ચેલેન્જ.edu
રણછોડ શાહ
એક જ શ્વાસે, વૃદ્ધાશ્રમનાં વૃદ્ધો કેવળ રટણ કરે છે,
ખુશી અમારી ખોવાણી છે, ક્યાંય તમે એ ભાળી છે?
-
-
-
-
- પીયૂષ ચાવડા
-
-
-
મનુષ્યજીવન સદ્ગુણો અને સુટેવોથી ભરપૂર છે, તો દુર્ગુણો અને કુટેવો પણ જિંદગી સાથે વણાયેલ છે. બાળપણ, કિશોરાવસ્થા અને તારુણ્ય સુધીમાં વ્યકિતના જીવનનું મહત્તમ ઘડતર થઈ જાય છે. આ વર્ષો દરમિયાન પ્રાપ્ત કરેલ અનુભવોના આધારે વ્યકિત જીવનમાં આગળ વધતો હોય છે. આ સમયગાળામાં પ્રાપ્ત થતા વડીલોમાં કેટલાક સગપણના નાતે જોડાતા હોય છે, તો કેટલાક મૈત્રીસંબંધોને કારણે જીવનમાં પ્રવેશતા હોય છે. સગાંઓ સાથે જન્મથી લોહીના સંબંધો બંધાઈ જાય છે. જ્યારે મિત્રો, પાડોશીઓ અને સહાઘ્યાયીઓ સાથે કામ અને વ્હાલના નાતે જન્મ બાદ સંબંધો સર્જાય છે. સંબંધોની કેમેસ્ટ્રીમાં ભાવના અને લાગણી મુખ્ય ઘટકો છે. સંબંધને સંપૂર્ણ બનાવવાને બદલે એને આજીવન ટકી રહે તેવો મજબૂત બનાવવાની કોશિશ કરવી જોઈએ.
છેલ્લા ત્રણચાર દાયકામાં કૌટુંબિક જીવનમાં અકલ્પનીય ફેરફારો પ્રવેશી ચૂકયા છે. વડીલો યુવાનો ઉપર દોષારોપણ કરે છે અને તરુણ-તરુણીઓ મોટેરાંઓનું વર્તન ભૂલ ભરેલું છે, તેમ જણાવી અરસપરસ જવાબદારીમાંથી છટકી પલાયનવાદી બની રહ્યા હોય તેવું નજરે પડી રહ્યું છે. સાચા અર્થમાં સામાજિક કે કોટુંબિક વિકાસ સહિયારી જવાબદારી છે.
એક દિવસ રોશન વૃદ્ધાશ્રમમાં તેના મિત્ર પ્રતિકના વૃદ્ધ માતાપિતાને મળવા જાય છે. રોશન આશ્રમમાં જઈ વડીલોના આશીર્વાદ પ્રાપ્ત કરવા તેમને પગે લાગે છે. તેની પીઠ ઉપર પ્રેમથી હાથ ફેરવતાં ફેરવતાં આશીર્વાદ આપતી પ્રતીકની વૃદ્ધ માતા એકદમ ગુસ્સે થઈ જાય છે. તે રોશનને કહે છે, “તું તારા મિત્રના વૃદ્ધ માતાપિતાની ખબર કાઢવા અહીંયાં આવ્યો છે. પરંતુ પ્રતિક તો અમારી સહેજ પણ કાળજી રાખતો નથી. તે તો અમારી સાથે હડકાયા કૂતરાની જેમ વ્યવહાર કરે છે!” વૃદ્ધા મોટે મોટેથી બરાડા પાડીને બોલી પોતાની જાતને કોસી રહી હતી. તે સંતાનો માટે અયોગ્ય અને અસભ્ય શબ્દોનો ઉપયોગ કરી રહી હતી. વૃદ્ધાનો ગુસ્સો અને આક્રંદની કલ્પના થઈ શકે તેમ છે. એન્જિનિયર પુત્ર અને ડૉકટર દીકરી તેમની કાળજી રાખતાં નથી. તેઓ કયારેય તેમને મળવા આવતા નથી.
રોશન બોલ્યો, “બા, તમારે તમારા બાળકો માટે આવા અપશબ્દો બોલવા જોઈએ નહિં.”
માતા પુનઃ વેદનાસભર વાણીમાં બોલી, “તેઓ બંને મોટા બંગલામાં તેમના સંતાનો સાથે સુખચેનથી રહે છે. તેમની સેવામાં સતત નોકરચાકર હાજર હોય છે. તેઓ મંદિરમાં જઈ લાખો રૂપિયાનં દાન કરે છે. પરંતુ થોડીક મિનિટો કે થોડાક રૂપિયા અમારે માટે વાપરવા તેયાર નથી.” તે ગમગીન બની, નિરાશાની ગર્તામાં ધકેલાઈ સંતાનો તરફ અત્યંત નકારાત્મક બની ગયા હતા. આ સમયે કેટલાક પાયાના ખ્યાલો અને કડવા સત્યો તરફ ઘ્યાન આપવાની ખાસ જરૂર છે.
