“ગોઈંગ પોસ્ટલ” : તમને કાર્યસ્થળે “હત્યાકાંડ” આચરવા જેટલો ક્રોધ આવે ખરો?!

ભાત ભાત કે લોગ

જ્વલંત નાયક

        ‘ગોઈંગ પોસ્ટલ’ શબ્દ આપણે ત્યાં એટલો પ્રચલિત નથી. એની પાછળની લોહીયાળ હિસ્ટ્રી વિષેની વાત પછી, પહેલા વર્કપ્લેસ એન્ગર – કામકાજના સ્થળે વિવિધ કારણોસર પેદા થતાં અનિયંત્રિત ક્રોધ વિષે જાણીએ. ‘વર્કપ્લેસ એન્ગર’ એ બહુ ગંભીરતાથી હેન્ડલ કરવો પડે એવો વિષય છે. સ્ટ્રેસફુલ વાતાવરણ, કાર્યપદ્ધતિ કે વળતર પ્રત્યે અસંતોષ, ગ્રાહકો-સહકર્મીઓ સાથેના અણબનાવથી માંડીને આર્થિક કે જાતીય શોષણ અને અંગત જીવનની સમસ્યાઓ જેવા અઢળક કારણોસર કામકાજના સ્થળે માનવી ન કરવાનું કરી બેસે છે! એક અંદાજ મુજબ એકલા અમેરિકામાં કુલ વર્કિંગ ફોર્સ (કામકાજી લોકો) પૈકી બે થી ત્રણ ટકા લોકો વર્ષમાં એકાદ વખત તો એવો પિત્તો ગુમાવતા હોય છે, કે સહકર્મીઓ સાથે ધક્કામુક્કી અને રીતસરની લાફાવાળી થઇ જાય! આ આંકડા તો માત્ર શારીરિક હુમલાઓ અંગેના જ છે, જેમાં માણસ સીધો મરવા-મારવા પર ઉતરી આવીને શારીરિક ગડદાપાટુથી માંડીને ગોળીબાર સુધીનું પરાક્રમ કરી બેઠો હોય! એ સિવાય ઉગ્ર બોલાચાલી કે ગાળાગાળી તો અલગ! કેટલાક કિસ્સાઓમાં તો વળી અંગત જીવન અને કાર્યસ્થળની સમસ્યાઓનું ફ્રસ્ટ્રેશન સાવ જુદી જ રીતે બહાર નીકળે છે.

પ્રતિકાત્મક તસવીર – નેટ પરથી

એક વિચિત્ર કિસ્સો તાજેતરમાં જ અમેરિકાથી સામે આવ્યો છે. અલાબામાની જેલમાં ગાર્ડ તરીકે જોબ કરતી ૫૬ વર્ષની લેડી ઓફિસર વિકી વ્હાઈટનું દિલ પોતાનાથી ઘણી નાની ઉંમર ધરાવતા ૩૮ વર્ષના કેસે નામના વ્યક્તિ પર આવી ગયું! આજના સોશિયલ નેટવર્કિંગના જમાનામાં નિવૃત્તિની વયે કોઈ પોતાનાથી અડધી ઉંમરની વ્યક્તિના પ્રેમમાં પડે એ સાવ અજુગતું ન ગણાય. પણ આ કિસ્સામાં મગજ પર હથોડો વાગે એવી બાબત એ હતી કે પેલો કેસે ખુદ એક રીઢો ગુનેગાર હતો, અને વિકી જ્યાં ગાર્ડ તરીકે નોકરી કરતી હતી, એ અલાબામાની જેલમાં જ લાંબી સજા કાપી રહ્યો હતો! જેલના સળિયાની સામસામી બાજુએ ધબકતા બે હૈયા ગાંઠે બંધાયા! વિચારવાનું એ છે કે શું આ મામલો વિશુદ્ધ પ્રેમનો જ હશે? વખત જતા થયું એવું કે બેય પ્રેમી પંખીડા કેસેને તબીબી સારવાર અપાવવાના બહાને નાસી છૂટ્યા! સાઉથની કોઈ ફિલ્મને ય ટક્કર મારે એવા આ પ્લોટમાં કરુણ ટ્વિસ્ટ ત્યારે આવ્યો, જ્યારે એક હોટેલમાં સંતાયેલા આ કજોડાને પોલીસે ઝડપી પાડ્યું! એ વખતે નામોશી અને ફૂલપ્રૂફ પ્લાન બનાવ્યો હોવા છતાં ઝડપાઈ જવાના ફ્રસ્ટ્રેશનને કારણે વિકીએ પોતાની જ ગનથી આત્મહત્યા કરી!

