નલિન શાહની નવલકથા : પ્રથમ પગલું – પ્રકરણ ૭૫

હૃદયમાં ઊંડે સંઘરેલી આસિતના મિલનની આશા હવે નહોતી રહી

નલિન શાહ

સાંજે મલ્લિક બાસુની સાથે આવી પહોંચ્યા. આખો દિવસ માનસી અને ફિલોમિના હોસ્પિટલમાં જ હતાં. બપોરે બાસુની પત્ની બંને માટે લંચ લઈને આવી. શિષ્ટાચાર ખાતર એમણે થોડું ચાખવા જેટલું ખાધું અને પલંગની પાસે બેસી રહ્યાં. માનસી આખરી પળ સુધી આસિતનો સાથ દેવા માંગતી હતી. ભલે એ પળ ગમે તેટલી દૂર હોય!

આસિતે ડૉ. મલ્લિકને પોતાની નજદીક આવવાનું કહ્યું. મલ્લિક પલંગ પાસે આવીને આસિતની કોઈ આજ્ઞાની વાટ જોતો ઊભો રહ્યો. માનસી અને ફિલોમિના પલંગની પાસે જ બેઠાં હતાં. ‘રોહિત!’  આસિતે મલ્લિકને સંબોધીને પૂછ્યું, ‘મારે કારણે તારે ઘણું સહન કરવું પડ્યું છે, નહીં? ફિલોમિનાને પણ તારે નારાજ કરવી પડી. હું જાણું છું તું એને ચાહે છે. બોલ લગ્ન કરીશ ને?’

મલ્લિકે જવાબ ના આપ્યો. આસિતે ફિલોમિના સામે જોયું. એ મોઢું નીચું રાખીને બેસી રહી.

‘હું બંનેની ચુપકીદીનું કારણ સમજી શકું છું.’ માનસી બોલી, ‘એટલે બંને વતી હું જ જવાબ આપીશ, અને જવાબ ‘હા’ છે.

‘તો રોહિત! ફિલુને તારી વીંટી પહેરાવ, ભલે એ થોડી મોટી હોય.’

ડૉ. મલ્લિકે વીંટી કાઢીને આગળ કરી. ફિલોમિનાએ મોઢું નીચું રાખીને જ હાથ લાંબો કર્યો. મલ્લિકે એને વીંટી પહેરાવી અને બંનેએ આસિતના પગમાં માથા ઢાળ્યાં.

મોઢા પર સંતોષનો ભાવ પ્રકટ કરીને આસિતે કહ્યું, ‘બસ, મારું કાર્ય પૂરું થયું. જે કાનૂની કાર્યવાહી કરવી હોય એ પછી કરજો.’ અને ફિલોમિનાને નજદીક બોલાવી કહ્યું, ‘ફિલુ, જે મૂડી મેં બુઢાપા માટે ફિક્સ ડિપોઝિટમાં રાખી છે એ હું બાસુને કહીશ કે તારા લગ્નની ભેટ તરીકે તને સોંપી દે.’

સાંભળીને ફિલોમિનાની આંખમાંથી આંસુના ટીપાં સરી પડ્યાં. ‘આ તારી જિંદગીમાં મહત્ત્વનો પ્રસંગ છે. રડવાનું ના હોય!’ આસિતે કહ્યું. ‘અરે!’ થોડી વાર થંભીને આસિત બોલ્યો, ‘એક વિનંતી કરું છું કે માનસીનો સાથ કદી ના છોડતી.’

‘એ તો સર, તમે ન કહ્યું હોત તો પણ નહોતી છોડવાની.’

આસિતે આભાર વ્યક્ત કરવા હાથ જોડ્યા અને આંખ મીંચીને પડી રહ્યો.

ડૉ. આસિત બેનર્જીનું નામ જાણીતું હતું અને એમના હાથ નીચે તાલીમ પામેલા તેમજ એમની સેવામાં સતત હાજર રહેતા ડૉ. બાસુ ચિતરંજન હોસ્પિટલના ડાઇરેક્ટર હોવાના કારણે આસિતની વધુ કાળજી લેવાતી હતી. બાસુની પત્નીએ માનસીને ઘરે આવી આરામ કરવાનું સૂચન કર્યું, પણ માનસી ન માની. એણે ઘરેથી માનસી અને ફિલોમિના માટે ખાવાનું અને ચાનું થર્મોસ મંગાવ્યાં. એમણે કેવળ ચા પીધી. ખાવાનું એમ જ પડી રહ્યું.

કોઈ પણ પ્રકારની વ્યથા અનુભવ્યા વગર વહેલી સવારે આસિતે છેલ્લો શ્વાસ લીધો.

અંતિમ વિધિ માટે શહેરના અગ્રગણ્ય ડૉક્ટરો આવીને નતમસ્તક ઊભા રહ્યા. કોઈ પણ ઐાપચારિક વિધિની આવશ્યકતા નહોતી. આસિતે એનું શરીર હોસ્પિટલને દાન કર્યું હોવાથી અને નિર્જીવ શરીરને ટ્રોલી પર મૂકી બધા મોર્ચ્યુઅરી (શબગૃહ) તરફ દોરાયા. ફિલોમિનાએ માનસીનો હાથ થામ્યો હતો. નાનીની વિદાય પછી ઘણા વર્ષે એણે તીવ્ર વિષાદની પળ અનુભવી. હૃદયમાં ઊંડે સંઘરેલી આસિતના મિલનની આશા હવે નહોતી રહી. જિંદગીમાં સાથ આપવા એનો દીકરો હતો, ફિલોમિના હતી, રાજુલ અને સુનિતા હતાં, છતાં માનસીને એકલતાનો ભાસ થયો. નિસ્તબ્ધ થઈને એ ટ્રોલીની પાછળ યંત્રવત્‌ દોરાઈ; બસ એવી જ રીતે જે રીતે વર્ષો પહેલાં નાનીની ઠાઠડી ઊંચકીને સ્મશાન તરફ દોરાઈ હતી.