કેમ કંઈ બોલો નહીં, શું દુ:ખ છે? મેં આટલું પૂછ્યું અને ડોસો કહે:
‘જીવ જેવો દીકરો મારો હતો, પણ એ હવે નિષ્ઠુર થઈ રૂઠી ગયો.
-
-
-
-
-
-
- પીયૂષ ચાવડા
-
-
-
-
-
રોશન બોલ્યો, “બા, હું તમને થોડાક પ્રશ્નો પૂછી શકું?”
વૃદ્ધાએ હકારમાં ડોકું હલાવતાં રોશને પૂછ્યું, “તમે તમારાં બાળકોને તમારા શરીરના ભાગરૂપે જન્મ આપ્યો છે. તમે તમામ સગવડો પૂરી પાડી તેમનો ઉછેર કર્યો છે.”
આ સાંભળતાં માતા બોલી ઊઠી, “હા, હા, ઘણીવાર અમે ભૂખ્યા રહીને પણ તેમને સારું સારું ખાવાનું ખવડાવ્યું છે.”
રોશને કહ્યું, “એટલે જ તો તેઓનું તન સ્વાસ્થ્યપૂર્ણ છે.”
આ સાંભળતાં જ માતા બરાડી ઊઠી, “પરંતુ હું શાપ આપું છું કે પ્રભુ હવે તેમની જિંદગી બરબાદ કરી નાંખે અને તેમનું સત્યાનાશ જાય.”
આ ઉદાહરણ શું સૂચવે છે? સમાજ સમક્ષ અનેક પ્રશ્નો મોં ફાડીને ઊભા છે. મમ્મી-પપ્પા બાળકોને એન્જિનિયર અને ડૉકટર બનાવવા તનતોડ પ્રયત્નો કરે છે. તેમની પાછળ ખર્ચ કરવા રાતદીવસ મહેનત કરી પૈસા કમાય છે. સંતાનો જે માંગે તે હાજર કરી દે છે. તેમની તમામ સવલતો અને માંગણીઓ પૂરી કરવામાં ગોરવ અનુભવે છે. બાળકો ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરે, મોટા પગારની નોકરી મેળવે, ધનના ઢગલા ઉપર બિરાજે, સમાજમાં નામના પ્રાપ્ત કરે વગેરે જેવા ઘ્યેયો જ તેમના જીવનમાં કેન્દ્રસ્થાને ગોઠવાઈ ગયા હોવાથી અન્ય પાયાની જરૂરિયાતો બાબતે તેઓ દુર્લક્ષ સેવતા થઈ ગયા છે.
આ સમય દરમિયાન માતાપિતા તેમને સામાજિક રીતરિવાજો, ઉચ્ચ કૌટુંબિક પરંપરાઓ, ભારતીય સંસ્કૃતિ, વડીલોને આદર આપવો, મોટેરાંઓને સન્માન આપવું અને તેમની કાળજી રાખવી જોઈએ તેવી પાયાની બાબતોનું શિક્ષણ આપવા બાબતે ઘ્યાન આપે છે ખરા? જેઓએ બાળકોને ઉછેર્યા છે તેમની વૃદ્ધાવસ્થામાં દરકાર રાખવાની સમજ આપી છે ખરી? દીકરી ડૉકટર થતાં સ્વાર્થી ન બને તે તરફ લક્ષ્ય આપ્યું છે? એન્જિનિયર દીકરો અયોગ્ય રસ્તે શ્રીમંત ન બને તેવી સમજ આપવાનો મમ્મી-પપ્પાએ પ્રયત્ન કર્યો છે ખરો? મૂલ્યલક્ષી જીવન જીવવા માટે કેવા પાયાના સદ્ગુણો આત્મસાત કરવા જોઈએ તેની કેળવણી આપી છે? વડીલો માને છે કે તેઓ પેટે પાટા બાંધીને બાળકોને મોટા કરે એટલે તેમની જવાબદારી પૂર્ણ થાય છે.
અહીંયા બે મોટી ભૂલો થાય છે :
(૧) જાતે તકલીફો વેઠીને બાળકોને મોટાં કરતાં વડીલો પોતાના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય તરફ બેદરકાર રહે છે. વ્યકિત ભૂખ્યો રહે ત્યારે શરીરમાં રહેલા કરોડો કોષો અપોષિત રહે છે. અજાણે તે જાત તરફ હિંસા આચરે છે.
(૨) અર્ધજાગ્રત મગજ એવી વિભાવનામાંથી આનંદિત થાય છે કે પોતે ભૂખ્યો રહીને પણ સંતાનોનો સારો ઉછેર કરે છે. આ સમાધાનવૃત્તિ અને ખુશી પ્રાપ્ત કરવાની રીત અયોગ્ય છે. સંતાનને ઉત્તમ વ્યાવસાયિકો બનાવી માનમરતબો પ્રાપ્ત કરવાની લ્હાયમાં પોતાની જિંદગી વેડફી નાંખવામાં તેઓ ગૌરવ અનુભવે છે.
જે બધી બુદ્ધિશક્તિ અને
ભલમનસાઈ લઈને બાળકો જન્મે છે
તેને ઉપયોગમાં કેમ લેવી,
એટલું જ જો આપણે શીખવી શકીએ તો કેવું સારું!
