નલિન શાહની નવલકથા : પ્રથમ પગલું – પ્રકરણ ૭૯

પૈસા ક્યાંથી આવ્યા એની ચિંતા ના કર, પણ કયાં જવાના છે એનો વિચાર કર

નલિન શાહ

માનસીના વિચારો વંટોળે ચઢ્યા હતા. નાનીની યાદ તાજી થઈ ગઈ. માનસીને પૂરો ખ્યાલ હતો કે નાની જીવતાં હોત તો અચાનક પ્રાપ્ત થયેલી મિલકતની વાત જાણીને શું કહે તે. ‘માનસી, હવે તારી ખરી પરીક્ષા છે. આટલી અઢળક સંપત્તિ થામતાં માનવીનું મન કાબૂમાં નથી રહેતું-દુનિયાની સેર, મોજમજા—ગાડી, બંગલા, સમાજમાં મોભો અને વૈભવનું પ્રદર્શન તો સાહજિક છે, પણ જ્યારે તારી સામે ચાહનાની લાગણી વ્યક્ત કરનારાનાં કૃત્રિમ માનપાન તને ગૂંગળાવી દેશે ત્યારે એ વિશાળ સમુદાયમાં તું એકલી પડી જઈશ અને એ એકલતા જ તારી સૌથી મોટી નિષ્ફળતા હશે. સૌથી વધુ મહત્ત્વની વાત તો એ છે કે એ કાળી કમાણીનો દાગ તું પ્રયત્ન કરવા છતાં પણ ના ધોઈ શકે. પૈસાનું મહત્ત્વ હું સારી રીતે સમજું છું. હું ક્યારેય નથી ભૂલી કે મારી વ્હાલસોઈ દીકરી-તારી મા-કેવળ પૈસાના અભાવે મરણ પામી. આજે જિંદગી સસ્તી થઈ ગઈ છે, પણ મોતની કિંમત વધી ગઈ છે. હોસ્પિટલમાં જવાના વિચારે માણસને કોઈ હિંસક પ્રાણીઓના ટોળાનો સામનો કરતો હોય એવો ભાસ થાય છે. એ મરવાનું વધુ પસંદ કરે છે. તારા વર જેવા ઘણા છે જેમને એમની ગેરવાજબી કમાણીને વાજબી ઠેરવવા કારણો શોધવાં નથી પડતાં. શિક્ષણનો ખર્ચો, અદ્યતન યંત્રોની કિંમત, સ્થાયી થવા માટે થતો ખર્ચો વગેરે વગેરે.

એમ જોવા જાવ તો એ બધો ખર્ચો બે-ચાર વરસમાં ભરપાઈ થઈ જાય છે, પણ એની હવસનો અંત નથી આવતો. શક્ય છે કે એ જમાતમાં પણ આજે સંતો પેદા થતા હશે, પણ એમને શોધવા ક્યાં? એમને પણ જ્યારે બીમારની સારવાર માટે હોસ્પિટલ પર નિર્ભય થવું પડે છે ત્યારે તે પણ ન ચાહવા છતાં લાચારી અનુભવે છે. હોસ્પિટલમાં કામ કરતાં મેં એવા લાચાર માનવીઓની હતાશા નિહાળી છે એટલે જ તને ડૉક્ટર બનાવવા મેં મારું સર્વસ્વ હોમી દીધું છે. મને વિશ્વાસ છે કે તું તો મને નહીં જ છેતરે. આજે આતંકવાદીઓની દુનિયામાં મસીહા ખોવાઈ ગયો છે, તારા થકી એક મસીહા પેદા થાય તો તને જનમ આપવામાં મારા કારણભૂત થવાના વિચારે મારાં બધાં દુઃખ વિસરાઈ જાય.’

વિચારોમાં અટવાયેલી માનસીએ મૂંઝવણ અનુભવી. ‘મારાં નાનીનાં સેવેલાં સપનાં સાકાર થતાં જોવા શું મારે ગરીબોના લોહીપસીનાથી ખરડાયેલી સંપત્તિનો સહારો લેવો પડશે!’

