એક અનન્ય નટસમ્રાટ-અમૃત જાની (ભાગ ૨)

લ્યો, આ ચીંધી આંગળી

રજનીકુમાર પંડ્યા

(ગતાંકથી ચાલુ)

દેવેન શાહ જેવો જ મઝાનો અનુભવ અમૃત જાની વિષે સુવિખ્યાત વોઇસ અને સ્ટેજ આર્ટિસ્ટ ભરત યાજ્ઞિકનો છે. ઝવેરચંદ મેઘાણીનું રૂપાંતરિત કરેલું નાટક ‘શાહજહાન’ –એ એકેડમીના વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસક્રમના ભાગરૂપે કરેલું ત્યારે ઔરંગઝેબના પુત્ર મહેમૂદનું દૃશ્ય એમાં ખાસ લેવામાં આવેલું. અમૃતભાઇના આગ્રહથી મહેમૂદની ભૂમિકા એક વિદ્યાર્થી તરીકે ભરત યાજ્ઞિકને આપવામાં આવેલી. એમાં મહેમૂદ અને ઔરંગઝેબ, પિતા-પુત્રની વૈચારિક સંઘર્ષની વાત વણી લેવાઇ હતી. એમાં પુત્ર ઔરંગઝેબ દાદા શાહજહાનની વિરુધ્ધમાં હોય છે, પણ પૌત્ર મહેમૂદ દાદાની તરફેણમાં હોય છે. એ સંઘર્ષને ભરત યાજ્ઞિકે ગુરૂ અમૃત જાનીના માર્ગદર્શનમાં જીવંત કરવાની કોશિશ કરી હતી.

(એક રેડિયો નાટક દરમિયાન અમૃત જાની)

પરકાયાપ્રવેશ કે પાત્રને સ્વકાયામાં પણ કઇ રીતે ઉતારી શકાય ? એ સવાલના જવાબમાં એ રૂપાંતરણની ક્રિયા અમૃત જાનીને જોઇ જોઇને અને એમને સાંભળી સાંભળીને અથવા એમની સાથે વાતો કરી કરીને જ શીખવા મળી હતી  એ હકીકત આજે પચાસ-પંચાવન વર્ષ પછીય ભરત યાજ્ઞિક જેવા એમના શિષ્યો ભૂલ્યા નથી. ત્યાર પછી એક બીજો તબક્કો આવ્યો કે જ્યારે અમૃતભાઇ મુંબઇ ખાતે આકાશવાણીમાં હતા. અને પછી એમની નાદુરસ્ત તબિયતને લીધે ત્યાંથી રાજકોટ એમની ટ્રાન્સફર થાય, એ માટે ખૂબ ખૂબ પ્રયત્નો કર્યા. અને છેલ્લી ઘડીએ એમની ટ્રાન્સફર રાજકોટ થઇ ગઇ. કદાચ રાજકોટમાં એમનું જે પોસ્ટિંગ થયું, એ પહેલું અને છેલ્લું હતું. રાજકોટ રેડિયોમાં નાટયઅભિનેતાની તો કોઇ જગ્યા હતી જ નહી, પણ એ વખતના જે અધિકારીઓ હતા, એમને અમૃત જાની માટે એટલી તો લાગણી કે એ પોસ્ટ ખાસ એમના માટે ઉભી કરવામાં આવી. એ વખતે સ્ટેશન ડાયરેક્ટર તરીકે મેનન નામના દક્ષિણના અધિકારી હતા. અને સાથે એમ.એસ.ગોપાલ સાહેબ હતા. એ બન્ને એમને અહીં લઇ આવ્યા. એ વખતે દેવેન રાજકોટમાં એનાઉન્સર તરીકે કામ કરતો હતો. અને પછી તો એણે અમૃતભાઇ સાથે મળીને આકાશવાણી માટે ઘણાં પ્રોડક્શન કર્યા. ખાસ કરીને લોકનાટકો. દેવેન એક એવો સદભાગી કલાકાર રહ્યો કે જ્યારે પણ આવું કશું વિચારાય, બને ત્યારે હેમુ ગઢવીની પણ પહેલી પસંદ એ રહેતો. અને અમૃત જાની પણ જ્યારે જ્યારે લોકનાટકના પ્રોડક્શન હાથ ધરે, ત્યારે દેવેનને યાદ કરે ને સાથે રાખે. ને એ પણ એક વડીલ તરીકે નહી, પણ સાથી તરીકે, મિત્ર તરીકે.

