‘તું શેતાનની છે, અમે તારું મોત ભયાનક બનાવીશું’

વાત મારી, તમારી અને આપણી

ડૉ. મૃગેશ વૈષ્ણવ.
એમ.ડી.(મનોચિકિત્સક)

”તેં કુર્રાનની તોહીન કરી છે… ગીતાને ઉછાળી છે…તે ઘણાં ગલત કામ કર્યા છે. અમે તારા કાળા કામોનું મસ્જિદમાં એલાન કરીશું. તું દોઝખમાં જઇશ” –

નફીસાને આવા અવાજો ચાર વર્ષથી સંભળાતા હતા.

કેમ?

”તેં ગલત કામ કર્યા છે… તું દોઝખમાં જઇશ”
”અમે અમેરિકાથી આવ્યા છીએ…” “તારા પર રીસર્ચ કરીએ છીએ.”
”તું આ બધું છોડી દે… આ શિયા ગેંગ છે.. તું એને છોડી દે નહીં તો દોજખમાં જઇશ.”

આવા ભયાનક અવાજો ચારેય બાજુથી સંભળાવા લાગ્યા. નફીસાએ બંને હાથો વડે જોરથી કાન બંધ કર્યા. પણ અવાજોની તીવ્રતા ન ઘટી. તે ગભરાઇ ગઇ. રડવા લાગી. એ ઘરમાં સાવ એકલી હતી. અમ્મીનું થોડા દિવસ પહેલાં મૃત્યુ થયું હતું. જેથી તે હતાશ હતી.

જો કે નફીસાને ઉપર મુજબના અવાજો તો અમ્મીના મૃત્યુ પહેલાં પણ સંભળાતા હતા. આ અવાજોથી કંટાળીને જ તો તે પોતાનું ઘર છોડી બે વર્ષથી પીયર રહેવા આવી ગઇ હતી.

આ અવાજો નફીસાનો ચાર વર્ષથી પીછો છોડતા ન હતા.

લગ્ન કરીને પતિગૃહે નફીસા રહેવા આવી ત્યારથી જ નવા ઘર અને લોકો સાથે કેવી રીતે રહેવાશે એનો ડર હતો એમાં પણ સાસુમા અને પતિના અતિ ગુસ્સાવાળા સ્વભાવને કારણે તેના મનમાં સતત ડર રહેતો. તેને એમ લાગ્યા કરતું કે તેનાથી કંઇક ભૂલ થઇ ગઇ છે. કંઇક ખોટું થઇ ગયું છે.
ડર અને અપરાધભાવથી છૂટવા નફીસાએ કુર્રાન શરીફ જેવા ધાર્મિક ગ્રંથો વાંચવાનું શરૃ કર્યું.

કોણ જાણે કેમ પણ જેમ જેમ એ આયાતો વાંચતી તેમ તેમ તેને લાગતું કે કુર્રાન શરીફની તેણે તોહીન કરી છે. અપમાન કર્યું છે તેને લાગવા માંડયું કે બધાં લોકો તેની હિલ-ચાલ પર નજર રાખી રહ્યા છે.

સતત વિચારોને કારણે તેની ઉંઘ હરામ થઇ ગઇ. તે એમ માનવા લાગી કે કેટલાક ચોક્કસ લોકોએ મસ્જિદમાં એલાન કરી દીધું છે કે એણે પાપ કર્યું છે. તેને લાગ્યું કે તેના કાળા કરતૂતોની બધાંને જાણ થઇ ગઇ છે. તેને સૌથી પહેલાં અવાજ સંભળાયો…

”તું શેતાનની છે.”
”અમે તારું  મોત ભયાનક બનાવીશું.”

નફીસા ડરી ગઇ…”યા.. અલ્લાહ.. યા અલ્લાહ…”ની બૂમો પાડવા લાગી.

ઘરના લોકો ગભરાયાં. નફીસાને પૂછ્યું શું થયું છે?

તો નફીસા ડરથી બધાને કહેવા લાગી. મેં કંઇ ખોટું કામ નથી કર્યું….કુર્રાનની તોહીન નથી કરી.. પણ એ લોકોએ મસ્જીદમાં મારૃં એલાન કર્યું છે… તો ”ગુનાહ કુબુલ” ”ગુનાહ કુબુલ”મને દોઝખમાં જતી બચાવો, મારૃં મોત ભયાનક ન બનાવો. એ લોકો મને નહીં છોડે… એ લોકોથી મને બચાવો…”

નફીસાને દરગાહ પર હાજરી ભરવા લઇ જવામાં આવી. ફકીરે ઝાડફૂંક કરી માદળીયું બાંધી કહ્યું. જીન- જીન્નાતથી આ માદળીયું એને બચાવશે. બધું સારું થઇ જશે.

