અંગ્રેજી માતાનું મંદિર અને સરસ્વતીના મંદિરોમાં અંગ્રેજી

નિસબત

ચંદુ મહેરિયા

થોડા વરસો પહેલાં ઉત્તર પ્રદેશના લખીમપુર જિલ્લાના જંગ બહાદુર ગંજ ગામની  શાળાના પરિસરમાં અગ્રણી દલિત પત્રકાર-લેખક ચંદ્રભાણ પ્રસાદની પ્રેરણા અને પહેલથી અંગ્રેજી માતાનું મંદિર બનાવવામાં આવ્યું હતુ. આઠસો ચોરસ ફુટ જમીનમાં બનાવેલા આ મંદિરમાં અંગ્રેજી માતાની ત્રણ ફુટની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી. એક હાથમાં કલમ અને બીજા હાથમાં ભારતનું બંધારણ ધારણ કરેલી અંગ્રેજી માતાની આ પ્રતિમા અમેરિકાના સ્ટેચુ ઓફ લિબર્ટીની પ્રતિકૃતિ હતી. દલિતોના સઘળા દુ:ખોનો ઈલાજ અંગ્રેજી શિક્ષણને માનતો દલિતોનો એક વર્ગ ભારતમાં અંગ્રેજી શિક્ષણનો પાયો નાંખનાર લોર્ડ મેકોલેને પોતાના ઉધ્ધારક માને છે. અને તેમનો જન્મદિવસ પણ ઉજવે છે.!

પાંચમી ઓકટોબર ૧૮૧૭ના રોજ કોલકાતામાં પહેલી અંગ્રેજી માધ્યમની શાળા શરૂ થઈ તે ઘટનાને ખાસ્સા બસો વરસ વીતી ગયાં છે.પરંતુ  ભારતમાં આજેય અંગ્રેજી શિક્ષણની આવશ્યકતા અને પ્રભાવ યથાવત છે. યુનિફાઈડ ડિસ્ટ્રીક્ટ ઈન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશનનો ૨૦૧૯-૨૦નો અભ્યાસ દર્શાવે છે કે ભારતમાં અંગ્રેજીના શિક્ષણમાં સતત વૃધ્ધિ થઈ રહી છે. શિક્ષણવિદો ભલે શિક્ષણના માધ્યમ તરીકે માતૃભાષાની જ તરફેણ કરે, સત્તા(પાવર)ની અને હવે બજાર(માર્કેટ)ની ભાષા તરીકેની બોલબાલાને લીધે આમ આદમી પણ અંગ્રેજીના જ પક્ષે છે. પંદર લાખથી વધુ પ્રાથમિક શાળાના ૨૬.૫ કરોડ બાળકોના અધ્યયનમાં જાણવા મળ્યું છે કે ભલે દેશના ૪૨ ટકા બાળકોના પ્રાથમિક શિક્ષણનું માધ્યમ હિંદી હોય તે પછીના ક્રમે ૨૬ ટકા બાળકો અંગ્રેજી માધ્યમમાં ભણે છે.

વિધ્યાર્થીઓની જ નહીં વાલીઓની પણ શિક્ષણના માધ્યમ તરીકે પહેલી પસંદગી અંગ્રેજી છે. ૨૦૧૯-૨૦માં તેલગંણાના ૭૪ ટકા, કેરળના ૬૫ ટકા, દિલ્હીના ૬૦ ટકા, તમિલનાડુના ૫૭.૬ ટકા, હરિયાણાના ૫૦ ટકા  બાળકો અંગ્રેજી માધ્યમમાં જ ભણતા હતા. છેલ્લા પાંચ વરસોમાં રાજ્યવાર અંગ્રેજી માધ્યમના શિક્ષણમાં દસ થી સાઠ ટકાનો વધારો થયો છે. અદાલતી આદેશોની ઉપરવટ જઈને આંધ્રપ્રદેશની સરકાર આ વરસથી પ્રાથમિક શિક્ષણમાં અંગ્રેજી માધ્યમ દાખલ કરી રહી છે.શિક્ષણના માધ્યમ તરીકે અંગ્રેજી દાખલ કરનાર આંધ્ર શાયદ દેશનું પ્રથમ રાજ્ય છે. ગુજરાત સરકારે પણ આ વરસથી પ્રાથમિક શાળાઓમાં અંગ્રેજી શિક્ષણ ફરજિયાત કર્યું છે. શિક્ષણના ક્ષેત્રે આ નોંધપાત્ર બદલાવ છે.

