‘માર કટારી મર જાના, કિ અંખીયા કિસીસે મિલાના ના’

લ્યો, આ ચીંધી આંગળી

રજનીકુમાર પંડ્યા

‘હિમાલયા શેઠ કોણ છે?’ વકીલ છેલશંકર વ્યાસે પૂછ્યું : ‘ને બાઈ, આ તમે જેની વાત કરો છો તે અમીરબાઈ કર્ણાટકી તમારે શું થાય ?’

પગથી માથા સુધી મુસલમાની આબા-ઈજારવાળી એ બાઈ ડૂસકાંમાંથી જરા નવરી પડે એટલે બોલતી પણ હતી. બોલી : ‘અમીરબાઈ મારી નાની બહેન છે, ને આ હિમાલયા શેઠ એનો ધણી હતો.’

વકીલના મદદનીશ રસિકલાલ વ્યાસને પણ પેટાપ્રશ્નો પૂછવાની છૂટ હતી. એમણે પૂછ્યું : ‘કેમ ? હતો એટલે ? હવે નથી ?’

રાતના દસ પછી ધરખમ ધારાશાસ્ત્રી છેલશંકર વ્યાસ કોઈ અસીલને મળતા નહીં. પણ આ બાઈએ બેલ મારી. પહેલાં રસિકલાલ ગયા : ‘સવારે આવજો.’ એમ કહ્યું તો જવાને બદલે હીબકે ચડી. નામ પૂછ્યું તો ‘અહલ્યાબાઈ’ એટલું બોલીને લગભગ ઠૂંઠવો મૂકવાની તૈયારી બતાવી. ખરું ધર્મસંકટ થયું. નાઈલાજ રસિકલાલ અંદર ગયા. વાત કરી એટલે છેલભાઈ આવ્યા તો ખરા, પણ ચીડ અને કંટાળાના ભાવથી, છતાં એમના આવવાથી અહલ્યાબાઈના હીબકાં જરા હેઠાં બેઠાં.

‘સ્ટેશન માસ્ટર’ ફિલ્મમાં અમીરબાઈ

કથની : ‘હિમાલયા શેઠ સાથે મારી નાની બહેન, ફિલ્મોની ગાયિકા અમીરબાઈ કર્ણાટકીના તલ્લાક થઈ ગયા છે. તલ્લાકનામું પણ અમારી પાસે છે. પણ એ માણસ અમીરબાઈનો સગડ મૂકતો નથી. વારેઘડીએ આવીને ધાકધમકી આપે છે અને પૈસા પડાવે છે.’

‘સબબ ?’

‘હિમાલયા શેઠે કરોડપતિ બાપની વિરુદ્ધ જઈને અમીરબાઈ સાથે પ્રેમલગ્ન કર્યા હતાં, સાહેબ.’ અહલ્યાબાઈ જરા-તરા સ્વસ્થ થઈને બોલી : ‘એટલે એના બાપે એને ભાગમાંથી બાતલ કરેલો. પણ પછી એ મૂઆએ એની ખીજ મારી બહેન ઉપર ઉતારી. મારપીટ અને દંગાફસાદ ઉપર ઊતરી આવ્યો. શરાબ, જુગાર અને મોજમજાહ માટે એને રૂપિયા જોઈએ.રોજરોજ રૂપિયા ક્યાંથી કાઢવા ? કંટાળીને અમીરબાઈએ કહ્યું કે મને છૂટી કરી દે –તો બોલ્યો કે આટલા રૂપિયા અને તારી મોટરગાડી આપી દે તો તલ્લાક આપું.’

