કવિતાનો વિષય

નિત નવા વંટોળ

પ્રીતિ સેનગુપ્તા

ન્યૂયોર્ક શહેરનો વિચાર કરીએ ત્યારે કવિતાનો વિચાર સાથે ભાગ્યે જ આવે. મોટે ભાગે એનું ધંધાકીય સ્વરૂપ જ બધાંને આંજી દેતું હોય. પણ આ શહેર કવિતાની સાથે નિસ્બત રાખે છે જર્‌ર. કવિઓ ભલે “ભૂખે મરતા? હોય ! દા.ત. ક્યારેક રસ્તા પર, કવિતા લખેલા કાગળની ઝિરોક્સ કૉપી એક એક ડૉલરમાં વેચવા મથતો અમેરિકન દેખાઈ જાય. ગમે તેવો તોયે કવિ. એને તરછોડવો ગમે નહીં, એટલે હું તો એ કાગળ ખરીદું, ને પછી વાંચી પણ લઉ જ.

જાણીતા પ્રકાશકો એમ તરત દરેકની કવિતાની ચોપડી હાથમાં લે નહીં. વિખ્યાત કવિઓની વાત જુદી. પૈસા ખર્ચીને જરૂર છપાવી શકાય. એવાં પ્રેસ ઘણાં છે હવે તો. પણ એવા પૈસા હોય તે તો આમ રસ્તા પર કાગળ વેચે જ નહીં ને.

ન્યૂયોર્ક શહેરમાં ઠેર ઠેર કવિતા-વાંચન થતું રહે છે. પુસ્તકાલયોમાં, પુસ્તકોની દુકાનોમાં, કોઈ ચર્ચમાંની જગ્યામાં, ક્યારેક નાના આહારગૃહમાં. આ ઉપરાંત, કવિઓ માટેની સરસ મોટી સંસ્થાઓ પણ છે. આ બધું મળીને જુઓ તો લગભગ દરેક રાતે કવિતા-વાંચનમાં જઈ શકાય. પુસ્તકાલયોમાં હજી પ્રવેશ મફત હશે, પણ બીજે બધે ત્રણ, પાંચ કે વધારે ડૉલરનું પ્રવેશ-મૂલ્ય લેવામાં આવતું હોય છે. આમાંથી કવિઓને કેંક મદદ મળતી રહે.

આખા દેશમાં તો અનેક શહેરોમાં આવી પ્રવૃત્તિ થતી રહે છે. અને આમાં હજી શિક્ષણ-સંસ્થાઓનો ઉલ્લેખ કે સમાવેશ તો કર્યો પણ નથી. વળી, દેશના વડા પણ સર્જકોને ભૂલતા  નથી હોતા. સરકારી સમારંભોમાં જાણીતાં સર્જકોને આમંત્રણ અપાતાં જ હોય છે.

આટલું જાણ્યા પછી પણ કદાચ નવાઈ તો લાગે જ કે અમેરિકામાં દર વર્ષે એક “દેશ-કવિ’ પણ નિમાય છે – “પોએટ-લૉરિયેટ”. ઈગ્લંડની જેમ. અંગ્રેજી સાહિત્યના વાચકો તો આ જાણતા જ હોય, પણ અમેરિકાની સાહિત્ય-પ્રથાઓથી કદાચ આપણે પુરતાં જાણકાર નથી.

કાવ્ય-ક્ષેત્રે સલાહકારોની નિમણૂક દેશની મુખ્ય લાયબ્રેરી તરફથી છેક ૧૯૩૭થી કરાતી રહી છે. એમાંથી, ૧૯૮૬માં, સલાહકારમાંથી વધારીને “દેશ-કવિ”નું બિરુદ આપવામાં આવ્યું. અલબત્ત, આ નામનો યશ ઈગ્લંડને જ જાય છે, પણ અંગ્રેજ લૉરિયેટની જેમ પ્રસંગ-કાવ્યો કે પ્રશસ્તિ-કાવ્યો લખવાનું કોઈ કર્તવ્ય કે દાયિત્વ અમેરિકન લૉરિયેટ પર મૂકવામાં આવ્યું નથી. આમેય, આ રાજા-રાણીનો દેશ ક્યાં છે?

