દયા અને ઉપેક્ષામાં જીવતા, અધિકાર માગતા વિકલાંગ

નિસબત

ચંદુ મહેરિયા

લોકબોલીમાં આંધળા, બહેરા, બોબડા, લૂલા, લંગડા અને કદરૂપા કહેવાતા,  જન્મથી કે અકસ્માતે શારીરિક-માનસિક અપંગતા ધરાવતા લોકોનો , મોટો સમૂહ દેશ અને દુનિયામાં દયા અને ઉપેક્ષામાં જીવન બસર કરે છે. ભારતમાં પહેલા તે અપંગ કહેવાતા, પછી વિકલાંગ કહેવાયા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને દિવ્યાંગ કીધા અને માધ્યમોએ તે નામ જાણીતું કર્યું. અંગ્રેજી ભાષામાં તેના માટે  હેન્ડિકેપ, ફિઝિકલી ચેલેન્જડ, ડિફરન્ટલી એબલ, ડિસેબલ અને સ્પેશિયલ પ્રિવિલેજ્ડ જેવા શબ્દો વપરાતા રહ્યા છે. આમ તેમની ઓળખ બદલાતી રહી છે, પણ સ્થિતિ ઝાઝી બદલાઈ નથી

૨૦૦૧ની વસ્તી ગણતરી પ્રમાણે દેશમાં ૨.૧૯ કરોડ વિકલાંગો હતા. જે એક દાયકા પછી ૨૦૧૧માં વધીને ૨.૬૮ કરોડ થયા હતા.એ વરસે ગુજરાતમાં ૧૦.૯૨ લાખ વિકલાંગો હતા. ૨૦૧૧ની દેશની ૧૨૧ કરોડની આબાદીમાં ૨.૨૧ ટકા વિકલાંગો હતા. તેમાં ૧.૫ કરોડ પુરુષો અને ૧.૧૮ કરોડ મહિલાઓ હતી. વિકલાંગોની ૭૦ ટકા જેટલી મોટી વસ્તી ગ્રામીણ ભારતમાં છે વિકલાંગોનો સાક્ષરતા દર ૫૫ ટકા છે પરંતુ સ્નાતક ૫ ટકા જ છે.  દેશના ત્રણેક કરોડ અપંગોમાંથી માંડ ૩૬ ટકા જ રોજગાર મેળવે  છે.દેશની ટોચની પાંચ ખાનગી કંપનીઓમાં ૦.૫ ટકા દિવ્યાંગોને જ રોજગાર મળે છે. એટલે મોટાભાગના જીવનનિર્વાહ માટે અન્ય પર નિર્ભર છે.

ભારતીય બંધારણની સાતમી અનુસૂચિની રાજ્ય યાદીની જોગવાઈ નવ મુજબ રાજ્ય વિકલાંગોના પુનર્વાસ અને સહાયતા માટે બાધ્યકારી છે. તેમ છતાં બંધારણ અમલીકરણના પિસ્તાળીસ વરસો બાદ ૧૯૯૫માં સંસદે વિકલાંગ ધારો ઘડ્યો હતો. વિકલાંગ વ્યક્તિ(સમાન તક, અધિકારોનું સંરક્ષણ અને પૂર્ણ ભાગીદારી)  અધિનિયમ ૧૯૯૫માં વિકલાંગોના શિક્ષણ, રોજગાર, અવરોધમુક્ત વાતાવરણ નિર્માણ અને સામાજિક સુરક્ષાની જોગવાઈ કરવામાં આવી હતી. તે પછી  કાયદામાં સુધારા, નવા કાયદા અને રાષ્ટ્રીય નીતિ ઘડાતી રહી છે. વિકલાંગો માટેની ૨૦૧૬ની પહેલી રાષ્ટ્રીય નીતિને વધુ અધ્યતન કરવા માટે સરકારે બાણું પ્રુષ્ઠોનો મુસદ્દો તાજેતરમાં જાહેર વિમર્શ માટે પ્રસ્તુત કર્યો હતો.