રાજુલની હાજરીમાં માનસીએ સાસુનું વિલ સુનિતાના હાથમાં આપ્યું અને એની વ્યથા રજૂ કરી. વિલની બાબત જાણી સુનિતાએ સંવેદનશીલતાથી કહ્યું, ‘માનસી, શાને આટલી મૂંઝાય છે? પૈસાનો રંગ ના જો, એની ઉપયોગિતાનો વિચાર કર. પૈસા તો એક સાધન છે. દોષ માણસને દેવાય, પૈસાને નહીં. દારૂ પીને માણસ બહેકતો હોય તો દારૂને ના વગોવાય. એનો તો દવા તરીકે પણ ઉપયોગ થાય છે. મોઢામાંથી અપશબ્દો નીકળતા હોય તો વાંક જીભનો નથી. એ જ જીભ પ્રેરણાદાયક વિચારો પણ વ્યકત કરી શકે છે. દુનિયામાં કરોડો એવા છે જે કેવળ પૈસાના અભાવે દુઃખી થાય છે. પૈસામાં ઘણી શક્તિ છે. જો એ પૈસાનો સદુપયોગ થાય તો દુનિયાની સૂરત બદલાઈ જાય. તારા પણ કોઈ સપનાં હશે, જે પૂરતા પૈસાના અભાવે સાકાર ના થયા હોય. તો હવે કર.’ અને સુનિતાએ એને પાસે ખેંચી વ્હાલથી કહ્યું, ‘પૈસા ક્યાંથી આવ્યા એની ચિંતા ના કર, પણ કયાં જવાના છે એનો વિચાર કર. મને તો એ વાતનો અચંબો થાય છે કે જે સાસુ તને બદલી ના શક્યાં, જે જિંદગીભર તને કોસતાં રહ્યાં એ જ સાસુનું પરિવર્તન અનાયાસે તારા થકી જ થયું. શું કહે છે, રાજુલ?’

‘સાચી વાત છે, મમ્મી.’ રાજુલ ગંભીરતાથી બોલી, ‘હું અને દીદી એના હાથ થામી બેઠાં ત્યારે એની આંખોમાંથી બે ટીપાં સરી પડ્યાં. એ જ કદાચ એનાં કર્યાનું પ્રાયશ્ચિત હતું, જે શબ્દો કરતાં પણ વધુ વેધક હતું. અને હવે આ વસિયતનામું! કદી કલ્પના પણ નહોતી કરી કે જે પૈસાના મદમાં એ રાચતી હતી એ જ પૈસા એણે અચકાયા વગર માનસીના હાથમા સોંપી દીધા. એ જ માનસી કે જેને વગોવવાનો એકે મોકો પણ એ નહોતી ચૂકી.’

‘મને અચરજ એ વાતનું થાય છે,’ સુનિતાએ કહ્યું ‘કે એણે કશ્યપનો પણ વિચાર ના કર્યો! શક્ય છે કે એ નિર્ણય તારા પર છોડ્યો હશે. તેં શું વિચાર્યું છે એના ભવિષ્ય માટે?’

‘એનું ભવિષ્ય એનું ભણતર ઘડશે; આ નાણાં નહીં.’ માનસી બોલી, ‘એના શિક્ષણ માટે મારી કમાણી પૂરતી છે. રહી એના સેટઅપ થવાની વાત. એ સમય આવે જોઈ લેવાશે. જો એને માટે લાખોનો ખર્ચો કરવો પડતો હોય તો શક્ય છે કે એને આડે રસ્તે જવાનું પ્રલોભન પણ થાય. હું એ નહીં થવા દઉં.’

માનસીએ થોડી વાર થંભીને કહ્યું, ‘સુનિતાહેન, મારું એક સપનું છે જે સાકાર થવાની શક્યતા નહોતી કલ્પી, પણ હવે કલ્પી શકું એમ છું.’

‘કયું સપનું?’

‘એક વિશાળ હોસ્પિટલ સ્થાપવાનું, જ્યાં અદ્યતન સાધનો પ્રાપ્ત હોય. નિષ્ણાતો પણ હોય, પૌષ્ટિક અને સ્વચ્છ ખોરાકની વ્યવસ્થા હોય અને વિના મૂલ્યે સારવાર થાય. જ્યાં ઓપરેશનની આવશ્યકતા હોય ત્યાં સર્જનોને એની ફીના ચોથા ભાગના પૈસા હોસ્પિટલ ચૂકવે.’

‘ને એ હોસ્પિટલ તારી હયાતી બાદ બંધ થઈ જાય.’ સુનિતાએ હસીને ઉમેર્યું.

‘હું સમજી નહીં.’ માનસીએ વિસ્મયથી પૂછ્યું.

‘અરે ગાંડી, એ તો વિચાર કર કે આવા ખર્ચાળ ભલાઈનાં કામ માટે તારી અઢળક સંપત્તિ પણ વખત જતાં ઓછી પડશે અને એવા નિષ્ણાતો પણ નહીં મળે જે વારંવાર એમની સેવા સસ્તામાં આપે.

‘તો પછી?’ માનસીએ મૂંઝાઈને પૂછ્યું.