અહીં પ્રશ્ન એ છે કે જમાનાની ખાધેલ એવી એક લેડી ઓફિસરે આ આખું ગાંડપણ કયા સંજોગોમાં આચર્યું? શું પોતાની બોરિંગ રૂટિન લાઈફથી એ એટલી હદે ઉબાઈ ગઈ હશે કે સાવ ખોટા પાત્રના ચક્કરમાં પડી? કે પછી અંગત-વ્યાવસાયિક જીવનની સમસ્યાઓથી ત્રાસીને એણે જીવન ભળતી જ દિશામાં – ‘ડેડએન્ડ’ તરફ વાળી દીધું?! મનોવૈજ્ઞાનિકોને રિસર્ચ માટે પૂરતું મટિરિયલ મળી રહે એવી આ ઘટના છે. માની લઈએ કે પ્રેમ અને આત્મહત્યા અંગેના સાવ વિચિત્ર નિર્ણયો લેનાર વિકી વ્હાઈટ અંગત જીવનમાં હતાશા-ફ્રસ્ટ્રેશનથી પીડાતી હશે. ઘણાને લાગશે કે આ આખા ‘કાંડ’ બદલ પોતાની સમસ્યાઓથી ફ્રસ્ટ્રેટ થઇ જનાર વિકી વ્હાઈટ પૂરેપૂરી જવાબદાર ગણાય. હવે બીજી શક્યતા વિચારીએ. ધારો કે એણે ‘લફરું’ કરવાને બદલે પોતાનું ફ્રસ્ટ્રેશન જુદી રીતે કાઢ્યું હોત… અને પોતાની સર્વિસ રિલ્વોલ્વરથી જેલના વીસ-પચીસ કેદીઓ કે સહકર્મી પોલીસોને ભડાકે દઈ દીધા હોત તો? હોને કો તો કુછ ભી હો સકતા થા!

અહીં થોડા વર્ષો પૂર્વેની બીજી એક સત્યઘટના યાદ આવે છે, જેમાં સુરતના એક તબીબ મિત્ર સંકળાયેલા હતા. આજે પણ એ ઘટના યાદ કરીને રૂંવાડા ઉભા થઇ જાય છે. વાત એમ બની કે સુરત નજીક આવેલા ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટમાં એક ભૂતપૂર્વ આર્મીમેન સિક્યોરીટી ઓફિસર તરીકે ફરજ બજાવતો હતો. લશ્કરમાં નોકરી કરી હોય એટલે શિસ્તના પાઠ લોહીમાં ઉતરેલા જ હોય. વળી આધેડ વયની ઉંમરે મગજ પણ પ્રમાણમાં શાંત, ઠરેલ હોય. પણ આ સિક્યોરીટી ઓફિસર કોઈક કારણોસર પોતાના કાર્યસ્થળના વાતાવરણથી અસંતુષ્ટ હતો. જેને પરિણામે એને વારંવાર બ્લડપ્રેશર ઊંચું જતું અને ભયંકર ક્રોધ આવતો. એક દિવસ તો ક્રોધ એવો વકર્યો કે તાબડતોબ ડોક્ટર પાસે લઇ જવાની નોબત આવી! કોઈ હથિયારધારી માણસ આમ અતિશય ક્રોધે ભરાય, એ બહુ જોખમી નીવડી શકે. આ ભાઈ પાસે પણ લાઈસન્સવાળી બંદૂક હતી. સહકર્મીઓ એને જેમતેમ સમજાવી પટાવીને સિટીમાં ફરવા જવાને બહાને ડોક્ટર સુધી લઇ આવ્યા, પરંતુ એક્કેય સહકર્મીની એવું બોલવાની હિંમત ન થઇ, કે સાહેબ પહેલા બંદૂક બાજુએ મૂકો, પછી વાત કરીએ! હથિયારધારી માણસનો પિત્તો ફાટ્યો હોય ત્યારે ડહાપણ ડહોળવા જઈએ તો પેલો ધાંય ધાંય કરીને છાતીમાં બાકોરા પાડી દે!

ત્રણેક મિત્રોની ટોળી બહાના બનાવીને જેમ તેમ ડોક્ટર મિત્રના ક્લિનિક સુધી પહોંચી ત્યાં સુધી તો કંઈકે ઠીક હતું, પણ  ડોક્ટરે જ્યારે મન શાંત કરવા માટે દવા આપવાની અને કાઉન્સેલિંગ કરવાની વાત કહી, ત્યારે ગનમેનનો પારો છટક્યો! “તમે લોકો મને છેતરીને ગાંડો સાબિત કરવા માંગો છો?!” આવું કહીને એણે તો સીધી ડોક્ટરમિત્ર સામે જ બંદૂક તાણી દીધી! આતા માઝી બરોબર સટકલી!