બહુભાષી ભારતમાં બોલાતી ભાષા બાબતમાં અંગ્રેજીનો ક્રમ ચુંમાળીસમો છે. પરંતુ સૌ કોઈ અંગ્રેજી બોલવા માંગે છે. આંધ્રપ્રદેશની વડી અદાલતે જ્યારે સરકારને શિક્ષણના માધ્યમ તરીકે અંગ્રેજી દાખલ કરતી અટકાવતો ચુકાદો આપ્યો ત્યારે સરકાર લોકો પાસે ગઈ અને રાજ્યના ૯૬ ટકા વાલીઓએ અંગ્રેજી માધ્યમની તરફેણ કરી. દેશના ઘણા રાજ્યો ક્રમશ: અંગ્રેજી માધ્યમ દાખલ કરી ચૂક્યા છે. કેટલાક રાજ્યોમાં તાલુકાદીઠ દર વરસે પાંચ અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ કરવામાં આવી છે. ગણિત અને વિજ્ઞાનના પાઠયપુસ્તકો અંગ્રેજીમાં જ તૈયાર કરનારા રાજ્યો મોટી સંખ્યામાં છે. આંધ્રપ્રદેશમાં લગભગ ૬૫,૦૦૦ પ્રાથમિક શાળાઓ કે સરસ્વતીના મંદિરો છે, જેમાં પંચોતેર ટકા સરકારી છે. તે તમામમાં હવે ફરજિયાતપણે શિક્ષણનું માધ્યમ અંગ્રેજી હશે.

૨૦૧૯ની રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં માતૃભાષાના શિક્ષણને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. બીજી તરફ અંગ્રેજી શિક્ષણનો વ્યાપ દેશમાં વધી રહ્યો છે. એકવીસમી સદીના પડકારો ઝીલવા અને વિધ્યાર્થીઓને કારકિર્દીની પસંદગીમાં સરળતા રહે તે હેતુસર શિક્ષણનું માધ્યમ અંગ્રેજી કરવામાં આવી રહ્યાનું કહેવાય છે. વિશિષ્ટ ભાષાકીય સ્થિતિને કારણે જમ્મુ-કશ્મીરમાં વરસોથી શિક્ષણનું માધ્યમ અંગ્રેજી છે.પણ તેથી ત્યાંના બાળકો કંઈ વિશેષ મેળવી શક્યા નથી. તે પણ હકીકત છે.

એક અધ્યયન મુજબ દેશનો દર પાંચે એક પુખ્ત ભારતીય અંગ્રેજી બોલી શકે છે. પરંતુ અસ્ખલિત અંગ્રેજી બોલી શકતા ભારતીયો તો દેશમાં ચાર જ ટકા છે. તેમાં પુરુષો ૨૬ ટકા અને મહિલાઓ ૧૪ ટકા છે. તો પછી અંગ્રેજીની આટલી બધી હાયવોય હોવાનું કારણ શું ? કેમ કે અંગ્રેજી આંતરરાષ્ટ્રીય ભાષા છે. અંગ્રેજી ન જાણતી વ્યક્તિ પણ અઢીસો-ત્રણસો અંગ્રેજી શબ્દો જાણે છે. આટલો વિકાસ અને વિસ્તાર બીજી કોઈ ભાષાનો થઈ શક્યો નથી. એટલે તે અનિવાર્ય લેખાય છે. બજારની  ભાષા તરીકે અંગ્રેજીનું મહત્વ સ્વયંસ્પષ્ટ છે. અસ્ખલિત અંગ્રેજી બોલી શકતા પુરુષોને ૩૫ ટકા અને મહિલાને ૨૨ ટકા પગાર વધારે મળવાની શક્યતા જણાઈ છે.

