બાળ ગગન વિહાર : મણકો – ૧૪ – એલેક્ષ્ઝાન્ડરા

શૈલા મુન્શા

આજ અહીંયા આ શેનો સન્નાટો?
હરણાંનુ બચ્ચું ક્યે,
અંકલ આ ઝરણાને વાગી ગયો છે એક કાંટો !
-કૃષ્ણ દવે

અમારી એલેક્ષ્ઝાન્ડરા આવા હરણાં જેવી જ છે, જેને સહુની ચિંતા હોય!

પાંચ વર્ષની એલેક્ષ્ઝાન્ડરાને જ્યારે સ્કુલમાં એડમિશન મળ્યું ત્યારે એને regular K.G. (kindergarten) ના ક્લાસમાં દાખલ કરવામાં આવી. એલી એનુ ઘરનુ નામ. મમ્મી એને લાડમાં એલી કહી બોલાવે, અને  અમને પણ એ જ નામ જચી ગયું. ટૂંકુને ટચ. અમે પણ એને એલી જ કહેવા માંડ્યા. એલેક્ષ્ઝાન્ડરા કહેતા કહેતા તો સવાર પડી જાય. એલીને તમે જુઓ તો ગોરી ગોરી, રૂપાળી, ગોળ ભરાવદાર ચહેરો અને મીઠડું સ્મિત. માતા પિતાની એકની એક દીકરી. માતા મેક્સિકન અને પિતા અમેરિકન.

એલીને રંગ પિતાનો અને રૂપ માતાનુ મળ્યું છે. સુંદર ચહેરાની સાથે માતાની માવજત પણ દેખાઈ આવે. યુનિફોર્મ હમેશા સ્વચ્છ, વાળ વ્યવસ્થિત ઓળેલા, હૈરબેન્ડ ને જાતજાતના બક્કલ પણ ખરા.  માતા પિતા અને દાદીની  ખૂબ લાડકી.

સામાન્યપણે   ચાર વર્ષે બાળકને Pre-K માં દાખલ કરવામાં આવે, પણ અતિશય લાડના કારણે એલીની માતાએ એને સ્કૂલમાં ન મૂકી, પણ પાંચ વર્ષે તો છૂટકો જ નહોતો.

એલીને ઉંમરના હિસાબે Kindergarten (K.G.) ના ક્લાસમાંમુકવામા આવી, કારણ એલી એક સામાન્ય બાળકી જેવી જ દેખાતી હતી. રુપાળી ઢીંગલી જેવી. એલીને માટે અચાનક માતા પિતાનો સાથ છોડી નવા વાતાવરણમાં, આટલા બાળકો, શિક્ષકોના સમૂહ વચ્ચે આવવું એ જાણે અચાનક માનો વહાલસાયો ખોળો છોડી સાવ અજાણી દુનિયામાં આવી પડી હોય એવી હાલત થઈ.

ઘણા બાળકો પહેલે દિવસે સ્કૂલમાં આવે ત્યારે રડે એ સ્વભાવિક ક્રિયા છે. ત્રણ ચાર વર્ષના બાળક માટે બધું નવું, ને અજાણ્યુ, એટલે ટેવાતા થોડો સમય લાગ,  પણ એલી તો રડવા સાથે તોફાને ચઢી. ક્લાસમાં જવા જ તૈયાર નહી.   પહેલે દિવસે  બધાં જ રઘવાયા હોય, નવા બાળકોના માબાપ બારીમાં થી ડોકિયાં કરતાં હોય, કોઈને પોતાનો ક્લાસ મળતો ન હોય,  એમા, શિક્ષક એલીને સંભાળે કે બાકીના પચીસ છોકરાંને.  છેવટે પ્રિન્સીપાલ આવ્યા, સ્કુલના કાઉન્સિલર આવ્યા અને નક્કી થયું કે એલીને એ દિવસે ઘરે મોકલી એના બધા ટેસ્ટ કરવામાં આવે, અને જ્યાં સુધી પરિણામ ના આવે, ત્યાં સુધી એને અમારા સ્પેસિઅલ નીડના ક્લાસમાં મૂકવામાં આવે.

બધા ટેસ્ટના પરિણામ પછી ખબર પડી કે એલી એક Highly autistic child  છે. આ બાળકો ખૂબ હોશિયાર હોય પણ એમની જીવન શૈલી અમુક ઘરેડમાં ગોઠવાયેલી હોય. દરેક આવા બાળકોની ખાસિયત અલગ અલગ હોય. એલી માટે અમારો ક્લાસ જ વધુ યોગ્ય છે એવું નક્કી થયું.

અમારા ક્લાસમાં પણ થોડા દિવસ તો એલીનુ રડવાનુ ચાલ્યું, પણ ધીરે ધીરે ક્લાસમાં ભળવા માંડી. એક દિવસ જ એની મમ્મીને અમે ક્લાસમાં એલી સાથે બેસવા દીધી, પણ બીજા દિવસથી એને સમજાવીને કહ્યું કે જો રોજ તમે એલી સાથે ક્લાસમાં બેસો તો એલી તમને છોડશે જ નહિ. થોડા દિવસ વહેલા આવીને એને લઈ જાવ પણ ક્લાસમાં એની સાથે ના બેસો. મમ્મીને પણ એ વાત સમજાઈ  અને બીજા દિવસથી એલી અમને સોંપી.

