અડગતાનો એવરેસ્ટ – નચિકેતા

ઉપનિષદોમાં શિક્ષણ વિભાવના

દિનેશ.લ. માંકડ

           ભારતીય સંસ્કૃતિના યુગપુરુષ સ્વામી વિવેકાનંદની ગર્જના- “ જો હું નચિકેતા જેવા વિશ્વાસ અને શ્રદ્ધા ધરાવતા માત્ર દસ કે બાર યુવાનો મેળવું તો હું દેશની વિચારધારાને ઉજ્જવળ દિશા ભણી વાળી શકું.” સ્વામીજી 29 ઓક્ટોબર 1896 ના રોજ લંડન ખાતે કઠોપનિષદ પર વકત્તવ્ય આપતી વખતે ફરી એક એ જ પ્રચંડ ઘોષ સાથે બોલ્યા,” મને સો નચિકેતા આપો,હું વિશ્વ આખાં ને બદલી નાખું.”- કોણ છે આ નચિકેતા?  જેના વિષે સ્વામી વિવેકાનંદ આવા પ્રખર અને દૃઢતાપૂર્વકના બોલ બોલી શકે ?  અહીં ગર્વ નથી પણ ભારતીય સંસ્કૃતિની ગરિમા છે.-કઠોપનિષદ અને નચિકેતાનું ગૌરવગાન છે.

કોણ છે આ નચિકેતા ?  કેવી શ્રદ્ધા હશે એની ? કઠોપનિષદ એટલે ગણમાન્ય ઉપનિષદ અને નચિકેતા એટલે ઉત્તમોત્તમ શિષ્ય. કૃષ્ણ યજુર્વેદની કંઠ શાખા અંતર્ગત આવેલાં કઠોપનિષના બે અધ્યાય છે તેમાં પ્રત્યેકમાં ત્રણ વલ્લી છે.અહીં નચિકેતા અને યમરાજના સંવાદના માધ્યમથી આત્મજ્ઞાનની સમજ આપવામાં આવી છે.

ઋષિ ગૌતમના વંશજ એવા વાજશ્રવા ખુબ મોટા દાનવીર..નચિકેતા તેમનો પુત્ર..વૃદ્ધ થતા, વાજશ્રવાએ ‘વિશ્વજીત ‘ યજ્ઞ કરીને મહાદાન કરવાનો નિર્ણય કર્યો, જેમાં પોતાની તમામ સંપત્તિનું દાન કરાય.દાન પ્રવાહ શરૂ થયો.શ્રેષ્ઠ ગણાતા ગૌદાનનો વારો આવ્યો.પુત્ર નચિકેતાએ જોયું તો દુબળી -કૃશ થયેલી ગાયો દાનમાં જતી હતી. આ જોઈ અકળાયેલા છતાં નિર્ભય પુત્રએ પિતાને સવાલ કર્યો,” પિતાશ્રી, વિશ્વજીત યજ્ઞમાં તો પોતાનું સઘળું દાન કરવાનું હોય તો હું પણ તમારો વહાલો પુત્ર છું.મને કોને દાનમાં આપો છો?”  स होवाच पितरं तत कस्मै मां दास्यसीति ।  પિતાશ્રી નિરુત્તર રહ્યા.પણ નચિકેતાએ પશ્ન વારંવાર પૂછતાં ક્રોધિત થયેલા વાજશ્રવાએ કહ્યું , ” જા  હું તને યમરાજને આપું છું.” मृत्यवे त्वा ददामीति ॥ ક્ષણભર ખિન્ન થયેલાં બાળકે વિચાર કર્યો કે – ‘હું ઘણા શિષ્યોમાં પ્રથમ શ્રેણીમાં કે દ્વિતીયમાં આવું છું તો પણ પિતાશ્રીએ મને યમને કેમ સોંપ્યો હશે ?’- તેજસ્વી નચિકેત મન સ્વયં પ્રત્યુત્તર આપે છે. “ કદાચ કોઈ વિશેષ કારણ પણ હોય,’   किं स्विद्यमस्य कर्तव्यं यन्मयाद्य करिष्यति| કારણ જે પણ હોય આજ્ઞાપાલન તો કરવું જ પડે.જવાની અનુમતિ લેવા પિતા પાસે ગયા.પિતા ખુબ દુઃખી હતા.ત્યારે નચિકેતાએ આપેલો ઉત્તર કેટલો ભવ્ય છે !-” પિતાશ્રી ,જે જન્મે તેને મૃત્યુ નિશ્ચિત છે .તમે ચિંતા ન કરો.પશ્ચાતાપ પણ ન કરો.” .

