પોલીસનો રાજકીય ઉપયોગ સઘળા પક્ષો કરે છે !

નિસબત

ચંદુ મહેરિયા

કેન્દ્ર અને રાજ્યોના આજના સઘળા સત્તાપક્ષો તેમની મરજી મુજબ પોલીસનો રાજકીય ઉપયોગ કરે છે. અને વિપક્ષો તેની આકરી ટીકા કરે છે. પણ આજના વિપક્ષો જેવા સત્તામાં આવે છે કે તેઓ  પણ પોલીસનો રાજકીય ઉપયોગ કરવામાં જરાય પાછા પડતા નથી. એટલે પોલીસના રાજકીયકરણનો આ સિલસિલો લગાતાર ચાલતો જ રહે છે.

પોલીસના રાજકીય ઉપયોગ કે દુરુપયોગના બે બનાવો તો હમણાના જ છે. ગુજરાતના કોંગ્રેસ સમર્થિત અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વડાપ્રધાન સંદર્ભેની એક ટ્વીટ બદલ અસમની બીજેપી સરકારની પોલીસે અડધી રાતે બીજેપીશાસિત ગુજરાતમાં આવી ધરપકડ કરી હતી. આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સંદર્ભેની ટ્વીટ બદલ પંજાબની આમ આદમી પાર્ટીની સરકારની પોલીસે દિલ્હીના બીજેપી નેતા તેજિંદર બગ્ગાની દિલ્હી આવી ધરપકડ કરી હતી. આ હરકત બદલ કેન્દ્રની બીજેપી સરકારની દિલ્હી પોલીસે પંજાબની વિપક્ષી પોલીસ સામે બગ્ગાના અપહરણની ફરિયાદ કરી હતી. હરિયાણાની ભાજપા સરકારની પોલીસની મદદ લઈ બગ્ગાની તત્કાળ શોધખાળ કરી તેમને દિલ્હી લઈ આવી હતી. અહીં પાંચેય રાજ્યોની પોલીસ સત્તાપક્ષની અંગત ફોજ તરીકે વર્તતી માલુમ પડે છે.

દેશના ક્રિમિનલ પ્રોસિજર કોડમાં પોલીસના અધિકાર ક્ષેત્રો નિર્ધારિત કરવામાં આવ્યા છે. ન  માત્ર આંતરરાજ્ય, રાજ્યના આંતર જિલ્લામાં પોલીસ કાર્યવાહી અને ધરપકડના નિયમો છે. તે પ્રમાણે તો મેજિસ્ટ્રેટ પાસેથી ટ્રાન્જિટ રિમાન્ડ લેવા પડે કે સંબંધિત રાજ્ય કે જિલ્લાની પોલીસની મંજૂરી અને મદદ લેવી પડે . પણ કાયદાકીય પ્રક્રિયા અને સામાન્ય શિષ્ટાચારને તડકે મૂકીને પોલીસ વર્તે છે. કહેવાની જરૂર નથી કે પોલીસની આવી કાર્યવાહી તેમના રાજકીય આકાઓના સમર્થનથી અને તેમના ઈશારે જ થઈ શકે છે. સૈયા ભયે કોટવાલની તર્જ પર જો સરકાર આપણી છે તો ડર કોનો કે કાયદો શું કરી લેવાનો છે તેવી બેફિકરાઈ પણ જોવા મળે છે.

મહાનગર મુંબઈના પોલીસ કમિશનર પરમવીર સિંઘ મહારાષ્ટ્રના ગ્રુહમંત્રી પર આક્ષેપો કરે અને પછી પોલીસ તેમની વિરુધ્ધ કાર્યવાહી કરે ત્યારે તે ભાગેડુ બની જાય તે પોલીસનું કઈ હદે રાજનીતિકરણ થઈ શકે તેનું વરવું ઉદાહરણ છે. ફેબ્રુઆરી ૨૦૨૦માં દિલ્હીના કોમી તોફાનોની પોલીસ તપાસ અને ધરપકડો એટલી તો રાજનીતિપ્રેરિત હતી કે દિલ્હી પોલીસની ભૂમિકા અંગે અદાલતે આકરી ટીકાઓ કરવી પડી હતી. રાજકીય હુકમરાનોના લાભાર્થે થતી આવી પોલીસ તપાસમાં પોલીસ જ ચોર અને ચોકીદારની ભૂમિકા ભજવે છે.