ડોક્ટરે ધીરજથી કામ લઈને બાકીના તમામ લોકોને કન્સલ્ટિંગ રૂમની બહાર કાઢ્યા. પોતાના મદદનીશને ઇશારાથી સમજાવીને તાબડતોબ સાઈકિયાટ્રિસ્ટને બોલાવવા માટે કહ્યું. એ પછી સાઈકિયાટ્રિસ્ટ આવ્યા ત્યાં સુધી પેલા ડોક્ટર મિત્ર પોતાની તરફ તકાયેલી બંદૂકના નાળચા સામે બેસી રહ્યા! કેવી મુશ્કેલ ક્ષણો હશે એ! જો એક શબ્દ પણ આડોઅવળો બોલાઈ જાય તો ‘લાઈફ એન્ડ ડેથકા મામલા’ વાળો સીન હતો! આ દરમિયાન પેલા બંદૂકબાજ ભાઈ કંપની મેનેજમેન્ટથી માંડીને સહકર્મીઓને સતત ગાળો ચોપડાવતા રહ્યા, બખાળા કાઢતા રહ્યા, અને ડોક્ટર સહિતના બધાને ભડાકે દેવા માટે લોડેડ બંદૂક તાકતા રહ્યા! બધા ચૂપચાપ આ તમાશો જોતા રહ્યા. કોઈએ કશું બોલવું નહિ, એવો ઈશારો ડોક્ટરે કરી દીધેલો, જેથી પેલા બાબુમોશાય બંદૂકબાજનું બધું ફ્રસ્ટ્રેશન બહાર નીકળી જાય! ગોળીઓ ખાવી એના કરતા ગાળો ખાઈ લેવી સારી!

આખરે બધો પ્રકોપ ઠલવાઈ ગયો, પછી ભાઈ જરા કુણા પડ્યા. પછી તો સાઈકિયાટ્રિસ્ટની સારવાર બાદ બધું નોર્મલ થઇ ગયું. એક વાર પૂરેપૂરો ગુસ્સો નીકળી ગયા બાદ રાક્ષસ જેવો હિંસક લાગતો એ સિક્યોરીટી ઓફિસર ઢીલોઢફ્ફ થઇ ગયો હતો. જે મિત્રો જુઠું બોલીને ડરતા ડરતા ગનમેનને ડોક્ટર સુધી લઇ આવેલા, એ મિત્રોએ એ જ ગનમેનને રીતસર ટેકો આપીને રીક્ષામાં બેસાડવો પડ્યો! એની બંદૂક પણ બીજાએ ઊંચકી લેવી પડી!

હવે જરા વિચારો, જો આ કેસમાં સમયસર સારવાર ન મળી હોત, અથવા પેલા ડોક્ટર મિત્રથી પરિસ્થિતિને હેન્ડલ કરવામાં કંઈક કાચું કપાઈ ગયું હોત, તો એ દિવસે બાબુમોશાય બંદૂકબાજે ઓછામાં ઓછી ચાર-પાંચ જણના ઢીમ ઢાળી દીધા હોત!

પ્રતિકાત્મક તસવીર – નેટ પરથી

જે કર્મચારીઓ હથિયારધારી હોય છે, એમને ગમે એવા વિપરીત સંજોગોમાં મગજ પર કાબૂ જાળવી રાખવાની વિશિષ્ટ ટ્રેનિંગ અપાવી જોઈએ. જો કે મહત્વની વાત એ છે કે માત્ર હથિયારધારી કર્મચારીઓ જ ‘ડેન્જરસ’ સાબિત થાય, એવી માન્યતા સાવ ભૂલભરેલી છે. તમને જાણીને નવાઈ લાગશે, પણ અમેરિકામાં વર્કપ્લેસ ઉપર થયેલા કેટલાક અત્યંત કુખ્યાત સામુહિક હાત્યાકાંડો પાછળ પોલીસમેન કે લશ્કરી જવાન નહિ, પણ સીધાસાદા ‘જેન્ટલમેન’ જણાતા પોસ્ટખાતાના કર્મચારીઓ જવાબદાર હતા!

