વ્યંગ્ય કવન
જો જો ચડતા નહી એમને રવાડે.
ધગધગતા કોલસા પર સંજવારી કાઢી જે પોતાના હાથને દઝાડે
જો જો ચડતા નહી એમને રવાડે.
શાણો તો સૂતેલા સૌને ઢંઢોળે પણ મૂરખ તો દેશને ડૂબાડે
જો જો ચડતા નહી એમને રવાડે.
પાંચ પાંચ વરસે તો આવ્યો છે ફાલ અને માંડ હાથ લાગ્યો આ મોકો
મૂળ સોતા આપણને વાઢવા મથે છે જુઓ દાંતરડા જેવા આ લોકો
ખાલી પડેલ એક ખુરશી જુએ ને દાઢ સળકે ને દાનત બગાડે
જો જો ચડતા નહી એમને રવાડે.
આવી મોસમમાં તો નીકળી પડે છે ભાઈ તળિયા વિનાનાં કૈંક લોટા
કઈ બાજુ ઢળશે ઈ નક્કી ના થાય આ તો ભેખડે ભરાતા પરપોટા
ઘરના’ય નથી ને વળી ઘાટના’યે નહીં, આ તો બાવાના બેઉ જે બગાડે
જો જો ચડતા નહી એમને રવાડે.
કૃષ્ણ દવે .
તા-૨૮ -૪-૨૦૨૨