ભાત ભાત કે લોગ
જ્વલંત નાયક
જગતના શ્રેષ્ઠ હાસ્યકારોમાં જેની ગણના થાય છે એવા માર્ક ટ્વેઇનનું એક અદભૂત વાક્ય છે, “Truth is Stranger than Fiction.” થોડા વિસ્તરણ સાથે કહેવું હોય તો કહી શકાય કે કલ્પનાઓ કરતા વાસ્તવિકતાઓ વધુ વિચિત્ર હોય છે. આ વાત માર્ક ટ્વેઇન જેટલા જ જાણીતા અગાથા ક્રિસ્ટીના જીવનના એક પ્રસંગમાં ચરિતાર્થ થતી જોવા મળે છે. અગાથા ક્રિસ્ટી એટલે આખી દુનિયામાં મશહૂર એવી લેખિકા, જેણે જગતને કેટલીક અદભૂત રહસ્યકથાઓ આપી. અગાથાએ કુલ ૬૬ જેટલી ડિટેક્ટિવ નોવેલ લખી અને 14 જેટલા વાર્તા સંગ્રહો આપ્યા. અગાથાએ લખેલું નાટક ‘ધી માઉસટ્રેપ’ ઇસ 1952માં લંડનના વેસ્ટ એન્ડ થિયેટરમાં પ્રથમ વખત ભજવાયું. આ નાટકને એટલી બધી સફળતા મળી કે 16 માર્ચ, 2020 સુધી સતત ભજવાતું રહ્યું! જો કોરોનાને કારણે થિયેટર્સ બંધ ન કરવા પડ્યા હોત, તો આ નાટક આજદિન સુધી સતત ભજવાતું હોત. વર્ષો સુધી સતત ભજવતા રહેલા નાટકનો વિશ્વરેકોર્ડ ‘ધી માઉસટ્રેપ’ને ખાતે જમા છે. બેસ્ટ સેલિંગ ફિક્શન રાઈટર ઓફ ઓલ ટાઈમનો રેકોર્ડ પણ અગાથા ક્રિસ્ટીના નામે જ બોલે છે.
હવે જરા વિચારો, કે જે સ્ત્રીએ એક એકથી ચડિયાતી રહસ્યકથાઓ આપી હોય, એ સ્ત્રી પોતે જ એક દિવસ અચાનક ગુમ થઇ જાય તો? અગાથા ક્રિસ્ટીના જીવનમાં ખરેખર આવું બન્યું. કેરિયર ગતી પકડી રહી હતી, એવા સમયે યુવાન લેખિકા અગાથા ક્રિસ્ટી એક દિવસ અચાનક ગુમ થઇ ગઈ!
૩ ડિસેમ્બરની રાતે શું બન્યું?
આ આખી વાત અગાથા ક્રિસ્ટીની પોતાની જ નવલકથાના કોઈ પ્લોટને ટક્કર મારે એવી રોચક છે. 3 ડિસેમ્બર, 1926ને દિવસે શુક્રવાર હતો. રાત્રે લગભગ સાડા નવ થયા હતા. અગાથા બર્કશાયર ખાતેના નિવાસસ્થાને પોતાની આર્મ ચેરમાં આરામ કરી રહી હતી. અચાનક કોણ જાણે કયો વિચાર આવ્યો, અને છત્રીસેક વર્ષની યુવાન લેખિકા અગાથા ક્રિસ્ટી પોતાની આર્મ ચેરમાંથી ઉભી થાય છે, અને ઉપરના માળે આવેલા દીકરીના બેડરૂમ તરફ આગળ વધે છે. નાનકડી દીકરી રોસાલિન ગાઢ નિદ્રામાં છે. અગાથા સહેજ ઝૂકીને પોતાની વહાલી દીકરીનું કપાળ ચૂમે છે, અને દબાતે પગલે બેડરૂમની બહાર જતી રહે છે. બેડરુમમાંથી નીકળીને એ ફરી દાદર ઉતરી ગ્રાઉન્ડ ફ્લોર પર પહોંચે છે. બહાર પાર્કિંગમાં એની માનીતી મોરિસ કાઉલે કાર ઉભી છે. અગાથા કારમાં બેસીને એક્સીલેટર દબાવી મૂકે છે. અગાથા કાર લઈને ક્યાં ગઈ, કોણે મળવા ગઈ, ક્યારે પાછી ફરશે… વગેરે પ્રશ્નોના કોઈ જવાબ નથી. લોકોને બસ એટલી જ ખબર પડી કે 3 ડિસેમ્બર, 1926ના શુક્રવારની રાતે પોતાના ઘરેથી કાર લઈને નીકળેલી મશહૂર યુવા લેખિકા અગાથા ક્રિસ્ટી ક્યાંક ગુમ થઇ ગઈ છે!
