ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન : સામવેદ – ૪૪

ચિરાગ પટેલ

उ. १३.५.९ (१४७९) धिया चक्रेण वरेण्यो भूतानां गर्भमा दधे । दक्षस्य पितरं तना ॥ (विश्वामित्र गाथिन)

એ અગ્નિ સર્વે યજ્ઞકર્મોમાં પ્રગટ થાય છે એટલે શ્રેષ્ઠ છે, પ્રત્યેક પ્રાણીમાં સંવ્યાપ્ત છે. વિશ્વપાલક અગ્નિને દક્ષપુત્રી યજ્ઞાદિ માટે ધારણ કરે છે.

સર્વે જીવ-જંતુઓ, પશુ પક્ષીઓ વગેરેમાં વિવિધ દેહધાર્મિક ક્રિયાઓ માટે અગ્નિ ઉપસ્થિત હોય છે. અગ્નિ વિના કોઈ પણ જીવન સંભવ નથી. જ્યાં જીવન નથી ત્યાં પણ વિવિધ સ્થૂળ કે સૂક્ષ્મ ક્રિયાઓ માટે અગ્નિ જ પ્રેરકબળ છે. એટલે, ઋષિ અગ્નિને શ્રેષ્ઠ ગણે એ ઉપયુક્ત જ છે. ઋષિ યજ્ઞવેદીને દક્ષપુત્રી કહે છે, જે અગ્નિને ધારણ કરે છે. દક્ષ પ્રજાપતિ પુરાણોમાં પ્રખ્યાત વ્યક્તિત્વ છે. તેમની એક પુત્રી સ્વાહા અગ્નિની પત્ની કહેવાય છે. એટલે, એ પૌરાણિક પાત્રોનું મૂળ આ સામમાં હોય એવું લાગે છે. વળી, દક્ષ એટલે કુશળ, કૌશલ્ય ધરાવનાર. યજ્ઞવેદી બનાવવી એ કૌશલ્ય માંગી લે એવું કામ જણાય છે.

उ. १३.६.१ (१४८०) आ सुते सिञ्चत श्रियँरोदस्योरभिश्रियम् । रसा दधीत वृषभम् ॥ (हर्यत प्रागाथ)

હે અધ્વર્યુઓ! આકાશ અને પૃથ્વીમાં દેદીપ્યમાન દૂધથી સોમનું મિશ્રણ કરો. પછીથી તે દૂધ બળશાળી સોમને આત્મસાત કરી લે છે.

સામવેદમાં અનેક સામ સોમપાન માટે દૂધ મિશ્રિત પેયનો ઉલ્લેખ કરે છે. આ સામમાં ઋષિ દૂધ મિશ્રિત કરવાનું કારણ આડકતરી રીતે જણાવે છે. અનેક આયુર્વેદિક ઔષધિઓ શરીર માટે ભારે હોય છે એટલે એ ઔષધિઓ દૂધ સાથે લેવાની પદ્ધતિ હોય છે. સોમરસ પણ શરીર માટે ભારે પડતો હશે એટલે એને દૂધ સાથે મિશ્રિત કરીને જ પીવાતો હશે. એવું ચોક્કસ કહી શકાય કે, સામવેદ કાળમાં આયુર્વેદ કે એના જેવી ચિકિત્સા પદ્ધતિ અસ્તિત્વમાં હશે.

અન્ય એક અર્થમાં જો સોમને ફોટોન પ્રવાહ ગણીએ તો એ પ્રવાહમાં ઉપસ્થિત ઘાતક કિરણોને પૃથ્વીનું વાતાવરણ જે દૂધ સમાન છે એ શોષી લે છે અને સૌમ્ય પ્રવાહને પૃથ્વીની સપાટી સુધી પહોંચવા દે છે.

उ. १३.६.३ (१४८२) उप स्रक्वेषु बप्सतः कृण्वते धरुणं दिवि । इन्द्रे अग्ना नमः स्वः ॥ (हर्यत प्रागाथ)

ભક્ષણ કરનારી જ્વાળાઓથી મળનાર અન્ન અને દૂધને, ઇન્દ્ર અને અગ્નિ યજ્ઞ દ્વારા આકાશમાં વિખેરી દે છે. ત્યાર પછી ઇન્દ્ર અને અગ્નિને સર્વે દૂધ આપે છે.

યજ્ઞમાં પ્રજ્વલિત અગ્નિ અને યજ્ઞકાર્ય સંપન્ન કરનાર ઋષિના મનરૂપી ઇન્દ્ર દ્વારા પ્રજ્વલિત જ્વાળાઓ આહૂતિઓને ભસ્મ કરી એમાં રહેલા તત્વોને આકાશમાં ફેલાવી દે છે. આ તત્વો પ્રકૃતિમાં વ્યાપ્ત સર્વે દેવરૂપી તત્વો સાથે ભળી, સૂર્યના કિરણોમાં રહેલ ઊર્જારૂપી દૂધ પાછું અગ્નિ અને ઇન્દ્રને આપે છે. અહી ઋષિ પૃથ્વી પર નિરંતર ચાલતા સર્વે પ્રાણીઓના ઊર્જા ચક્ર કે પ્રાણ ચક્રનો નિર્દેશ કરતા હોય એવું જણાય છે.