અમૃત જાની માટે એમના શ્વાસ ને ઉચ્છ્શ્વાસ એ માત્ર નાટકો, નાટકો ને નાટકો જ. એ પોતે નખશીખ કલાકાર હતા. પોતાની દીર્ઘ નાટ્ય કારકિર્દી દરમિયાન અસંખ્ય પાત્રોને એ પી ગયેલા. ‘ગંગાડોશી’ નાટકમાં એમનો ગંગામાંનો રોલ વખણાતો, ને એ જ વ્યક્તિ પછી સાવ વિપરિત પાત્ર વેગડા ભીલને સજીવન કરે, ત્યાર  પ્રેક્ષકો પણ ભુલાવામાં પડી જતા. જાતજાતની ભૂમિકાઓમાંથી પસાર થયા પછી એમણે પોતાની જાતને એક ઉત્તમ નટ તરીકે જ પ્રસ્થાપિત કરી દીધી હતી.

[(ડાબેથી) હરકાન્‍ત શુક્લ, અમૃત જાની, દીના ગાંધી ]
એમનું એક હળવું નાટક પણ હતું, – ‘મારે નથી પરણવું’. દામુ સાંગાણી લિખિત એ નાટક આમ તો સામાન્ય કોમેડી હતી, પણ એમાં રસવલ્લભ નામના એક આધુનિક ને રંગીલા યુવાનના પાત્રમાં અમૃત જાની ખીલી ઉઠ્યા હતા. લાલ શર્ટ પહેરીને એ જ્યારે સ્ટેજ પર આવતા ને એ ઉંમરે એ પાત્રની જરૂરત મુજબ જે રીતની ઉછળકૂદ ને કૂદાકૂદ કરતા એ એક અદભુત જોણું હતું. એમના વિદ્યાર્થીઓ એમને આવા કિરદારમાં સ્ટેજ પર જોતા ત્યારે માની નહોતા શકતા કે આ એમના ઉંમરવાન ગુરૂ ખુદ જ છે કે જે વર્ગમાં એમને શીખવે છે. પાછી નવાઇની વાત એ હતી કે રંગીન મિજાજી આધુનિક યુવાન પાત્રને આત્મસાત કરનાર અમૃત જાની  કોલેજના પગથીયાં તો કદી ચડેલા જ નહીં !

(અમૃત જાની)

એમણે લગભગ સાડા ચારસો જેટલાં નાટકોમાં અભિનય આપ્યો, જેમાં વિશેષ ઉલ્લેખપાત્ર નાટકો તે : સૌરાષ્ટ્ર ધરણી, અંતરના અપરાધો, હોહોલિકા, રાણકદેવી, રાજા ભરથરી, રણગર્જના, ભારતગૌરવ, અરૂણોદય, ગંગાડોશી, સત્તાનો મદ, એક જ ભૂલ, કિર્તીસ્તંભ, માલતિવિજય, મહાસતિ અનસૂયા, પરિક્રમા, વીરનારી, અને અત્યંત યશોદાયી નાટક વડિલોના વાંકે.

(ડાબેથી) ચં.ચી.મહેતા, અમૃત જાની અને અન્ય કલાકારો

તેમણે અસંખ્ય નાટકોમાં સ્ત્રી-પાત્રો ભજવીને ઘણાં ગીતો પણ જાતે જ ગાયેલાં, એમાંનાં આ ત્રણેક ગીતો તો આજે પણ લોકોને યાદ છે. તે ગીતો તે-

“ભારી બેડાં ને હું તો નાજુકડી નાર, કેમ કરી પાણીડાં ભરાય રે ! ભમ્મરીયા કુવાને કાંઠડે ”

“તમો જોજો ના વાયદા નિભાવજો રે, પિયુ પહેલી પેસેન્જરમાં આવજો રે  !”

“મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા, જોતી’તી વાલમની વાટ રે, અલબેલા કાજે ઉજાગરા ! ”

પરંતુ આ લેખમાં સમાવવી શક્ય ના બને તેવી અનેક દસ્તાવેજી હકીકતો અને જુની રંગભૂમિના આયના જેવા તથ્યો તેમના પુસ્તક ‘અભિનયપંથે’નાં પાનાંઓ પર સંઘરાયેલાં છે, પણ હવે તે પુસ્તક પ્રાપ્ય નથી. કોઇ દૃષ્ટીવાન પ્રકાશક તેને પુનઃપ્રકાશિત કરે તો આપણા સાંસ્કૃતિક વારસાનો એક મૂલ્યવાન દસ્તાવેજ સચવાઇ જશે.

(સાધુની ભૂમિકામાં અમૃત જાની)

તેમનું અવસાન ૧૯૯૭ ની ૯ મી ઑગષ્ટે થયું.

અમૃત જાનીના પુત્રોમાંથી એક હેમંત જાની ઇંગ્લેન્ડ રહે છે. તેમનો સંપર્ક: ઇ મેલ daaldhoklee@gmail.com  અને ફોન- ++ 4420 8251 8176. એમ તો તેમના પુત્ર અને ‘નયા માર્ગ’ ના તંત્રી તરીકે સુખ્યાત સ્વ. ઇંદુકુમાર જાની દ્વારા સંપાદિત પુસ્તક ‘નટવર્ય અમૃત જાની’ પણ ઠીક ઠીક વિગતો આપે છે. રસ હોય તે વાચકોએ એમનો ઇમેલ અથવા વ્હૉટ્સએપ પર સંપર્ક કરવા અનુરોધ છે. વળી અહીં એક ઉલ્લેખ કરવો પણ જરૂરી છે. અમેરિકા નિવાસ કરતા નાના પુત્ર પરેશ જાની ‘અભિનય પંથે’નું ડિજિટલાઇજેશન કરીને ઓનલાઈન મૂકી રહ્યા છે. વધુ માહિતી માટે તેમનો સંપર્ક ઇમેલ  janiparesh@gmail.com પર સાધી શકાય.

નોંધ: કેટલીક ઉપયોગી માહિતી રાજકોટના પ્રખ્યાત નાટ્યકાર શ્રી કૌશિક સિંધવ અને રાજકોટના જ વિદગ્ધ વાચક – લેખક શ્રી આર. પી. જોશી, કૌશિક સિંધવ અને મહેશ શાહને તો એમણે પોતાની અભિનયયાત્રાનું પુસ્તક ‘અભિનયપંથે’ પોતાના હસ્તાક્ષર સાથે ભેટ આપ્યું હતું.


(સંપૂર્ણ)


લેખકસંપર્ક :
રજનીકુમાર પંડ્યા.,
બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક, મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦
મો. +91 95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન- +91 79-25323711/ ઇ મેલ: rajnikumarp@gmail.com

Author: Web Gurjari

2 thoughts on “એક અનન્ય નટસમ્રાટ-અમૃત જાની (ભાગ ૨)

 1. માનનીય રજનીભાઈ

  એક હકીકત દોષ તરફ આંગળી ચીંધું તો માફ કરશોજી.
  સ્વ. દીનાબેન પાઠક સાથેના ફોટામાં ડાબે તરફ મહાન નાટ્યકાર, દિગ્દર્શક સ્વ. શ્રી જશવંત ઠાકર છે.
  બાકી સંપૂર્ણ લેખ ખૂબ જ માહિતીપ્રદ છે. ખૂબ ખૂબ આભાર અમારા બાપુજીને આ રીતે યાદ કરવા બદલ.
  ભાઇશ્રી કૌશિક સિંધવ નો પણ આભાર.
  હેમંત જાની -લંડનથી..

Leave a Reply

Your email address will not be published.