વાર્તાઃ અલકમલકની : નવી શ્રેણીની પ્રસ્તાવના

વાર્તા,

વાર્તા શા માટે?

કોઈ બાળક માત્ર એટલું સાંભળે કે એક હતો રાજા અને એક હતી રાણી. તરત જ એ બાળકના કાન સરવા થઈ જાય અને વાર્તા કહેનાર નાની કે દાદી પાસે આવીને ગોઠવાઈ જાય અને પછી તો મંડાય કોઈ રાજકુંવર, રાજકુંવરી કે પરીની વાત… એક આખેઆખું વિશ્વ બાળકની કલ્પનામાં વિકસતું જાય. વાર્તાઓના વર્ણનથી એની આંખોમાં વિસ્મય અંજાતું જાય. ધીમે ધીમે બાળક માટે વિસ્મયનગરીના એક પછી એક દરવાજા ખૂલ જા સીમ સીમ કરતાં ખૂલતા જાય. એની કલ્પનામાં ક્યારેય ન જોઈ ન હોય એવી દુનિયાના એક પછી એક ખંડ કે રંગ જિગ્સૉ પઝલના ટુકડાની જેમ ગોઠવાતા જાય અને કોઈ ચોક્કસ આકાર લેતા જાય. એ આભાસી દુનિયાના મહેલની વાત સાંભળીને એ પત્તાનો કે રેતીનો મહેલ બનાવવા પ્રયત્ન કરશે કે પછી એક નગર ઊભુ કરવા મથશે જેમાં એણે સાંભળેલી વાર્તાના સ્થળો અને પાત્રોને ગોઠવશે. આમ બાળકની સર્જનાત્મકતા કેળવવા વાર્તાઓ જરૂરી છે.

બાળકો માટે એક શબ્દ છે- pretend. આ પ્રિટેન્ડ શબ્દ મને ગમે છે કારણકે એ પ્રિટેન્ડ ગેમ રમતાં રમતાં ભવિષ્યમાં એ શું બનશે એની બ્લૂ પ્રિન્ટ- નકશો આકાર લેતો થશે.

આજે સાંભાળેલી વાર્તામાંથી આજે કંઈક તારવે, કાલે એમાંથી કોઈ વાત સમજે અને આગળ જઈને એનો સાર, મર્મ પકડીને નવું શીખે. આમ બાળકના મનોવિકાસ માટે બાળવાર્તાનું મહત્વ છે કારણકે આ વાર્તાઓ દ્વારા એને અનેક બાબતો સરળતાથી સમજાવી શકાય છે.

વાર્તાઓમાં ઘણીબધી વાતો કહેવાતી હોય છે. થોડી સમજ, થોડો બોધ, જીવન કેવી રીતે જીવવું અથવા જીવનમાં શ્રેષ્ઠ કેવી રીતે પૂરવાર થવું એ બધું જ વાર્તા દ્વારા એને સમજાતું જાય છે.

એ બાળવાર્તાઓમાંથી કોઈ તાકાતવાન પાત્ર જે બુરાઈની સામે એની સારપથી જંગ જીતતું હોય એ એને પ્રિય બનતું જાય. એ પાત્રમાં પોતાની જાતને ગોઠવીને રાજી થાય. વાર્તા વાંચવામાંથી એ વર્ચ્યૂલ વાર્તા સાંભળતું કે જોતું થાય ત્યારેપણ એવા કોઈ બળકટ પાત્રને જીવવાની કલ્પનામાં રાચતું થવાનું છે. સમય જતાં વાર્તાઓ બદલાઈ વાર્તા કહેવાની રીત, એના પાત્રો બદલાયા છે પણ વાર્તાઓમાં રસ તો અકબંધ જ રહ્યો છે.

ખૂબ સરસ મઝાનો આ પડાવ હોય છે. અહીંથી એના જીવનની જાણી-અજાણી સફર શરૂ થાય છે.

સમય જતાં એ બાળક એની ઉંમરના એક પછી એક પડાવો પાર કરીને આગળ વધે ત્યારે એ કાલ્પનિક દુનિયાના બદલે વાસ્તવિક દુનિયાને ઓળખતું થાય પણ એના મનના ઊંડાણમાં એ રાજા, રાણી, પરી કે દેવદૂત ચિરસ્થાયી બની જાય. એના મનના ખૂણામાં જીવંત રહે.