૧૯૯૫ના વિકલાંગ ધારામાં  વિવિધ સાત પ્રકારની વિકલાંગતાઓને આવરી લેવામાં આવી હતી. પરંતુ રાઈટ્સ ઑફ પર્સન વિથ ડિસેબિલિટીઝ એકટ ,૨૦૧૬માં વિકલાંગતાની કેટેગરી ત્રણ ગણી વધારીને એકવીસ કરવામાં આવી હતી. એસિડ એટેકની પીડિતાઓ, પાર્કિન્સન, હિમોફિલિયા, થેલેસેમિયા, ક્રુષ્ઠરોગ મુક્તિ પછીની વિકલાંગતા સહિતની શારીરિક-માનસિક-સામાજિક વિકલાંગતાઓને આ કાયદામાં આવરી લેવામાં આવી હતી. જીવનના તમામ ક્ષેત્રોમાં વિકલાંગોને સમાન તક  અને માનવીય ગરિમા પ્રાપ્તિનો ઉદ્દેશ ધરાવતા આ કાયદામાં  ચાળીસ ટકા વિકલાંગતા ધરાવતી વ્યક્તિને શિક્ષણ અને રોજગારમાં ચાર ટકા અનામતની જોગવાઈ કરવામાં આવી છે. વિકલાંગોનો  જાહેર સ્થળોનો ઉપયોગ સરળ બને તે પ્રકારના મકાનોના નિર્માણની પણ જોગવાઈ છે. વિકલાંગો પ્રત્યે ભેદભાવ આચરનારને સજા, સમાજ સુરક્ષા યોજનાઓ અને બાળકો તથા મહિલાઓ માટે ખાસ સગવડોની જોગવાઈ કાયદામાં કરી છે.

જોકે રૂપાળી કાયદાકીય જોગવાઈઓ અને વિકલાંગો પ્રત્યે સમાજની પૂર્ણ સહાનુભૂતિની કહાનીઓ કરતાં વાસ્તવિકતા જુદી છે. સમાન તક વિકલાંગો માટે કેટલા જોજન દૂર છે તેનું એક ઉદાહરણ તો દેશની સર્વોચ્ચ એવી સિવિલ સેવામાં તેમના પ્રત્યેના વલણમાં જણાયું હતું. યુપીએસસીની સિવિલ સેવા એકઝામમાં કુલ ઉમેદવારોમાંથી ૦.૩૦ ટકા જ ઉત્તીર્ણ થાય છે. ૨૦૧૪માં ૬૦ ટકા વિકલાંગતા ધરાવતા ઈરા સિંઘલ યુપીએસસી ટોપર બન્યાં હતા.  તે વરસે નવ વિકલાંગોએ સિવિલ સર્વિસ એકઝામ ક્લીયર કરી હતી.પણ કોઈને નિમણૂક મળી નહોતી. કોર્ટ-કચેરી અને વડાપ્રધાનને રજૂઆત પછી નવમાંથી સાતને એપોઈન્ટમેન્ટ મળી હતી. જો દેશની સૌથી મોટી નોકરી મેળવવામાં વિકલાંગોની આ હાલત હોય તો પછી તેમના પ્રત્યેની દયા અને સહાનુભૂતિ ઠાલી લાગે છે.

૨૦૧૧માં ૧૯૯૫ના વિકલાંગ ધારા મુજબની સાત પ્રકારની વિકલાંગતા હરાવતા લોકોની વસ્તી ૨.૬૮ કરોડ  હતી. ૨૦૧૬ના કાયદામાં એકવીસ પ્રકારની વિકલાંગતા માન્ય રાખી હતી. પરંતુ તેને કારણે વિકલાંગોની સંખ્યામાં જે વધારો થયો તે પ્રમાણેની જોગવાઈઓ કાયદામાં કરી નહોતી. ૧૯૯૫માં વિકલાંગોને શિક્ષણ અને નોકરીઓમાં ૩ ટકા અનામત આપી હતી. ૨૦૧૬માં તે વધારીને ૪ ટકા કરી હતી. વિકલાંગતાના પ્રકારમાં ત્રણ ગણો વધારો કર્યો પણ અનામતની ટકાવારી એક ટકો જ વધારી. તેનાથી વિકલાંગોનો શિક્ષણ અને રોજગારનો સવાલ યથાવત રહે છે.

