સનદી સેવા અને સનદી સેવા પરીક્ષા બદલાવ માંગે છે.

નિસબત

ચંદુ મહેરિયા

સનદી સેવાની શરૂઆત પરતંત્ર ભારતમાં અંગ્રેજોએ કરી હતી. ઈન્ડિયન સિવિલ સર્વિસની આ પરીક્ષા લંડનમાં લેવાતી હતી અને ભારતના કથિત ઉચ્ચ વર્ણો માટે તેમાં અનામત બેઠકોની જોગવાઈ હતી. ઈ.સ. ૧૮૬૪માં કવિવર રવીન્દ્રનાથ ટાગોરના ભાઈ સત્યેન્દ્રનાથ ટાગોર પહેલા ભારતીય હતા જેમણે આઈ.સી.એસ ની પરીક્ષા પાસ કરી હતી. ઈ.સ. ૧૯૨૨માં  આઈ.સી.એસ.ની પરીક્ષા પ્રથમ વખત ભારતના અલ્હાબાદમાં લેવાઈ હતી તે ઘટનાને આ વરસે સો વરસ થયાં. સ્વતંત્ર ભારતમાં ઈન્ડિયન સિવિલ સર્વિસ , ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ બની છે. દેશની આ સૌથી મોભાદાર અને મહત્વની સરકારી સેવાની પરીક્ષા યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા લેવાય છે.૨૦૨૧ની યુ.પી.એસ.સી. ની પરીક્ષામાં આઝાદીના પંચોતેર વરસ બાદ પ્રથમ વખત ત્રણ મહિલા ટોપર બન્યાં છે.

પ્રિલિમ, મેઈન અને વાઈવા એવા ત્રણ ચરણોમાં લેવાતી આઈ.એ.એસ અને  અન્ય સેવાઓની પરીક્ષા લાખો ઉમેદવારો આપતા હોય છે. તેમાંથી બહુ થોડા જ સફળ થાય છે.  ૨૦૨૨માં યુ.પી.એસ.સી.ની પ્રિલિમ પરીક્ષામાં ૧૧.૫૨ લાખ ઉમેદવારો હાજર હતા. ૧૦૧૧ જગ્યાઓ માટેની  આ પ્રાથમિક કસોટીમાં ઉપસ્થિત  સાડા અગિયાર લાખમાંથી માત્ર ૧૩૦૯૦ ઉમેદવારો જ પાસ થયા છે. આવું વરસોવરસ જોવા મળે છે. તેના પરથી દેશના લાખો યુવાનોનું આ નોકરી માટેનું આકર્ષણ અને માંડ હજારેકનું સફળ થવું જણાય છે.

આઈ.એ એસ , આઈ.પી.એસ, આઈ એફ.એસ, આઈ આર એસ જેવી સનદી, પોલીસ, વહીવટી, વિદેશી  સેવાની પરીક્ષા જેમ ગુલામ ભારતમાં લંડનમાં લેવાતી હતી તેમ  આઝાદ ભારતમાં માત્ર અંગ્રેજીમાં જ લેવાતી હતી. છેક ૧૯૭૯માં મોરારજી દેસાઈના પ્રધાનમંત્રી કાળમાં યુ.પી.એસ.સી.ની પરીક્ષાઓ સ્થાનિક ભાષામાં લેવાનું નક્કી થયું હતુ. આઝાદીના ચારેક દાયકા બાદ ભારતીય બંધારણની આઠમી અનુસૂચિમાં સામેલ ભાષાઓમાં ઉમેદવારો પરીક્ષા આપી શકે છે તેવો જે સુધારો થયો છે તે ભારતીય ભાષાઓને પૂર્ણ ન્યાય કરનારો નિર્ણય નથી પણ ભાષાકીય અન્યાય છે.

યુ.પી.એસ.સી.ની સિવિલ સેવા પરીક્ષામાં ઘણા ફેરફારો જરૂરી છે. તેમાં મહત્વનો ફેરફાર તો અંગ્રેજીનું વર્ચસ અને ભાષાના મુદ્દે થયેલો અધૂરો સુધારો છે. ઉમેદવારો સ્થાનિક ભાષામાં ઉત્તરો આપી શકે છે પરંતુ પ્રશ્નપત્રો તો માત્ર અંગ્રેજી અને હિન્દી બે જ ભાષામાં હોય છે. વળી મૂળે અંગ્રેજી પ્રશ્નપત્રોના હિન્દી અનુવાદ એટલા તો ક્લિસ્ટ  હોય છે કે બિનહિન્દી, બિનઅંગ્રેજીભાષી માટે બાવાના બેઉ બગડ્યાનો ઘાટ થાય છે. ઉમેદવારો સ્થાનિક ભાષામાં જવાબો ત્યારે જ યોગ્ય રીતે આપી શકે જ્યારે તેને પ્રશ્નો તેની ભાષામાં આપવામાં આવ્યા હોય. ખરેખર તો આઈ એ. એસ જેવી પરીક્ષા પણ માતૃભાષામાં લેવાતી હોવાનો ભ્રમ ઉભો કરી અંગ્રેજીનું વર્ચસ કાયમ રાખ્યું છે.

પરીક્ષા માટેની મહત્તમ વયમર્યાદા અને તક પણ આ પરીક્ષા સંદર્ભે ચર્ચાસ્પદ મુદ્દો છે. ઓગણીસ વરસની મહત્તમ વયમર્યાદા  હવે બત્રીસે પહોંચી ગઈ છે. સામાન્ય વર્ગના ઉમેદવારો માટેની ત્રણ તકો ડબલ કરવામાં આવી છે અને અનામત વર્ગો માટેની તકો  અમર્યાદિત છે.આટલી મહત્વની પરીક્ષા માટે આટલી બધી ઉમર અને તક બંનેમાં ફેરફારની જરૂર છે. જો દેશની સરહદોની સુરક્ષા માટે લશ્કર યુવા જોઈએ છે તો દેશની અંદર વહીવટ માટે યુવા કેમ નહીં તેવા સવાલો થાય છે.

