લ્યો, આ ચીંધી આંગળી
રજનીકુમાર પંડ્યા
એક જમાનામાં મણિલાલ શાહ અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના પ્રમુખ હતા. એ પછી આગળ વધ્યા. આઝાદ ભારતના પ્રથમ પ્રધાનમંડળમાં હતા. નહેરુજીના બહુ માનીતા, કારણ કે આઝાદીના સંગ્રામમાં એમણે સક્રિય ભાગ લીધેલો. ક્રાંતિકારી વસંત-રજબની મુલાકાતો એમને ત્યાં ગોઠવાતી. એ વખતે એમના પુત્ર શરદભાઈ બહુ નાના હતા છતાં મણિભાઈ એમને કહ્યા કરતા : “એક વાતનું ધ્યાન રાખજે બેટા, નથી કોઈ હિંદુ, નથી કોઈ મુસ્લિમ. જે કાંઈ છે એ આ દેશ છે. આ વસંત જો હિંદુનો છોકરો, અને એક આ રજબ જો મુસલમાન યુવક. એ બન્ને વચ્ચે એમને જોડતી કડી કઈ છે ? રાષ્ટ્રવાદ. કદી ભૂલીશ નહીં. કદી પણ….”
એ શરદભાઈ ખુદ એમની ઢળતી યુવાનીમાં આવ્યા. એ દરમ્યાન તો અમદાવાદે કૈંક કોમી હુલ્લડો જોઈ નાખ્યાં. ૧૯૬૯નું, ૧૯૭૨નું અને ૧૯૭૪, અને પછી તો છેલ્લે ૧૯૮૦ અને એ પછીનાં. કોમી હુલ્લડોના એવા એક ભયંકર દિવસ દરમ્યાન શરદભાઈએ પાંચકૂવામાં આવેલી પોતાની ઓફિસ સાંજે વસતી કરી. એ સાંજે એમને ઓફિસ બહુ વહેલી વસતી કરવી પડી હતી, કારણ કે તે દિવસે અગિયાર લાશો ઢળી ગયાનો રેકોર્ડ હતો. ક્યાંક કોઈક હિંદુ મર્યો હતો, ક્યાંક મુસલમાન. ખાડિયા પાંચકૂવા વિસ્તારમાં એમ કહેવાતું કે કોઈ હિંદુથી સાંજના સાત પછી ફરકવું એ મોતને આમંત્રણ દેવા બરાબર હતું.
શરદભાઈ શાહ ઑફિસ વસતી કરતા હતા ત્યાં જ એમનો ચોકીદાર રામસિંહ એમની નજીક આવ્યો. એને કંઈ કહેવું હતું. કદાચ કહી શકતો નહોતો, પણ શરદભાઈ વાત પામી ગયા. હમણાં કહેશે કે : “શેઠ, મુઝે યહાં રાત રહેને કે લિયે મજબૂર મત કરો, મૈં યહાં, ઈસ એરિયામેં સલામત નહીં હૂં, પૂરી રાત ડર સે કાંપતા રહેતા હૂં.”
આમ કહે તો શરદભાઈ તૈયાર જ હતા. રામસિંહ પંજાબી હતો. એકલો હતો. નોકરી હતી એટલે અહીં રાતે સૂઈ રહેતો હતો, પણ એને આ મુસ્લિમ વસ્તીમાં રાત રહેવાનો ડર લાગે એ પણ સ્વાભાવિક હતું…. બપોરે જ પુત્ર સૌરભને લગીર ટકોર પણ કરી હતી : “આ રામસિંહની વ્યવ્સ્થા હવે ક્યાંક બીજે કરવી પડશે.” પછી વળી વાતમાં વાત રહી ગઈ હતી.
અને અત્યારે, રામસિંહ સામે ઊભો હતો. એને કંઈક કહેવું હતું :
“બોલો ભાઈ, રામસિંહ.” એમણે પૂછ્યું : “ક્યા બાત હૈ ?”
