વિશ્વગ્રામનો વિશ્વમાનવ

ચેલેન્‍જ.edu

રણછોડ શાહ

બહુ દૂર જોશો તો…
નજીકનું નહીં દેખાય,
બહુ ખામીઓ જોશો તો…
ખાસિયતો નહીં દેખાય.

વર્તમાન શિક્ષણવ્યવસ્થા પાયાથી પરિવર્તન ઝાંખે છે. શિક્ષણ બાબતે સમાજમાં ભારોભાર અસંતોષ જોવા મળે છે. અત્યારે સમાજના વિકાસમાં તેનો ફાળો નહીંવત્‍ હોય તેમ લાગી રહ્યું છે. વર્તમાન શિક્ષણ અપૂરતું, અધૂરું અને છીછરું હોય તેવું અનુભવાઈ રહ્યું છે. કદાચ જીવનનિર્વાહ પૂરું પાડવા માટે તે પૂરતું હોઈ શકે,  પરંતુ સમજ, સૂઝ, દૃષ્ટિ અને ડહાપણ વધારે તેવું તો નથી. વર્તમાન શિક્ષણવ્યવસ્થા માત્ર ને માત્ર સ્પર્ધાત્મક વાતાવરણને ઉત્તેજિત કરે છે. જીવનઘડતરની કઈ-કઈ બાબત વધુ સારી છે તે જોવાની દૃષ્ટિ આપવાને બદલે બીજો મારાથી કઈ-કઈ બાબતોમાં ચડિયાતો છે તેની સરખામણી કરી ઈર્ષામાં વધારો થતો રહે તેવું વર્તમાન વાતાવરણ છે. તે વધુને વધુ ભેગું કરવાનું શીખવતું રહે છે, અન્યોને આપીને પણ સુખી થઈ શકાય તે તરફ દુર્લક્ષ્ય રાખવું તેવું સમજાવે છે. નામ, દામ અને કીર્તિ મેળવવાના ખૂબ મોટા અભરખા રાખવાની વૃત્તિને પોષે છે. વ્યકિતને કલદાર અને કીર્તિ પ્રાપ્ત કરવામાં જ્ઞાન ઉપયોગી બને છે પરંતુ તે કેળવણીનું કાર્ય કરતું નથી.

વર્તમાન શિક્ષણમાં કેન્દ્રસ્થાને માત્ર અને માત્ર પરીક્ષા જ રહી છે. શિક્ષણની આવશ્યકતા કરતાં વર્ષે કે બે વર્ષે લેવાતી પરીક્ષાનું મહત્ત્વ અનેકગણું વધારે છે. ભવિષ્યને ઉજળું અને રૂપાળું બનાવવા માટે વર્તમાનનો ભોગ લેવાઈ રહ્યો છે. ભવિષ્યને વધુ સમૃદ્ધ બનાવવા માટે વર્તમાનને તદ્દન વિસારે પાડી દેવામાં આવે છે. શિક્ષણની પદ્ધતિ એવી રીતે વિકસાવવામાં આવી છે કે ભવિષ્યને સમૃદ્ધ બનાવવા માટે ભલે વર્તમાન રગદોળાઈ જાય !

શિક્ષણને ઘ્યેયપૂર્ણ, અર્થપૂર્ણ અને જીવનોપયોગી બનાવવું હોય તો સૌ પ્રથમ તાત્કાલીક અસરથી વર્તમાન પરીક્ષાને નાબૂદ કરી દેવી જોઈએ. હાલમાં તો રોજેરોજ, પ્રત્યેક પળે માત્ર પરીક્ષાનું જ સામ્રાજ્ય છવાયેલું છે. આજે વિદ્યાર્થી માત્ર પરીક્ષાર્થી બની ગયો છે. પરીક્ષાનું પરિણામ જ વિદ્યાર્થીને જે તે વર્ગમાં રાખવો કે આગળ જવા દેવો તે નક્કી કરે છે. વર્ગમાં કોઈ વિદ્યાર્થી નિષ્ફળ જતો જ નથી. કયાં તો તે અભ્યાસમાં થોડો ઝડપી હોય છે અથવા તો તે ક્યારેક થોડો ધીમો હોય છે. વિદ્યાર્થીને નાપાસ કરવાની પ્રક્રિયા તેનામાં લઘુતાગ્રંથિ ઉત્પન્ન કરે છે અથવા પાસ થઈ જતાં તેનામાં ગુરૂતાગ્રંથિનો વિકાસ થાય છે. આ દૃનિયામાં કોઈ લઘુ (ગૌણ) નથી કે કોઈ ગુરૂ (મહાન) નથી. સૌ સમાન જ છે.

