મરકીનો રોગચાળો, ગાંધીજીના પ્રયોગો અને સાવિત્રીબાઈ ફુલેનું બલિદાન

નિસબત

ચંદુ મહેરિયા

દેશની બહુમતી વસ્તીનું રસીકરણ થઈ ગયું છે. છતાં હજુ કોરોના મહામારી સંપૂર્ણ ગઈ નથી. હાલની મહામારીમાં ભૂતકાળની મહામારી, તેનો મુકાબલો અને બોધપાઠ સમજવાની જરૂર છે.

ભારતના પહેલા મહિલા શિક્ષિકા અને અનન્ય સમાજ સુધારક મહાત્મા ફુલેના જીવનસાથી સાવિત્રીબાઈ ફુલે ૧૮૯૭ના મરકી કે પ્લેગના રોગચાળામાં લોકોની સેવા કરતાં ખુદ ચેપગ્રસ્ત બની મૃત્યુ પામ્યા હતા જે જમાનામાં શૂદ્રો અને સ્ત્રીઓના શિક્ષણ પર સામાજિક તાળાબંધી હતી ત્યારે ફુલે દંપતીએ તેના વિરોધમાં ઝીંક ઝીલી મહિલાઓ અને દલિતોના શિક્ષણના દ્વાર ખોલ્યાં હતા.

વિધવાનું જીવન ત્યારે બહુ કઠોર હતું  કુટુંબના જ પુરુષોના યૌન શોષણનો ભોગ બની ગર્ભવતી થતાં તેણે જીવનનો અંત આણવો પડતો હતો. આ સ્થિતિના નિરાકરણ માટે સાવિત્રીબાઈ એ બાળહત્યા પ્રતિબંધક ગ્રુહ શરુ કર્યું હતું. ગર્ભવતી વિધવાઓની પ્રસુતિ કરાવી તેમના અનૌરસ સંતાનોને તેઓ જ ઉછેરતાં હતાં.નિ:સંતાન ફુલે દંપતીએ ૧૮૭૩માં પોતાના બાળહત્યા પ્રતિબંધક ગ્રુહમાં જન્મેલા કાશીબાઈ નામક વિધવાના પુત્રને દત્તક લીધો હતો. તેનું નામ યશવંત રાખેલું તેને ભણાવી ગણાવી ડોકટર બનાવ્યો હતો

જડ સમાજવ્યવસ્થા અને તેની રુઢિઓ સામે બંડખોર ફુલે દંપતી ભારોભાર કરુણા અને માનવીય સંવેદનાથી સભર હતું. ૧૮૯૦માં મહાત્મા ફુલેના અવસાન પછી તેમણે સ્થાપેલ “સત્ય શોધક સમાજ” મારફત સાવિત્રી ફુલેએ તેમના સમાજ સુધારણાના કાર્યોને આગળ વધાર્યા હતા.

૧૮૯૭માં મુંબઈ અને પુણેમાં પ્લેગ ફાટી નિકળ્યો હતો. અનેક લોકો તેમાં ટપોટપ મરવા માંડયા હતાં. સાવિત્રીબાઈ ફુલેએ પ્લેગગ્રસ્તોની સારવાર અને સેવાનું કામ આરંભ્યું. તેમના ડોકટર દીકરા યશવંતે પુણેમાં દવાખાનું શરૂ કરી મરકીના ચેપગ્રસ્તોની સારવાર શરૂ કરી હતી. ચેપ લાગવાની પૂરેપૂરી શક્યતા છતાં પ્લેગગ્રસ્તોને શોધીશોધીને સાવિત્રીબાઈ તેમને પુત્રના દવાખાને લઈ આવતાં હતાં. તેમની સેવા શુશ્રુષાથી દર્દી સાજા પણ થતાં હતાં..પુણેની સડક પર પડેલા એક પ્લેગગ્રસ્ત  અસ્પ્રુશ્ય બાળકનો ઈલાજ કરવો તો દૂર કોઈ તેની નજીક  પણ ફરકતું નહોતું. સાવિત્રીબાઈને તેની ભાળ મળતાં તેઓ તે બાળકને ખભે ઉંચકી દવાખાને લાવ્યા. ઘણા વખતથી મરકીગ્રસ્તોની સેવા કરતાં સાવિત્રીબાઈને આખરે ચેપ લાગ્યો અને ૧૦મી માર્ચ ૧૮૯૭ના રોજ પ્લેગને કારણે તેમનું અવસાન થયું હતું.