થોડા સમય પહેલા જ પબ્લિશ થયેલી નવલકથાએ ઠીક ઠીક વકરો રળી લીધો હતો. અને પોતાની વાર્તાઓને કારણે એ સમયે અગાથા ક્રિસ્ટીને લેખિકા તરીકે સારી એવી પ્રસિદ્ધિ મળી ચૂકેલી. રહસ્યકથાઓ લખીને પ્રખ્યાત થયેલી મશહૂર યુવા લેખિકા અચાનક ગુમ થઇ ગઈ, એ વાત જંગલની આગની જેમ આખા શહેરમાં ફેલાઈ ગઈ. ઘરના સભ્યોની સાથે સાથે પોલીસ ડિપાર્ટમેન્ટ પણ કામે લાગ્યું અને અગાથાની શોધખોળ શરુ થઇ.
Whodunit : ઐતિહાસિક શોધખોળ અભિયાન
અગાથા ક્રિસ્ટી નામની રહસ્યકથા લેખિકાના પોતાના જીવનમાં જ વાર્તાના પ્લોટ જેવી ઘટના બની ગઈ હતી, અને ટેબ્લોઈડ છાપાઓ એમાં મસાલો ભરી ભરીને રોજેરોજ નવી થિયરીઝ રજૂ કરી રહ્યા હતા. ક્રિસ્ટી ફેમિલી અને પોલીસ ડિપાર્ટમેન્ટ પરેશાન હતા, કે ઠીક ઠીક સફળ થયેલી યુવાન લેખિકા અચાનક ક્યાં ગુમ થઇ ગઈ! રહસ્યકથાઓ માટે અંગ્રેજીમાં એક ખાસ શબ્દપ્રયોગ વપરાય છે, “whodunit” હકીકતે આ શબ્દપ્રયોગ “Who [has] done it?” નું ટૂંકું – લોકજીભે ચડેલું સ્વરૂપ છે. આ કિસ્સામાં પણ તપાસ કરનારા લોકોને whodunitનો કોઈ જવાબ નહોતો મળતો.
એક પછી એક દિવસો વીતતા ગયા, તેમ તેમ પોલીસ ખાતા ઉપર પસ્તાળ પાડવા માંડી. પોલીસને હજી સુધી અગાથા ક્રિસ્ટીની ત્યજી દેવાયેલી કાર સિવાય કશું મળ્યું નહોતું. લોકોના મનમાં અચાનક ગુમ થઇ ગયેલી અગાથા ક્રિસ્ટીને લઈને અનેક આશંકાઓ હતી, પ્રશ્નો હતા… બીજી તરફ છાપાઓ રોજેરોજ સનસની, દુર્ઘટના અને સ્કેન્ડલની આસપાસ વણાયેલી નવી નવી થિયરીઝ લઈને આવતા હતા. કેટલાકને ડર હતો કે કોઈકે રહસ્યકથાઓની લોકપ્રિય લેખિકાનું મર્ડર કરી નાખ્યું છે! તો વળી કેટલાક આને આગામી રહસ્યકથાની પબ્લિસિટી માટેનો સ્ટંટ માની રહ્યા હતા. અમુક તો વળી અગાથાના પતિ ઉપર જ લેખિકાના ખૂનનો આરોપ મઢવા તૈયાર હતા! કેસ એટલો ચગ્યો કે ખુદ હોમ સેક્રેટરીએ એમાં રસ લેવા માંડયો. પોલીસ આકાશ-પાતાળ એક કરી રહી હોવા છતાં કોઈ કલુ મળતી નહોતી. હોમ ડિપાર્ટમેન્ટ દ્વારા અગાથા ક્રિસ્ટીની શોધ માટે સૌથી મોટું સર્ચ અભિયાન હાથ ધરવામાં આવ્યું. કોઈ મિસિંગ પર્સનની શોધખોળ માટે વિમાનોનો ઉપયોગ કરાયો હોય, એવું પહેલી વખત આ કેસમાં બન્યું! એક લોકપ્રિય લેખિકા સાથે જોડાયેલા આ કેસમાં સરકાર પણ કોઈ ચાન્સ લેવા નહોતી માંગતી.
