નલિન શાહની નવલકથા : પ્રથમ પગલું – પ્રકરણ ૭૬

કેવળ મારા ભવિષ્યની ખુશી માટે કરેલો એનો ત્યાગ નિરર્થક હતો

નલિન શાહ

ફિલોમિનાના ગયા પછી માનસીએ રાજુલને ફોન કર્યો. ‘રાજુલ, હું કાલે રાત્રે જ આવી ગઈ છું અને કાલે ખંડાલા જવા ઇચ્છું છું. આવીશ સાથે?’

‘આટલી જલદી કેમ આવી ગઈ? ને કાલે ખંડાલા? શું બાબત છે?’

‘બધી વાત ત્યાં જઈને કરીશું.’

‘આજે શું કરે છે?’

‘આજે હું કોઈ વાત કરવાના મુડમાં નથી. એકલી જ રહેવા માંગુ છું. હોસ્પિટલમાં પણ નથી ગઈ. સંજોગવશાત્‍ કાલે રવિવાર પણ છે. ખંડાલાની પહાડીઓમાં દિવસ ગાળવો છે અને તને મારી પૂરી ઓળખ આપવી છે.’

‘સારું ત્યારે, હું સવારે આઠ વાગે તને પીકઅપ કરીશ. હું બધું ખાવા-પીવાનું લઈ લઈશ; તું કાંઈ ના લેતી.’ કહીને રાજુલે ફોન મૂકી દીધો. કદાચ માનસીની માનસિક સ્થિતિ એ પામી ગઈ હોય અને વાત વધુ લંબાવાનું એને યોગ્ય ના લાગ્યું હોય.

બીજે દિવસે ખંડાલાના રમણીય વાતાવરણમાં માનસી અને રાજુલ કલાકો બેસી રહ્યાં. ‘અહીં જ મારી જિંદગીની શરૂઆત થઈ હતી, ને કેવળ નિરાશા જ હાથ લાગી. અને અહીં જ હવે ભૂતકાળને દફનાવી નિરાશાઓની પૂર્ણાહુતિ કરવી છે. એ કેટલું શક્ય છે એ તો નથી જાણતી, પણ યત્ન જરૂર કરીશ. એ પણ એક વચન છે જે પાળવું રહ્યું.’

રાજુલને માનસીનું કથન ગૂઢ લાગ્યું, પણ કાંઈ પૂછ્યું નહીં. માનસી બોલતી રહી અને રાજુલ શાંતચિત્તે સાંભળતી રહી.

વાતમાં માનસીએ પરાગનો કોઈ ઉલ્લેખ ન કર્યો. જો કે, એ બાબતમાં રાજુલથી કશું અજાણ્યું નહોતું, પણ માનસીએ આસિત સાથેના સંબંધનો કદી નિર્દેશ નહોતો કર્યો. એ સંબંધની યાદો એણે નિજિ સંપત્તિની જેમ હૃદયનાં ઊંડાણમાં સંઘરી રાખી હતી.

માનસીએ અમેરિકા જવા અગાઉ અનુભવેલી આશા-નિરાશાનું વર્ણન કર્યું. લગ્નની બાબતમાં એણે નાનીની ખુશી માટે જિંદગી સાથે સમજૂતી કરી હતી, જ્યારે આસિતે માનસીના ભવિષ્ય માટે જિંદગી સાથે સમજૂતી કરી હતી, એટલું જ નહીં પણ એણે તો પોતાનું અસ્તિત્વ સુદ્ધાં ભૂંસી નાખ્યું હતું. બંનેનો ભોગ વ્યર્થ ગયો હતો. ક્યારેક ક્યારેક અનુભવાતી નિરાશાની પળોમાં માનસીમાં આસિતના વિચારે આશાનો સંચાર થતો હતો. ક્યારેકને ક્યારેક, ક્યાંક ને ક્યાંક આસિત અચાનક સામે મળે અને અનાયાસે વીતેલી પળોની સ્મૃતિઓ સજીવન થાય.

‘બધી આશાઓની દફનક્રિયા કરીને કલકત્તાથી ખાલી હાથે પાછી ફરી છું.’ માનસીએ એક ઊંડો નિ:સાસો નાખી કહ્યું, ‘એક વાતનો સંતોષ જરૂર છે કે આસિત થકી ફિલોમિનાના નવા જીવનનું નિર્માણ થયું. ફિલુની ખુશીમાં મારી ખુશી પણ સમાયેલી છે, જેનું કારણ આસિત થયો છે. એ તો આપવા જ આવ્યો હતો અને જતાં જતાં પણ આપી ગયો.’ માનસી બોલીને ચૂપ થઈ ગઈ. બંને પહાડીઓ પર નજર ટેકવી બેસી રહ્યાં.