ડૉ. બાસુ અને એની પત્નીએ માનસીને એમના મહેમાન તરીકે બે-ચાર દિવસ વધુ રોકાવાનો પ્રેમપૂર્વક આગ્રહ કર્યો. પણ માનસીએ નમ્રતાવશ આમંત્રણને સંજોગવશાત્‌ સ્વીકારી ન શકવાની વિવશતા જાહેર કરી.

એક સમય એવો હતો જ્યારે બંગાળી સંસ્કૃતિ, બંગાળી ભાષા અને બંગાળી સંગીતે એને બહુ જ પ્રભાવિત કરી હતી. રવિન્દ્રનાથ ટાગોર રચિત ‘રવિન્દ્રસંગીત’ના નામે પ્રચલિત થયેલી ધૂનોએ એને આકર્ષિત કરી હતી. ક્યારેક કલકત્તાનું વાતાવરણ માણવાનો અને ટાગોરની કર્મભૂમિ શાંતિનિકેતનની મુલાકાતે જવાનો મનસૂબો સેવ્યો હતો, પણ હવે એનો મોહ ઓસરી ગયો હતો. હવે કલકત્તા વસમું લાગ્યું. ફિલોમિના અને ડૉ. મલ્લિક સાથે વહેલામાં વહેલી ફ્લાઇટ લઈ મોડી સાંજે માનસી મુંબઈ પાછી ફરી.

આવતાવેંત અર્જુને કુતૂહલવશ અચાનક કલકત્તા જવાનું કારણ પૂછ્યું તો ‘જરૂરી કામ હતું’ જેવો ટૂંકો જવાબ આપીને સાસુની તબિયતની પૂછપરછ કરી માનસી એના ફ્લેટમાં ચાલી ગઈ. ખાવા-પીવાની કોઈ ઇચ્છા નહોતી. શાવરબાથ કરીને ટ્રાન્કવીલાઈઝરની એક ગોળી લઈને સૂઈ ગઈ.

મોડી સવારે માનસી ઊઠી ત્યારે ફિલોમિના એની રાહ જોતી ડ્રોઇંગ રૂમમાં બેઠી હતી. માનસીના ફ્લેટની એકસ્ટ્રા ચાવી કેવળ એની પાસે જ હતી.

‘ફિલુ, આજે હું ઘરમાં જ છું. હોસ્પિટલમાં ન જાઉં તો એ ચાલે તેમ છે. જો કોઈ ઇમરજન્સી ના હોય તો મને એકલી જ રહેવા દેજે.’

‘સારું!’ કહીને ફિલોમિના ઊભી થવા જતી હતી ત્યાં જ માનસીએ એને રોકી, ‘ફિલુ, શું નિર્ણય કર્યો તેં વિધિસર લગ્નની બાબતમાં? તારી કોઈ વાત થઈ મલ્લિક સાથે કલકત્તામાં?’

‘વિસ્તારથી નથી થઈ. મેં ફકત મારી ગેરસમજ માટે માફી માંગી.’

‘તો એણે શું કહ્યું?’

‘એણે વાતને કોઈ મહત્ત્વ ના આપ્યું. એણે એટલું જ કહ્યું કે વાત જ ગેરસમજ ઉપજાવે એવી હતી. એને સંતોષ એ વાતનો હતો કે હવે એણે કોઈ વાતનું નિરાકરણ કરવાની જરૂરિયાત નહોતી રહી,  કારણ આપણને એ વાતનો અણસાર આવી ગયો હતો કે તારી અંગત બાબતમાં ઇન્ક્વાયરી એ કેવળ ડૉ. આસિતની જાણ માટે કરતો હતો.’

‘એણે તારા ધર્મપરિવર્તનની બાબતમાં કોઈ ચોખવટ કરી?’

‘એણે એટલું જ કહ્યું કે ધર્મનું પાલન મારા સંસ્કાર અને માન્યતાનો વિષય હતો; એમાં એ દખલગીરી નહીં કરે. મેં મજાકમાં એમ પણ પૂછ્યું કે હું મરી જાઉં તો? તો એણે કહ્યું કે કોઈ પાદરીના હસ્તક મારી દફનક્રિયા કરાવશે, પણ મારે એની દફનક્રિયા કરાવવાની નહીં.’

“કેમ, તું હિન્દુ છે એટલે?” મેં પૂછ્યું તો કહ્યું, “ના, મને અંદર ગૂંગળામણ થાય.” ફિલોમિનાએ હસીને કહ્યું.

માનસી મુગ્ધ થઈને સંભળી રહી.

‘ફિલુ, મલ્લિક તારે માટે વરદાનરૂપ છે.’ માનસી બોલી, ‘સફળ ડૉક્ટર છે અને વ્યક્તિ તરીકે ખૂબ જ સજ્જન અને ઇમાનદાર છે. આસિતનો માનીતો હતો એ એનું સૌથી મહત્ત્વનું ક્વૉલિફિકેશન છે. વધુ સમય ના લંબાવ. ભલે તારાથી ચાર-પાંચ વરસ નાનો હોય ઉંમરમાં; પણ જો એને વાંધો ના હોય તો પછી તારે શું છે?’

ફિલોમિનાએ સંમતિસૂચક માથું હલાવ્યું

‘તો હું વાત કરી લઈશ એની સાથે.’ કહીને માનસીએ એને વિદાય કરી.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.