નિયમાનુસાર વિશ્વ અને વધસ્તંભ (The Cross of Cosmos)

નિરંજન મહેતા

કેવી આ પ્રતિભા અને કેવી તેની કલાકૃતિ! અદ્વિતીય, અવિસ્મરણીય, અદ્ભુત !

હું અહી જેમની વાત કરવાનો છું તે છે યુરોપના અતિ પ્રસિદ્ધ હીરાબિંદુ પર બિન્દુચિત્રણનું કોતરકામ (Diamond Point Stipple Engraving) કરનાર ડેવિડની. ડેવિડનું પૂરૂ નામ છે ડેવિડ એચ. મોડે – રોક્ષબી – મોંટાલતો ડી ફ્રેગ્નીટો, જે ફ્રેગ્નીટો (italy)ના ડ્યુક છે. તેઓ સારા ચિત્રકાર છે અને સાથે સાથે તે કાચ ઉપર પણ કલાકૃતિ કરે છે.

જુન ૧૯૫૯માં તેમને સ્વપ્નોની હારમાળામાં આઠ પારલૌકિક દ્રશ્ય દેખાયા. શા માટે આ દ્રશ્યો તેમને સ્વપ્નમાં આવ્યા અને આ દ્રશ્યોનું શું મહત્વ છે તે ત્યારે નહોતું સમજાયું. પણ આ એક શરૂઆત હતી. પછીથી તેમની મિત્ર ઈવાએ આ સ્તંભનું ચિત્રીકરણ જોયું હતું અને તેના મતે તે અદ્ભુત હતું.

સાઠ વર્ષ બાદ અત્યંત મહેનત અને અનેક ઈશ્વરીય સંકેતો બાદ તેમની નિગરાનીમાં આ વધસ્તંભને પૂર્ણ કરવાનું શક્ય બન્યું. પણ તે પૂરૂ કરતાં તેમણે જે મુશ્કેલીઓમાંથી પસાર થવું પડ્યું તે પણ જાણવા જેવું છે.

૧૯૬૦-૬૧મા ડેવિડ લંડનની માઉન્ટ સ્ટ્રીટમાં ફરી રહ્યા હતા ત્યાં તેઓ એક ‘જવેલ બોક્ષ’ નામની દુકાનમાં પ્રવેશ્યા. ત્યાની સેલ્સ મહિલાએ કહ્યું કે હું જોઈ શકું છું કે તમારી નજર પારખું છે અને તેથી હું તમને એક એવી ચીજ દેખાડીશ જેની તમે જરૂર યોગ્ય કદર કરશો. ત્યાર બાદ તે મહિલા એક લાક્ષણીક પુરાતન રત્નજડિત ચીજ લઇ આવી જે વર્તુળાકાર હતી અને તેની વચ્ચે LAMB OF GOD  અંકિત હતું જે મોતીઓથી જડિત હતું. જેની પશ્ચાદભૂ નીલા રંગની હતી અને જેની અંદર એક પ્રભાવલય અને હીરાનો વધસ્તંભ દર્શાવાયા હતા જે ઈશુના પ્રતીકાત્મક હતા. અને તેમને તરત યાદ આવ્યું જાતે જોયેલું પારલૌકિક દ્રશ્ય. પણ તે સમયે તેમની પાસે તે ખરીદવાની ત્રેવડ ન હતી એટલે તેમણે તે મહિલાને તે પ્રમાણે જણાવ્યું.

એક વર્ષ બાદ ફરી ત્યાં આવ્યા ત્યારે જોયું કે તે ચીજ હજી વેચાઈ ન હતી, કદાચ એ વિચારે કે તે કોઈ ચર્ચની માલિકીની છે કે કદાચ ચોરાયેલી ચીજ છે એટલે તે શાપિત છે. તે દિવસે તેમની પાસે તે ખરીદવાની ત્રેવડ હતી એટલે તે જડાઉ હીરામાના એક હીરાની કીમતે તે પૂરેપૂરી ચીજ ખરીદી લીધી. ત્યારબાદ આને તો સ્ફટિકનાં સ્તંભમાં જાળવવી જોઈએ માની યોગ્ય સ્ફટિક સ્તંભની ખોજ આરંભી જે ઘણા સમય બાદ પ્રાપ્ત થઇ.