સંતાનોને આ પૃથ્વી ઉપર અવતારવા માટે તેમની પરવાનગી લેવામાં આવે છે? તેઓએ જન્મ આપવા માટે વિનંતી કરી હતી? તેમને જન્મ આપવો અને સારું વિચારશીલ મન આપવું તે તો પ્રત્યેક મમ્મી-પપ્પાનો ધર્મ છે. માતા જીજીબાઈએ શિવાજીને કેવી રીતે જન્મ આપ્યો? જીજીબાઈએ ગર્ભસ્થ અવસ્થામાં રામ-કૃષ્ણ, યુધિષ્ઠિર, હનુમાન વગેરેની વાતો દ્વારા અન્યાય સામે લડતાં શીખવ્યું. સત્યને માર્ગે ચાલવા, માનવીય વર્તણૂક કરવા અને જુલ્મી રાજાઓ સામે લડવાનું સમજાવ્યું. આ વાર્તાઓએ શિવાજીને મહાન બનાવ્યા. જયારે બીજી બાજુએ ધર્માંધ ઔરંગઝેબનો ઉછેર તેની માતાએ કેવી રીતે કર્યો હશે? માણસને બદલે રાક્ષસ બનાવવામાં આવ્યો. તેણે તેના પિતા શાહજહાંને જેલમાં નાંખી દીધા. અબ્દુલકલામનો ઉછેર તેમની માતાએ ગરીબાઈમાં કર્યો પરંતુ એવા સંસ્કાર આપ્યા કે તેઓ અત્યંત સન્માનિત વ્યકિત બન્યા. બીજી બાજુએ હિટલરનો ઉછેર પણ આર્થિક સંકડામણ વચ્ચે જ તેમની માતાએ કર્યો. પરંતુ બંને વચ્ચેનો તફાવત સ્પષ્ટ નજરે પડે છે.
દરેક વ્યકિતને તેની લાયકાત પ્રમાણે જ પ્રાપ્ત થાય છે. દરેક જણ પોતાના કર્મ માટે જવાબદાર હોવાથી તેને તેનું પરિણામ ભોગવવું જ પડે છે. પ્રત્યેક માતાપિતા તેના બાળકોના ઉછેર માટે સંઘર્ષ કરે જ છે. તેઓ બાળકોના વિકાસ માટે મુશ્કેલીઓ અને તકલીફો વેઠે જ છે. પરંતુ બાળકોને આ સિવાય પણ કેટલીક બાબતો શીખવવાની હોય છે. બાળકોને ગરીબીનો પણ અનુભવ કરાવવો પડે, મુશ્કેલીઓમાં રસ્તો કરતાં શીખવવું પડે અને તકલીકો કેવી રીતે દૂર કરી શકાય તેની સમજ આપવાની જવાબદારી વાલીની જ છે. માતાપિતાએ પ્રેમના ઓઠા હેઠળ પ્રતિકૂળ અનુભવોથી બાળકોને અળગા રાખવા યોગ્ય નથી. તેઓ મુશ્કેલીઓ વિશે કેવી રીતે જાણશે? તેમને ઉત્તમ વ્યાવસાયિકો બનાવવા વાલીઓ અઢળક ધનનો ખર્ચ કરે છે. પરંતુ કયારેય તેમને ઉત્તમ માનવ બનાવવા એક રૂપિયાનો પણ ખર્ચ કરવામાં આવે છે ખરો? તેઓને માત્ર ટયૂશન અને પરીક્ષામાં ઉત્તમ ગુણ લાવવાનું શિખવાડાય છે. નૃત્ય અને ગીતોની સ્પર્ધામાં પ્રથમ ક્રમ રાખવા તૈયાર કરવામાં આવે છે. બાળકોને કયારેય દવાખાનામાં કેન્સરના વોર્ડની મુલાકાતે કેટલા મમ્મી-પપ્પા લઈ જતા હશે? તેઓને કયારેય અનાથ આશ્રમ બતાવવામાં આવે છે ખરો? વૃદ્ધાશ્રમના વડીલોની તકલીફોથી માહિતગાર કરવામાં આવે છે ખરા? બાળકો આ બધી બાબતો કયાંથી શીખશે? શું ટેલિવિઝનની સીરિયલો, મોલની મુલાકાતો કે મોંઘીદાટ બ્રાન્ડેડ વસ્તુઓ વેચતી દુકાનો આ માનવીય સંવેદનાઓ જગાડવાનું કાર્ય કરી શકશે ખરી? તેઓ માતૃ દેવો કે પિતૃ દેવો ભવ કયાંથી જાણશે?
આચમન:
સંતાનોની આગળ ચાલશો નહીં, કદાચ તમને તેઓ અનુસરે નહીં,
સંતાનોની પાછળ ચાલશો નહીં, કદાચ તમને તેઓ દોરશે નહીં,
સંતાનોની પડખે ચાલો, બસ, તેમના સાથીદાર બનીને ચાલો.
(શ્રી રણછોડ શાહનું વીજાણુ સરનામું: shah_ranchhod@yahoo.com )
(તસવીર નેટ પરથી)