ્લીશ દર્શકોની રંગભેદી ટિપ્પણીનો ભોગ બન્યાની ઘટના હજુ હમણાંની જ છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ૨૦૨૧માં સિડનીમાં રમાયેલી મેચ દરમિયાન ફિલ્ડીંગ કરતા ભારતીય પ્લેયર્સ મોહમ્મદ સિરાજ અને  જસપ્રિત બુમરાહને ઓસ્ટ્રેલિયન દર્શકોની સતત રંગભેદી ટિપ્પણીઓ સાંભળવી પડી હતી. એક તબક્કે સિરાજ મેદાન પર રડી પડ્યા અને તેમણે ભારતીય કેપ્ટન રહાણેને અને કેપ્ટને એમ્પાયરને ફરિયાદ કરી હતી. આ કારણે રમત દસ મિનિટ બંધ રહી

માત્ર ધોળી ચામડીના દર્શકો જ રંગભેદ આચરે છે એવું નથી. ઘઉંવર્ણા ભારતીયો પણ કાળી ચામડીના દેશી-વિદેશી ખેલાડીઓ સાથે આવું કરે છે.વેસ્ટ ઈન્ડીઝના પ્રસિધ્ધ ઓલરાઉન્ડર ડેરેન સૈમીની કેપ્ટનશીપમાં વેસ્ટ ઈન્ડીઝ બે વખત ટી-૨૦ વિશ્વ કપ જીત્યું હતું. ડેરેન સૈમી આઈપીએલની મેચોમાં ૨૦૧૩ અને ૨૦૧૪માં સનરાઈઝ હૈદરાબાદની ટીમમાં હતા.તે સમયે તેમના સાથી ઘઉવર્ણા ભારતીય ખેલાડીઓ તેમને સામુહિક રીતે ‘કાલુ’ કહીને જ બોલાવતા. હતા. સૈમીએ  આ અપમાનજનક શબ્દનો ફોડ ‘બ્લેક લાઈવ્સ મેટર’ અભિયાન દરમિયાન પાડ્યો હતો.દક્ષિણ ભારતના અને શ્યામ વર્ણના પૂર્વ ભારતીય ક્રિકેટરો એલ. બાલાજી અને શિવરામકૃષ્ણન પોતાના જ દેશમાં રમતાં રંગભેદ સહેતા આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, “અમે આખી જિંદગી અમારા જ દેશમાં ચામડીના કાળા રંગને કારણે ભેદભાવ અને ટીકાઓ સહેતા રહ્યા છીએ “.

માત્ર રંગ જ નહીં દેખાવ પણ ભેદનું કારણ બને છે. ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે હતી ત્યારે ભારતના જાણીતા સ્પિનર હરભજન સિંઘે ઓસ્ટ્રેલિયાના એન્ડ્ર્યુ સાયમંડ્સને ‘મંકી’ કહેતા તેમને ત્રણ મેચના પ્રતિબંધની સજા કરાઈ હતી.પૂર્વોત્તરના લોકોનો ચહેરો થોડો અલગ હોઈ શેષ ભારતના લોકો તેમને  ચિંકી કે મોમા કહે છે. આંતરરાષ્ટ્રીય બોક્સર સરિતા દેવીને આવા શબ્દોથી તો ઠીક તેમના એક કોચ તો જંગલી જ કહેતા હતા. ૨૦૧૯માં ભારતીય અભિનેત્રી ઈશા ગુપ્તાએ નાઈજિરિયાના ફૂટબોલર એલેકઝાન્ડર ઈબોબીને ‘ગોરિલ્લો’ કહ્યા હતા. એટલે આ કેવું વિષચક્ર છે તે જણાય છે.

ઈંગ્લેન્ડના ક્રિકેટર મોઈન અલીએ મિહિર બોઝના સહલેખનમાં લખેલી તેમની આત્મકથા”મોઈન”માં લખ્યા મુજબ ૨૦૧૫માં ઓસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડ વચ્ચેની મેચમાં તેમને દર્શકો ‘ઓસામા’ કહેતા હતા. ધર્મ અને રંગને કારણે  ઓસ્ટ્રેલિયન દર્શકો  પજવતા હોવાની ફરિયાદ ભારતના હરભજન સિંઘની પણ હતી.એશિયન ખેલાડીઓને પશ્ચિમના કેટલાક દેશોમાં ‘પાકી’ એટલે કે  પાકિસ્તાની તરીકે ઓળખવામાં આવતા હોવાનો ઘણાંનો અનુભવ છે.