માત્ર પોલીસ જ નહિ પણ પણ અગાથા ક્રિસ્ટીના સેંકડો ચાહકો પણ પોતપોતાની રીતે પ્રિય લેખિકાને શોધવા નીકળી પડ્યા. આવું કદાચ સાહિત્ય જગતના અર્વાચીન ઇતિહાસમાં પહેલી અને આખરી વાર થઇ રહ્યું હતું. એક પછી એક અગિયાર દિવસો વીતી ગયા, તેમ છતાં અગાથાની જરા સરખી ભાળ મળતી નહોતી. કેટલાક સાંયોગિક પુરાવાઓને આધારે પોલીસ એવી કાચીપાકી થિયરી પર પહોંચી હતી કે અગાથાની કારને અકસ્માત થયો હશે, અને અગાથા કાર ત્યજીને ક્યાંક જતી રહી હશે.
પણ આવું બન્યું હોય તો અગાથા ક્રિસ્ટી આટલા દિવસો સુધી જાય ક્યાં? શું એનું અપહરણ થયું હશે? કોઈકે એની હત્યા કરી નાખી હશે? પણ અગાથાને કોઈની સાથે એવી કોઈ દુશ્મની તો હતી જ નહિ!
પોલીસને મળી આવી ‘થેરેસા નીલ’
14 ડિસેમ્બર, 1926. હેરોગેટની એક લક્ઝરી હોટેલમાં કેટલાક કલાકારો સંગીત પીરસી રહ્યા છે, અને હોટેલમાં રોકાયેલા સજ્જનો-સન્નારીઓ એનો લુત્ફ ઉઠાવી રહ્યા છે. સંગીતકારોના ગ્રુપમાં બોબ ટેપ્પિન નામનો એક બેન્જો પ્લેયર પણ છે. બોબની નજર સંગીત સાંભળી રહેલી એક સન્નારી પર પડે છે, અને બોબ ચોંકી ઉઠે છે. “અરે! આને તો ક્યાંક જોઈ છે!” બોબ બધું પડતું મૂકીને ટેલીફોન તરફ દોડ્યો અને પોલીસને ફોન લગાડ્યો. થોડી જ મિનિટોમાં પોલીસનું ધાડું હોટેલ પર આવી પહોંચ્યું. હોટેલનું રજીસ્ટર તપાસવામાં આવ્યું. બોબે જે સ્ત્રીને જોઈને પોલીસને બોલાવેલી, એ સ્ત્રીએ ‘થેરેસા નીલ’ના નામે રૂમ બુક કરાવેલો. પોલીસે એ સ્ત્રીની પૂછપરછ કરી, અને સીધો ફોન જોડ્યો અગાથાના પતિને, “હેલો કર્નલ ક્રિસ્ટી, તમારા પત્ની હેરોગેટની એક પ્રખ્યાત હોટેલમાંથી મળી આવ્યા છે. તાબડતોબ અહીં આવી જાવ!”
યસ! થેરેસા નીલના નામે રૂમ બુક કરાવીને અગિયાર દિવસથી હોટેલમાં રહેતી સ્ત્રી બીજું કોઈ નહિ પણ મશહૂર લેખિકા અગાથા ક્રિસ્ટી પોતે હતી! આખું તંત્ર અને સેંકડો ચાહકો જેને શોધવા માટે અગિયાર-અગિયાર દિવસથી પરસેવો પાડી રહ્યા હતા, એ અગાથા ક્રિસ્ટી લક્ઝુરીયસ હોટેલમાં શાંતિથી વેકેશન માણી રહી હતી. પોલીસનું ધાડું પોતાને શોધવા આવી ચડ્યું, પતિ કર્નલ ક્રિસ્ટી ભયંકર ઉચાટમાં હોટેલ પર ધસી આવ્યા, પણ અગાથાના પેટનું પાણી નહોતું હાલ્યું. એણે તો શાંતિથી પોતાના પતિને લાઉન્જમાં વેઈટ કરવા કહ્યું, અને ઇવનિંગ ગાઉન બદલવા માટે રૂમમાં જતા રહ્યા!
“મને તો ખબર જ નહોતી કે હું ખોવાઈ ગઈ છું!”