‘તને આ વાતથી અજાણ રાખી હતી. એટલા માટે કે મારા દુઃખે તું દુઃખી ન થાય.’ માનસીએ કહ્યું, ‘આ પહાડીઓ અને આ વૃક્ષો મારી વીતેલી પળોના મૂક સાક્ષીઓ છે, અને એટલે જ એના સાન્નિધ્યમાં તારી સાથે દિલ ખોલીને વાતો કરવી હતી. આ એક પ્રકારની આસિતને શ્રદ્ધાંજલિ છે. તેં અને સુનિતાબેને બે-ચાર વાર ટકોર કરી હતી કે તારી જેમ વ્યાવસાયિક સફળતાની ખુશી મારા ચહેરા પર કેમ નહોતી વર્તાતી. કારણ એનું એટલું જ હતું કે વીતેલી પળોની યાદો પડછાયાની જેમ હંમેશાં મારી સાથે રહી. મારા લગ્નની નિષ્ફળતા જાણીને આસિતને પારાવાર દુઃખ થયું હતું. જિંદગીની છેલ્લી ક્ષણે એણે વ્યથા જાહેર કરી કે કેવળ મારા ભવિષ્યની ખુશી માટે કરેલો એનો ત્યાગ નિરર્થક હતો; અને હવે એ બધી વાતો રુઝાયલા ઘાને તાજો કરવા જેવી છે.’ થોડી વાર ચુપકીદી રાખીને એ બોલી, ‘ જો આત્મા જેવુ કાંઈ હોય તો આસિતના આત્માની શાંતિ માટે પણ હું હવે ખુશ રહેવા યત્ન કરીશ.’ અને થોડી વાર થંભીને કહ્યું, ‘જો કે, એ એટલું સહેલું નથી.’

સાંજે બંને પાછાં ફર્યા. રાત્રે માનસીને જમાડી રાજુલ એને ઘરે મૂકવા આવી અને ગાડીને પાછી વાળતાં પહેલાં એટલું જ બોલી, ‘માનસી! મને એક વાત જાણી આનંદ થયો કે દુઃખદ યાદોને તું હવે ધૂળની જેમ ખંખેરી નાખવા પ્રયત્ન કરશે. હું જાણું છું કે આપણે ધારીએ એટલું પણ સહેલું નથી, પણ એક વસ્તુ ધ્યાનમાં રાખજે કે અમે બધાં હરપળ તારી પડખે છીએ. માનસીએ સસ્મિત ડોકું હલાવ્યું અને ઝડપથી મકાનમાં દાખલ થઈને રોજિંદી આદત પ્રમાણે દાદર ચડવાને બદલે લિફ્ટનું બટન દબાવ્યું.

****

         વર્ષોથી પથારીમાં પડી પડી ધનલક્ષ્મી હવે કંટાળી ગઈ હતી. વધુ દુઃખ તો એને એ વાતનું હતું કે એની પૂછપરછ કરવા આવનારાંની સંખ્યા હવે નહિવત્‍  થઈ ગઈ હતી. એની હંમેશાંની મિજબાની માણનાર સહેલીઓ તો તદ્દન અદૃશ્ય થઈ ગઈ હતી. જે સહેલીઓની હાજરીમાં માનભંગ થવાના ડરથી પરણીને આશીર્વાદ લેવા આવેલી બહેનને ધુત્કારી હતી એ જ બહેન હંમેશાં ફોન પર માનસીને એના હાલહવાલ પૂછતી હતી. જે ગામનાં નર્સિંગ હોમનું એણે ઉદ્‍ઘાટન કર્યું હતું એ નર્સિંગ હોમમાં કેવળ હવાફેર માટે પણ આવવાનું સૂચન કર્યું હતું. સારા ડૉક્ટરોની વ્યવસ્થા ઉપલબ્ધ હતી અને એની દેખભાળની જવાબદારી લેવા પણ તૈયાર હતી. એના મનમાં કોઈ રાગદ્વેષ નહોતો, પણ ધનલક્ષ્મીની જ માન-પાન પામવાની ઉત્કંઠા શમી ગઈ હતી. તબિયતમાં સુધારો થવાની હવે શક્યતા નહોતી રહી. પૈસાનો મોહ હવે નહોતો રહ્યો. માનસી પરાગની સંપત્તિના લોભમાં એને પરણી હતી એ એની માન્યતા કેટલી ખોટી હતી એ સત્ય એને સમય જતાં સમજાયું હતું. માનસી વારસદાર હોવા છતાં વરની સંપત્તિને નહોતી અડતી. હંમેશાં સ્વસ્થ અને સંતુષ્ટ દેખાતી હતી. માનસીના સુખની વ્યાખ્યા સમજવા જેટલી સમજણ ધનલક્ષ્મીમાં નહોતી, પણ એટલું જરૂર લાગ્યું કે મોટા ઘરની વહુ લાવવાના એના કોડ પૂરા થયા હોત તો એ વહુ આજે સાસુને એકલી મૂકીને ચાલી ગઈ હોત, કદાચ બીજું ઘર પણ માંડ્યું હોત, જાયદાદના ભાગલા પણ કર્યા હોત અને સાસુને પૌત્રનું સુખ પણ ભોગવવા ના દીધું હોત.

જિંદગીની આરે આવીને ઊભેલી ધનલક્ષ્મીને સમયે એક વાસ્તવિકતાનું ભાન જરૂર કરાવ્યું હતું કે વહુ અને વ્યક્તિ તરીકે માનસી કુટુંબ માટે વરદાનરૂપ હતી. હવે પસ્તાવો અર્થહીન હતો. એના પ્રભુને એક જ ફરિયાદ કરી કે એના કર્યાનું પ્રાયશ્ચિત કરવાનો મોકો પણ એને પ્રદાન ના કર્યો. હવે મોત નજરની સામે તરવરતું હતું. વારંવાર એક જ વિચાર એને વ્યથિત કરતો હતો, ‘જિંદગીમાં બહુ પામીને પણ કશું ના પામી.’

 

 

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.