અમેરિકામાં થયેલા સામુહિક હત્યાકાંડોના ઇતિહાસમાં ‘એડમંડ પોસ્ટ ઓફિસ શૂટિંગ’નો કેસ જાણીતો છે. પોસ્ટખાતાનો કર્મચારી પેટ્રિક શેરિલ ઓકલાહામાના એડમંડ શહેર ખાતે ફરજ બજાવતો હતો. અમુક લોકોને મતે પેટ્રિક શેરિલ ચિડિયા સ્વભાવનો અનિયમિત કર્મચારી હતો. તો બીજા ઘણા એવું કહેતા હતા કે પેટ્રિક જૈસા કોઈ નહિ! એ માણસ પોતાના કામને સમર્પિત હતો, પણ મેનેજમેન્ટ દ્વારા એની વધુ પડતી હેરાનગતિ થઇ એમાં…! હકીકતે બનેલું એવું કે અમુક ટેકનિકલ કારણોસર પોસ્ટલ ડિલીવરી માટેનો પેટ્રિકનો રુટ રોજેરોજ બદલાતો હતો. સામાન્ય પોસ્ટમેન રોજ પોતાના નિયત કરેલા એરિયાની જ ટપાલ વહેંચવા નીકળતા હોય છે. પરંતુ પેટ્રિકનો એરિયા રોજેરોજ બદલી નાખવામાં આવતો. પેટ્રિક માટે રોજે રોજ નવા નવા રૂટ્સ પર સમયસર પહોંચવું શક્ય નહોતું, એટલે ઉપરી અધિકારીઓનો ઠપકો ખાવો પડતો. 19 ઓગસ્ટ, 1986ના દિવસે અધિકારીઓએ પેટ્રિકને રોજ કરતા જરા વધારે ધોઈ નાખ્યો. રોષે ભરાયેલા પેટ્રિકે બીજા દિવસે પોસ્ટ ઓફિસ પર ધસી જઈને પોતાના ઉપરી અધિકારીઓ સહિત એક પછી એક ચૌદ લોકોના ઢીમ ઢાળી દીધા! એ પછી એણે પોતે પણ આત્મહત્યા કરી લીધી.

પોસ્ટ ખાતાના કર્મચારીઓ દ્વારા આ પ્રકારની હિંસાનો આ પ્રથમ બનાવ નહોતો કે અંતિમ પણ નહોતો. 1991માં મિશિગનના રોયલ ઓક ખાતે થોમસ મેકલવેન નામના કર્મચારીને પોસ્ટ ખાતાએ પાણીચું પકડાવ્યું, એ પછી ફ્રસ્ટ્રેટ થઇ ગયેલા થોમસે ધડાધડ પાંચ લોકોને ગોળીએ દીધા, બીજા કેટલાક ઘાયલ થયા અને થોમસે પોતે પણ આત્મહત્યા કરી લીધી. આશ્ચર્યજનક બાબત એ છે કે અમેરિકન પોસ્ટ ડીપાર્ટમેન્ટઆ કર્મચારીઓ દ્વારા સમયાંતરે આવા હિંસક બનાવો બનતા જ રહ્યા છે. એટલે – ખાસ કરીને ‘એડમંડ પોસ્ટ ઓફિસ શૂટિંગ’ કેસ બાદ વર્કપ્લેસ પર કોઈ વ્યક્તિનો મગજનો બાટલો ફાટે, ત્યારે એના માટે ‘’ગોઈંગ પોસ્ટલ’ જેવો રૂઢિપ્રયોગ વપરાવા માંડયો!

મુદ્દાની વાત એ, કે ક્યારેક તમને ય જીવનની પરિસ્થિતિઓમાં વિચિત્ર નિર્ણયો લેવાની કે સામુહિક હત્યાકાંડો આચરી નાખવાની ચળ ઉપડતી જ હશે. એવા સમયે ઊંડા શ્વાસ લઈને જાતને કાબૂમાં રાખવી, નહિતર…! …અને મોરલ ઓફ ધી સ્ટોરી એ, કે ઉનાળાની આ ગરમીમાં ઓફિસના કોઈ સાથી કર્મચારી કે સ્ટાફ મેમ્બરની એ હદે હેરાનગતિ ન કરવી, જેથી એ ‘પોસ્ટલ’ બની જાય, અને તમારા આત્માનું પડીકું વાળીને સ્વર્ગાપુરી તરફ કુરિયર કરી નાખે! માઈન્ડ ઇટ!


શ્રી જ્વલંત નાયકનો સંપર્ક jwalantmax@gmail.com પર થઇ શકે છે.

Author: Web Gurjari

1 thought on ““ગોઈંગ પોસ્ટલ” : તમને કાર્યસ્થળે “હત્યાકાંડ” આચરવા જેટલો ક્રોધ આવે ખરો?!

Leave a Reply

Your email address will not be published.