તેમને સમજાઈ ગયું કે હવે આમાંથી વધસ્તંભ બનાવવો જોઈએ અને પોતાના વતન સોમરસેટ જઈ તેમણે સ્વપ્નમાં જોયેલી રચનાને યાદ કરવા માંડી. તેમને સમજાયું કે આ વધસ્તંભની આકૃતિ કદાચ તલવારના રૂપમાં જોવાશે. પણ  હકીકતમાં તે શાંતિના પ્રતિક તરીકે જોવાય તે પ્રકારની રચના કરવાનું તેમણે નક્કી કર્યું. તેમણે એ પણ વિચાર્યું કે હું આ સ્તંભમાં મારા શબ્દો ન કોતરતા પવિત્ર ગ્રંથોમાંથી યોગ્ય શબ્દોનો વપરાશ કરૂં.

આ વધસ્તંભની કારીગરી એટલી બારીકાઈથી કરવી જરૂરી હતી કે તે સમય માંગી લે. આ કારણે આ વધસ્તંભ પૂર્ણ થતા ડેવિડને લગભગ પાંચ વર્ષ લાગ્યા.

મીર જાફર ઈમામ, જે સૌરાષ્ટ્રમાં આવેલ કમઢીયાના દરબારશ્રી છે અને સુરતના નવાબના વંશજ છે તે ડેવિડના મિત્ર છે. લગભગ પાંચ-છ વર્ષ પર લંડનની એક મુલાકાત દરમિયાન ડેવિડ સાથે વાતચીત કરતાં તેમને આ કલાકૃતિ બની રહ્યાની જાણ થઇ. દરબારશ્રીએ તે કલાકૃતિ જોવાની ઉત્કંઠા દાખવી. જે માટે ડેવિડે ચોખ્ખી ના કહી કારણ ત્યારે હજી તે પૂર્ણ થઇ ન હતી. તેમણે કહ્યું કે પૂર્ણ ન થાય ત્યાં સુધી તે કલાકૃતિ કોઈને દેખાડવાના નથી. બહુ આગ્રહ કર્યા પછી પણ તે શક્ય ન બન્યું.

પરંતુ ત્યાર બાદ અચાનક એક દિવસ ડેવિડે દરબારશ્રીને કહ્યું કે તે વધસ્તંભની કલાકૃતિ દેખાડશે. તે કલાકૃતિ જોયા બાદ દરબારશ્રી તેનાથી એટલા પ્રભાવિત થયા હતા કે પાછા ફરતા ડેવિડને મોટરકારને અધવચ્ચે રસ્તે ઊભી રાખવા કહ્યું અને ડેવિડ પાસે પેપરને પેન માંગ્યા અને ત્યાંને ત્યાં ઉર્દુમાં એક કવિતા લખી.

जवाहर और चलिपा

एक जवाहर और चलिपा आया था जो ख़्वाब में
बदल गया हकीकत में ना रहा सिर्फ ख़्वाब में

इसा ने चलिपे पर दम तोड़ा ही नहीं था
खुदाने उठा लिया उन्हें क्या ये मौजज़ा नहीं था

इसा तो मसीहा है और है रूहे अल्लाह
सच के लिए जान कुर्बान कर दी अल्लाह अल्लाह

ये चलिपा जो बनाया है दाउद ने
तेरे इश्क को फिर जगा दिया दाउद ने

દરબારશ્રીની આ શીઘ્ર રચનાથી ડેવિડ પ્રભાવિત થઇ ગયા.

અંતે સમય વીત્યે બહુ મહેનતે તે કલાકૃતિ પૂર્ણ થઇ.

આ કલાકૃતિમાં પવિત્ર ગ્રંથોના સુંદર સંદેશની કોતરણી તો કરાઈ જ છે પણ સાથે સાથે બહુ મહેનતે મેળવેલ ચંદ્ર ઉપરની માટીને અને ‘ઈગલ’ ચંદ્રયાનનો એક નાનો ટુકડો (sliver) પણ વધસ્તંભના પાછળના ભાગમાં જડેલા છે. જે દ્વારા પૃથ્વી અને અવકાશનો સમન્વય દાખવવાનો પ્રયાસ કર્યો છે.