પણ નફીસાને વધારે અવાજો આવવા લાગ્યા. અવાજોથી બચવા તે રૃમના બારી- બારણાં બંધ કરી રહેવા લાગી. પણ અવાજો તેનો પીછો છોડતા નહતા. આ અવાજોની ધમકીથી ડરી જઇને નફીસા રડતી રડતી રૃમમાં એકલી પડી રહેતી.

સંખ્યાબંધ દરગાહ- ફકીરો પાસે ઝાડફૂંક અને તાવિઝ પછી પણ સારૃં ન થયું એટલે એને ભૂવાભગત પાસે લઇ જવામાં આવી. ત્યાં પણ નફીસા પર વિધિ કરાઇ.

પરંતુ નફીસાની હેરાનગતિ ઓર વધી ગઇ. કારણ ભૂવા- ભગત પાસે જઇ આવ્યા પછી તેને એવું લાગવા માંડયું કે તેણે ગીતાને ઉછાળી છે. એટલે ભૂવાઓની વિધિથી પણ તેને સારું નહીં થાય.

કુર્રાનની તોહીન અને ગીતાને ઉછાળ્યાના વિચારોએ તેના મગજનો ભરડો લીધો. નફીસાને ક્યાંય ચેન નહોતું પડતું.

સાસુમાએ ફરમાન કર્યું… નફીસા નાટકબાજી કરે છે. બાકી આવા અવાજો ઘરમાં કોઇને નહીં અને એને એકલીને કેમ સંભળાય? એણે ગલત કામ કર્યાં ન હોય તો પછી કોઇથી ડરવાની જરૃર શી? એટલે પોતાની વાત છૂપાવવા નફીસા બહાનાબાજી કરે છે.

પિયરીયાંઓએ આરોપ મૂક્યો કે નફીસાને બધી તકલીફ પરણ્યા પછી જ થઇ છે. સાસુના ત્રાસ અને સંયુક્ત કુટુંબના ઢસરડાને કારણે તેના મગજ પર ખરાબ અસર થઇ છે. સતત ટોક ટોક કરવાને કારણે આવા ખરાબ વિચારો તેના મનમાં ઘર કરી ગયા છે. એટલે જ તેને આવા વિચારો સંભળાવાનો ભ્રમ થાય છે.

સામ-સામેની આક્ષેપબાજીને કારણે નફીસા પિયર અને સાસરા વચ્ચે ફંગોળાતી રહી. ભૂવા-ફકીરોને ત્યાં ભટકતી રહી.
આખરે આ બધું સારું ન થાય ત્યાં સુધી તમારી નુકશાનીનો માલ તમારે ત્યાં રાખો એમ કરી પિયર પાર્સલ કરી દેવાઇ. અમ્મીએ નફીસાની ખૂબ સંભાળ લીધી.

બોલ નફી ક્યાંથી અવાજ આવે છે..જો અહીં કોઇ નથી.. બસ હું છું.. તારી અમ્મી… તારા વિશે કોઇ મસ્જિદમાં ક્યારેય કોઇ એલાન નથી થયું. તારા પર કોઇ રીસર્ચ નથી કરતું. તે કુર્રાનની તોહીન ક્યારેય નથી કરી. ગીતા પણ ક્યારેય નથી ઉછાળી તો તું કોઇ વાતની ચિંતા ન કર. તેં કોઇ પાપ નથી કર્યું. તે કોઇ ખરાબ કામ નથી કર્યું. તું દોજખમાં નહીં જાય. તંુ જન્નતમાં જાય તેવી દુઆ અમે માંગીએ છીએ.

અમ્મીની આટલી ખાતરી છતાં, વારંવારની સમજાવટ છતાં નફીસાના અવાજોમાં કોઇજ ફેરફાર ન થયો.