ભારતની પોલીસ વ્યવસ્થા અંગ્રેજોની દેન છે. બ્રિટિશ સરકારે તેની દમનકારી શાસન વ્યવસ્થાના રક્ષણ માટે પોલીસની રચના કરી હતી. પરંતુ આઝાદીના પંચોતેર વરસો પછી સ્વતંત્ર ભારતની પોલીસ તેમાંથી બહાર આવી નથી.  રાજનેતાઓની જીહજુરી, તેમનું રક્ષણ અને બદલામાં મલાઈદાર પોસ્ટિંગ એ ભારતીય પોલીસની ઓળખ બની ગઈ છે. પ્રજાનું રક્ષણ તેની પ્રાયોરિટીમાં બહુ પાછળ છે.

‘સ્ટેટસ ઓફ પોલીસિંગ ઈન ઈન્ડિયા ૨૦૧૯’માં જણાવ્યા પ્રમાણ ૭૨ ટકા પોલીસ કર્મી તેમના કામમાં રાજકીય દખલ થતી હોવાનું કબૂલે છે. નિવૃત આઈપીએસ અધિકારી જુલિયો રિબેરો લખે છે તેમ નિમણૂક અને બદલી કરતાં પોલીસ તપાસમાં રાજકીય હસ્તક્ષેપ વધારે હોય છે. કાયદાની અદાલતો આરોપીના ગુનાની સજાનો નિર્ણય પોલીસ તપાસના આધારે કરતી હોય છે એટલે રાજકારણીઓ પોલીસ તપાસને જ પોતાના પક્ષમાં કરવા તમામ પ્રયત્નો કરે છે.

સરકારો વિપક્ષના નેતાઓ સામે જ  નહીં તેમના ટીકાકાર કર્મશીલો અને સંસ્થાઓ સામે પણ પોલીસનો રાજકીય ઉપયોગ કરે છે. પોતાના મળતિયા અને સમર્થક અપરાધીઓને છાવરવા અને પોષવા પણ પોલીસનો ઉપયોગ થાય છે. ઉત્તરપ્રદેશનો વિકાસ દુબે તેનું મોટું ઉદાહરણ છે. આવા  અપરાધી તત્ત્વો જ્યારે ખુદ સરકારો સામે પડકાર બની જાય છે ત્યારે જ તેમને નાથવામાં આવે છે. ગુનેગારોની મિલકતો પર બુલડોઝર ચલાવી વાહવાહી લૂંટતી સરકારો આવા તત્ત્વોના ગેરકાયદે બાંધકામોને તે કોમી રમખાણોના માસ્ટર માઈન્ડ બને ત્યાં સુધી કેમ નિભાવતી હતી તેવો સવાલ કેમ પૂછાતો નથી ?

દેશમાં લગભગ પચીસ હજાર પોલીસ થાણા  અને આશરે અઢી કરોડ પોલીસકર્મીઓ છે. હથિયારધારી અને બિનહથિયારધારી, સીમા સુરક્ષાદળ અને અર્ધ સૈનિક દળ,  લોકરક્ષક અને ગ્રામ રક્ષક, ઔધોગિક પોલીસ અને લશ્કર. –જેવા જાતભાતના પોલીસ દળોનું પહેલું કર્તવ્ય તો લોકોનું રક્ષણ, કાયદો વ્યવસ્થાની જાળવણી, સરહદોની સુરક્ષા અને કાયદાના પાલનનું છે. પણ નેતાઓની સુરક્ષા અને તેમના પ્રત્યેની વફાદારી જ જાણે કે તેમનું મુખ્ય કામ બની ગયું છે. શા માટે લોકોના મનમાં પોલીસ પ્રત્યે ડર અને અવિશ્વાસ છે ? શું તેના માટે રાજકારણીઓ સાથે ખુદ પોલીસની પણ કોઈ જવાબદારી ખરી કે નહીં?