‘૫૦ ટકા નિઃશુલ્ક સેવા અપાય એ બરાબર છે. પણ સાથે સાથે પેઈંગ પેશન્ટને ફાઈવ સ્ટાર હોટેલની ગરજ સારે એવા વી.આઈ.પી. ક્લાસ પણ રાખવા જરૂરી છે, જ્યાં ડૉક્ટરો એમનો પૂરો ચાર્જ લઈ શકે. એ શક્ય હોય તો જ તું એ ડૉક્ટરોને ભલાઈનું કામ સમજીને એમની બાકીની સેવા સસ્તામાં આપવા લલચાવી શકે. સાથે સાથે ટેકસ ફ્રી ડોનેશનની જોગવાઈ પણ કરવી રહી.’

માનસી વિચારમાં પડી ગઈ. પરાગની હયાતીમાં જો એ આવી હોસ્પિટલ સ્થાપવામાં સફળ થઈ હોત? શું એ એની સેવા સસ્તામાં આપત? પરાગ જેવા ઘણા ડૉક્ટરો એવા હતા, જેમને માટે માણસની જિંદગી કરતાં એમના ધંધાનું મહત્ત્વ વધુ હતું.

‘તમારી વાત વિચારવા જેવી છે, પણ હું એક બાબતમાં હું કોઈ બાંધછોડ નહીં કરું; ઇમરજન્સીમાં પેશન્ટની જાન બચાવવાની જોગવાઈ પહેલાં થાય ને પૈસાની વાત પછી.’

‘તો કર શરૂઆત. આ તારી જિંદગીની સૌથી મોટી સફળતા હશે. નાનીનો આત્મા પણ સંતોષાશે. હું મારી વગ વાપરીને કોઈ યોગ્ય પ્લોટ ફાળવવાની સરકારને ભલામણ કરીશ. આમાં કોઈ અંગત ફાયદાનો ઉદ્દેશ ન હોવાથી કામ વધુ સરળ બનશે એવી મને આશા છે. બાંધકામનું કામ સાગર સંભાળશે, કશી પણ અપેક્ષા વિના! હું અને રાજુલ તો તારી પડખે હશું જ. સાથે સાથે ગામમાં સ્થયાયેલા પરાગના નામના નર્સિંગ હોમને તેમજ ધનલક્ષ્મીના નામની સ્કૂલ વિકસાવવાની પણ જોગવાઈ રાખજે.

‘એ સંપત્તિ મારે માટે ભારરૂપ હતી. તમે એ ભાર હળવો કરો. જરૂરી લાગે તો ડોનેશન માટે અમિતકુમાર જેવા ઘણાને પ્રેરી શકું છું. આવી માંગણી માટે હું સંકોચ નહીં રાખું.’

‘ને મને કેમ ભૂલી ગઈ?’ સુનિતાએ હસતાં હસતાં કહ્યું.

‘આવાં કાર્યોમાં તો તમે હંમેશાં છવાયેલાં રહ્યાં છો એટલે તમને યાદ કરવાનો કે ભૂલવાનો સવાલ પેદા થતો જ નથી. હું તો નિમિત્ત માત્ર છું. જે થવાનું છે એ તમારા થકી જ થશે.’

‘દરેક વાતમાં મને શ્રેય દેવાની જરૂર નથી. અચાનક પ્રાપ્ત થયેલી આટલી બહોળી સંપત્તિને એક પળનો પણ વિલંબ કર્યા વગર ત્યજી દેવી એ તારા જેવી કોઈ વિલક્ષણ વ્યક્તિ જ કરી શકે. અફસોસ એ વાતનો છે કે માનસી એક જ છે ને લાચારો અગણિત.’

‘ના સુનિતાબેન, મારા જેવા ઘણાં હશે જેને કાંઈ કરવાનો મોકો નથી મળતો.’

‘આ તારી નમ્રતા બોલે છે; તદ્દન સચ્ચાઈ નહીં.’

થોડી વાર ચુપકીદી જળવાઈ રહી. રાજુલે વાતને વળાંક આપતાં પૂછ્યું, ‘માનસી, હોસ્પિટલનું નામ શું હશે? કોનું નામ આપીશ. કાંઈ વિચાર્યું છે?’

થોડી વાર ચુપ રહી માનસી બોલી, ‘વર્ષો પહેલાં એક અંગ્રેજી લેખકે કહ્યું હતું કે કોઈ માણસને એ કદી ના પૂછવું કે પહેલા દસ લાખ એણે કેવી રીતે પ્રાપ્ત કર્યા હતા. સચ્ચાઈના માર્ગે ચાલીને આટલી બહોળી સંપત્તિ કોઈએ પ્રાપ્ત કરી હોય એવું સાંભળ્યું છે?’

માનસી વિચારમાં મગ્ન થઈ ગઈ. પછી એના ચહેરા પર આછા સ્મિતની રેખા ઉપસી આવી.  એ બોલી, ‘હોસ્પિટલનું નામ હશે ‘પ્રાયશ્ચિત રૂગ્ણાલય.’