પ્રત્યેક વ્યકિત કોઈક બાબતે તો અજોડ કે અનન્ય છે. માત્ર ભવિષ્યને નહીં, પરંતુ વર્તમાનનો પણ વિકાસ કરવા માટે ઉપયોગી બને તેવું શિક્ષણ હોવું જોઈએ. વર્ષને અંતે ત્રણ કલાકમાં થોડાક પ્રશ્નોના સાચા કે ખોટા ઉત્તરોના આધારે તેના ભવિષ્યને નક્કી કરવું તે સહેજ પણ યોગ્ય નથી. વર્ષ દરમિયાન કરેલ અસંખ્ય પ્રક્રિયાઓ ઘ્યાને લેવાવી જોઈએ. શિક્ષણ ઘ્યેય સુધી પહોંચવાનો રસ્તો બનવો જોઈએ. આજે માહિતી આંગળીના ટેરવે ઉપલબ્ધ છે. તેમાં અત્યંત ઝડપથી વધારો પણ થઈ રહ્યો છે. વર્તમાન સમયમાં વિજ્ઞાનના વિષય ઉપર કોઈ દળદાર પુસ્તક લખી શકાય તેવી પરિસ્થિતિ રહી નથી, કારણ કે તે પુસ્તક તૈયાર થાય તે અગાઉ તો અનેક નૂતન વૈજ્ઞાનિક સત્યો અને નવી-નવી શોધખોળ અસ્તિત્વમાં આવી ચૂકી હોય છે. આ સમયગાળામાં તેયાર થયેલ પુસ્તક કદાચ અપ્રસ્તુત પણ બની જાય.

આ સંજોગોમાં ઉત્તમ સારસ્વતોનું માર્ગદર્શન વધારે આવશ્યક બન્યું છે. વિદ્યાર્થીઓને પુસ્તકાલયનો ઉપયોગ કેવી રીતે કરવો તેનું કે નવી-નવી માહિતી કયાંથી પ્રાપ્ત કરવાની તેનું માર્ગદર્શન આપવું અનિવાર્ય બન્યું છે. આજે અપાતું શિક્ષણ માત્ર માહિતીનો પહાડ ઊભો કરે છે. માત્ર અને માત્ર યાદદાસ્ત આધારિત શિક્ષણનો પ્રચાર અને પ્રસાર થઈ રહ્યો છે. વિદ્યાર્થી યાદદાસ્તના બોજા નીચે દબાતો જશે તેમ તેમ તેની તે વિષયની સ્પષ્ટતા અને સમજ ઓછી થતી જશે. આજનો વિદ્યાર્થી શા માટે તમામ જ્ઞાન તેના મગજમાં ભેગું કરીને બિનજરૂરી બોજો લઈને ફર્યા કરે ? એક નાનકડું કોમ્પ્યુટર જે કાર્ય કરી શકે તેને બદલે પોતાની શક્તિ, બુદ્ધિ અને જ્ઞાનથી મગજને શા માટે કચડી નાંખવાનું?  અગાઉ અદ્યતન ટેક્નોલોજીના અભાવે જે કરવું પડતું તે કદાચ યોગ્ય હોય તો પણ આજે તો ચોક્કસ જ બિનજરૂરી છે. ભવિષ્યમાં આજના કરતાં પણ વિશેષ માહિતી ટેક્નોલોજીના માઘ્યમ દ્વારા પ્રાપ્ય બનશે. શિક્ષણની રજૂઆત ટીવીના માઘ્યમથી, દૃશ્યશ્રાવ્યના ઉપયોગથી કરવામાં આવતાં શિક્ષણની અસર ઘેરી, સ્પષ્ટ અને લાંબા સમય સુધી સાચવી શકાશે. વર્તમાન ટેકનોલોજીના ઉપયોગથી કંટાળાજનક વાંચવાનું અને સાંભળવાનું દૂર કરી શકાશે. આલેખ દ્વારા સરખામણી અને તફાવત એક વાર આંખની મદદથી મસ્તિક સુધી પહોંચી જતાં તે ત્યાં કાયમી સ્થાન લેતાં પુનઃ વાંચવા કે સાંભળવાની જરૂર પડશે નહીં. શિક્ષકનું કાર્ય વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનું નહીં,  પરંતુ સમકાલીન માહિતી કેવી રીતે પ્રાપ્ત થઈ શકે તેનું માર્ગદર્શન આપવાનું રહેશે. તે વિદ્યાર્થીઓનો મુખ્ય માર્ગદર્શક છે. તે શિક્ષણમાં ચાલકબળ છે.