સિવિલ સેવા પરીક્ષાના ત્રણ ચરણોની પરીક્ષાઓ વચ્ચે પણ કોઈ તાલમેલ જોવા મળતો નથી. જો પ્રાથમિક કસોટીને એક મોટી ચાળણી ગણીએ તો આ પરીક્ષા ઉત્કૃષ્ઠ પ્રતિભાની પસંદગી માટેની છે કે નિકૃષ્ઠને બાદ કરવાની તેવો સવાલ ઉઠે છે. અલગ અલગ વિધ્યાશાખાના ઉમેદવારોની એક સરખી પરીક્ષા કઈ રીતે શ્રેષ્ઠ પ્રતિભાની પસંદગી કરે છે તેનો જવાબ પણ આપવાનો રહે છે.

દેશના સર્વોચ્ચ વહીવટી પદની ગરિમા, મહત્વ અને પ્રતિષ્ઠા ઘસાઈ રહ્યાનું ચર્ચાય છે. રાષ્ટ્રનિર્માણના વિરાટ કાર્ય અને દેશને વધુ પ્રભાવશાળી બનાવવાના ઉદ્દેશથી આઈ એ.એસનું વહીવટી પદ ઉભું કરવામાં આવ્યું છે. પરંતુ આઝાદીના સાડા સાત દાયકે  આ પદે તેની પ્રતિષ્ઠા ગુમાવી દીધી છે અને મૂળ ઉદ્દેશ બર આવ્યો નથી. ઉદાસીન, અકર્મ્ણ્ય અને ભ્રષ્ટાચારમાં લિપ્ત હોવાની છાપ ઉભી થઈ છે.

નરેન્દ્ર મોદી જેવા મજબૂત અને વહીવટી તંત્ર પર કડક અંકુશ ધરાવતા વડાપ્રધાનના નાક નીચે પણ આઈ એ એસ અધિકારીઓ  મનમાની કરતા જોવા મળ્યા છે.દિલ્હીનું સરકારી ત્યાગરાજ સ્ટેડિયમ. ખેલાડીઓની સુવિધા માટે છે. રાતના દસ સુધી ત્યાં પ્રેકટિસ કરી શકાય છે. પણ કેન્દ્રના રેવન્યુ સેક્રેટરી અને તેમના આઈ એ.એસ પત્ની રોજ સાંજે તેમના કૂતરા સાથે સ્ટેડિયમમાં ટહેલવા આવે તે પહેલાં તે ખાલી કરાવી દેવાતું હતું. આઈ એ એસ દંપતીની આ સામંતી માનસિકતા અને બાબુશાહી વલણ છાપે ચડ્યું તો સરકારને તેમની દૂરના સ્થળે બદલી કરવી પડી. પણ એમની આ લોકવિરોધી મનમાનીનું શું ?

યુ.પી.ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એકાદ વરસથી કાર્યરત ઉત્તરપ્રદેશના ડી.જી.પી મુકુલ ગોયલની તાજેતરમાં બદલી કરી નાંખી બદલીનું સત્તાવાર કારણ અધિકારીની કામમાં રુચિ ન હોવાનું  જણાવાયું. મુખ્યમંત્રીના આ સાહસિક અને અભૂતપૂર્વ પગલાંની પ્રસંશા થઈ રહી હતી એ જ દિવસોમાં ફતેહપુરના જિલ્લા કલેકટર અપૂર્વા દુબેની બીમાર ગાયની સારવાર અને સંભાળ માટે જિલ્લાના સાત વેટરનરી ડોકટરોની કલેકટર બંગલે તહેનાતીના સરકારી આદેશના ખબર ફેલાયા !. કલેકટરની માલિકીની અંગત ગાયની સારવાર માટે સરકારી ખર્ચે સાતસાત ડોકટરોની ડ્યુટી, કૂતરાને લઈને  ટહેલવા માટે સરકારી સ્પોર્ટસ સ્ટેડિયમને બાપિકી મિલકતની જેમ ખાલી કરાવવું  એ હદની શક્તિ અને સંવેદનહીનતા આ બાબુઓમાં ક્યાંથી આવતી હશે ?

આઈ એ એસની અસરકારતા અંગેનું ૨૦૧૭નું અધ્યયન,  “ આ સેવા ઘણાં પડકારો છતાં રાષ્ટ્રીય એકતા અને બંધારણીય શાસન સ્થાપવામાં  ઉત્કૃષ્ઠ રીતે કાર્ય કરતી હોવાનું “ જણાવે છે. એટલે તે સાવ અપ્રાસંગિક સેવા નથી. ૧૯૯૧ની નવી આર્થિક નીતિ અને ઉદારીકરણ પછી કે છેલ્લા બે દાયકામાં રાજનેતાઓ સાથેના મેળાપીપણાને કારણે તેણે તટસ્થતા ગુમાવી છે તે સ્વીકારવું રહ્યું.જોકે . આજે પણ ઘણા સનદી અધિકારીઓ આદર્શવાદી, લોકાભિમુખ, સંવેદનશીલ અને સ્વતંત્ર મિજાજના છે. પરંતુ તે હવે અપવાદ બનતા જાય છે.તેમની સંખ્યા ટકે અને વધે તથા કતર્વ્યવિમુખ અધિકારી દંડાય તે દિશામાં રાજકીય નેતાગીરીની ઈચ્છાશક્તિ જાગ્રત થાય તો ઈચ્છિત પરિણામ મેળવવું અઘરું નથી.


શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.