        પ્રશ્ન પૂછવાની નીડરતા અને મળેલ ગમે તેવી કઠોર સજાનું આજ્ઞાપાલન તો નચિકેતા જેવું હોય. મળેલી સજાને સ્વીકારવી અને તે પણ હકારાત્મક ભાવથી સ્વીકારવી એ શિષ્યનો-પુત્રનો ઉત્તમ આદરગુણ છે. યમદ્વારે પહોંચેલા નચિકેતાને ખબર પડી કે યમરાજા તો યમસદનમાં નથી.એક દિવસ ,બીજો ,ત્રીજો દિવસ. પ્રતીક્ષામાં કાઢ્યો પણ અડગ  નિશ્ચય.

ભારતીય સંસ્કૃતિ અતિથિને ખુબ આદર આપે છે.ખુદ યમરાજાને ક્ષોભ છે  યમરાજાએ આવીને વિલંબ માટે બાળ નચિકેતાની ક્ષમા માંગી, પ્રશંસારૂપ તેની ધીરજની આદરપૂર્વક કદર કરીને, ત્રણ વરદાન માંગવા કહ્યું. नमस्ते अस्तु ब्रह्मन् स्वस्ति में अस्तु तस्मात् प्रति त्रीन् बरान् वृणीष्व॥  પિતાના વહાલા પુત્રે પહેલું માગ્યું કે ‘ પાછો જાઉં તો પિતાશ્રી મને સપ્રેમ આવકારે અને ખુશ થાય.તેમનો પશ્ચાત્તાપ દૂર થાય. પછી બુદ્ધિમાન નચિકેતાએ માગે લું  .’બીજું વરદાન તે સ્વર્ગલોકમાં જવા માટેની આવશ્યક તે અગ્નિવિદ્યાની પ્રાપ્તિ. स्वर्गलोका अमृतत्वं भजन्त  एतद् द्वितीयेन वृणे वरेण ॥ બાળક નચિકેતાના વરદાનોની પસંદગી જોઈ યમરાજા તો અત્યંત ખુશ થયા.પહેલાં વરદાનનું ‘તથાસ્તુઃ ‘ કહ્યું ને બીજા વરદાન અનુસાર  ઈંટોની પસંદગીથી  માંડીને ખુબ સહજપણે અગ્નિવિદ્યાનું વિસ્તૃત જ્ઞાન તેને આપ્યું. અને અદભુત ગ્રહણ શક્તિને લીધે નચિકેતાએ તે તેમને ફરી કહી સંભળાવ્યું. स चापि तत्प्रत्यवदद्यथोक्त अथास्य मृत्युः पुनरेवाह तुष्टः ॥ સ્વર્ગલોક પ્રાપ્તિ માટેની અગ્નિવિદ્યા મેળવવાની તીવ્ર જિજ્ઞાસાની કદર કરીને યમરાજાએ  એક વધુ વરદાન સ્વરૂપે એમ પણ કહી દીધું કે तवैव नाम्ना भविताऽयमग्निः ભવિષ્યમાં આ વિદ્યા હવે નચિકેત અગ્નિવિદ્યા ‘તરીકે ઓળખાશે. અને આ ત્રિવિધ ‘નચિકેત વિદ્યા’ ના જાણકાર ત્રણેય સંધિયો પ્રાપ્ત કરી,જન્મમૃત્યુને પર થઇ જાય છે.त्रिणाचिकेतस्त्रिभिरेत्य सन्धिं त्रिकर्मकृत्तरति जन्ममृत्यू ।

