‘સાર્થક – જલસો’: પુસ્તક – ૧૬ | જૂન ૨૦૨૨

પુસ્તક પરિચય

અશોક વૈષ્ણવ

‘સાર્થક જલસો’ના ૧૬મા અંકનો રસથાળ આપણી સમક્ષ આવી ચૂક્યો છે.

પ્રસ્તુત અંકમાં ૧૨ લેખો છે. ગુજરાતી પત્રકારત્વ વિષય પરના બે સંશોધન લેખો અને ત્રણ ચર્ચાત્મક લેખો સિવાયના લેખોમાં લેખકનાં સંસ્મરણોની રજૂઆતની સમાનતા જોનારને પણ એ દરેક લેખ વાંચતી વખતે અલગ અલગ અનુભૂતિ જ થાય છે.

જલસો-૧૬ના પરિચય માટે દરેક લેખનું મને જે ગમ્યું તે પાસું અહીં રજૂ કરેલ છે.

0                                           0                                           0

અંકના સૌ પ્રથમ લેખ, ‘રાયપુરની ઉતરાણોની ઘોડાપૂર યાદો’માં પ્રણવકુમાર અધ્યારુએ  ઉતરાણ, પતંગબાજી અને તેની સાથે સંકળાયેલી લગભગ દરેક ઝીણીઝીણી બાબતોને એક દોરમાં બાંધીને રાયપુર (અમદાવાદ)માં પોતાનાપોળના ઘરના ધાબા પરથી ચગાવી છે. પતંગબાજીની પરંપરાગત પારિભાષિક શબ્દાવલિ જૂની પેઢીની સમજની ધાર તેજ કરે છે, તો નવી પેઢીનો જ્ઞાનવિસ્તાર કરે છે. લેખ બાવીસ પાનાંઓ આવરી લે છે, પણ એકેએક  વિગતો ધાબા પર પસાર કરેલા ઉત્તરાયણના આખા દિવસની જેમ જ ‘જલસો’  કરાવે છે.

બીરેન કોઠારીનો લેખ ‘IPCL: ઉદ્યોગોમાંથી જન્મેલી અને હવે લુપ્ત થયેલી એક સામાજિક પેટાસંસ્કૃતિનો પરિચય’ અને જગદીશ પટેલનો લેખ ‘સોળ વર્ષનો ‘ફૅક્ટરીવાસ” સંસ્થાકીય સંસ્કૃતિના મનનીય લેખો છે. બન્ને લેખોમાં કાર્યસ્થળની પોતપોતાની સંસ્કૃતિની આડપેદાશોની વાત છે. બીરેન કોઠારીપોતાની  એ ભૂતપૂર્વ કારકિર્દીસાથે સંકળાયેલી સામાજિક બાબતો હળવા સૂરે યાદ કરે છે, તો જગદીશ પટેલ તેમના ‘ફૅક્ટરીવાસ’ દરમ્યાન કાર્યસ્થળ સાથે સંબંધિત કર્મચારીઓના આરોગ્ય અને સલામતી સાથે અન્ય સામાજિક પરિબળોનાં જોડાણોની છણાવટ કરે છે.

કેપ્ટન નરેન્દ્ર ફણસેનો લેખ, ‘ઝાઝું ગુજરાતી, થોડું સ્વાહિલી એટલે સરખાઈ’માં વિદેશમાં સ્થાયી થયેલ ગુજરાતીઓની ગુજરાતીમાં તે દેશની ભાષા કેવી સરળતાથી ભળી જાય છે અને પછી હળવેકથી એ ગુજરાતી સમાજની આગવી ઓળખ બની જાય છે રજૂ કરે છે.

આરતી નાયરના લેખનું શીર્ષક ‘ કેરેબિયન ટાપુઓ, પાકિસ્તાન, ચીન અને ગાઝાનાં સહાધ્યાયીઓ સાથે ગોઠડીનાં સંસ્મરણો’ વાંચતાં આપણી અપેક્ષા એવી રહે કે વિદેશ ભણવા ગયેલ ગુજરાતી વિદ્યાર્થી(ની)ના – જે ખરેખર તો કોઇ પણ પ્રાંત કે દેશનાં પણ હોઈ શકે – અલગ અલગ દેશોનાં સહાધ્યાયીઓ સાથેના અનુભવોની યાદોની વાત હશે. પરંતુ લેખ વાંચતાં જઈએ એટલે જણાતું જાય કે એ દરેક અનુભવો એ દેશની અને તેના સંદર્ભમાં આપણી પોતાની સંસ્કૃતિને પણ સમજવામાં મદદરૂપ બની શકે છે.

‘પપ્પાનું પ્રગતિપત્રક’માં રીતિ શાહ એક એક વાક્યમાં તેમના પિતા, પ્રકાશ ન શાહનાં વ્યક્તિત્વનાં સૂક્ષ્મ પાસાંઓને એટલી આત્મીયતાથી રજૂ કરે છે કે ‘પ્રકાશ ન શાહ’ને ઓળખનાર લોકોને તેમ જ ન ઓળખનાર લોકોને ‘પ્રકાશ ન શાહ’નું વ્યક્તિત્વ કેલિડોસ્કોપનાં દશ્યોની જેમ તાદૃશ્ય થઈ રહે છે.