શિક્ષણ અને રોજગારમાં વિકલાંગોના પ્રતિનિધિત્વ માટે ચાર ટકા અનામત અપર્યાપ્ત છે. તાજેતરમાં જાહેર વિમર્શ માટે રજૂ થયેલ રાષ્ટ્રીય વિકલાંગ નીતિના ડ્રાફટમાં કૌશલ્ય વિકાસ અને રોજગારને એક સાથે મૂક્યા છે. કદાચ સરકારના આ બે મંત્રાલયો એક સાથે છે એટલે આમ કર્યું હોય પણ  તે ભારે અન્યાયકારી છે. દેશમાં ૬૪ ટકા વિકલાંગો રોજગારવિહોણા હોય ત્યારે વધુ સ્પષ્ટ નીતિની આવશ્યકતા છે.

પોલિસી ડ્રાફ્ટના દસ ક્ષેત્રોમાં એક સર્ટિફિકેશન પણ છે. ૨૦૧૧ના ૨.૬૮ કરોડ વિકલાંગોમાંથી સરકાર  અડધાને જ વિકલાંગતાનું તબીબી પ્રમાણપત્ર આપી શકી હોય ત્યારે આ પ્રક્રિયાને વધુ સરળ  કરવાની જરૂર છે. પચાસ ટકા કરતાં વધુ દલિત આદિવાસી પછાત વિકલાંગ બાળકો શિક્ષણથી વંચિત હોય ત્યારે વિકલાંગોને અલાયદી શિક્ષણ સંસ્થાઓને બદલે કથિત મુખ્ય ધારાની સંસ્થાઓમાં જ શિક્ષણ મળે તે સમાવેશી સમાજરચના માટે તાકીદની જરૂર છે.  વિકલાંગોને ભિન્ન નહીં પણ સમાજનો જ એક હિસ્સો બનાવવા હજુ ઘણા પડકારો ઉઠાવવાની જરૂર છે. લાખો બેન્ક એટીએમ અને જાહેર સ્થળો વિકલાંગોના ઉપયોગ માટે સરળ કરવાનો પડકાર પણ છે જ.

વિકલાંગોને તેમના પ્રત્યેની દયા કે સહાનુભૂતિ ભ્રમ લાગે તેવો માહોલ છે. તેઓ દેશના  નાગરિક તરીકે સમતા, ન્યાય અને સહભાગીતાના હકદાર છે. એનો અહેસાસ કરાવવો તે પણ મોટો પડકાર છે. માત્ર કાનૂની જોગવાઈઓથી વિકલાંગોનું દળદર ફીટવાનું નથી. સરકારી નીતિઓના અસરકારક અમલ માટેનું તંત્ર અને સમાનુભૂતિ ધરાવતો સમાજ વિકલાંગો ઝંખે છે.

દેશના સૌથી વધુ સાક્ષરતા ધરાવતા રાજ્ય કેરળમાં હમણા પ્રદર્શિત થયેલી મલયાલમ ફિલ્મ”કડુવા”માં વિકલાંગો વિશેના સાવ જ અનુચિત સંવાદનો વિવાદ જાણીને તો લાગે છે કે આપણે આ દિશામાં હજુ કેટલી લાંબી મજલ કાપવાની બાકી છે. ફિલ્મના અભિનેતા અને નિર્માતાએ વિવાદ પછી બિનશરતી માફી માંગી છે પણ આ માનસને કઈ રીતે માફ કરી શકાશે ? વિકલાંગોએ અને તેમના સમર્થકોએ કેટકેટલા મોરચે અધિકાર અને ન્યાયની લડાઈ લડવાની તેનો આછો અણસાર ‘કડુવા’ ફિલ્મના વિવાદ પરથી મળે છે.


શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.