બાળ ગગન વિહાર : મણકો – ૧૩ – બ્રાયન

શૈલા મુન્શા

વાત અમારા બ્રાયનની !
 
” યાદ આવે માના મીઠા બોલ,
કરતો રોજ ફરિયાદ તને,
તોય તું તો મીઠી ઢેલ…
યાદ આવે માના મીઠા બોલ.”
 
જ્યારે જ્યારે આ બાળગીત સાંભળુ છું, મને મારી મમ્મી યાદ આવી જાય. યુવા અવસ્થામાં જ મેં મારી માતા ગુમાવી, પણ માના મીઠા બોલ,એનુ વ્હાલ, એનો પ્રેમ ભર્યા સ્પર્શને યાદ કરવા કોઈ બાળગીતની જરુર નથી, એ તો સદૈવ જાણે શ્વાસમાં જ વણાયેલું છે.
 
ઘણા બાળકો એવા કમનસીબ હોય છે, જેમને માતા હોવાં છતાં કદી એ પ્રેમનો અનુભવ થતો નથી. માનસિક વિકલાંગ બાળકો સાથે કામ કરતાં આવો અનુભવ અમને ઘણીવાર થતો હોય છે.
 
આ વાત આજે એકદમ યાદ આવી એનુ કારણ બ્રાયન છે.
 
હમણાં તો સ્કૂલમાં સમર વેકેશન ચાલે છે, પણ ઘરનો જરુરી સામાન ખરીદવા વોલમાર્ટ ગઈ અને બ્રાયનનો ભેટો થઈ ગયો! ત્રણેક વર્ષ પહેલાં બ્રાયન અમારા ક્લાસમાં આવ્યો હતો.  બ્રાયનમાં જન્મજાત શારીરિક ખોડ, જન્મથી જ એને બન્ને હાથ નહિ.
 
આ શારીરિક અને માનસિક ખોડ પાછળ એની માતાની જીવન પધ્ધતિ જવાબદાર હતી. આજે દુનિયાભરમાં નારી સ્વતંત્રતાની ઝુંબેશ ચાલે છે, પણ સ્વતંત્રતા અને સ્વછંદતા વચ્ચે બહુ જ બારીક તફાવત છે. બ્રાયનની માતા માટે સ્વતંત્રતાનો અર્થ સ્વછંદતા હતો. પંદર સોળ વર્ષેની વયે ડ્રગ્સના રવાડે ચઢી ગઈ, બ્રાયનના પિતા કોણ હશે એની એને ખુદને ખબર નહિ હોય, પરિણામ બ્રાયનને ભોગવવું પડ્યું.
 
સ્કૂલમાં જ્યારે બ્રાયનને મુકવા આવે ત્યારે ગાડીની હાલત જોઈ ઘરમાં બ્રાયનની શી હાલત હશે એનો અંદાજ આવી જાય. ગાડીમાં બિયરની બોટલો, સીગરેટના ખાલી ખોખા,પોપકોર્નને ચીપ્સના ખાલી રેપર અને ગાડીનુ બારણુ ખોલીએ તો શ્વાસ ના લેવાય એવી દુર્ગંધ!! બ્રાયનના કપડાં, એના દફતરમાંથી પણ સીગરેટની વાસ સતત આવે. કેટલાય દિવસથી યુનિફોર્મ ધોવાયો નહિ હોય એનો ખ્યાલ આવી જાય. વય કરતાં મોટી સાઈઝના કપડાં, વાળના કોઈ ઠેકાણા નહિ, મેલો ચહેરો.
 
ક્લાસમાં અમે જ્યારે એને સ્વચ્છ કરીએ તો એટલો રુપાળો લાગે, અમેરિકન બાળક એટલે ત્વચા ગોરી અને સોનેરી વાળ, પળમાં આખો દેખાવ ફરી જાય. બ્રાયનનો માનસિક વિકાસ ધીમો, પણ ચહેરા પર હમેશા હાસ્ય!
 
હાથની કમી જાણે ભગવાને પગ મજબૂત કરી પુરી કરી હોય એમ ઝડપભેર દોડી રમતના મેદાનમાં બોલને લાત મારી હવામાં ઉછાળે અને ખડખડાટ હસી પડે. એનુ એ હાસ્ય જોવા જ અમે વારંવાર બોલ એના પગ પાસે મુકીએ અને એના નિર્દોષ આનંદની અનુભૂતિ કરીએ. કેવા હોંશીલા આ બાળકો હોય છે, પોતાની તકલીફ ભુલી નાની નાની  વસ્તુમાંથી પણ કેટલો આનંદ મેળવતા હોય છે!!
 
એક વસ્તુ જરુર કહેવી પડે, અમેરિકામાં દરેક બાળકને બધી સુવિધા મળી રહે એ માટે સરકાર હમેશા જાગૃત.
 