આખરે અગિયાર દિવસો બાદ અગાથા ઘરે તો પહોંચી પણ એના ગુમ થવા પાછળનું રહસ્ય ઉલટાનું બેવડાઈ ગયું! પોલીસે અને પતિ કર્નલ ક્રિસ્ટીએ અચાનક ઘર છોડી જવાનું કારણ પૂછ્યું, ત્યારે અગાથા ક્રિસ્ટીએ તો કહી દીધું, “મને તો ખબર જ નહોતી કે હું ખોવાઈ ગઈ છું!” લો બોલો. પોલીસ અને પતિ કર્નલ ક્રિસ્ટીનું માનવું હતું કે કારને અકસ્માત થયા બાદ અગાથા ક્રિસ્ટી થોડો સમય પૂરતો સ્મૃતિભ્રંશનો ભોગ બન્યા હશે. અચાનક શારીરિક કે માનસિક આઘાત લાગવાથી આવું થતું હોય છે. પરિણામે 3 ડિસેમ્બરની રાતથી 14 ડિસેમ્બર દરમિયાન જે કંઈ થયું, એ વિષે અગાથાના જાગૃત મનને બહુ અંદાજો નથી! ઓફિશિયલ રીતે ભલે આવી અધ્ધર જેવી થિયરી રજૂ કરવામાં આવી હોય, પણ અગાથા ક્રિસ્ટીની રહસ્યકથાઓ વાંચીને હોંશિયાર થઇ ગયેલા લોકો આવી નબળી થિયરીને સાચી માનવા તૈયાર નહોતા!
આ આખા પ્રકરણ મુદ્દે મગજમાં સૌથી વધુ ફીટ બેસે એવી થિયરી પ્રેમ પ્રકરણ અંગેની છે. અગાથા ક્રિસ્ટીના પતિ બ્રિટીશ એરફોર્સમાં પાઈલટ રહી ચુકેલા અને પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન દેશ વતી લડેલા. પરંતુ વિમાન ઉડાડવા સિવાય એમને સ્ત્રીઓમાં પણ ખાસ્સી એવી દિલચસ્પી હતી. ખાસ કરીને કર્નલ ક્રિસ્ટીનું એક પ્રેમ પ્રકરણ અગાથાને ભારે કઠતું હતું. કર્નલ ક્રિસ્ટી પોતાની એ પ્રેમિકા પ્રત્યે કમિટેડ હતા. અને ૩ ડિસેમ્બરને દિવસે કર્નલની એ પ્રેમિકાને મુદ્દે અગાથા અને કર્નલ વચ્ચે ભારે બોલાચાલી પણ થયેલી! પાછળથી અગાથાની જીવનકથા આલેખનાર નોર્મન માને છે કે એ સમયે પતિની બેવફાઈને કારણે અગાથા ક્રિસ્ટી રીતસર સ્યુસાઈડલ ટેન્ડન્સીથી પીડિત હતી. ઈમોશનલ ટ્રોમા અને ડિપ્રેશનને કારણે જ અગાથા ૩ ડિસેમ્બરની રાત્રે અચાનક ઘર છોડીને નીકળી ગયેલી! નોર્મન કહે છે કે, આ તો સારું થયું કે માનસિક આઘાતની અસર હેઠળ એ પોતાની ખુદની ઓળખ જ ભૂલી ગયેલી, નહિતર એણે આપઘાત કર્યો હોત! ૧૪ ડિસેમ્બરે ઘરે પહોંચ્યા બાદ અગાથાની માનસિક પરિસ્થિતિ થાળે પડતી ગઈ. પાછળથી એણે કર્નલ ક્રિસ્ટીને છૂટાછેડા આપીને બીજા લગ્ન પણ કરી લીધા.
પોતાના જીવનના આ રહસ્યમયી અગિયાર દિવસો વિષે રહસ્યકથાઓની સિદ્ધહસ્ત લેખિકા અગાથા ક્રિસ્ટીએ ક્યારે કોઈ ખુલાસો કર્યો નથી. એના ગુમ થવાની ઘટના જેટલી રહસ્યમયી હતી, એનાથી વધુ રહસ્ય એના પાછા મળી આવ્યા પછી ઉભું થયું. આ મામલે કોણ સાચું બોલતું હતું, એ વિષે આધારભૂત પ્રમાણો કોઈની પાસે નહોતા.
તો મિત્રો, તમને શું લાગે છે? અગાથા ક્રિસ્ટી દિવસો સુધી ગુમ થઇ ગયા, એની પાછળ કોઈ ચોક્કસ કારણ હશે? કે કોઈ રહસ્ય હશે, જે આજદિન સુધી બહાર નથી આવ્યું?! એક હિન્ટ લઇ લો, અગિયાર દિવસના રહસ્યમયી હોટેલ નિવાસ દરમિયાન અગાથાએ હોટેલના રજીસ્ટરમાં લખાવેલું પેલું ખોટું નામ યાદ છે ને? થેરેસા નીલ… એ નામ કર્નલ ક્રિસ્ટીની પ્રેમિકાનું હતું!
શ્રી જ્વલંત નાયકનો સંપર્ક jwalantmax@gmail.com પર થઇ શકે છે.