उ. १३.६.४ (१४८३) तदिदास भुवनेषु ज्येष्ठं यतो जज्ञ उग्रस्त्वेषनृम्णः । सद्यो जज्ञानो नि रिणाति शत्रूननु यं विश्वे मदन्त्यूमाः (बृहद्दिव आथर्वण)

સંસારના કારણભૂત સ્વયં બધાં લોકમાં પ્રકાશરૂપે સંવ્યાપ્ત થયા. જેનાથી પ્રચંડ તેજસ્વી બળયુક્ત સૂર્યનું પ્રાગટ્ય થયું, જેના ઉગવા માત્રથી શત્રુનાશ થઈ જાય છે. એમને જોઈને બધાં પ્રાણી હર્ષિત થઈ ઉઠે છે.

આ સામમાં ઋષિ પરમાત્મા કે બ્રહ્મનો નિર્દેશ કરે છે જે સર્વત્ર વ્યાપ્ત છે અને સર્વેનું કારણ છે. વળી, પ્રકાશિત અને ઊર્જાના સ્ત્રોતરૂપ સૂર્ય પણ એ જ પરમ તત્વમાંથી પ્રગટે છે એવું ઋષિ જણાવે છે. ઉપનિષદો અને અન્ય વેદાંત સાહિત્યમાં આત્મા-પરમાત્માનો જે વિચાર છે એના મૂળરૂપ આ પ્રકારના સામ કે ઋચાને ગણાવી શકાય.

उ. १३.६.९ (१४८८) अध त्विषीमाँ अभ्योजसा कृविं युधाभवदा रोदसी अपृणदस्य मज्मना प्र वावृधे । अधत्तान्यं जठरे प्रेमरिच्यत प्र चेतय सैनँ सश्चद्देवो देव सत्य इन्दुः सत्यमिन्द्रम् ॥ (गृत्समद शौनक)

હે ઇન્દ્ર! પોતાના સામર્થ્યથી કૃવિ નામના અસુરને આપે જીત્યો. અને તેજસ્વી થયેલ આપે આકાશ અને પૃથ્વીને તેજથી ભરી દીધાં. સોમપાનથી વધુ પ્રભાવશાળી બનેલ આપ સોમના એક ભાગને પોતાના પેટમાં અને બીજા ભાગને દેવો માટે રક્ષિત કરો છો. હે ઇન્દ્ર! સોમપાન માટે આપ અન્ય દેવોને પ્રેરિત કરો. સત્ય સ્વરૂપ દીપ્તિમાન દિવ્ય સોમ સત્ય સ્વરૂપ દેદીપ્યમાન ઇન્દ્રને પ્રાપ્ત થાય છે.

અતિશકવરી છંદમાં લખાયેલ આ સામ અનેક અક્ષરો ધરાવે છે. વાતાવરણમાં ઉપસ્થિત ચક્રવાત કે વાવાઝોડાના વાદળોને સંસ્કૃતમાં કૃવિ કહે છે. આ અસૂરને જીતી લેવો એટલે આવા વાદળોમાંથી વીજળી સહિત વર્ષા થવી. વળી, આવા મેઘથી સૂર્યના કિરણો અવરુદ્ધ થાય છે એટલે કે ઇન્દ્ર પોતાની પાસે એક ભાગ કિરણો રાખી અન્ય કિરણ પ્રવાહ પૃથ્વી પર જવા દે છે. આપણે જોઈ શકીએ છીએ કે, ગમે તેટલાં ઘોર વાદળો છવાયા હોય, પૃથ્વી પર સંપૂર્ણ અંધકાર નથી હોતો. વળી, ઋષિ પ્રકાશિત સોમ એટલે કે ફોટોન પ્રવાહને સત્ય સ્વરૂપ ગણે છે. વિદ્યુત સહિત ગર્જના કરતા મેઘને પણ ઋષિ સત્ય સ્વરૂપ ગણાવે છે. આ સામમાં પણ ઋષિ આડકતરી રીતે બ્રહ્મનો નિર્દેશ કરે છે અને બ્રહ્મનો પ્રકાશમય હોવાનો ગુણ જણાવે છે.


શ્રી ચિરાગ પટેલનાં સપર્કસૂત્રઃ
· નેટજગતનું સરનામું: ઋતમંડળ
· ઈ-પત્રવ્યવહારનું સરનામું: chipmap@gmail.com

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.