વિવિધ વિષયોને અલગ અલગ વિભાગોમાં વહેંચીને શિક્ષણની વ્યવસ્થા ગોઠવી શકાય. ઈતિહાસ અને ભૂગોળ જેવા વર્ણનાત્મક વિષયોનું જ્ઞાન ટેલીવીઝન અને કોમ્પ્યુટરના માઘ્યમથી સીધી રીતે આપી શકાય. ઈતિહાસ બાબતે સંપૂર્ણપણે મૌલિક રીતે વિચારવાનો સમય કયારનોય પાકી ગયો છે. અત્યારે ઈતિહાસમાં શીખવાતા કેટલાક મુદ્દાઓ તદ્દન અયોગ્ય રીતે અને કયારેક તો અસંબંધિત રીતે વર્ગખંડમાં લઈ જવામાં આવે છે. એક જાતિ કે ધર્મના લોકો ઉપર બીજાઓએ કરેલા હુમલા કે સીતમ શીખવવાથી આપણે શું પ્રાપ્ત કરવા માંગીએ છીએ ? એક પ્રજાએ બીજા ઉપર ઘાતકી હુમલો કર્યો તેવા ભૂતકાળને મમળાવવાથી કયો ફાયદો થશે? વર્તમાનમાં સંવાદિતા સાધવામાં આ ઈતિહાસ તો અડચણરૂપ બને. બાળકોને આ પ્રકારનો ઈતિહાસ શીખવતાં વેરઝેર વધી રહ્યાં છે. સાચા અર્થમાં તો ભૂતકાળના પ્રતિભાસંપન્ન કે બુદ્ધિશાળી વ્યક્તિઓની માહિતી વિદ્યાર્થીઓને પહોંચાડવી જોઈએ. રવિન્દ્રનાથ ઠાકુર, વોલ્ટ વીટમેન, ઉમર ખયામ, સોક્રેટીસ, જે. કૃષ્ણમૂર્તિ, જલાલઉદ્દીન, રૂમી, મહાત્મા ગાંધી, ભગવાન બુદ્ધ, મહાવીર સ્વામી દ્વારા ફેલાવવામાં આવેલ ઉત્તમ સાહિત્ય કે શાંતિના સંદેશાઓનો ફેલાવો કરે તેવા વિષયાંગોનો ઈતિહાસના શિક્ષણમાં સમાવેશ થવો જોઈએ. મહાન પુરૂષોએ સમાજના વિકાસમાં આપેલ યોગદાનની કદર કરવાનું શિક્ષણ ઈતિહાસના માઘ્યમ દ્વારા આપી શકાય. એક રાજાએ બીજા રાજાના રાજ્ય ઉપર ચઢાઈ કરી તેનું રાજ્ય કપટ કરીને કેવી રીતે પડાવી લીધું તે શીખવી બાળકોને લુચ્ચાઈ શીખવવી છે? યુદ્ધથી વેરઝેર વધે છે અને શાંતિથી સમજણ વધે છે. કોઈક કવિએ સાચું જ કહ્યું છેઃ

મને ના ગમે યુદ્ધ કે આંધી,
મને તો ગમે બુદ્ધ કે ગાંધી.

ભાષાઓનું શિક્ષણ કેન્દ્રસ્થાને હોવું જોઈએ. પ્રત્યેક વ્યક્તિએ ઓછામાં ઓછી બે અને શકય હોય તો ત્રણ ભાષાઓનું જ્ઞાન પ્રાપ્ત કરવું હિતાવહ છે. અલબત્ત પ્રથમ ક્રમે માતૃભાષા જ આવે. માતૃભાષા ઉપર ઉત્તમ પ્રભુત્વ હોવું જ જોઈએ. તેનું શિક્ષણ અત્યંત ઉંડાણપૂર્વક અને રસપ્રદ રીતે અપાવું જોઈએ. માતૃભાષાની માહિતી અને વિગત તલસ્પર્શી હોય તે જરૂરી જ નહીં, પરંતુ અત્યંત આવશ્યક છે. ભાષાનો ઈતિહાસ, તેની સાહિત્યિક સમૃદ્ધિ, તેના વિકાસમાં ફાળો આપનારા સાહિત્યકારોના જીવન અને કવનની વિગતવાર માહિતી આપવી જોઈએ.