‘શું?’ રાજુલના અવાજમાં ચીસનો રણકો હતો. સુનિતા વિસ્મયથી માનસી તરફ જોઈ રહી.

‘શેનું પ્રાયશ્ચિત? કોનું પ્રાયશ્ચિત? આ બધા સવાલો જરૂર ઉદ્‍ભવશે, પણ હું કોઈને એનું નિરાકરણ આપવા બંધાયેલી નથી. જ્યારે કોઈ માનવી ભલાઈનું કામ કરવા પ્રેરાય છે ત્યારે ઘણું ખરું ક્યાંક ને ક્યાંક, કોઈ ને કોઈ કાર્યના પ્રાયશ્ચિતની ભાવના હૃદયમાં ઊંડે ઊંડે સમાયેલી હોય છે.’ કહીને માનસી જવા ઊભી થઈ. ગાડી ડ્રાઈવ કરતાં માનસી વિચારતી રહી. જે રસ્તે જવા એણે પગ ઉપાડ્યા હતા એ રસ્તો વિકટ હતો. ઘણા અવરોધોનો સામનો કરવો પડે તેમ હતો. એને એક ઉર્દુ શાયરનો શેર યાદ આવ્યો,

‘મંઝિલો કી દુશ્વારી, રાસ્તોં કે સન્નાટે,
હૈં તમામ અંદેશે, એક કદમ બઢાને તક.’

ડર કેવળ પહેલા પગલાંનો હોય ત્યાર પછી રસ્તો એની મેળે સરળ થતો જશે. પ્રભુને શોધવા મંદિર જવાની જરૂર નથી. સાચી ભાવનાથી ગમે ત્યાં માથું નમાવ્યું હોય તો પ્રભુ સામે ચાલીને આવે. મારી નાની મારાં પગલાંની પ્રતીક્ષા કરતાં હશે. મારો ઇરાદો મક્કમ હોય તો અવરોધોની શી ચિંતા!

રાત્રે સૂતાં સૂતાં ઘણાં વર્ષે માનસીએ હૃદયમાં સાંત્વનાનો સુખદ અનુભવ કર્યો.

(સમાપ્ત)


સમાપન નોંધ

નલિન શાહ દ્વારા લખાયેલી પહેલી અને એક માત્ર નવલકથા પ્રથમ પગલુંનો આ છેલ્લો હપતો છે. યોગાનુયોગે નલિન શાહનું ૨૧ જુલાઈ, ૨૦૨૨ના રોજ અવસાન થયું. અલબત્ત, તેમણે વેબગુર્જરીને નવલકથા પહેલેથી આપી રાખી હોવાથી આ નવલકથા અધૂરી ન રહી અને પૂર્ણપણે પ્રકાશિત થઈ શકી.

સામાન્યતયા હિન્‍દી ફિલ્મસંગીતના ૧૯૪૦ના દાયકામાં અસાધારણ રસ ધરાવનાર નલિન શાહ વાંચનના પુષ્કળ શોખીન અને સાહિત્યરસિક હતા. તેમણે અંગ્રેજી વિષય સાથે બી.એ. કરેલું અને તેમનું લેખન મુખ્યત્વે અંગ્રેજીમાં જ રહ્યું. આમ છતાં, આ નવલકથા તેમણે ગુજરાતીમાં લખવાનું પસંદ કર્યું. તેમાંના ઘણા પ્રસંગો માટે તેમણે પોતે જોયેલાં પાત્રો અને પ્રસંગોનો આધાર લીધો હતો. આમાં પણ તેઓ  ચોક્કસ સમયગાળાની વિગતોના આલેખન માટે જરૂરી સંદર્ભો ચકાસતા.

આ ઉપરાંત પોરવાડ સંદેશ નામના જ્ઞાતિસામયિકમાં તેમણે પોતાની સ્મૃતિકથા જાને કહાં ગયે વો દિન હપતાવાર લખવાનું શરુ કરેલું, જેના છએક હપતા પ્રકાશિત થયેલા. આ લખાણ પણ ગુજરાતીમાં હતું, તેમની શૈલીને કારણે ખૂબ લોકપ્રિય બની રહેલું.

વેબગુર્જરીને આનંદ છે કે નલિન શાહે પ્રથમ પગલુંના સહુ પ્રથમ પ્રકાશન માટે વેબગુર્જરી પર પસંદગી ઉતારી. સાથે એ અફસોસ પણ છે કે તેનું સમાપન થતાં થતાં જ તેમની જીવનલીલાનું પણ સમાપન થયું.

કેટલાક યોગાનુયોગ એક યા બીજી રીતે કેવા યાદગાર બની રહે છે! 

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.