કેળવણીકારો શિક્ષણનું માધ્યમ સ્થાનિક કે માતૃભાષા જ હોય પણ  બાળકનું અંગ્રેજી ઉત્તમ હોય તેમ જણાવે છે. પરંતુ અનુભવે જણાયું છે કે આ શક્ય બન્યું નથી. ત્રિભાષા નીતિને કારણે માધ્યમિક શાળાએથી અંગ્રેજી શીખતા બાળકોનું અંગ્રેજી નબળું જ રહ્યું છે. અંગ્રેજીના પૂરતા અને યોગ્ય શિક્ષકોનો અભાવ પણ તેનું એક કારણ છે. શિક્ષણના માધ્યમને અમીર અને ગરીબની દ્રષ્ટિએ પણ મૂલવવાની જરૂર છે. માતૃભાષામાં સરકારી શાળાઓમાં ભણતા બાળકો ગરીબોના જ હોય છે અને અમીરોના બાળકો ખાનગી શાળાઓમાં અંગ્રેજી મીડિયમમાં ભણે છે. એટલે ગરીબોને પોતાના પછાતપણાનું કારણ અંગ્રેજી શિક્ષણનો અભાવ લાગે છે .એટલે તેઓ આર્થિક તંગી વેઠીને પણ પોતાના સંતાનોને ખાનગી શાળામાં અંગ્રેજીનું શિક્ષણ આપવા માંગે છે.

અંગ્રેજી માધ્યમમાં શિક્ષણનો વ્યાપ વધતાં માતૃભાષાઓ મરી પરવારશે તેવી દલીલ થાય છે. તો અંગ્રેજીના સમર્થકો પૂછે છે કે અમીરોના બાળકો આટલા મોટા પ્રમાણમાં અંગ્રેજી ભણે છે ત્યારે માતૃભાષાના હિતચિંતકો કેમ સવાલ ઉઠાવતા નથી.? જ્યારે સરકારોને ગરીબોના હિતમાં સરકારી શાળાઓમાં ફરજિયાત અંગ્રેજી મીડિયમ દાખલ કરવું પડે છે ત્યારે જ કેમ માતૃભાષાની ચિંતા કોરી ખાય છે ?. કે. કામરાજથી નરેન્દ્ર મોદી સુધીના રાજનેતાઓ અંગ્રેજી શિક્ષણ મેળવી શક્યા નથી કે અંગ્રેજી બોલી શકતા નથી. પણ સચિન પાયલટ, આદિત્ય ઠાકરે, અખિલેશ યાદવ , નિર્મલા સિતારમણ અને જગમોહન રેડી અંગ્રેજી માધ્યમમાં ભણ્યા છે.એટલે કોઈ રાજનેતા ગરીબોના બાળકોના હિતમાં અંગ્રેજી શિક્ષણની તરફદારી કરે તો ખોટું શું છે ?

દેશની ઉપલી અદાલતોનું સંપૂર્ણ કામકાજ અંગ્રેજીમાં જ ચાલે છે. મુખ્યમંત્રીઓ અને વડીઅદાલતોના ચીફ જસ્ટિસોની પરિષદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ન્યાય જનતાની ભાષાથી જોડાયેલો હોવો જરૂરી હોવાનું જણાવ્યું હતું. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાએ પણ આમ આદમીને તેની ભાષામાં ન્યાય ઉપલબ્ધ કરાવવાની જરૂરિયાત સ્વીકારી હતી. તાજેતરમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે હિંદીને અંગ્રેજીનો વિકલ્પ બનાવવા સૂચવ્યું છે. સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતોના ચુકાદાના હિંદી અનુવાદ સર્વસુલભ બને તે માટે સર્ચ એન્જિન અને એપ બનાવવામાં આવી રહી છે. તમિલનાડુમાં “નીટ’ની પરીક્ષાનો વિરોધ અંગ્રેજી માધ્યમના કારણે થયો છે.આ વરસના પચીસ યુપીએસસી ટોપર્સમાં બે હિંદી માધ્યમના છે. પણ યુપીએસસીમાં હિંદી માધ્યમ પસંદ કરનારા ઘટી રહ્યા છે. ! આવા વિરોધાભાસો વચ્ચે દેશમાં અંગ્રેજીનું શિક્ષણ વધી રહ્યું છે.!


શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.