“સેઠ,” રામસિંહ બોલ્યો : “આપ દુપહરમેં મુઝે રાત કો યહાં સે હટાનેકી બાત કર રહે થે ના ?”
“અરે,” શરદભાઈ બોલ્યા : “તુને સુન લિયા થા ક્યા ?”
“જી હાં! ” એ બોલ્યો : “ઈસ લિયે તો કહેતા હૂં.”
“ક્યા ?”
“કી મુઝે યહાં સે હટાના નહીં.” એણે એકદમ ભોળાભાવે કહ્યું : “મૈં યહાં એકદમ ઈત્મીનાનસે રહેતા હૂં.”
શરદભાઈ સ્તબ્ધ થઈ ગયા. શું ધાર્યું હતું ને શું બોલતો હતો આ માણસ ? કંઈ સમજાતું નહોતું.
પણ પછી રામસિંહે ધીરે ધીરે બધું સમજાવ્યું : “સેઠ, લોગ ખામખાં ડરતે હૈ યહાં.” એણે ઑફિસ પાછળના ભાગ તરફ આંગળી ચીંધી : “સબ મુસ્લિમ પરિવાર રહેતે હૈ-ઔર વો લોગ મેરા પૂરા ખ્યાલ રખતે હૈ.”
શરદભાઈને હસવું આવ્યું : “ક્યા વો લોગ જાનતે હૈ કિ તુમ હિંદુ હો ?”
“અરે!” એના પાનવાળા દાંત ચમકાવીને કહ્યું : “ક્યા બાત કરતે હો, સેઠ ! વો લોગ તો મુઝે રામભૈયા કહકે હી પુકારતે હૈ. જબ મૈં બહાર સે રાશન નહીં લા સકતા તબ મેરા ખાનેકા ખયાલ ભી રખતે હૈ, અરે આજકલ તો મેરે ભોજનકા પ્રબંધ યેહી લોગ કરતે હૈ ચાય, પાની, દૂધ….
“ખાના દેને કે લિયે કૌન આતા હૈ ?”
“ખાના કિસકે ઘર સે આતા હૈ વો તો પતા નહીં, મગર કભી કભી એક બડી પ્યારીસી ગુડિયા જૈસી ચૌદ પંદ્રહ સાલ કી લડકી અપને છોટે ભાઈ સુહૈલ યા કઝિન કે સાથ આતી હૈ. જબ શહરમેં બહોત હંગામા હો, તબ વો આ નહીં સકતી તો ખિડકી સે હી થાલી થમા જાતી હૈ. બડી અચ્છી ભલી નિર્દોષ હૈ – ઉસકા નામ હૈ અસ્મા પરવીન….”
શરદભાઈના મનમાં ચિત્ર બરાબર અંકાઈ ગયું : બીજે દિવસે એ બેબીને બોલાવી. જોતાંવેંત જ એમને પુત્રી જેવો ભાવ જન્મ્યો. નામ પૂછ્યું. પછી રુચિ પૂછી. અસ્માએ શરદભાઈને કહ્યું કે એને ડૉકટર થવું હતું.
એ પછીની વાત સમયના સુંદર રીતે વીતવાની કથા છે. શરદભાઈ ભાગ્યે જ એ છોકરીના પરિવારને એકાદ-બે વાર મળ્યા હોય તો, પણ એટલું સમજાયું હતું કે ખાનદાન પરિવાર હતો. અબ્બાસી કુટુંબ છોકરીના કાકા મહેબૂબ હુસેન અબ્બાસી ગુજરાત કૉલેજમાં રાષ્ટ્રવાદી તરીકે વિદ્યાર્થીઓમાં લોકપ્રિય એવા અધ્યાપક હતા. જો કે, અસ્માને દર્દીઓની સેવા કરવાની ઝંખના તો હતી જ. એટલે છેવટે લાયકાત મેળવીને હૉસ્પિટલમાં સેવા આપવા માંડી. આ ઉપરાંત તેને જેમાં રસ હતો એવા મૉડેલિંગ, નાટક, ટી.વી.ના કાર્યક્રમોમાં પ્રવૃત્ત રહેવા માંડી. અમદાવાદની સૌથી લાંબા કેશવાળી છોકરી તરીકે પણ જાણીતી. એ સંદર્ભમાં એનો ફોટો પણ ‘ગુજરાત સમાચાર’ના ‘શ્રી’ સાપ્તાહિકમાં ટાઇટલ પર છપાયો હતો.

