પોલિસ વિભાગ હવે વ્યાપાર પણ કરશે

ફિર દેખો યારોં

બીરેન કોઠારી

વિવિધ રંગો આપણી આંખો પર જ નહીં, માનસ પર પણ અસર કરે છે. વિવિધ જાહેરખબરો કે લોગો (પ્રતીકચિહ્નો)માં ચોક્કસ રંગ વાપરવામાં આ બાબતનો ખ્યાલ રાખવામાં આવે છે. લાલ અને ભૂરો રંગ એક સાથે જોતાં જ આપણને ખ્યાલ આવે છે કે એ રંગ પોલિસ વિભાગનો છે. પોલિસ વિશે વિચારતાં આપણા પગ સહેજ પાછા પડે એ નૈસર્ગિક પ્રતિક્રિયા હોય છે. પોલિસ વિભાગ સાથે સંકળાયા ન હોય એવા ઘણા લોકો ખોટેખોટો રોફ જમાવવા માટે પોતાનાં વાહનો પર આ રંગોનો ઉપયોગ કરતા જોવા મળે છે. અલબત્ત, દિલ્હી પોલિસ આ રંગ અને તેની સાથે સંકળાયેલી માનસિકતાને બદલવા માટે એક આવકાર્ય પહેલ કરી છે.

દિલ્હી પોલિસે આમ જનતા માટે રોજબરોજના વપરાશ માટેની ઉપયોગી ચીજો તૈયાર કરી છે, જેમાં હેન્‍ડબેગ, બૅકપૅક, પર્સ, વૉલેટ, બેલ્ટ, કૅપ, કી-ચેઈન, કફલીન્‍ક જેવી વિવિધ વસ્તુઓનો સમાવેશ થાય છે. આ તમામ ચીજોની ડિઝાઈન ખ્યાતનામ ફેશન ડિઝાઈનર રીતુ બેરીએ તૈયાર કરી છે. પોલિસ વિભાગ સાથે અભિન્ન ગણાતા ખાખી રંગ પર તેની ઓળખ જેવા લાલ અને ભૂરા રંગની પટ્ટીઓ મૂકવામાં આવી છે. આ આવશ્યક ચીજો તૈયાર કરતી વખતે, રીતુના જણાવ્યા અનુસાર ‘ગહન સંશોધન પછી, વૈશ્વિક પ્રવાહો ઉપરાંત પોલિસોની ફરજ અને જવાબદારીઓ, તેમજ લોકોની તેમની પાસેની અપેક્ષાઓને ધ્યાનમાં રાખવામાં આવી છે.’ પોલિસ વિભાગના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, ‘બ્રાન્‍ડેડ ચીજવસ્તુઓ થકી તેના ગ્રાહકો, ખાસ કરીને યુવાઓ સાથે મજબૂત રીતે જોડાણ સાધી શકાશે, અને પોલિસની કામગીરી બાબતે તેમના મનમાં કદર તેમજ આકાંક્ષા પેદા કરી શકાશે.’

આમ થવામાં કેટલી સફળતા મળશે એ તો વેચાણના આંકડા થકી ખ્યાલ આવશે, પણ એટલું ખરું કે પોલિસ વિભાગનો આ અભિગમ નવતર છે. ખાખી, તેમજ લાલ અને ભૂરા રંગને સાથે જોઈને મનમાં પેદા થતો અકારણ ડર તેનાથી ઘટે તોય ઘણું.

આ ઉપરાંત દિલ્હી પોલિસે કુલ પંચોતેર પોલિસ બૂથ ઊભાં કર્યાં છે, જે બહુહેતુક છે. નાગરિકો પોલિસ ચોકીએ ફરિયાદ નોંધાવવાને બદલે અહીં ફરિયાદ નોંધાવી શકશે. તદુપરાંત ફરજ પરના પોલિસ કર્મચારીઓ અહીં આરામ કરી શકશે. આ બૂથ ચોવીસે કલાક ખુલ્લાં રહેશે. પોલિસની કામગીરી સતત તાણયુક્ત બની રહે છે, આથી તેમની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આવાં બૂથ તૈયાર કરાયાં છે.