રજનીકુમાર પંડ્યાનાં ‘આત્મકથાનકના અંશમાં તેમનાં પ્રથમ લગ્નનાં બંધનમાંથી મુક્ત થવાના અનુભવોની વેદના આપણને પણ સ્પર્શે છે અને છેલ્લે એ પરિસ્થિતિનો અંત નજીક દેખાવાથી તેમને થતો હાશકારો આપણને પણ અનુભવાય છે.

સંસ્મરણોની આ આત્મીય યાદોમાં ભીંજાયા પછી ગુજરાતી પત્રકારત્વનાં સો વર્ષ સાથેના બે સંશોધન લેખો પણ સાવ શુષ્ક નહીં, બલ્કે રસપ્રદ બની રહે છે.

ડૉ. સુશ્રુત પટેલનો લેખ ‘ગુજરાતીમાં જ્ઞાનવિજ્ઞાનનાં સામયિકો’ અને ઉર્વીશ કોઠારીનો લેખ ‘ગુજરાતી પત્રકારત્વ વિષેનાં યાદગાર પુસ્તકો’ સ્વાભિકપણે માહિતીપ્રચુર છે, પણ માત્ર દસ્તાવેજીકરણ ન બની રહે એટલી સરળતાથી એ માહિતીની રજૂઆત કરે છે.

ડો. વિરલ દેસાઈ ‘આયુર્વેદ વિશે, જરા નરણા કોઠે’માં આયુર્વેદ પદ્ધતિસરનું ચિકિત્સાવિજ્ઞાન છે કે માત્ર પરંપરા એ ચર્ચાની શરૂઆતમાં જ આયુર્વેદને ભારતની આગવી ચિકિત્સા પધતિ કહે છે. તેનો પાયો મજબુત હોવા છતાં વિકાસ રૂંધાવા પાછળ ભારત પરનાં વિદેશી શાસનોનો જેટલો ફાળો છે એટલો જ આપણો પોતાનો પણ રહ્યો છે તેવું તેમનું સ્પષ્ટ તારણ છે. જો કે, પદ્ધતિસરના અભ્યાસ તેમજ વૈજ્ઞાનિક અભિગમની સાથે આયુર્વેદ વિશે વ્યાપક લોકશિક્ષણનું કામ થાય તો આયુર્વેદ સશક્ત ચિકિત્સા વિજ્ઞાન તરીકે ઊભરી શકે તેમ પણ તેમનું માનવું છે.

હસમુખ પટેલના લેખ ‘ઇતિહાસના ત્રિભેટે ગુજરાતનું રાજકારણ’ જેટલો  કોઈ લેખ સાંપ્રત રાજકારણના વિષયની આટલો નજદીક રહ્યો હોય એવું’સાર્થક જલસો’નાં પાનાંઓ પર કદાચ પહેલી જ વાર બની રહ્યું છે. જો કે, હસમુખભાઈનો લેખ ગુજરાતનાં રાજકારણનાં છેલ્લાં ૨૭ વર્ષનું એક નિષ્પક્ષ વિશ્લેષણ છે તે નોંધ જરૂર લેવી જોઈએ.

દીપક સોલિયા ‘વિકાસ થાકી ગયો છે’ એવું પ્રતિપાદિત નથી કરતા, પણ માત્ર વિકાસને ખાતર લગામ વિનાનો (આર્થિક) વિકાસ હોવો જોઈએ કે નહીં તેની તાત્વિક ચર્ચા કરે છે. ચર્ચાના સમાપનમાં પશ્ચિમના વિચારકોનાં તારણો પર આધાર રાખવાને બદલે તેઓ ગાંધીજીએ લખેલ ‘હિંદ સ્વરાજ’નાં કેટલાંક અવતરણો ટાંકે છે, જેનો સાર એ છે કે ‘માણસની હદ ખુદાએ તેના શરીરથી જ બાંધી (છે). ભોગ ભોગવતાં ભોગની ઈચ્છા વધતી જાય, તેથી…..આપણે હાથેપગે જે બને તે જ કરવું,… તેમાં જ તંદુરસ્તી છે.’

0                                           0                                           0

સમગ્રપણે એટલું કહી શકાય કે ‘સાર્થક-જલસો’નાં સંપાદકમંડળે સોળ સોળ અંકોથી વાંચન સામગ્રીનું વૈવિધ્ય જાળવીને તેમ જ રસપ્રચૂરતા પણ બરકરાર રાખીને પોતાનાં નામની સાર્થકતાની કેડી કંડારવામાં સફળતા મેળવી છે, જે ઘણી નોંધપાત્ર સિધ્ધિ છે.

/\/\/\/\/\/\

સાર્થક જલસો૧૬પ્રાપ્તિ સ્રોત:

  • મુખ્ય વિક્રેતા : બુક શેલ્ફ (વૉટ્સએપ્પ: +91 9099000362 | gujaratibookshelf.com

અથવા

પૃષ્ઠસંખ્યા: ૧૬૮, કિમત;રૂ. ૧૦૦/-


આ શ્રેણી માટે કોઈ પુસ્તક મોકલવા ઈચ્છે તો શ્રેણી સંપાદક પરેશ પ્રજાપતિને તેમના વિજાણુ સરનામા pkprajapati42@gmail.com પર સંપર્ક કરી પુસ્તકો મોકલવા વિનંતી.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.