હવે ત્રીજું વરદાન માંગવાનો વારો આવ્યો. ઉત્કંઠાના અધધધ સ્ત્રોત ધરાવતા નચિકેતાએ માંગી લીધું,,

‘ येयं प्रेते विचिकित्सा मनुष्ये- ऽस्तीत्येके नायमस्तीति चैके ।एतद्विद्यामनुशिष्टस्त्वयाऽहं वराणामेष वरस्तृतीयः ॥ “મનુષ્યનું મરણ થઇ જાય પછી આત્માનું અસ્તિત્વ રહે છે ,એવું જ્ઞાનીઓ કહે છે તો આત્મતત્વ શું છે ?  તે સમજાવો.”  વરદાન સાંભળી યમરાજા ચોંકી ગયા. ‘ગમે તેવા તીવ્ર બુદ્ધિશાળી,  દેવ આદિ પણ પચાવી-સમજી ન શકે તેવું આ જ્ઞાન છે.તેથી કોઈ બીજું વરદાન માગ.’ યમરાજા એ કહ્યું.ત્યારે તીવ્રત્તમ બુદ્ધિપૂર્વકની નચિકેતાની દલીલ જાણવા જેવી છે.’ હે દેવ,તેનો અર્થ એ થયો કે તે જ્ઞાન અતિ મહત્ત્વનું છે  માટે તો મારે એ જ જોઈએ.’

આ વરદાનના બદલામાં દુર્લભ એવા અનેક પ્રકારના વૈભવ અને વિશેષ પ્રલોભનો યમરાજાએ આપ્યાં ये ये कामा दुर्लभा मर्त्यलोके सर्वान् कामांश्छन्दत: प्रार्थयस्व।  એથીએ આગળ સો વર્ષની शतायुष: पुत्रपौत्रान् वृणीष्व बहून् पशून्हस्तिहिरण्यमश्वान्। આયુવાળા પુત્રો અને પૌત્રો,અને બીજું ઘણું આપવાની લાલચ આપી. મૃત્યુલોકમાં જે જે દુર્લભ પદાર્થ છે તે તમે માંગી લો .ये ये कामा दुर्लभा मर्त्यलोकेसर्वान् कामाँश्छन्दतः प्रार्थयस्व । પણ આ તો નચિકેતા હતા. તર્ક અને અડગ વિચારથી સ્પષ્ટ નચિકેતાની દલીલો તેની વિચક્ષણતા દર્શાવે છે.તે યમરાજાને કહે છે ,’ આપ જે ભોગો વર્ણવ્યા તે તો ક્ષણભંગુર છે અને ઇન્દ્રિયોના તેજને  ક્ષીણ કરી નાખનારા છે.’श्वोभावा मर्त्यस्य यदन्तकैतत्सर्वेंद्रियाणां जरयन्ति तेजः । ભોગોની તુચ્છતા બતાવીને પોતાના વરદાનનું મહત્ત્વ બતાવતાં કહે છે, ‘  આપ જેને  અત્યંત ગંભીર વરદાન કહો તો ,હવે આ નચિકેતા, એના સિવાય બીજું કોઈ વરદાન ચાહતો જ નથી.   योऽयं वरो गूढमनुप्रविष्टो नान्यं तस्मान्नचिकेता वृणीते ।