રાષ્ટ્રભાષા બીજા ક્રમે આવે છે. જે દેશોના વિવિધ રાજ્યોમાં અલગ અલગ ભાષાનું અસ્તિત્વ છે ત્યાં રાષ્ટ્ર માટે એક રાષ્ટ્રભાષાની જાણકારી આવશ્યક છે. દેશના વહીવટમાં તેને કારણે સરળતા રહેશે. રાષ્ટ્રભકિત અને રાષ્ટ્રપ્રેમનો ફેલાવો કરવાનું કાર્ય પણ અત્યંત સરળ અને સહજ બનશે. વિવિધ રાજ્યોના લોકો ભેગા થાય ત્યારે હળવું-મળવું વધારે સ્નેહાળ-પ્રેમાળ અને અનુકૂળ બનશે.

ત્રીજા ક્રમે આવે છે – વિશ્વભાષા. વિશ્વના જુદા-જુદા દેશોમાં પોતપોતાની ભાષાનું મહત્વ હોય છે. તે યોગ્ય છે. પરંતુ વિશ્વના સૌ નાગરિકોને માતૃભાષા, રાષ્ટ્રભાષા અને અન્ય દેશની એક ભાષાની જાણકારી હોય તે સલાહ ભરેલું છે. હવે સમગ્ર વિશ્વ એક નાનકડું ‘વિશ્વગ્રામ’ (Global Village) બની ગયું છે. વિશ્વગ્રામમાં જ વિશ્વમાનવ રહેશે ને? અન્ય રાષ્ટ્રની ભાષાની જાણકારી વિશ્વબંધુત્વની ભાવનાના વિકાસ અને ફેલાવામાં અનન્ય મદદ કરી શકે. વિશ્વના વિવિધ નાગરિકોને એકબીજા સાથે સાંકળવામાં જે તે દેશની ભાષાની જાણકારી ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. અત્યારે સમગ્ર વિશ્વમાં બોલાતી હોય તેવી એક પણ ભાષા નથી. અંગ્રેજી, ફ્રેન્ચ, જર્મની વગેરે જેવી ભાષાઓની જાણકારી તે દેશના નાગરિકો સાથે પ્રત્યાયન કરવામાં ઉપયોગી બની શકે તેમ છે. ભારતમાં તથા વિશ્વના અનેક દેશોમાં અંગ્રેજીનો બહોળો પ્રચાર અને પ્રસાર થયો હોવાથી હાલના સંજોગોમાં તેની જાણકારી સહાયરૂપ બની શકે તેમ છે.

ભારતની શિક્ષણવ્યવસ્થામાં બીજી અને અગત્યની ખૂટતી કડી છે -વિજ્ઞાન વિષયક સંશોધનોની. કોઈ પણ દેશની પ્રગતિના પાયામાં વિજ્ઞાનનું વિશેષ જ્ઞાન રહેલું છે. વિજ્ઞાન અને તેની શાખાઓ – પ્રશાખાઓ માત્ર શિક્ષણ માટે જ જરૂરી નથી. વૈજ્ઞાનિક સંશોધનનું આગવું મહત્વ આપણી જીંદગીમાં પણ છે. વૈજ્ઞાનિક સંશોધનોને કારણે અનેક દેશો આગલી હરોળમાં સ્થાન પામ્યા છે. વર્તમાનમાં અપાતું વિજ્ઞાનનું શિક્ષણ માત્ર અને માત્ર માહિતી આધારિત છે. તેમાં સંશોધનનું તત્વ નગણ્ય છે. વિજ્ઞાન અને ગણિતનું શિક્ષણ વિદ્યાર્થીને માનવીય સુવિધાઓ અપાવવામાં ઉપયોગી થાય તેવું હોવું જોઈએ. શિક્ષણના આ અત્યંત અગત્યના મુદ્દા તરફ વિશેષ ઘ્યાન આપવાની જરૂ૨ છે. બાળકનું મન સંશોધનાત્મક બને તેવી કેળવણી આપવાની ખાસ આવશ્યકતા છે.