આ બધી જ વિદ્યાયાત્રામાં શરદભાઈનો પિતૃવત શીળો હાથ એ યુવતી પર રહ્યા કર્યો. ને તબીબી ક્ષેત્રે કામ કરવા છેક સાઉદી અરેબિયામાં રિયાધ ગઈ ત્યાં સુધી અને ત્યાર પછી પણ.
ત્યાં ગયા પછી પોતાના પરિવાર પર અને શરદભાઈ ઉપર એ નિયમિત પત્રો લખતી. પોતાના પિતા મંઝુરહુસેન અબ્બાસી અને માનસપિતા શરદભાઈ મણિલાલ શાહનો એના મનમાં સરખો જ દરજ્જો હતો.
એટલે જે એક વાર એણે રિયાધથી શરદભાઈને લખ્યું : “પપ્પાજી, આપ મુઝે હિદાયત દેતે થે કિ અબ મૈં શાદી કર લૂં. તો આપ કો યહ જાન કર ખુશી હોગી કે યહાં એક લડકા મૈંને ચૂના હૈ. ઉસકા નામ હૈ મિઝાનુરહેમાન નઝરૂલઈસ્લામ માનીક, એજ્યુકેટેડ હૈ ઔર બડા શરીફ ઔર ઉમદા હૈ. ઔર મેરે ફિલ્ડ મેં હી કામ કરતા હૈ. વો શાદી કે લિયે રાજી હૈ. મગર મૈંને કહા હૈ કે મૈં ઈન્ડિયા ગયે બગૈર ઔર મેરી ફેમિલી ઔર પપ્પાજી, યાને કી આપ સે ઈઝાઝત લિયે બગૈર નિકાહ નહીં કર સકતી. મગર વો ઈન્ડિયા શાદી કે લિયે આ નહીં સકતા, ઔર મૈં ઈન્ડિયા આઈ તો કાયદે-કાનૂન કે મુતાબિક શાદી કે લિયે મુઝે ફિર વિઝા નહીં મિલ સકતા. અબ આપ હી બતાઈયે મૈં ક્યા કરું ?”
શરદભાઈએ લખ્યું : “બેટી, તુમ ઈધર આ જાઓ. આગે કી સોચ લેંગે. કોઈ ભી ગૈરકાનૂની કામ હમેં નહીં કરના હૈ. ફિર ભી તેરી શાદી ઈસી લડકે સે ઔર કાનૂન સે હો ઐસા કુછ કરેંગે. તુમ જલ્દી વાપસ આ જાઓ.”
અંતે મેં અને શરદભાઇ શાહે સાથે મળીને એમના અબ્બા-અમ્મી અને પુરા ફેમિલીને આ શાદી માટે મનાવી જ લીધા. પણ દુલ્હા-દુલ્હનને આમનેસામને કર્યા વગર શાદી કેવી રીતે થાય ?
ચાલો, એક વાર અસ્માને ઇન્ડિયા બોલાવી તો લો !
