વનવૃક્ષો : ખજૂરી

ગિજુભાઈ બધેકા

હું તમને પૂછીશ કે ખજૂરની જાતિ કઈ ? નર, નારી કે નાન્યતર ? અમે કઠિયાવાડીઓ ખજૂર કેવો કહીએ છીએ; ગુજરાત ખજૂર કેવું કહે છે, અને ઝાલાવાડ તથા કચ્છમાં ખજૂર બિચારી કેવી કહેવાય છે ! પરદેશી લોકોની ઘણી વાર આવી વલે થઈ પડે છે. ખરી રીતે આપણે આરબ લોકોને પૂછવું જોઈએ કે ખજૂરની કઈ જાતિ છે.

શિયાળામાં ખજૂર અરબસ્તાનથી આવવા લાગે છે ને હુતાશની ઉપર તો ચારેકોર ખજૂરદાળિયા થઈ જાય છે ! મૂળાનો જેમ લાડવા સાથે મેળ છે, તેમ દાળિયા સાથે ખજૂરનો મેળ છે.

હુતાશનીના દિવસે લોકો એકબીજાને ત્યાં ખજૂર ને હારડા ભેટ તરીકે મોકલે છે; નોકર લોકો અને મજૂર લોકો પણ શેઠિયા પાસેથી ખજૂરની ગોઠ માગે છે.

લોકસમૂહ ખજૂરદાળિયાને હુતાશનીના અગ્નિમાં હોમે-ફેંકે છે.

હુતાશનીમાં ખજૂર ખાવાની શરતો ચાલે છે. તમને ઠંડા પહોરનું ગપ્પું લાગશે, પણ અમારા ગામમાં હુતાશની ઉપર એક માણસ ઠળિયાસોતો અધમણ ખજૂર ખાઈ ગયો હતો !

ખજૂરને ઘી સાથે ખાવાનો રિવાજ પૈસાદારોના ઘરમાં છે.

નવાઈની વાત છે કે આરબોએ આણેલ આ ખજૂર ફરાળ તરીકે અપવાસી લોકો વાપરે છે ! પણ એ લોકો જવાબ આપશે કે એ તો ફળ છે અને તે ખજૂર ઉપર થાય છે.

આપણે ત્યાં ખજૂરીઓ થાય છે પણ તેના ઉપર ખજૂર થતો-થતી-થતું નથી, કારણ કે આપણો ઉનાળો ખજૂરીને ટૂંકો અને નરમ પડે છે. હવે તમારા ખ્યાલમાં આવે છે કે અરબસ્તાનનો તાપ ને ઉનાળો કેવા સખત હશે ?

ખજૂર પહેલાં વહાણમાં બેસીને આપણા દેશમાં આવતો; હવે તે આગબોટમાં બેસીને આવે છે. એડન બંદરેથી લાખો ખાંડી ખજૂર આપણે ત્યાં આવે છે. ડાબલીમાં રાખેલો બહુ મીઠો ને આખી પેશીવાળો મસ્કતી ખજૂર મેં હિન્દી મહાસાગર ઉપર ખાધેલો; સ્ટીમર ઉપરના અમારા આરબ પાડોશીએ મને ચખાડેલો.

તમે ખારેક ખાધી છે; પણ તમે જાણો છો કે એ ખજૂરની માશી નથી પણ ખજૂર પોતે જ છે ? ઝાડ ઉપર એમ ને એમ સુકાવા દીધેલ ખજૂર તે ખારેકો.

ખારેકનો સ્વાદ તો તમે જાણો છે; લગ્નમાં ખારેક વહેંચાય છે તે ય તમે જાણો છો; ખારેકનો પાક થાય છે તે પણ તમે જાણો છો. ત્યારે તમે ખારેક વિષે શું નથી જાણતા કે મારે કંઈ નવું લખવું ?

તમે એ વાત નહિ જાણતા હો કે તમારી સાવરણી ક્યા ઝાડનાં પાંદડાંની બનેલી છે. એ સાવરણીઓ ખજૂરીનાં પાંદડાંની વચ્ચેની સળીઓની બનેલી છે. ગામડાના લોકો બે જાતની સાવરણીને ઓળખે : એક સુરવાળીની ને બીજી ખજૂરીની. સુરવાળીની સાવરણી ઘાસની થાય છે. સુરવાળી એટલે સુવર્ણ-વર્ણી; સોનાના જેવા રંગના ઘાસવાળી તે સુરવાળી.

ત્યારે હવે આપણે ખજૂરીની વાત પૂરી કરી લઈશું. કાંઈ રહી જતું હોય તો ઉમેરી લેજો.


માહિતીસ્રોત – વિકિસ્રોત

Author: Web Gurjari

2 thoughts on “વનવૃક્ષો : ખજૂરી

  1. સરળ સીધી ભાષામાં સ્વ. શ્રી ગિજુભાઈનો લેખ વાંચવાની મજા આવી. પોસ્ટીંગ બદલ આભાર. 

  2. સરસ માહિતી. સરળ અને જાણવા લાયક. આભાર શ્રી અશોક ભાઈ.
    ગિજુભાઈનું એક બાલ ગીત યાદ આવી ગયું
    ” મામા નું ઘર કેટલે દીવા બળે એટલે …… ટોપરા તો ભાવે નહિ મામા ખારેક લાવે નહિ.

Leave a Reply

Your email address will not be published.