અને અમ્મીનું એકાએક મૃત્યુ થયું. નફીસા એકલી પડી ગઇ તેને સતત અવાજો સંભળાવા લાગ્યા…

”તેં કુર્રાનની તોહીન કરી છે…”
”તેં ગીતા ઉછાળી છે.”
”તેં ગલત કામ કર્યા છે..”
”તારાં કાળા કરતૂતોનું અમે મસ્જિદમા એલાન કરી દીધું છે.”
”અમે તારા પર રીસર્ચ કરી છે.”
”તું શિયા ગેંગ છોડી દે…”
”તારું મોત ભયાનક હશે..”
”તું દોઝખમાં જઇશ.”

નફીસાને સંભળાતા, આ અવાજોનું ખરેખર અસ્તિત્વ છે? શું સાસરિયાનાં ત્રાસથી નફીસાના મગજ પર અસર પડી છે? શું નફીસાથી ખરેખર કંઇક ખરાબ કામ થઇ ગયું છે? શું નફીસા ઢોંગ કરે છે?

મનોચિકિત્સા માટે લવાયેલ નફીસાના સ્નેહીઓએ આવા સંખ્યાબંધ પ્રશ્નોની ઝડી વરસાવી જેનો જવાબ છે ”ના”

નફીસાને સંભળાતા અવાજો ધ્વનિભ્રમ કે ઓડીટરી હેલ્યુસિનેશન્સના કારણે થાય છે. નફીસા સ્કીઝોફ્રેનીયા નામના માનસિક રોગથી પીડાય છે.
સ્ક્રીઝોફ્રેનીયા એ મનનો જટિલ રોગ છે જેની શરૃઆત પંદરથી પચીસ વર્ષ દરમ્યાન પુરૃષોમાં અને પચ્ચીસથી પાંત્રીસ વર્ષ દરમ્યાન સ્ત્રીઓમાં થાય છે.

લગ્ન થઇ શ્વસુર ગૃહે જવું અને આ રોગના લક્ષણો દેખાવાં એ એક યોગાનુયોગ માત્ર છે. આ રોગ થવાનું કારણ મગજના જટિલ રાસાયણિક ફેરફારો છે. સાસરિયાની ટકટક નહીં.

સ્કીઝોફ્રેનિયા ક્યારેક ધીમી ગતિએ વિકસે છે જેમાં વ્યક્તિના વિચાર, વર્તન, લાગણી અને ઇચ્છા શક્તિમાં થતો ધીમો બગાડ ઓળખી શકાતો નથી, જ્યારે કેટલાક કિસ્સામાં સ્કિઝોફ્રેનિયાની જ શરૃઆત ઝડપી અને અણધારી થાય છે.

નફીસા સહીત સ્કીઝોફ્રેનિયાથી પીડીત કોઇ પણ વ્યક્તિ કામચોરવૃત્તિ કે ઢોંગ નથી પ્રદર્શિત કરતાં પણ તેમના વર્તનથી તેઓ લાચાર હોય છે. ભૂવા- ફકીરો, તાંત્રિકો- માંત્રિકો- દોરા- ધાગા કે તાવિજ – માદળીયાથી આ રોગ ક્યારેય મટાડી શકાતો નથી.

નફીસાને થતો શ્રાવ્ય ચિત્તભ્રમ એટલે કે એવા અવાજો સંભળાવા જેનું અસ્તિત્વ જ ન હોય, બે વ્યક્તિ વચ્ચેની વાતચીત સાંભળવી કે તમારા વર્તન પર ટીકા- ટીપ્પણી સંભળાવી કે ક્યારેક બીજાઓ ન જોઇ શકે કે સાંભળી શકે તેવી વસ્તુનો ભાસ થવો. આના કારણે તનાવ, ચિંતા, ભય અને હતાશાનો અનુભવ તથા અપરાધભાવ વગેરે સઘળી તકલીફો યોગ્ય દવાઓ દ્વારા મગજના ડોપામીન નામના રસાયણને નિયંત્રિત કરવાથી સંપૂર્ણપણે દૂર કરી શકાય છે. આવી તકલીફોમાં આક્ષેપ- પ્રતિઆક્ષેપ અને અંધશ્રદ્ધાથી દૂર રહેવું અત્યંત જરૃરી છે.

ન્યુરોગ્રાફ:

અંધશ્રદ્ધા એ આપણો સામાજીક અને સંસ્કૃતિક વારસો છે.


સંપર્ક – ડૉ. મૃગેશ વૈષ્ણવ. એમ.ડી.
ઈ-મેલ ઃ mrugeshvaishnav@gmail.com
Website: www.drmrugeshvaishnav.com

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.