**** **** ****
અસ્મા ઈન્ડિયા આવી અને રસ્તો પણ નીકળ્યો. સાવ અનોખો જ અને અપૂર્વ. ટેલિફોનથી નિકાહ થઈ શકે. અને કુ. અસ્મા અબ્બાસી એ રીતે મિસિસ અસ્મા માનીક બની શકે. કઈ રીતે ? પહેલાં નિયત ફૉર્મમાં બન્નેની સહીઓ કરાવવામાં આવે. એના પક્ષે એના બે સાક્ષીઓની સહી કરાવીને એ ત્યાંથી મોકલે, અને પછી નિયત સમયે, ટેલિફોનથી એ વાતનું સમર્થન કરે. એટલે અહીં બે સાક્ષીઓ સહી કરે, મૌલવી જેનો દરજ્જો અહીં મેરેજ રજિસ્ટ્રારનો ગણાય તે એના કલમા (મંત્રો) અહીં પઢે. ખુત્બા (સુગો) વાંચે અને ટેલિફોન પર દુલ્હા સાથે વાત કરે. અહીંના સાક્ષીઓ સાથે પણ વાત કરે અને નિકાહના રજિસ્ટરમાં સહીઓ થાય. અને એ રીતે લગ્ન કાયદેસર ગણાય. હકીકતમાં આ લગ્ન જ આપણી રજિસ્ટર્ડ લગ્ન વિધિના મૂળમાં છે અને પછી એ લગ્નના સર્ટિફિકેટ પર દુલ્હન અસ્મા માનીક તરીકે, શાદીશૂદા ઔરત તરીકે સાઉદી અરેબિયા જઈ શકે.
“મન હોય તો માળવે તો શું, સાઉદી અરેબિયા પણ જવાય.” મેં પ્રભાકર વ્યાસને કહ્યું.
અહીં મૌલાના અબ્દુલહદુદ અબ્દુલગનીએ ખુત્બા અને કલમા પઢીને અમુક રકમના મહેર (સ્ત્રીધન)ના અવેજમાં દુલ્હાને મોંએ ટેલિફોન પર ત્રણ વાર પૂછીને અસ્માને બીબી તરીકે કબૂલ કરાવી. પહેલો કલમો હતો. ‘લાઈલાહ ઈલ્લાલ્લાહો મોહમ્મરૂહ રસુલ્લુલ્લાહ’ મતલબ કે હું કોઈને અલ્લાહ સિવાય પૂજ્ય માનતો નથી અને મોહમ્મદને અલ્લાહના પયગમ્બર માનું છું. પછી અને છેલ્લા કલમાની મતલબ હતી કે હું અલ્લાહને એ જેવા છે તે (સ્વરૂપમાં) માનું છું. ભરી મજલિસમાં પહેલાં સાક્ષીઓએ, અને પછી દુલ્હનનાં મા-બાપ, ભાઈ-બહેનો, મામા અને સગાંવહાલાંએ હરખનાં આંસુ સાથે દુલ્હા સાથે વાત કરી. પછી શરદભાઈ એટલે કે ‘પપ્પાજી’એ પણ. એમણે આશિષ આપી અને એમનો કંઠ ભરાઈ આવ્યો. પછી અસ્માએ ખુદ પતિને ‘કોન્ગ્રેચ્યુલેશન્સ’ કહ્યા, અને પછી જ્યારે મારા હાથમાં ફોન આપવામાં આવ્યો ત્યારે મારાથી દુલ્હાના કાનમાં ‘શાદી મુબારક’ કહેવાને બદલે સહજ ઊર્મિથી બોલાઈ જવાયું : ‘દુલ્હન મુબારક, મિયાં.’

પછી પ્રભાકર વ્યાસને મેં કહ્યું, ‘અમદાવાદના પાંચકૂવા પાસે, અબ્બાસી સ્ટ્રીટમાં રહેતી આ તેવીસ વરસની છોકરી માટે મારાથી ‘દુલ્હન મુબારક’ એમ એટલા માટે બોલાઈ ગયું કે આ નખ જેવડી નાજુક છોકરીમાં હિંદુ-મુસ્લિમ વચ્ચેની લાગણીના સંબંધ ઉપરાંત દેશ દેશ વચ્ચેના માનવીય સંબંધોની હવેના વિશ્વને જેની જરૂર પડવાની છે તેવી ગાથા છુપાયેલી દેખાય છે.
ત્યાં પ્રભાકર વ્યાસ બોલ્યા : ‘અને એ ગાથાનું ઉદ્દભવસ્થાન છે પાંચકૂવા, જે પણ ખાડિયામાં જ.’