દૃઢતા અને નિશ્ચયના એવરેસ્ટ એક ના બે.ન થયા. તેની અડગતા જોઈને યમરાજા પણ બોલી ઉઠ્યા શ્રેષ્ઠ આત્મજ્ઞાનને માટે તમારી બુદ્ધિ ખરેખર પ્રખર છે.એવી મેધાવીશક્તિ તર્ક દ્વારા પ્રાપ્ત નથી કરી શકાતી. नैषा तर्केण मतिरापनेया प्रोक्तान्येनैव सुज्ञानाय प्रेष्ठ ।અને પછી ગૌરવ સાથે ગર્જના કરે છે કે આપ જેવા શિષ્ય જ અમને પ્રાપ્ત થાવ.यां त्वमापः सत्यधृतिर्बतासि त्वादृङ्नो भूयान्नचिकेतः प्रष्टा ॥ એક ઉચ્ચ ગુરુ પોતાને શ્રેષ્ઠ શિષ્ય મળે તેનું ગૌરવ  સ્વીકારે, એ તો શિક્ષણજગતની વિરલ ઘટના જ છે. અત્યંત ખુશ એવા યમરાજે  અનેક મંત્રોમાં નચિકેતાની  આત્મજ્ઞાન પ્રાપ્તિ માટેની યોગ્યતાની મુક્ત મનથી પ્રશંસા કરી છે.

અને છેવટે યમરાજાએ તેને શ્રેય અને પ્રેય માર્ગથી માંડી ને વિવેકેજન્ય પુરુષ કેવી રીતે પરમપદ પામે તેની આત્મતત્વની ખુબ વિસ્તુત  સમજણ આપી.ઉત્તમ ગુરુ અને યોગ્યત્તમ શિષ્યના આદર્શ મૂકતું કઠોપનિષદ માત્ર નચિકેતા જ નહિ પણ કોઈપણ સુયોગ્ય વ્યક્તિ પણ આ જ્ઞાન મેળવી શકે તેવું  અદભુત રહસ્ય પ્રગટ કરી જાય છે. .નચિકેતા તો સમસ્ત વિકારોથી રહિત,સર્વથા શુદ્ધ થઇને જન્મમૃત્યુના બંધનમાંથી મુક્ત થઇ ને બ્રહ્મભાવને પ્રાપ્ત થયા.બીજા કોઈપણ જો આ અધ્યાત્મ તત્ત્વને આ પ્રમાણે સમજશે તો તે પણ આવી જ સ્થિતિ પ્રાપ્ત કરશે. मृत्युप्रोक्तां नचिकेतोऽथ लब्ध्वाविद्यामेतां योगविधिं च कृत्स्नम् । ब्रह्मप्राप्तो विरजोऽभूद्विमृत्यु- रन्योऽप्येवं यो विदध्यात्ममेव ॥

   ઉત્તમ શિષ્યત્વ તો નચિકેતામાં છે જ.પણ જે જ્ઞાન અભ્યાસ શિષ્ય સુધી પહોંચાડવાનો છે તેને માટેની શિષ્યની યોગ્યતા ચકાસવાની ગુરુ યમરાજે કરેલી આકરી કસોટી પણ ધ્યાન ખેંચે તેવી છે. યથોચિત વિદ્યા ઉચિતને અપાય એવો સ્પષ્ટ સંદેશ અહીં છે.

ઉત્તમોત્તમ શિષ્ય તરીકે નચિકેતાનુ નામ સ્મરણ પણ પ્રત્યેકના મનમાં રોમાંચ પેદા કરે તેવું છે .જો કદાચ કોઈને તેના આદર્શનો એકાદ ગુણ પણ જીવનલક્ષી બનાવવાનો સંકલ્પ લેવા પ્રેરે તો તો ભયો.


શ્રી દિનેશ  માંકડનું સંપર્ક  ઈ-મેલ સરનામું :-   mankaddinesh1952@gmail.com

Author: Web Gurjari

3 thoughts on “અડગતાનો એવરેસ્ટ – નચિકેતા

  1. વાહ સરસ વિભાવના..
    હવે નચિકેતા ને મ્રૃત્યુ પછી ની આત્મા ની સ્થિતિ વિશે જાણવામાં રસ જાગે છે

Leave a Reply

Your email address will not be published.