અમેરિકાના વિખ્યાત કવિઓ – રૉંબર્ટ પેંન વૉરન, રિચાર્ડ વિલ્બર જેવા -થી આ પદવીની શરૃઆત થઈ. ૧૯૯૨માં મોના વાન ડ્યન પ્રથમ સ્ત્રી-કવિ લૉરિયેટ બન્યાં. ચારેક વર્ષ પછી, ચાલીસ વર્ષની ઉમરે, રિટા ડવ સૌથી નાનાં, સૌ પ્રથમ બ્લૅક-અમેરિકન બન્યાં, તેમજ યુવા પેઢીનાં ઉત્કૃષ્ટ પ્રતિનિધિ ગણાયાં. અત્યંત મૌલિક અને પ્રતિભાસંપન્ન આ કવયિત્રી એક મહાવિદ્યાલયમાં “કવિતા? માટેના પ્રાધ્યાપક રહેલાં છે. આ પદવી સાથે પાંત્રીસ હજાર ડૉલર પુરસ્કાર તરીકે મળે છે. આ રકમ કેમ વાપરવી તે માટે કોઈ નિયમ નથી. બિનશરતી પારિતોષિક, ને લોકતંત્રીય વિચારસરણી.

જૂયારે એમના નામની જાહેરાત થઈ ત્યારે તો રિટા ડવ સ્વીકાર કરવા નહોતાં માગતાં, પણ પછી એ આશા સાથે આ સન્માન સ્વીકાર્યું હતું કે પોતાનાં મત, વિચાર અને સર્જન દ્વારા એ દેશના સમાજમાં કશો રચનાત્મક, ગુણવાચી ફરક પાડી શકશે. એમનું સર્જન-કાર્ય પોતાના જીવનના અનુભવોથી પ્રેરિત રહ્યું છે, અને આત્મકથાનકથી ભરપુર હોય છે. બ્લૅક લોકોની આગલી પેઢીઓ ગુલામો તરીકે જીવેલી, એ હકીકતની અસર નીચે એમનું જીવન પસાર થયું.

એમની ચેતના અને સંવેદનો આ સામૂહિક ઈતિહાસથી મુક્ત નથી. એમનાં અસંખ્ય કાવ્યોમાં ગુલામી પ્રથાની બદીઓનું આલેખન છે, પોતાનાં દાદા-દાદીનાં ગુલામ જીવનની વિગતો વણાયેલી છે, જાણે દેશના ઈતિહાસનું પ્રતિબિબ જોઈ શકાય છે.

આ પ્રથા હજી ચાલુ જ છે. આમ તો આ પદવી એક એક વર્ષ માટે હોય છે, પણ જોય હાજો નામનાં કવયિત્રી ૨૦૧૯થી એ સ્થાન પર રહેલાં છે. એમનું સૌ પ્રથમ નેટિવ-ઈન્ડિયન  લૉરિયેટ બનવું એમની બહુવિધ-સર્જક તરીકેની અગત્યમાં ઉમેરો કરે છે. આમ તો એ અડધા અમેરિકન-ઈન્ડિયન ગણાય. એમના પિતા અમેરિકામાંની એક ઈન્ડિયન જાતિના હતા. છતાં, એમણે સતત અનુભવ્યું છે કે એ જાણે “બહારનાં”, અને જુદાં ગણાતાં રહ્યાં. આ ભાવ એમનાં કાવ્યોમાં પ્રતીત થતો રહે છે. આ ઉપરાંત, એમનાં કાવ્યો પ્રકૃતિ, સૃષ્ટિ અને લોક-જીવનનું વ્યાપક ચિત્ર પણ દર્શાવતાં હોય છે.

એક સારા કવિને કેવાં માન-સન્માન અને પદવી મળતાં હોય છે, અને કાવ્ય-લેખનની કેવી કદર થતી હોપ છે અમેરિકામાં, તે જાણીને કયા કાવ્ય-પ્રેમીને સંતોષ ના થાય?


સુશ્રી પ્રીતિ સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.