બહાનું

મોજ કર મનવા

કિશોરચંદ્ર ઠાકર

“જો પૈસા ના આપવા હોય તો સીધેસીધી ના કહી દે,  પણ ખોટાં બહાનાં ના બતાવ”. “કામ ના કરવું હોય તો ચોખ્ખી ના કહી દે પણ બહાનાબાજી ના કરીશ”. અન્યને કે ખુદને કહેવાયેલાં આ પ્રકારનાં વચનો કોણે સાંભળ્યા નહિ હોય?  આવું સાંભળીને પહેલી છાપ એ પડતી કે બહાનું બતાવવું એ અસત્યનાં કુળનું અયોગ્ય કાર્ય છે. પરંતુ વધારે વિચાર કરતા સમજાયું કે બહાનું એ માણસને અન્ય પ્રાણીઓથી જુદો પાડતી એવી કલ્પનાશક્તિની નિશાની છે.

આજના સમયમાં ખૂબ નાની ઉંમરે બાળકોને પૂછવામાં આવે છે કે તને શું થવું ગમે? તો બાળકોને સર્વસામાન્ય જવાબ આપવો પડે છે, ‘મને ડોક્ટર બનવું ગમે?’ એવું પણ પૂછવામાં આવતું હોય છે કે તને નિશાળે(નિશાળ એટલે સ્કુલ)જવું ગમે? તો બાળકનો જવાબ માત્ર ‘હા’  જ નહિ પરંતુ “મને સ્કુલે જવું બહુ જ ગમે” એવો જ હોવાનો. બાળકને આપવા પડતા આ બન્ને જવાબો ઉપરથી જ થોપવામાં આવતા હોય છે. આવા જવાબો ગોખાવીને માતાપિતાઓ ભલે પોતાને ચતુર માને, પરંતુ ખરેખર તો તેઓ નિશાળે નહિ જવા માટેના બહાનાં શોધવાની બાળકોની કલ્પનાશક્તિ ઉપરાંત તેનું બાળપણ પણ છીનવી લેતાં હોય છે. જે બાળક એમ કહે કે મને નિશાળે જવું બહુ ગમે તેને બાળક કેમ કહીએ?  જેમનું નામ લેતા જ બાળક ડરી જાય એવા ડોકટર બનવાનું બાળક પસંદ કરે તે માન્યામાં આવતું નથી.

પરંતુ જૂના કાળમાં તો વાત જ જુદી હતી. બાળકને નિશાળે મોકલતા પહેલાં તેને માનસિક રીતે તૈયાર કરવાની જરૂર વાલીઓને લાગતી ન હતી.  નિશાળે બેસાડવા(નિશાળે બેસવું એટલે સ્કુલમાં એડમિશન લેવું)માટે “પાંચ વર્ષની ઉંમર” અને “બાળકનું જાતે ચડ્ડી પહેરતાં શીખી જવું” એમ બન્ને શરતોની પૂર્તિ થાય ત્યાર પછી તરતની કે પછી અન્ય કોઈપણ એક અષાઢી બીજે હાથમાં શ્રીફળ અને આંખમાં આંસુ સાથે બાળકનો શાળામાં પ્રવેશ થતો. ત્યાર પછી પણ કદી  તેને શાળાએ જવું પસંદ પડતું નહિ. જરૂરિયાત એ શોધખોળની જનની છે એ સિદ્ધાંત મુજબ બાળક નિશાળે નહિ જવા માટે જુદાં જુદાં બહાનાંઓની ખોજમાં લાગી જતું.