અત્યારે વર્ગખંડના શિક્ષણને ચીલાચાલુ પરિપ્રેક્ષમાંથી બહાર લાવી તેનું આધુનિકીકરણ તત્કાલ કરવાની જવાબદારી શિક્ષકના શીરે છે. ઉપરોકત તમામ મદ્દાઓનું શિક્ષણ જવાબદાર, જિવંત, કર્મયોગી, નિષ્ઠાવાન અને બાળવત્સલ સારસ્વત જ આપી શકે. એકવીસમી સદીમાં શિક્ષણની કામગીરી એક પડકારરૂપ બની છે. શિક્ષણની કાર્યપદ્ધતિમાં શિક્ષકને આગવું અને અગત્યનું સ્થાન આપવામાં આવશે તો જ નિર્ધારિત પરિણામો પ્રાપ્ત થઈ શકશે. વર્ષો અગાઉની વૈચારિક પ્રક્રિયા આધારિત શિક્ષણના પ્રચાર અને પ્રસારની રીત નાવીન્ય ઝાંખે છે. આ સંજોગોમાં શિક્ષક શિક્ષણમાં કેન્દ્રસ્થાને આવે છે. શિક્ષણનો સીધો સંબંધ વર્તમાન સાથે હોવો જોઈએ. હાલમાં કઈ–કઈ બાબતો અગ્રક્રમે છે તેનું મનન અને ચિંતન કરી તેનો શિક્ષણમાં તાત્કાલિક સમાવેશ કરવાની કામગીરી શિક્ષકે કરવાની છે. વર્ગખંડોને માત્ર ભોતિક સુવિધાઓથી જ સુસજ્જ કરવાથી શિક્ષણમાં પરિવર્તન આવશે નહીં. શિક્ષણમાં શિક્ષકનું સ્થાન ખૂબ મહત્ત્વનું છે. ‘હાર્ડવેર’ (ભૌતિક સુવિધા)ની સાથે ‘સોફટવેર’ (શિક્ષક)માં અદ્યતન બને તે આજની માંગ છે. આ બંને પાસાઓ એકબીજાના સહકારથી કાર્ય કરે તો શિક્ષણમાં ચોક્કસ જ પરિવર્તનનો પવન ફૂંકાઈ શકે. વિશ્વગ્રામના વિશ્વમાનવોને તેયાર કરવાના હોવાથી કોઈ એકાંગી મુદ્દાને ઘ્યાનમાં રાખી શિક્ષણનીતિ તેયાર કરવાને બદલે ‘સર્વાંગીણ શિક્ષણ’ને કેન્દ્રસ્થ બનાવી વિચારણા કરવી અનિવાર્ય છે.

આચમન:

વન આખું ખૂંદી વળ્યું
એક હરણું કસ્તૂરીની શોધમાં,
ભૂલી ગયું બિચારું
કસ્તૂરીની સુગંધ છે એની નાભિમાં.

જગત આખું દોડી રહ્યું આજે
સુખશાંતિની શોધમાં,
ભૂલાતી એક પાયાની બાબત,
સુખ પડ્યું છે ઉછેરમાં…


(શ્રી રણછોડ શાહનું વીજાણુ સરનામું: shah_ranchhod@yahoo.com )


(તસવીર નેટ પરથી)

Author: Web Gurjari

1 thought on “વિશ્વગ્રામનો વિશ્વમાનવ

  1. દરેક મુદ્દા સાથે સહમત. શિક્ષણની પ્રક્રિયા બદલવી જોઈએ એ વાત સાચી. સંપૂર્ણ શિક્ષણ પરીક્ષાકેન્દ્રી બની ગયું છે. હકીકતમાં આ પરીક્ષાઓ વિદ્યાર્થીની ફક્ત યાદશક્તિની થાય છે, એની સમજણની થતી નથી. વિદ્યાર્થીઓ વચ્ચે ટકા લાવવાની સ્પર્ધા થાય છે, જ્ઞાન મેળવવાની નહીં.
    હાલ લેવાતી પરીક્ષાઓ ધારો કે રદ્દ કરી નખાય તો મુખ્યત્વે બે સમસ્યાઓ ઊભી થશે:
    ૧. ઉચ્ચ શિક્ષણ માટે ઉમેદવારો વધારે હોય અને બેઠક ઓછી હોય ત્યારે ત્યાં કોને પ્રવેશ આપવો અને કોને નહીં એ કેવી રીતે નક્કી કરીશું?
    ૨. નોકરીઓ ઓછી છે અને ઉમેદવારો વધુ છે તો નોકરી કોને આપીશું અને કોને ના પાડીશું?

Leave a Reply

Your email address will not be published.