સ્તંભની આગળ શબ્દો છે ‘I can of myself do nothing’ અને પાછળ શબ્દો છે ‘thy will be done’.

ગયે વર્ષે આ બનાવની દરબારશ્રીએ વાત કરી ત્યારે તેમની કવિતા વાંચવાની ઈચ્છા કરી. દરબારશ્રીની તે ઉર્દુ કવિતા વાંચ્યા બાદ હું એટલો પ્રભાવિત થયો કે મને લાગ્યું કે આ કવિતાનો ગુજરાતી અનુવાદ કરવો જોઈએ અને ત્યાર બાદ દરબારશ્રીની મંજૂરી લઇ મેં ભાવાનુવાદ કર્યો જે નીચે મુજબ છે.

રત્ન અને વધસ્તંભ

એક રત્ન અને વધસ્તંભ જે આવ્યા હતા સ્વપ્નમાં
બદલાઈ ગયું તે હકીકતમાં ન રહ્યું તે સ્વપ્ન

ન કેવળ તોડ્યો હતો શ્વાસ વધસ્તંભ પર ઈશુએ
સ્વયં ઉઠાવ્યો હતો તેમણે – ચમત્કાર જ ને

ઈશુ તો હતા ઉદ્ધારક અને  પ્રાણાત્મા અલ્લાહના
સત્ય માટે કર્યા પ્રાણત્યાગ અલ્લાહ અલ્લાહ

રચી આ વધસ્તંભ, ફરી પ્રજ્વલ્લિત કર્યો
પ્રેમ તારા પ્રત્યે દાઉદે

લંડનના ચર્ચના આર્કબિશપે જ્યારે આ કલાકૃતિ જોઈ ત્યારે તેનાથી પ્રભાવિત થઇ તે કલાકૃતિને લંડનના કોઈ એક ચર્ચમાં સ્થાપિત કરવાની ઈચ્છા દર્શાવી જે માટે ડેવિડે ખુશી વ્યક્ત કરી. સ્તંભને સ્થાપિત કરતાં પહેલા ૫ ડીસેમ્બર ૨૦૨૧ને દિવસે લંડનના વેસ્ટમીનસ્ટર એબેમાં એક ભવ્ય સમારંભ યોજાયો જેમાં લંડનનાં પ્રતિષ્ઠિત લોકોની હાજરી રહી.

દરબારશ્રીની ઉર્દુ કવિતાથી પ્રભાવિત ડેવિડે દરબારશ્રીને ન કેવળ ખાસ આમંત્રિત કર્યા હતા પણ સમારંભની શરૂઆત પણ તેમની ઉર્દુ કવિતાના પઠનથી થઇ હતી. વેસ્ટમીનસ્ટરના ૮૦૦ વર્ષના ઇતિહાસમાં કોઈ ભારતીયએ પોતાની કવિતાનું પઠન કર્યું હોય તેવો આ પહેલો પ્રસંગ હતો. આ સ્થળે ફક્ત યુ.કે.ના રાજાઓ અને રાણીઓના રાજ્યાભિષેક જ થાય છે.

(વેસ્ટમીનસ્ટર એબે, લંડન)
(દરબારશ્રી મીર જાફર ઈમામ સમારંભમાં પોતાના કાવ્યનું પઠન કરતાં)

ત્યાર બાદ પારંપરિક રીતે તે સ્તંભને પવિત્ર જળના અભિષેકથી (CONSECRATION OF THE CROSS OF COSMOS) પવિત્ર કરવામાં આવ્યો હતો.

હાલમાં તે સ્તંભ લંડનના ક્યા ચર્ચમાં સ્થાપિત કરવો તેનો નિર્ણય લેવાયો નથી, જે લંડનના આર્કબીશપ અને ચર્ચની કમિટી લેશે.


નિરંજન મહેતા
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.