સેનામાં ડોકટર તરીકે ફરજ બજાવતા સાવિત્રીબાઈના પુત્ર ડો. યશવંત ફુલેએ માતાપિતાનો સેવાનો વારસો નિભાવવા ૧૯૦૫ના પ્લેગ વખતે પુણે આવી ફરી પ્લેગગ્રસ્તોની સારવાર કરી હતી. એક દિવસ તેમને પણ ચેપ લાગ્યો અને મૃત્યુ પામ્યા.આરંભે કોરોના વોરિયર્સના વધામણા અને હવે વિસ્મૃતિ વચ્ચે ફુલે માતા-પુત્રે મરકીના રોગચાળામાં લોકોની સેવા કરતાં આપેલ બલિદાન અવિસ્મરણીય છે.

ગાંધીજીના જીવનમાં મરકીના મુકાબલાના એકાધિક પ્રસંગો આવ્યા હતા. વિલાયતમાં બેરિસ્ટર થઈ સ્વદેશ આવેલા મોહનદાસ કરમચંદ ગાંધીનું પ્રામાણિકતાથી સત્યની વકીલાત કરવાનું વલણ રોટલા રળી આપે તેવું નહોતું. એ દરમિયાન દક્ષિણ આફ્રિકાથી દાદા અબ્દુલાનું કહેણ આવ્યું એટલે તે દક્ષિણ આફિકા ગયા. ત્યાં કુલીપણાનો અનુભવ થયો તો ગિરમીટિયાની સમસ્યા સમજાઈ, તેની વિરુધ્ધમાં સત્યાગ્રહ કર્યો અને સફળતા મેળવી.

મોહનદાસ ગાંધી દક્ષિણ આફ્રિકામાં ન માત્ર વકીલ રહ્યા જાહેર કામ કરતાં થયા હતા. દક્ષિણ આફ્રિકામાં ગરીબ ગિરમીટમુક્ત હિંદીઓને ત્યાંના લોકો ‘કુલી’ તરીકે ઓળખતા અને તેમને શહેરોમાં નોખા રાખવામાં આવતા હતા. આવી જગ્યા “કુલી લોકેશન “ કહેવાતી હતી. જોહાનિસબર્ગના હિદીઓ નવ્વાણું વરસના જમીનના ભાડાપટ્ટે ગંદકી અને ગીચતાથી ભરેલા કુલી લોકેશનમાં રહેતા હતા. એ વસાહતમાં ન સડક હતી, ન વીજળી હતી અને ગંદકીથી ભરેલા પાયખાનાં હતા. જ્યારે આ વસાહતમાં ગંદકી અને ખરાબી વધી  તો સ્થાનિક મ્યુનિસિપાલિટીએ તેનો કબજો મેળવવાની તજવીજ હાથ ધરી. બેરિસ્ટર મોહનદાસ ગાંધી તેમાં વસતા હિંદીઓનો માલિકી હક અને વળતરનો કેસ “હાર થાય કે જીત પટ્ટાદીઠ દસ પાઉન્ડ”ના હિસાંબે લડ્યા અને જીત્યા.

એ પછી તુરત, ઈ. સ. ૧૯૦૪માં, જોહાનિસબર્ગના કુલી લોકેશનમાં એકાએક જીવલેણ કાળી મરકી ફાળી નીકળી. એ સમયે ગાંધીજીએ મરકીનો ભોગ બનેલા લોકોની જે સારવાર કરી તેનું વર્ણન તેમની આત્મકથા “સત્યના પ્રયોગો”ના બે પ્રકરણો (પ્રુષ્ઠ ૨૮૨ થી ૨૮૭)માં વાંચવા મળે છે. શહેરની આસપાસની સોનાની ખાણોમાં મરકીનું ઉપદ્રવ કેન્દ્ર હતું. તેમાં કામ કરતા અને કુલી લોકેશનમાં રહેતા ત્રેવીસ હિંદીઓ  મરકીનો ભોગ બન્યા હોવાનાં સમાચાર મળતાં ગાંધીજી સ્થળ પર પહોંચ્યા. અને તેમની સારવારમાં લાગી ગયા. આત્મકથામાં તેનું વર્ણન કરતાં લખ્યું છે, “ શુશ્રુષાની રાત્રિ ભયાનક હતી. મેં ઘણાં દરદીઓની સારવાર કરી હતી પણ મરકીના દરદીની સારવાર કરવાનો અવસર મને કદી પ્રાપ્ત નહોતો થયો. દરદીઓની સેવા ઝાઝી થઈ શકે તેવું નહોતું. તેમને દવા આપવી, આશ્વાસન આપવું, પાણીછાણી આપવાં તથા તેમનું મેલું સાફ કરવું એ ઉપરાંત વિશેષ કરવાપણું નહોતું. જ.” (પ્રુષ્ઠ-૨૮૩)

