પીયૂષ પંડ્યા, બીરેન કોઠારી
૧૮ જુલાઇ ૨૦૨૨ના રોજ જેમનું અવસાન થયું તે ગાયક ભૂપીન્દરસિંહ પાર્શ્વગાયક તરીકે એક આગવી છાપ મૂકી ગયા છે.
તેમનો સ્વર આગવા પ્રકારનો હતો, જેમાં એક પ્રકારનું ઘેરાપણું હોવાથી તે દર્દભર્યો લાગતો. આવા વિશિષ્ટ સ્વરને કારણે મોટા ભાગે ચોક્કસ મૂડવાળાં ગીતો જ તેમના ભાગે ગાવાનાં આવ્યાં. તેમનું મુખ્ય જોડાણ ગીટારવાદક તરીકે રાહુલ દેવ બર્મન સાથે રહ્યું, આથી તેમના સંગીત નિર્દેશનમાં ભૂપીન્દરે ઘણાં ગીતો ગાયાં, જેમાંના મોટા ભાગનાં યાદગાર કહી શકાય એવાં છે. અલબત્ત, રાહુલ દેવ બર્મન ઉપરાંત પણ અનેક કાબેલ સંગીતકારોએ તેમની પાસે ગીતો ગવડાવ્યાં.
પહેલાં રાહુલ દેવ બર્મન સિવાયના સંગીતકારોના સંગીત નિર્દેશનમાં ભૂપીન્દરે ગાયેલાં ગીતો પૈકી કેટલાંકની ઝલક લઈએ.
* * * * * * * * * *
દિલ્હી રેડીઓ ઉપર ગીટારવાદક તરીકે સાંગીતિક કારકીર્દિ શરૂ કરનારા ભૂપીન્દરસિંહનો સ્વર ૧૯૬૩ના વર્ષમાં સંગીતકાર મદન મોહને પારખ્યો. તે સમયે ફિલ્મ ‘હકીકત’(૧૯૬૪)નાં ગીતોને સંગીતબધ્ધ કરવાની જવાબદારી નિભાવી રહેલા આ સંગીતકારે ભૂપીન્દરને તે ફિલ્મના એક યાદગાર ગીતમાં તલત મહમૂદ, મન્નાડે અને મહંમદ રફી જેવા ધૂરંધર ગાયકો સાથે ગાવાનો મોકો આપ્યો.

નિર્માતા-દિગ્દર્શક ચેતન આનંદે તે ગીત પૂરતી ફિલ્મમાં ચમકવાની પણ તક આપી. પ્રસ્તુત છે તે ગીતની ક્લીપ. રસપ્રદ બાબત એ છે કે ગીતની શરૂઆતમાં જ દેખા દેતા ભૂપીન્દરને માટે પાર્શ્વગાન રફીના સ્વરમાં છે!
આ સારી શરૂઆતે ભૂપીન્દર માટે સિનેમાની ચળકાટભરી દુનિયામાં પ્રવેશ માટેનો દરવાજો ઉઘાડી આપ્યો. એક નવા, તાજગીભર્યા અવાજના માલિક તરીકે અને ક્ષમતાવાન ગીટારવાદક તરીકે એમની ઓળખ બંધાવા લાગી. આ કારણથી સંગીતકાર ખૈયામના નિર્દેશનમાં ૧૯૬૬ની ફિલ્મ ‘આખરી ખત’નું એક ગીત તો ગાવા મળ્યું જ, સાથે તે ગાઈ રહેલા કલાકાર તરીકે તે પરદે પણ ચમક્યા.
સંગીતકાર ખય્યામ સાથે
ગીતની શરૂઆતમાં જ ગીટાર છેડી રહેલા ભૂપીન્દર નજરે પડે છે. ગીતમાં પણ તેમનું જ ગીટારવાદન છે. વચ્ચેવચ્ચે દેખાઈ જતા ટ્રમ્પેટવાદક તે સમયના સુખ્યાત સંગીતકાર એન્ટોનીયો વાઝ ઉર્ફે ચીક ચોકલેટ છે. તે પછી તેમને સંગીતવિભાગમાં જ ગાયક તેમ જ વાદક તરીકે તકો મળતી રહી, જેનો ભૂપીન્દરે સુપેરે ઉપયોગ કર્યો.