જો કે શરૂઆતમાં બાળક કદાચ સાચું જ બોલતું  હશે કે સાહેબ મારે છે માટે શાળાએ જવું નથી. પરંતુ વાલીઓની તે સમયે દૃઢ માન્યતા હતી કે માસ્તર વડે બાળકનું તાડન એ  શિક્ષણનો મહત્વનો ભાગ છે. આથી શાળાએ નહિ જવા માટે ખોટાં બહાનાંઓ શોધવાની બાળકને ફરજ પડતી. અનુભવે તેને સમજાતું કે તાવ આવ્યાનું બહાનું  તરત જ પકડાઇ  જાય છે. પછીથી તેણે શોધી કાઢ્યું કે ઉત્તમ બહાનું પેટમાં દુખવાનું છે. જો કે ‘સાસ ભી કભી બહુ થી’ એ સિલસિલાને કારણે વાલીને તો ખ્યાલ આવી જતો કે દુખાવો શાનો છે, પરંતુ એકાદ બે વખત શકનો લાભ આપીને બાળકને મુક્તિ અપાતી. આ રીતે જીવનમાં ડગલે ને પગલે જેની જરૂર પડતી હોય છે તે બહાનાં શોધવાની તાલીમ બાળપણથી જ મળી જતી.

આશ્ચર્ય એ વાતનું છે કે માનવજીવનમાં ખૂબ જરૂરી છે તે બહાનાની ઉપયોગિતા અને વ્યાપકતા  વિષે કોઈ વિદ્વાને ઊંડાણથી અભ્યાસ કેમ કર્યો નહિ હોય? પરંતુ મને લાગે છે કે બહાનું બતાવવું સજ્જનને શોભે નહિ એવી તદ્દન ગેરમાન્યાતાને કારણે વિદ્વાનોએ આ વિષયને અસ્પૃશ્ય માન્યો હશે. આથી સામાન્ય લોકોની તેમજ વિદ્વાનોની આ ગેરમાન્યતા દૂર કરવા માટે મેં બહાનાઓ વિશે ઊંડાણથી અભ્યાસ કરીને આ લેખ લખવા પ્રયાસ કર્યો છે.

ભક્ત કવિ સૂરદાસનું એક ભજન છે “મૈયા કબ હી બઢેગી ચોટી?”’ તેમાં બાળ કૃષ્ણની ઈચ્છા તો દૂધ છોડીને માખણ ખાવાની હતી. પણ બહાનું તેમણે પોતાની  ચોટલી વધતી નથી એવું બતાવ્યું. એ જ રીતે કનૈયાએ ગેડીદડો રમવાને બહાને કાળીનાગને નાથ્યો, ચંદનનું તિલક લેવાના બહાને કુબ્જાનો ઉદ્ધાર કર્યો. આ તો તેમનાં બાળપણની વાત કરી પરંતુ  તેમનું  સમગ્ર જીવન જોતા તો એમ જ લાગે છે કે  તેમણે સતત બહાનાબાજી જ કરી છે. અર્જૂનને સામે બેસાડીને આખેઆખી  ગીતા સમજાવી શક્યા હોત. પરંતુ આ માટે તેમણે ખૂનખાર લડાઇ કરાવી અને તેમાં અર્જુનનો  વિષાદ દૂર કરવાને બહાને  અર્જૂનને  અને અર્જૂનનાં બહાને જગત આખાને ઉપદેશ આપ્યો. આમ ખુદ ભગવાન પણ કોઈ બહાનું ન જડે તો બહાનું ઊભું કરવાનું પસંદ કરતા હોય છે.

“પણ મારે આત્મકથા ક્યાં લખવી છે ? મારે તો આત્મકથાને બહાને સત્યના મેં જે અનેક પ્રયોગો કરેલા છે તેની કથા લખવી છે”  આ રીતે ગાંધીજીએ તો તેમની આત્મકથાની પ્રસ્તાવનામાં જ કબૂલ કર્યું છે કે પોતે લખેલી આત્મકથા એક બહાનું જ છે.

ખુદ ભગવાન કે ગાંધીજી જેવા મહાપુરૂષો જેના માટે ક્ષોભ કે સંકોચ અનુભવતા ના હોય તે બહાના માટે આપણે સામાન્ય લોકોએ અપરાધ ભાવ રાખવાની લગીરે જરૂર નથી.