બ્રાયન માટે ખાસ કસરત કરાવવા થેરાપીસ્ટ આવે. એને પગની આંગળી વચ્ચે કલર ક્રેયોન મુકી કલર કરતાં, પેન્સિલ મુકી લખતાં શિખવાડવા પગના સ્નાયુ મજબુત હોવા જરુરી એટલે ખાસ  કસરત કરાવવામાં આવે, સાથે અમને પણ બ્રાયન સાથે કેવી રીતે કામ કરવું એની ખાસ ટ્રૈનીંગ આપે. બ્રાયન માટે ખાસ  પ્રકારનુ કોમ્પ્યુટર ક્લાસમાં આવ્યું જેનુ માઉસ બ્રાયનના માથા પર પટ્ટાની જેમ પહેરાવવામાં આવ્યું અને એનો વાયર કોમ્પ્યુટર સાથે જોડવામાં આવ્યો, જેથી બ્રાયન ડોક હલાવી, ઉપર નીચે કરી સ્ક્રીન પર ક્લીક કરી શકે અને બાળગીતો સાંભળી શકે, એ,બી,સી,ડી વગેરે શીખી શકે.
 
સ્વભાવિક છે જ્યાં આટલો પ્રેમ અને લાગણી મળતી હોય તો બ્રાયન ઘરે જવા રાજી ન હોય! સામાન્ય રીતે અમારા દિવ્યાંગ બાળકોને બીજી ખાસ સમજ ન પડે, પણ મોટાભાગે બાળકો એક જ સવાલ પુછતા હોય કે “મમ્મી ક્યારે આવશે” પણ બ્રાયનના મોઢે અમે ક્યારેય મમ્મીનુ નામ સાંભળ્યુ નહિ. સદા હસતો બ્રાયન જ્યારે ઘરે જવાનો સમય થાય એટલે ઉદાસ થઈ જાય, બધા બાળકોને ઘરે જતાં જોઈ રહે કારણ એની મમ્મીનો કોઈ સમય નક્કી નહી. મોટાભાગે મોડી જ લેવા આવતી હોય. કેટલીય વાર સ્કૂલમાંથી ફોન જાય, સ્કૂલ કાઉન્સિલર મમ્મીને મળવા માંગે મળવા માંગે પણ મમ્મી જાતજાતના બહાના બતાવી આવવાનુ ટાળે.
 
બ્રાયન અમારો social butterfly, ઘરમાં જે પ્રેમની કમી એ મહેસૂસ કરતો એ સ્કૂલમાં આવી બધા સાથે ખૂબ બોલીને પુરી કરતો, જાણે બધા પાસે વ્હાલની અપેક્ષા હોય!!!
 
એક દિવસ બ્રાયન સ્કૂલમાં આવ્યો અને એના ચહેરા પર, વાંસા પર મારના નિશાન જોયા. આવા કેસમાં અમારે તરત શાળાના પ્રિન્સીપાલ, કાઉન્સિલરને બોલાવી લેખિત ડોક્યુમેન્ટ કરવા પડે, અને કાઉન્સિલર તરત CPS (child protection service)  ને જાણ કરે. બ્રાયન માટે અગાઉ પણ આ સમાજ સેવકોને જાણ કરવામાં આવી હતી એટલે આ વખતે આ સંસ્થાના સમાજ સેવક સ્કૂલમાં આવ્યા અને બ્રાયનનો કબ્જો લઈ તરત પોતાની સાથે લઈ ગયા. 
બાળકો પર જ્યારે શારીરિક અત્યાચાર થતા હોય અને સ્કૂલમાંથી લેખિત ફરિયાદ સાથે જ્યારે આ સંસ્થાને જાણ કરવામાં આવે ત્યારે એકવાર આ સંસ્થાના સભ્યો બાળકના ઘરે જઈ તપાસ કરે, ઘરનુ વાતાવરણ તપાસે, આર્થિક હાલત કેવી છે કેટલા જણ ઘરમાં છે, પાડોશીના અભિપ્રાય લે અને મૌખિક ચેતવણી આપે, પણ જો આવું ફરીવાર થાય તો ઘરની વ્યક્તિને જાણ કર્યા વગર પહેલા સ્કૂલમાંથી બાળકનો હવાલો લઈ એને ફોસ્ટર પેરેન્ટ્સ સોંપે અને એ લોકો બાળકોને સારી રીતે ઉછેરે.
 ત્યાર પછી બ્રાયન ક્યાં ગયો એની અમને કોઈ ખબર નહોતી.
 
આ સંસ્થા પાસે અધિકાર હોય અને એ લોકો આવા બાળકોને પોતાની પાસે રાખે અને પુરતી માવજત કરે.
વોલમાર્ટમાં અચાનક બ્રાયનને જોયો તો પહેલા તો મને મારી આંખ પર વિશ્વાસ ના થયો, ક્યાં મેલોઘેલો બ્રાયન અને આજે ચોખ્ખો, સુઘડ અને સ્વસ્થ બ્રાયન!!! મને જોતાં જ બ્રાયન મારી પાસે દોડી આવ્યો અને એજ લહેકાથી Hello Ms. Munshaw કહેતો મુસ્કુરાઈ રહ્યો. એની આંખોની ચમક, એના ચહેરાનુ મનમોહક હાસ્ય બતાવી રહ્યું હતું કે બ્રાયન ખૂબ ખૂશ છે. જે પ્રેમથી એ વંચિત હતો એ એને મળી ગયો હતો!! 
ઈશ્વરને એ જ પ્રાર્થના કે બ્રાયન સદા ખૂશ રહે, એનુ ભવિષ્ય સદા ઉજજ્વળ રહે અને ચહેરાની મુકુરાહટ કાયમ રહે!!
અસ્તુ,

સુશ્રી શૈલાબેન મુન્શાનો સંપર્ક smunshaw22@yahoo.co.in  સરનામે થઈ શકે છે.

 

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.