વિવિધ રાજ્યોના પોલિસ વિભાગની ખાસિયતો અલગ અલગ હોય છે. એ જ રીતે તેમની કાર્યપદ્ધતિ પણ જુદી હોય છે. ક્યારેક તેઓ પોતાની પ્રચલિત છબિથી કશુંક અલગ કરવાનો પ્રયત્ન કરે ત્યારે પ્રસાર માધ્યમોમાં એ ચર્ચાતું હોય છે. જેમ કે, મુમ્બઈના પોલિસ વિભાગ દ્વારા જનજાગૃતિ માટે કરવામાં આવતાં રમૂજી ટ્વીટ મજાનાં હોય છે. કેરળના પોલિસ વિભાગે કોવિડની મહામારી દરમિયાન હાથ ધોવા તેમજ અંતર જાળવવા અંગેની સાવચેતી રાખવાનું જણાવતી નૃત્યની એક વિડીયો ક્લીપ ઘણી પ્રસરી હતી.

પોલિસ વિભાગ જનજાગૃતિ માટે આવું કશુંક, હળવાશપૂર્વક કરે એ બાબત સમાચારનો વિષય બને એ જ સૂચવે છે કે આ સામાન્ય નહીં, પણ જૂજ બનતી ઘટના છે. એ જ રીતે પોલિસો ક્યાંક મૈત્રીપૂર્ણ વર્તાવ કરે યા લોકોને મદદરૂપ બને તો એ નવાઈની વાત લાગે છે. પોલિસની મૈત્રીપૂર્ણ છબિ હજી આપણા દેશમાં સ્વપ્નવત્‍ જ રહી છે. દેશને સ્વાતંત્ર્ય મળ્યે પોણો સો વરસ વીત્યાં એટલે હવે એ માટે અંગ્રેજોને પણ જવાબદાર ઠેરવી શકાય એમ નથી. પોલિસ વિભાગની છાપ એવી છે કે કેટલાક લોકો નકલી પોલિસ બનીને લોકો પર ધોંસ જમાવીને તેમનો ગેરલાભ લેવા જાય તો પણ લોકોને એ ખોટું હોવા બાબતે શંકા જતી નથી.

પોલિસ વિભાગમાં સુધારણાની વાતો વખતોવખત સંભળાય છે, પણ એ દિશામાં ભાગ્યે જ કશું નક્કર કામ થઈ શક્યું છે એ હકીકત છે. આથી દિલ્હી પોલિસ લોકોની નજીક પહોંચવાનો આવો પ્રયત્ન કરે ત્યારે એ પણ યાદ રાખવું રહ્યું કે ચીજવસ્તુઓ ડિઝાઈન કરાવીને વેચવાનો વિચાર આવકાર્ય છે, પણ એ બાબતને પોલિસ વિભાગમાં સુધારણા સાથે કશી લેવાદેવા નથી. એ મહત્ત્વની બાબત હજી બાકી જ રહે છે.

ઘણુંખરું જોવા મળે છે એમ, પોલિસ વિભાગ રાજકીય પક્ષ, ખાસ કરીને સત્તાધારી પક્ષનો હાથો બની રહે છે અને આ હકીકત તમામ પક્ષના શાસકોને લાગુ પડતી આવી છે. પોતાને થયેલા નુકસાન બાબતે સાચી રીતે પણ જો પોલિસ ફરિયાદ લખાવવાની આવે તો મોટા ભાગના લોકો એમ કરવાનું ટાળે છે, અને નુકસાન વહોરી લેવાનું પસંદ કરે છે. આ જ દર્શાવે છે કે હજી પોલિસ બાબતે લોકોને એમ નથી લાગતું કે તેનો સંપર્ક સરળતાથી કરી શકાય એમ છે, અને એ પછી પણ પોતાની વાતને સહાનુભૂતિપૂર્વક સાંભળીને તેની પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

દિલ્હી પોલિસ દ્વારા કરાયેલી આવી પહેલ આવકાર્ય છે, ખાસ કરીને તેની પાછળનો આશય પ્રશંસનીય છે એમ કહી શકાય. પણ આ પ્રયાસ છૂટોછવાયો અને હજી પ્રાયોગિક સ્તરે છે એટલે કેટલો સફળ રહે છે એ તો સમય જ કહેશે.

પોલિસ વિભાગમાં સુધારણાનું મૂહુર્ત ક્યારે આવશે, અને આવશે કે કેમ, એ જોવાનું રહે છે, કેમ કે, દેશની સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી આ કાર્યક્રમ હાથ ધરવાની વિચારણા અને તેના અંગે વિવિધ કાર્યવાહી થતી આવી છે, પણ એનો જોઈએ એવો અમલ થઈ શક્યો નથી. આ પરિસ્થિતિમાં દિલ્હી પોલિસની આવી પહેલ આશ્વાસનરૂપ પુરવાર થાય એવી આશા સેવી શકાય.


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૮-૦૭ –૨૦૨૨ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.