આપણી સામાન્ય સમજ એવી હોય છે કે કોઈ ખોટી હકીકત જ બહાનું બને શકે છે. પરંતુ ક્યારેક સત્ય ઘટના પણ બહાનું બની શકે છે. મારો એક મિત્ર સ્વભાવે ખૂબ જ મિલનસાર છે. તેથી તે અનેકવાર મને મળવા મારા ઘરે આવતો હોય છે. પરંતુ વારેવારે મારા ઘરે આવવામાં તેને કદાચ ક્ષોભ થતો હશે. આથી હવે તે  મને મળવા આવે છે ત્યારે સૌ પ્રથમ એમ જ કહે છે કે આ બાજુ નીકળ્યો હતો તો થયું લાવ તને મળતો જાઉ. તેનું  મારા ઘર તરફ નીકળવું એ સત્ય ઘટના હોવા છતાં મને મળવાના કારણ તરીકે  એક બહાનું જ હોય છે.

બહાનું હંમેશા બતાવનારના  લાભમાં જ  હોય છે તે માન્યતા પણ ભૂલભરેલી છે.  ઘરે આવનાર મહેમાનને ચા પીશો? એવું પૂછવામાં આવતા મહેમાનને ચા પીવાની ઈચ્છા હોવા છતં વિવેક ખાતર  હાલ જ ચા પીને જ નીક્ળ્યો કે એવું કોઈ બહાનું બતાવતા હોય છે. મહેમાને બતાવેલું બહાનું ચબરાક યજમાન ઝડપી લે છે અને પોતે મહેમાનના જવાબને બહાનું માનતા નથી એવો ડોળ  કરીને  “તો ભલે” એમ કહીને મહેમાનને ચાનો લાભ આપવાનું માંડી વાળે છે. આમ બહાનું બતાવનારની ઇચ્છા અધૂરી રહે છે અને લાભ તો યજમાનને જ થાય છે.

ઘણા વર્ષોથી હું વહેલા ઊઠીને ચાલવા જવાનો સંકલ્પ કરું છું. એકાદ બે દિવસ આ સંકલ્પનું પાલન પણ કરું છું. પછી સવારની મીઠી નિદ્રાનો ત્યાગ કરવો ગમતો નથી. આથી સૌ પ્રથમ તો હું મારી ઉંઘમાં ખલેલ પાડનાર  દુશ્મન જેવા લાગતા એલાર્મ પર ખીજાઈને તેને તરત જ ચૂપ કરી દઉં છું. ત્યાર પછી શરૂ થાય છે જાત સાથેના સંવાદોનો દોર. એવા લોકોને યાદ કરુ છું કે હંમેશા મોડા જાગ્યા હોય અને કદી પણ કસરત કરી ના હોય છતાં તંદુરસ્ત રહીને જીવનની લાંબી ઇનિંગ રમતા હોય. વહેલા ઊઠીને ફરવા નીક્ળેલાને કૂતરું કરડ્યું હોય કે કોઇ વાહને ટક્કર મારી હોય એવા કિસ્સા યાદ કરું છું અને જાતને સમજાવું છું કે પ્રાણના ભોગે તંદુરસ્તી મેળવવા પ્રયાસો કરવા એમાં અક્કલની નાદારી સિવાય બીજું કશું નથી. એ સમયે મને આધ્યાત્મિક જ્ઞાન પણ થાય છે કે જેમ ધન, સત્તા, કીર્તિ વગેરે એક જાતની માયા છે તેમ તંદુરસ્તી પણ એક પ્રકારનો મોહ છે. આમ બહાનું બતાવવા માટે કોઇ અન્ય પાત્રનું હોવું જરૂરી નથી, પોતાની જાતને પણ  બહાનાંઓ બતાવી શકાય છે.  જીવનમાં જ્યારે પણ કશું ખોટું કરીએ છીએ તે માટે  અથવા તો સન્માર્ગે જીવન જીવતા નથી તે માટે આપણે આપણી જાતને બહાના બતાવતા હોઈએ છીએ.  જો આત્મનિરીક્ષણ કરીશું તો સમજાશે કે  સૌથી વધારે બહાનાંઓ કદાચ  આપણે આપણી જાતને જ બતાવતા હોઈએ છીએ.