પૂર્વ પોલીસ અધિકારી પ્રકાશ સિંઘ લિખિત “ધ સ્ટ્રગલ ફૉર પોલીસ રિફોર્મ્સ ઈન ઈન્ડિયા” પુસ્તકમાં  ભારતમાં પોલીસ સુધારનો માર્ગ કેટલો દીર્ઘ અને કઠિન છે તેનું આલેખન છે. રાષ્ટ્રીય પોલીસ આયોગના દળદાર આઠ અહેવાલોમાં પોલીસ રિફોર્મ્સ અંગેની વિગતો છે. સુપ્રીમ કોર્ટ  ઑફ ઈન્ડિયાએ છેક ૨૦૦૬માં પોલીસ સુધાર માટે સરકારોને નિર્દેશો આપ્યા હતા.. પરંતુ તે દિશામાં રાજકીય પક્ષોને કામ કરવું નથી. દેશના દોઢ ડઝન કરતાં વધુ રાજ્યોએ સર્વોચ્ચ અદાલતના ૨૦૦૬ના નિર્દેશો પછી ઘડેલા પોલીસ અધિનિયમોનો મુખ્ય ઉદ્દેશ જ નિર્દેશોને બિન અસરકારક બનાવવાનો , પોલીસ સુધારથી દૂર રહેવાનો અને સરવાળે પોલીસના મનફાવતા ઉપયોગનો હતો.

પશ્ચિમ બંગાળની રાજકીય હિંસા, બસ્તરની નક્સલી હિંસા અને કશ્મીરની આતંકી હિંસા- એ સૌને નાથવા માટેની રાજકીય ઈચ્છાના અભાવ સાથે પોલીસને તટસ્થ, નિષ્પક્ષ અને પ્રોફેશનલ અભિગમયુક્ત બનતી કોણ અટકાવે છે તે હવે કોઈથી અજાણ્યું નથી. પોલીસની નિષ્ઠા અને પ્રતિબધ્ધતા ભારતના કાયદા અને બંધારણ પ્રત્યે હોવાને બદલે રાજકીય પક્ષો અને રાજનેતાઓ પ્રત્યે છે. “પોલીસને એક ભ્રષ્ટ અને દમનકારી સંસ્થા તરીકે જોવામાં આવે છે અને તેના પ્રત્યે આખા દેશમાં અસંતોષ છે “, એવું ગુલામ ભારતના, ૨૦૦૨માં લોર્ડ કર્ઝન રચિત, પોલીસ કમિશનનું તારણ હતું. પોલીસે આઝાદ ભારતમાં પણ તેની ભ્રષ્ટ અને પ્રજાપીડક તરીકેની ઓળખ જાળવીને તેમાં રાજકીય ઉપયોગનું છોગું ઉમેર્યું છે.


શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

 

Author: Web Gurjari

3 thoughts on “પોલીસનો રાજકીય ઉપયોગ સઘળા પક્ષો કરે છે !

 1. Power games – they have an eternal history. Formats may change, but the basic, animal instinct of overpowering others – much more predominant in humans will never change .
  Survival of the fittest!

 2. પોલીસ એક ભ્રષ્ટ અને દમન કારી તરીકે જોવામાં આવે છે સત્ય છે એમાં પોલીસ ને
  આપેલી અમર્યાદ સત્તા નો મહત્તમ ફાળો છે

 3. Very true, such practices of police work under influences of Government leaders is not good for any nation. But noe a days it is going beyond limits.
  સમજી લો – ગઝલ
  લૂંટી લેશે, દુનિયાદારી સમજી લો,
  દુનિયા કેવી છે વેપારી સમજી લો.
  જીવનભર રૂપિયા પાછળ દોટ લગાવે,
  પડદા ઓથે કારોબારી સમજી લો.
  રંક, દલિતો, મા બ્હેનોને ચૂંથી નાખે,
  કોનું પીઠબળ, કોની યારી સમજી લો.
  હાથ મિલાવી થોડા માટે મારી નાખે,
  લાલચની છે મિત્રાચારી સમજી લો.
  ભારતની આ બરબાદી કોના હાથે?
  નોંધાવે છે જે નાદારી સમજી લો.
  સૂરજને સંતાવાનો વારો આવ્યો,
  આખી દુનિયા છે અંધારી સમજી લો.
  જો કરશે ન્યાય આખર કુદરતની કોરટ,
  ‘સાજ’ પ્રભુનો છે આભારી સમજી લો.
  – ‘સાજ’ મેવાડા

Leave a Reply

Your email address will not be published.