ભારતના સ્ટાર બેટ્સમેન ગણાયેલા યુવરાજ સિંહે એક કાર્યક્રમમાં સાથી ક્રિકેટર યજુવેન્દ્ર ચહલ માટે અપમાનજનક જાતિસૂચક શબ્દ વાપર્યો હતો. બ્રિટિશ રાજ દરમિયાન ભારતમાં જ્યારે ધર્મ આધારિત ક્રિકેટ ટીમો રચાતી હતી. ત્યારે કથિત અસ્પ્રુશ્ય સમાજમાંથી આવતા મહારાષ્ટ્રના પી. બાલુ અને તેમના ત્રણ ભાઈઓ ‘હિંદુ ટીમ’ના ખેલાડીઓ હતા. પી.બાલુ એક ઉચા ગજાના બોલર હતા અને હિંદુ ટીમના વિજ્યમાં તેમનું સવિશેષ યોગદાન રહેતું છતાં તેમને કદી ટીમના કેપ્ટન બનાવાયા નહોતા. આજે પણ ભારતીય ક્રિકેટ ટીમ અને તેના વહીવટમાં કહેવાતી નિમ્ન જ્ઞાતિઓનું પ્રતિનિધિત્વ ખાસ જોવા મળતું નથી. બહુ વાજબી રીતે દેશ હોકીના જાદુગર તરીકે ધ્યાન ચંદને આજે પણ યાદ રાખે છે. પરંતુ ૧૯૨૮ની જે ઓલમ્પિકમાં ભારતને હોકીમાં ગોલ્ડ મળ્યો હતો તે ટીમના કેપ્ટન આદિવાસી સમાજના જયપાલ સિંહ મુંડાને  સાવ વિસારે પાડી દેવાયા છે.

ખેલદિલીની રમતો અને રમતના મેદાનો ભેદભાવના ભારખાના હોવાના બનાવો અલ્પ કે છૂટાછવાયા નથી વળી આ કોઈ પૂર્ણ ભૂતકાળનીનહીં  ચાલુ વર્તમાનકાળની વાતો છે. એટલે તેનો ઉકેલ શોધવો રહ્યો. મોટાભાગની રમતો અમીરો અને કથિત ઉચ્ચવર્ણના લોકો માટે છે. તે સ્થિતિ બદલાવી જોઈએ.

સૌરવ ગાંગુલીએ તેમની કપ્તાની દરમિયાન મેદાન પરની સ્લેજિંગ(ઉશ્કેરણી) માટે કુખ્યાત ઓસ્ટ્રેલિયાને તેનાથી બમણી ઉશ્કેરણીથી માત આપી હતી.! પાકિસ્તાનના કેપ્ટન ઈમરાન ખાને હરીફ ટીમના પ્લેયરને કોઈ પાકિસ્તાની પ્લેયર ’સર’ કહીને ના બોલાવે તેની ફરજ પાડેલી. યુઈએમાં રમાયેલા ૨૦૨૧ના વલ્ડ કપ  વખતે દક્ષિણ આફ્રિકાના ક્રિકેટ બોર્ડે બ્લેક લાઈવ્સ મેટરના સમર્થનમાં  બધા ખેલાડી માટે મેચના આરંભે મેદાન પર ઘૂંટણભેર ઉભા રહેવાનું ફરજિયાત કર્યું હતું. તેના વિરોધમાં ટીમના શ્વેતવર્ણી ખેલાડી ક્વિંટંન ડિકાર્કે મેચની બહાર રહેવાનું પસંદ કર્યું હતું. તેથી આ પ્રકારના ઉકેલ કેટલે અંશે ભેદભાવ ડામી શકશે તે પ્રશ્ન છે.

સાઉથ આફ્રિકી ટીમના કોચ માર્ક બાઉચર પર ખેલાડી પ્રત્યેના રંગભેદી આચરણનો આરોપ તપાસ પછી જૂઠ્ઠો ઠર્યો તો  પણ બાઉચરે માફી માંગી હતી અને તેમનું આચરણ અધિક સંવેદનશીલ હોવું જોઈતું હતું તેમ જણાવ્યું હતું. ઈંગ્લેન્ડમાં એજબેસ્ટન સ્ટેડિયમ પર ભારતીય દર્શકો સાથેના તાજેતરના ગેરવર્તન પછી ટીમના કોચ ક્રિસ સિલ્વાવુડે કહ્યું હતું તેમ સૌનો સમાવેશ અને નહીં કોઈ પ્રત્યે ભેદ એ જ રમતને ખેલદિલ તથા શાનદાર બનાવી શકે છે.


શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.