શક્ય છે એણે વિચારેલી રંગીન દુનિયા થોડી જુદી અને થોડી સંગીન છે એવું સમજવાય લાગે. એણે વિચારેલા વિશ્વ કરતાં વાસ્તવિક વિશ્વ ઘણું જુદુ છે એ સમજાય ત્યાં સુધીમાં એ અલગ સમય, સંજોગ અને સંબંધો વચ્ચે વિકસતો જાય. હવે એના મનમાં કોઈ જુદી કલ્પના આકાર લેવા માંડે. ત્યારે એ નાનપણમાં સમજેલી, શીખેલી વાતો ક્યાંક એને કામ આવે.

જાણીતા લેખક અને ઈનોવેટિવ વિચારોને સર્જનાત્મક કથાઓ સ્વરૂપે પ્લેટફોર્મ પુરુ પાડતાં ઝુબીન મહેતાએ ‘your story.com’ નામની એક સાઈટ શરૂ કરી છે. ટેડ ઈવેન્ટમાં તેમનું કહેવું છે કે નાના લાગતા ઈનોવેટિવ વિચારોમાંથી જ મોટી કંપનીનાં બીજ રોપાતા હોય છે. ભારતમાં પણ આવા ઘણાં ઉદાહરણો મોજુદ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જીવનમાં વાર્તાઓનું મહત્વ માત્ર સમય પસાર કરવા પૂરતું હોવાથી વિશેષ છે.

પરીકથાઓ, બોધવાર્તા, પંચતંત્ર, ઝેનકથાઓ, અકબર-બિરબલ, વિક્રમ-વેતાળ કે બત્રીસ પૂતળીઓથી શરૂ થયેલી આપણી વાંચનયાત્રા વિકસતી જાય છે. એક નવું વિશ્વ આપણી સમક્ષ ઉઘડતું જાય છે ત્યારે અનેક નવા કે નામી લેખકોને આપણે વાંચતાં થઈએ છીએ.

માઇક્રોફ્રિક્શનથી શરૂ થઈને આપણો રસ, આપણો ઝોક વાર્તાઓ, નવલિકા, લઘુનવલકથા અને નવલકથાઓ તરફ ઢળતો જાય છે. આપણી માતૃભાષાથી માંડીને અન્ય ભાષા, અન્ય પ્રાંત કે અન્ય દેશના લેખકોને વાંચવા આપણી નજર દોડાવીએ છીએ ત્યારે એમાં વાર્તારસની સાથે એ ભાષા, પ્રાંત કે દેશના સાહિત્યની સાથે એ સમાજને ઓળખતા જઈએ છીએ. એમની સંસ્કૃતિની સોડમ શ્વાસમાં ભરતા જઈએ છીએ. એમની લોકકથાઓમાંથી છલકાતી એમની પરંપરાની વાતો આપણાં સુધી પહોંચે છે. સાવ તળપદી રીતે કહેતા હોઈએ છીએ કે અલકમલકની વાત. આ અલકમલક શબ્દ પણ મને બહુ ગમે છે. એક જ શબ્દમાં જાણે આખું વિશ્વ સમાઈ જાય છે.

વિશ્વની કોઈપણ ભાષાની વાર્તાઓ એ સમાજ, સંસ્કૃતિને જાણવા, સમજવા માટેનું સૌથી રસપ્રદ માધ્યમ છે. ‘એસન્સ’- આ એસન્સ શબ્દ પણ મને બહુ ગમે છે. વાર્તાઓમાં નિરુપાયેલા તર્કમાંથી ચોક્કસ અર્ક આપણા સુધી પહોંચે છે.

સાહિત્યના અનેક પ્રકારોમાં વાર્તાઓનું આકર્ષણ મને પહેલેથી રહ્યું છે. નજર સામે થાળ ભર્યો હોય એમાં સૌથી પહેલાં મનગમતી વાનગી તરફ ધ્યાન આકર્ષાય એવી રીતે વાર્તાઓ તરફ સૌ પ્રથમ ધ્યાન ખેંચાય.

આ અલકમલકની વાર્તાઓ દ્વારા આવા અલગ અલગ સમાજ, સાહિત્ય અને સંસ્કૃતિનો અર્ક આપની સમક્ષ મૂકવાનો યથામતિ-શક્તિ પ્રયાસ કરવો છે.

આશા છે આપ સૌને એ ગમે.

રાજુલ કૌશિક


સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.


સુશ્રી રાજુલબેનની કલમેથી રજુ થતી, જુદી જુદી ભાતની, અવનવી વાર્તાઓની આ લેખમાળા હવેથી ગદ્ય સાહિત્ય વિભાગમાં દર રવિવારે પ્રકાશિત કરીશું.

– સંપાદક મંડળ, વેબ ગુર્જરી

Author: Web Gurjari

1 thought on “વાર્તાઃ અલકમલકની : નવી શ્રેણીની પ્રસ્તાવના

Leave a Reply

Your email address will not be published.