શંકર-જયકિશનના સુપરહીટ સંગીતવાળી ફિલ્મ ‘રાત ઔર દિન’ (૧૯૬૭)માં ભૂપીન્દરે એક ભજન ગાયું હતું, જે ફક્ત એક જ અંતરો ધરાવતું હતું.
પછી મુંબઈમાં જ સ્થાયી થઈ ગયેલા ભૂપીન્દર જુદાજુદા સંગીતકારોનાં વાદ્યવૃંદમાં ગીટારવાદક તરીકે કાર્યરત રહ્યા. નૌશાદ અને સચીનદેવ બર્મન જેવા વરીષ્ઠ સંગીતકારો તેમનાથી ખાસ્સા પ્રભાવિત થયા હતા. આ સંગીતકારોના નિર્દેશનમાં તેમને ગીતોમાં તેમ જ પાર્શ્વસંગીતમાં વાદક તરીકે તકો મળતી રહી પણ ગાવાનો એકેય મોકો ન મળ્યો.

ભૂપીન્દરની ગાયકીમાં એક ચોક્કસ ખરજસભર મીઠાશ હતી. આ કારણથી સંગીતકારો તેમની પાસે ગંભીર મિજાજની અસર ઉભી કરતાં ગીતો ગવડાવતા હતા. તેમની આ ખાસિયતને ધ્યાને લઈને બનેલાં ગીતોએ ભૂપીન્દરને ખાસ્સા લોકપ્રિય બનાવ્યા. તે પૈકીનાં કેટલાંક ઉદાહરણરૂપ ગીતો માણીએ.

ભૂપીન્દરને સૌપ્રથમ તક આપનારા સંગીતકાર મદનમોહને ૧૯૭૫ની ફિલ્મ ‘મૌસમ’માં બનાવેલા આ ગીતને સાંભળીએ તો થાય કે આ ગીત તો ભૂપીન્દર સિવાય કોઈ જ ગાયક્ના અવાજમાં જચે જ નહીં.
ફિલ્મ ઘરોંદા(૧૯૭૭)માં જયદેવના નિર્દેશનમાં ભૂપીન્દરે અત્યંત મધુર ગીત ગાયું છે.
૧૯૭૯માં રજૂ થયેલી ફિલ્મ ‘ગૃહપ્રવેશ’ના સંગીતકાર કનુ રોયે તે ફિલ્મ માટે ભૂપીન્દર પાસે ત્રણ ગીતો ગવડાવ્યાં હતાં. તેમાંનું સૌથી વધુ લોકપ્રિય થયેલું ગીત પ્રસ્તુત છે.
https://www.youtube.com/watch?v=6YYqC-T8H8Y
આ જ ફિલ્મનાં અન્ય બે ગીતો જીંદગી ફૂલોં સે નહીં અને મચલ કે જબ ભી પણ જાણીતાં છે.
‘એક બાર ફિર’ (૧૯૮૦) માં જાણીતા વાંસળીવાદક રઘુનાથ શેઠના સંગીત નિર્દેશનમાં ભૂપીન્દરે ગાયેલું આ ગીત અનોખો અંદાજ ધરાવે છે.
https://www.youtube.com/watch?v=mA-eqFhKVrA
૧૯૮૦ની ફિલ્મ ‘થોડી સી બેવફાઈ’માં ખય્યામના સંગીતમાં સ્વરબધ્ધ થયેલું એક કર્ણપ્રિય ગીત સાંભળીએ.
https://www.youtube.com/watch?v=pDzGdIWKf1M
તે જ વર્ષમાં પ્રદર્શિત થયેલી ફિલ્મ ‘ઐતબાર’માં પણ ભૂપીન્દરના વિશિષ્ટ અવાજમાં ગવાયેલું અનોખા મિજાજનું ગીત છે.
સંગીતકાર બપ્પી લાહીરીએ આ ધૂન તૈયાર કરી છે. આ ગીતમાં આશા ભોંસલેએ પણ સ્વર આપ્યો છે.
ફિલ્મ ‘શ્રદ્ધાંજલી(૧૯૮૧)નું સંગીત આશા ભોંસલેના દીકરા હેમંત ભોંસલેએ તૈયાર કર્યું હતું. તે ફિલ્મનું ભૂપીન્દરે ગાયેલું ગીત પ્રસ્તુત છે. આ ગીતમાં સતત ધ્યાન ખેંચતું ગીટારવાદન પણ તેમનું જ છે.
આ જ ફિલ્મનું અન્ય ગીત દિલ આખિર દિલ હૈ પણ શ્રવણીય છે.