મરકી ન ફેલાય તે હેતુસર સ્થાનિક તંત્ર પણ મદદે આવ્યું. અહીં પણ ગાંધીજીએ કેટલાક પ્રયોગો કર્યા હતા. દરદીઓને દવા સાથે દારુ તરીકે બ્રંડી આપવામાં આવતી હતી. ડોકટરની પરવાનગીથી જે ત્રણ દરદીઓ દારુ વિના ચલાવવા  તૈયાર થયા તેમના પર ગાંધીજીએ માટીના પ્રયોગો કર્યા હતા. ગાંધીજી લખે છે,” આ ત્રણ દરદીઓમાંથી બે બચ્યા. બાકીના બધા દરદીઓનો દેહાંત થયો.” (પ્રુષ્ઠ-૨૮૫) સારવાર માટે મૂકાયેલા નર્સને ગાંધીજી દરદીઓને અડકવા દેતા નહોતા. છતાં તે નર્સ પણ  આ દરમિયાન ચેપથી મૃત્યુ પામ્યાં. ગાંધીજીએ આત્મકથામાં નોંધ્યું છે,” પેલા દરદીઓનું બચવું ને અમારું મુક્ત રહેવું શા કારણથી થયું તે કોઈ કહી ન શકે. પણ માટીના ઉપચાર ઉપરની મારી શ્રધ્ધા અને દવા તરીકે પણ દારુના ઉપયોગ વિશે મારી અશ્રધ્ધા વધ્યાં”

મહામારી કે અન્ય આફતના સમયે સરકારની ટીકા કરવાથી દૂર રહી સરકારને મદદરૂપ થવાનું સામાન્ય વલણ હોય છે. પણ ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં પરદેશી હોવા છતાં મરકી અંગે સરકાર અને તંત્રની બેદરકારી અંગે ચૂપ નહોતા રહ્યા. તેમણે સરકારને સખત કાગળ લખેલો અને છાપાંમાં લેખ પણ લખેલો.ગાંધીજી સ્થાનિક વસાહતીઓની પડખે રહી તેમને સમજાવતા રહ્યા. એટલે  તેમના સહકારથી સરકાર શહેરથી દૂર વસાહતનુ સ્થળાંતર કરાવી શકી અને કુલી લોકેશનની હોળી કરવામાં સફળ રહી. આ રીતે મરકીમાંથી મુક્તિ મળી હતી.

આ ઘટનાની ફલશ્રુતિ અંગે ગાંધીજીનું કહેવું હતું કે, ” આ મરકીએ ગરીબ હિંદીઓ પરનો મારો કાબૂ, મારો ધંધો ને જવાબદારી વધાર્યાં.” ફુલે માતા-પુત્રએ મરકીનો ભોગ બનેલાની સારવાર કરતાં જાતનો ભોગ આપ્યો હતો. ગાંધીજી જીવનમાં પહેલીવાર પ્લેગના દરદીઓની સારવાર કરતાં પણ પોતાના પ્રયોગો કરતાં ન ખચકાયા.મરકીએ તેમનો ધંધો અને લોકો પરનો કાબૂ વધાર્યા એમ પ્રામાણિકપણે જણાવીને તેણે જવાબદારી પણ વધાર્યાનું લખ્યું હતું.

આ બે ઘટનાઓનો આજના સમયનો આ સૌથી મોટો બોધપાઠ છે.


શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.