**** **** ****
આ કથાને હજુ આગળ લંબાવી શકાય. એ ટેલિફોનિક શાદી પછી અસ્મા પહેલી વાર જિદ્દાહ ગઈ ત્યારે કાળુપુર સ્ટેશને હું પણ એને વિદાય આપવા ગયો હતો.

એ પછી તો એ કથાને ડિસેમ્બર, ૧૯૯૧માં આવેલા એ બન્નેના સંયુક્ત પત્ર સુધી લંબાવી શકાય. પણ પછી એ કહાણી નથી. નર્યું વર્ણન છે. સુહૈલ ક્યારેક આવે-બહેન-બનેવીના સંયુક્ત પત્રો વાંચવા લાવે. ક્યારેક ઉર્દૂમાં હોય. ક્યારેક અંગ્રેજીમાં : “અમે બન્ને હવે એક જ જગ્યાએ જિદાહમાં આવી ગયાં છીએ……ચિંતા ન કરશો. કુવૈત સળગ્યું, પણ અમારા લગી એની આંચ નથી આવી. જિદાહ પાસે બુગદામાં હજારો હજયાત્રીઓ કચડાઈ મૂઆ, પણ અમને કંઈ થયું નથી. અલ્લા મરનારના રૂહને જન્નત બક્ષે…પણ આ ચોતરફ આગ-લૂંટમાર અને ખુનામરકી શા માટે છે એ સમજાતું નથી….અસ્મા તમારાં પુસ્તકો અહીં પણ લઈ આવી છે. ક્યારેક મને ફકરા વાંચી સંભળાવે છે….મીઝુને તમારું લખેલું સમજાતું નથી….હું સમજાવવા કોશિશ કરું છું….મારે મોટર ડ્રાઈવિંગ કરવું છે, પણ અહીં લેડીઝને મોટર ડ્રાઈવિંગ કરવાની મનાઈ છે. ને બુરખો પહેરવો ફરજિયાત છે. બુરખો પહેરીને ડ્રાઈવિંગ કરવાથી લાગે પણ કેવું…..તમારા ફેમિલીમાં સૌ મઝામાં હશો. તરુબહેન અને નાનકડી તર્જની મઝામાં હશો…..તમારા માટે શમશાદની કેસેટ મોકલું છું. મને ગાતાં નથી આવડતું એટલે શમશાદ બેગમ પાસે ગવડાવું છું….”
મિયાં-બીબી બન્નેના સહિયારા પત્રોમાં એમના સુગંધી દામ્પત્યની મહેંક છે. હજારો માઈલ દૂરથી પત્રો દ્વારા એ જોડું ઈન્ડિયામાં પોતાનાં મા-બાપ-ભાઈ-બહેન અને સ્વજનોને ખુશ રાખવાનો રિમોટ કન્ટ્રોલ ધરાવે છે.

અને મારા જેવા એક નાનકડી ભાષાના નાનકડા લેખકને ભાષાનાં બંધનોમાંથી મુક્ત કરી દે છે.
નોંધ: આ ઘટના ૩૫ વર્ષ પહેલાની છે. અસ્મા પરવીન મિઝાનુરહેમાન માનિક પહેલાં જિદ્દાહ અને પછી એક બે દેશો ફરીને હવે ઓસ્ટ્રેલીયામાં પતિ પરિવાર સાથે મોજ કરે છે, એના બે પુત્રોય હવે યુવાન થઇ ગયા છે અવારનવાર મારા સંપર્કમાં ટેલિફોન કે વ્હોટ્સએપથી રહે છે. આ ફોટા પણ એણે જ મોકલ્યા છે.


આ સળગતા વાતાવરણમાં આ ઘટનાની મધુર યાદ પણ શાતા આપે છે.
(સમાપ્ત)
લેખકસંપર્ક :
રજનીકુમાર પંડ્યા.,
બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક, મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦
મો. +91 95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન- +91 79-25323711/ ઇ મેલ: rajnikumarp@gmail.com
વાહ! મઝા આવી ગઈ! માણસ માણસની મદદે આવે તે ધર્મ, બાકી બધો દેખાડો!