કાન્તિ કીરણ નામના એક લગભગ અજાણ્યા સંગીતકારે ફિલ્મ ‘બેદર્દ’(૧૯૮૨) માટે ભૂપીન્દર પાસે એક યાદગાર ગીત ગવડાવ્યું હતું. પૂર્વાલાપના વાદ્યસંગીત પછી ગાયક જે રીતે ખરજના સ્વરમાં ગીત ઉપાડે છે તે રસિકજનને એ ક્ષણથી જ પકડી લે છે.
સલિલ ચૌધરીએ ‘માંગે ના મીલે પ્યાર’ નામ ધરાવતી એક ફિલ્મ માટે ૧૯૮૨ના અરસામાં ભૂપીન્દરના અવાજમાં એક ગીત રેકોર્ડ કરાવ્યું હતું. જો કે આગળ જતાં આ ફિલ્મ પૂરી બની જ નહીં અને પરિણામે તે ગીત ગુમનામીમાં ઢંકાઈ રહ્યું. ઉલ્લેખનીય છે કે તે જ ગીતનાં બે સંસ્કરણો – એક બંગાળીમાં લતા મંગેશકરના અવાજમાં અને બીજું મલયાલીમાં યેસુદાસના અવાજમાં રેકોર્ડ થયાં હતાં.
આપણે ભૂપિન્દરના સ્વરમાં હિન્દી ગીત સાંભળીએ.
https://www.youtube.com/watch?v=v6xmvaaIku8
‘મંજૂ’(૧૯૮૩) નામની એક મલયાલી ફિલ્મમાં દક્ષિણ ભારતિય ક્ષેત્રના જાણીતા સંગીતકાર એમ.બી. શ્રીનિવાસનના નિર્દેશનમાં ભૂપીન્દરે એક હિન્દી ગીત ગાયું છે.
હવે એક અનોખું ગીત માણીએ. ખ્યાતનામ સિતારવાદક ઉસ્તાદ વિલાયતહુસૈન ખાને ફિલ્મ ‘કાદમ્બરી’(૧૯૭૫) માટે સંગીત તૈયાર કર્યું હતું. આશા ભોંસલેએ ગાયેલા તે ફિલ્મના ગીતમાં ભૂપીન્દરે યાદગાર ગીટારવાદન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ ગીતના શબ્દો સુખ્યાત કવિયત્રી/લેખિકા અમ્રિતા પ્રીતમે લખ્યા હતા.
‘દહલીઝ’(૧૯૮૬)માં મહેન્દ્ર કપૂર સાથેનું ભૂપીન્દરનું આ ગીત રવિના સંગીત નિર્દેશનમાં ગવાયેલું છે, જે રવિની સર્જકતાના આખરી ચમકારા સમાન હતું.
* * * * * * * * * *
રાહુલદેવ બર્મને આ કલાકારને તેમના ગીટારવાદનથી પ્રભાવિત થઈને પોતાના વાદ્યવૃંદમાં સામેલ કર્યા. આ વ્યવસાયિક સંબંધ આગળ જતાં ગાઢ મૈત્રીમાં પરિણમ્યો.

રાહુલદેવનાં અનેક યાદગાર ગીતોમાં ભૂપીન્દરની ગાયકી અને/અથવા વાદન સાંભળવા મળ્યાં. તે પૈકીનાં કેટલાંક ચુનંદાં ગીતો પ્રસ્તુત છે….
૧૯૭૩ની ફિલ્મ ‘રાજા રાનીનું આશા ભોંસલે સાથેનું યુગલગીત તે સમયે ખુબ જ જાણીતું થયું હતું. અહીં ગાયકો ‘હાર્મની’ તરીકે ઓળખાતો એક વિશિષ્ટ પ્રયોગ કરે છે.
ફિલ્મ ‘પરિચય’(૧૯૭૨) માટે ભૂપીન્દરે બે ગીતો ગાયાં હતાં. તે પૈકીનું ‘બિતી ના બિતાયી રૈના અત્યંત જાણીતું છે.
આ જ ફિલ્મનું અન્ય એક ખુબ જ સૂરીલું ગીત છે, તે સાંભળીએ.
https://www.youtube.com/watch?v=ZUPPgIkibKU
પ્રસ્તુત છે ભૂપીન્દરે લતા મંગેશકર સાથે ગાયેલું ફિલ્મ ‘કિનારા’(૧૯૭૭)નું યાદગાર યુગલગીત.