અમારા ક્લાસમાં દસ બાર થી વધુ બાળકો ના હોય અને હમેશા બે શિક્ષક તો ક્લાસમાં હોય જ, એટલે આ બાળકોને અમે સંભાળી શકીએ સાથે મોટા પડદા જેવા સ્માર્ટ બોર્ડને કારણે બાળગીતો અને બાળકોને ગમતા કાર્ટૂનો એમને બતાવી શકીએ જે એમને શાંત કરવામાં અમને ખૂબ મદદરૂપ થાય.

ધીરે ધીરે એલી અમારાથી અને ક્લાસના બીજા બાળકોથી ટેવાતી ગઈ, બધા સાથે ભળતી થઈ અને એની કાલી કાલી ભાષામાં વાતો કરતી થઈ.

એલીની ખાસિયત કે રેકોર્ડ પર ફરતી પીન જો રેકોર્ડ ખરાબ હોય તો એક જગ્યાએ અટકી જાય એમ એલીની સોય એનુ ધાર્યું ના થાય તો એક જ જગ્યાએ અટકી જાય. એના બૂટની દોરી ખુલી ગઈ હોય તો એકધારૂં my shoes, my shoes કહીને દોરી બંધાવીને જ જંપે. અમને પણ દોરી બાંધી આપવામાં કોઈ વાંધો ના હોય, પણ એલી જાણી જોઈને વારંવાર દોરી ખોલી નાખે ત્યારે અમારી ધીરજની કસોટી થાય.

અમારે બાળકોને જમાડવા માટે કાફેટેરિઆમાં લઈ જવાના હોય. ઘણા પોતાના ઘરેથી પણ જમવાનુ ટીફિન લાવતા હોય. એલીની મમ્મી પણ એને રોજ ટીફિન આપે, પણ બીજા બાળકો કાફેટેરિઆમાં જઈ પોતાની થાળી લાવે એટલે એલીને પણ એમની સાથે જઈ થાળી લેવાની જ. પોતાનુ ટીફિન ખોલી જ્યુસ પી લે બાકીનુ ખાવાનુ જે અહીંના બાળકોના તૈયાર લંચ હોય તે ખોલે ખરી પણ ખાય નહિ અને ગાર્બેજના ડબ્બામાં નાખી આવે.

બીજી ખાસિયત એલીની એવી કે એ એટલી બધી લાગણીશીલ કે એનાથી કોઈનુ રડવું જોયુ જાય નહિ. એકવાર  અમારો હરણ જેવો ચંચળ મોહસીન કોઈ રમકડુ બીજા બાળક પાસેથી છીનવી લેવા મથતો હતો પણ ફાવ્યો નહિ એટલે ભેંકડો તાણી રડવા માંડ્યો. એલીથી એ સહન ના થયું. તીસ્યુ, તીસ્યુ કરવા માંડી અને એની પણ આંખો છલકાઈ ઊઠી. ગોરી એટલી કે ચહેરો ઘડીભરમાં લાલ થઈ ગયો.

પહેલાં તો અમને  સમજ જ ના પડી કે એલી શું કહેવા માંગે છે? છેવટે એલી ઊભી થઈને મોહસીન પાસે જઈ પોતાના શર્ટની બાંયથી એની આંખ લુછવા માંડી, ત્યારે અમે સમજ્યા કે એલી તીસ્યુ એટલે કે ટીસ્યુ પેપર (નરમ કાગળનો રૂમાલ) માંગતી હતી મોહસીનની આંખ લુછવા.

એલી એની ઉંમરના બાળકો જેટલી જ હોશિયાર છે. આલ્ફાબેટ, એનો ઉચ્ચાર, નંબર, શબ્દો અને નાના વાક્યો વાંચવા બધુ જ એ કરી શકે છે પણ એને (Autistic child, Emotionally disturb) નુ લેબલ લાગ્યું છે.

અમારા સ્પેસીઅલ નીડના ક્લાસમાં આવતા દરેક બાળકને ફક્ત અમારા ક્લાસને બદલે સામાન્ય બાળકોના ક્લાસમાં કેવી રીતે મોકલી શકીએ એનો  અમે સતત પ્રયાસ કરતાં રહીએ છીએ. આ બાળકો પણ શીખી શકે છે અને આગળ જતાં નીલ ગગનના ચમકતા સિતારા બની ઉજ્વળ ભવિષ્ય હાંસિલ કરી શકે છે.

અમારા પૂરતા પ્રયત્નો છે કે આવતા વર્ષે એલી પહેલા ધોરણના ક્લાસમાં જાય.

ઘણીવાર માતા પિતાનો અતિશય પ્રેમ આ બાળકોની પ્રગતિમાં અવરોધ બને છે, પણ અમારા સતત પ્રયાસો આ બાળકોને જ્યારે યોગ્ય રસ્તે વાળે છે ત્યારે એ આનંદ અને ગૌરવની અનુભૂતિ અનોખી જ હોય છે.

અસ્તુ,


સુશ્રી શૈલાબેન મુન્શાનો સંપર્ક smunshaw22@yahoo.co.in  સરનામે થઈ શકે છે.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.