‘બહાનું’ એ રાજકારણીઓનો શ્વાસપ્રાણ છે. રાજકારણમાં તેમનો પ્રવેશ જ જનતાની સેવા કરવાના બહાને થાય છે. પ્રવેશ પામ્યા પછી કોઇ રાજકારણી ભ્રષ્ટાચાર દૂર કરવાનું બહાનું બતાવે છે તો કોઇ વિકાસ કરવાનું, કોઈ  સમાજવાદ લાવવાનું  તો કોઈ  લઘુમતીને થતો અન્યાય દૂર કરવાનું તો કોઈ બહુમતીને થતો અન્યાય દૂર કરવાનું એમ જુદાં જુદાં બહાનાં બતાવે છે પરંતુ  હેતું તો સત્તાપ્રાપ્તિ  હોય છે. સત્તા મળ્યા પછી દેશની સલામતીના બહાને  પ્રજાની આઝાદી છીનવી લેતા હુકમો કે કાયદાઓ કરાય છે. પેલી વાર્તામાના વરુએ ”તેં નહિ તો તારા બાપે મને ગાળો દીધી હશે” એવું બહાનું કાઢીને ઘેટાને મારી નાખ્યું હતું. માથાભારે માણસોએ નિર્બળ વ્યકતિ પર અને મજબૂત દેશના માથભારે સત્તાધારીઓએ નિર્બળ દેશો પર હુમલા કરતા રહીને પેલાં વરુએ શરૂ કરેલી  બહાના કાઢવાની પરંપરા  આજ સુધી ચાલુ જ રાખી છે.

ધર્મને બહાને ધતિંગથી દરેક ધર્મનો  ઇતિહાસ અને વર્તમાન ખૂબ જ જાણીતો હોવાથી તે અંગે વધું કહેવાની જરૂર નથી.

આપણું સામાન્ય માણસનું જીવન પણ બહાનાંઓથી જ ચાલે છે. અગાઉ જોઈ ગયા તેમ બાળપણમાં શાળાએ નહિ જવા માટે બહાના શોધીએ છીએ. શાળામાં શિક્ષકને હોમવર્ક નહિ કરવા માટેના બહાના બતાવીએ છીએ. કોલેજમાં આવ્યા પછી ઘેરથી કોલેજને બહાને નીકળીને ફિલ્મ જોવા જતા રહીએ છીએ. કોલેજમાં પણ ભણવાનું તો બહાનું હોય છે ત્યાં જઈને સખી કે સખીવ્રુંદ ઊભું કરતા હોય છે. યુવતીઓ  સખીને મળવાનું બહાનું કાઢીને સખાને મળવા જતી હોય છે. ‘પોતાની મમ્મીથી હવે કામ નથી થતું’ એવું બહાનું કાઢીને યુવકો લગ્નની ઇચ્છા પ્રગટ કરતા હોય છે. લગ્ન બાદ પતિઓને  નોકરીનાં સ્થળે અને ઘરે એમ બે મોરચા પર બહાનાં બતાવવાં પડે છે. અનુભવી એવા વાચકોને આ બહાનાંઓની યાદી જણાવવાની  જરૂર નથી.

આમ જીવનમાં ડગલે ને પગલે દરેક માણસને બહાનાં કાઢવાની જરૂર પડે છે.  જીવનનો હેતું શો છે એ કોઈને સમજાતું નહિ હોવાથી લોકો કોઈને કોઇ બહાને જીવતા હોય છે. કોઈ પરિવાર માટે જીવવાનું બહાનું કાઢે છે તો કોઇ સમાજની કે દેશની સેવાનું  બહાનું કાઢે છે. કોઈ વળી મોક્ષપ્રાપ્તિનું બહાનું કાઢે છે. ચાર્વાક મુનિના અનુયાયીઓ મોજમજાનું બહાનું કાઢે છે.  ટૂંકમાં જેમ પીને વાલેકો પીનેકા તેમ જીને વાલેકો જીનેકા બહાના કાઢવાની જરૂર પડે છે. જો જીવવા માટે  બહાનું કાઢવાનું જ હોય તો પછી શા માટે એવું ઉત્તમ બહાનું ના કાઢીએ કે જેનાથી જીવન પણ સાર્થક થાય?


શ્રી કિશોરચંદ્ર ઠાકરનાં સપર્ક સૂત્રો :-પત્રવ્યવહાર સરનામું: kishor_thaker@yahoo.in  । મો. +91 9714936269

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.