તે જ ફિલ્મનું એક એવું ગીત, જેમાં સ્વર તેમ જ ખુબ જ પ્રભાવક એવું ગીટારવાદન બન્ને ભૂપીન્દરનાં છે.
ફિલ્મ ‘બડા કબૂતર’(૧૯૭૩)માં રાહુલદેવે સ્વરબધ્ધ કરેલા એક ગીતમાં ભૂપીન્દરે તેમના જાણીતા ધીરગંભીર મિજાજને બદલે મસ્તીભર્યા લહેકામાં ગાયું છે.
https://www.youtube.com/watch?v=46hf66lbI2o
‘માસૂમ’(૧૯૮૩)માં સુરેશ વાડકર સાથેનું તેમનું આ ગીત વિશિષ્ટ છે.
https://www.youtube.com/watch?v=4n_sG3CnSCg
રાહુલદેવે બનાવેલાં અને ભૂપીન્દરનું વાદન ધરાવતાં અનેક યાદગાર ગીતો છે. તેમાંથી બે ગીતો જાણે કે અમરપટ્ટો લખાવીને બેઠાં છે. તે પૈકીનું એક ગીત આશા ભોંસલેનું ગાયેલું ૧૯૭૧ની ફિલ્મ ‘હરે રામા હરે ક્રિશ્ના’નું છે, જેમાં તેમણે ગીટારના અનન્ય ટૂકડા વગાડ્યા છે.
બીજું ગીત ફિલ્મ ‘શોલે’(૧૯૭૪)નું છે, જેમાં ભૂપીન્દરે રબાબ નામે ઓળખાતું ઈરાની તંતુવાદ્ય વગાડ્યું હતું. સ્વર રાહુલદેવનો છે.
https://www.youtube.com/watch?v=1dD8iP-vq0k
* * * * * * * * * *
ભૂપીન્દરનાં પત્નિ મિતાલી પણ જાણીતાં ગાયિકા છે. આ દંપતિએ સાથે મળીને ગેરફિલ્મી ગીતોની – ખાસ કરીને ગઝલોની – અનેક રેકોર્ડ્સ બહાર પાડી છે. તે ઉપરાંત તેમણે દેશ-વિદેશમાં જાહેર કાર્યક્રમો પણ કર્યા છે.
આ દંપતિએ દૂરદર્શન ઉપર રજૂ થયેલા કાર્યક્રમમાં ગાયેલી એક રચના પ્રસ્તુત છે.
ભૂપીન્દરે કેટલાંક ગુજરાતી ગીતો, ગઝલો તેમ જ ભજનો પણ ગાયાં છે. તે પૈકીનું ફિલ્મ ‘જાલમસંગ જાડેજા’(૧૯૭૬)નું આ યાદગાર ગીત સાંભળીએ. સ્વરનિયોજન દિલીપ ધોળકીયાનું છે.
‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા’ અને ‘નવ કરશો કોઈ શોક રસિકડાં’ જેવાં ગીતો ભૂપીન્દરના સ્વરમાં સાંભળ્યા પછી ભાગ્યે જ અન્ય કોઈ ગાયકના સ્વરમાં તે સાંભળવાં ગમે એવી તેની અસર હતી.
લગભગ પાંચ દાયકા સુધી ફેલાયેલી પોતાની પ્રલંબ સાંગીતિક કારકીર્દિમાં ભૂપીન્દર સિંહે અનેકાનેક યાદગાર રચનાઓ આપી છે. આવનારા દાયકાઓ સુધી તે સંગીતચાહકોના મનોવિશ્વમાં પોતાનું આગવું સ્થાન જાળવી રાખવાના છે.
નોંધ: અહીં ભૂપીન્દરનાં ગીતોની સંપૂર્ણ યાદી આપવાનો ઉપક્રમ નથી, બલ્કે એક પ્રિય ગાયકનાં થોડાં ગીતોને યાદ કરીને તેને શ્રદ્ધાંજલિ આપવાનો મુખ્ય હેતુ છે. આથી અતિ પ્રિય હોય એવાં અનેક ગીતોને પણ નાછૂટકે બાકાત રાખવાં પડ્યાં છે.
શ્રી પિયૂષ પંડ્યાનું વીજાણુ સંપર્ક સરનામું: piyushmp30@yahoo.com
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)