છેલશંકર વ્યાસ અને રસિકલાલે એકબીજા સામે જોયું. અમીરબાઈ કર્ણાટકી  મશહૂર ફિલ્મી પ્લેબેક સિંગર હતી. ભરયુવાન હતી. આવનારી અહલ્યાબાઈ પણ રેડિયો સિંગર હતી, નાની ગોહરબાઈ કર્ણાટકી પણ ગાનારી હતી. એક ગાયિકા, એક કરોડપતિનો છોકરો, એ બે વચ્ચે શાદી, ઝગડા, મારપીટ અને તલ્લાક, અને તલ્લાક પછી પણ ત્રાસ. આ બધી વાત સાચી લાગે તેવી હતી ? નવલકથા જેવી નથી લાગતી? પણ જે હોય તે. અસીલની વાત તો સાંભળવી જ રહી.

અમીરબાઈ (ડાબે) અને તેમની બહેન કમલાબાઈ

આગળ : ‘પછી સાહેબ…’ અહલ્યાબાઈએ ફરી આંખમાં ધસી આવેલ આંસુ લૂછ્યા : ‘હિમાલયા શેઠના એક ઓળખીતા ફોજદારની હાજરીમાં તલ્લાકનામું લખાતું હતું –અમીરબાઈની સહી પણ થઈ ગઈ, ત્યાં કાંઈક વાંધો પાડીને હિમાલયો ઊઠી ગયો. રૂપિયા અને મોટર લઈ ગયો, પણ એની પોતાની સહી બાકી રહી ગઈ. અમે તો હક્કાબક્કા રહી ગયા. ફરિયાદ કરવા જતા હતા, પણ ફોજદારે અમને રોક્યા. તસલ્લી આપી, કહ્યું કે ફિકર ન કરશો. એ મારો ભાઇબંધ છે. ખીજ કરીને જશે ક્યાં ? હું અબઘડી એની સહી લઈ આવું છું. ફરિયાદ-બરિયાદ કરવાની કાંઈ જરૂર નથી. ફોજદાર આમ બોલીને તલ્લાકનામું લઈને ગયો એ ગયો જ. બે કલાકે પાછો આવ્યો તો એમાં હિમાલયાશેઠની સહી હતી. અમને એમ કે પત્યું,પણ…’

વ્યાસબંધુઓએ અર્ધી કહાણી સાંભળી. અર્ધી સમજી ગયા. તલ્લાકનામામાં પોતાની સહી જ નથી. અમીરબાઈએ ખુદે ખોટી કોઈની સહી કરાવી છે એમ કહીને પછી રાવણગીરી ચાલુ રાખી હશે. ધણીપણાનો ધોકો, ધમકી અને ઉઘરાણી બેવડાવ્યાં હશે અને સુખેસલાદે ખાવા અને ગાવા દીધું નહીં હોય. બીજું શું ?

પણ અહલ્યાબાઈ પાસે વધુ કંપાવનારી કથની હતી : ‘આજે અમીરબાઈ એક ગીતના રેકોર્ડિંગમાંથી ફારેગ થઈને સ્ટુડિયોની બહાર મૂકેલી પોતાની ગાડીમાં બેસવા જતી હતી ત્યાં હિમાલયો ધસી આવ્યો. બાવડું પકડીને પોતાની ગાડીમાં એને બેસારી દીધી. પોતાને બંગલે ઉપાડી ગયો. ને ત્યાં એને મારીમારીને એના ગાલ સૂઝાડી દીધા, નહોરિયાં ભર્યા, લોહી કાઢ્યું.’

(અમીરબાઈ કર્ણાટકી)

‘પણ તમને આ માહિતી કોણે આપી?’ એમ રસિકલાલે પૂછ્યું ત્યાં માંડ માંડ આવી રાખેલા આંસુઓનો બંધ તૂટી પડ્યો. અહલ્યાબાઈ ફરી ડૂસકે ચડી ગઈ : ‘હમણાં અમીરનો મારા પર ફોન આવ્યો. રોતાં રોતાં માંડ એટલું બોલી શકી કે આ માણસને જોઈએ એટલા રૂપિયા આપો અને મને અહીંથી છોડાવો. નહીં તો એ મને અત્યારે મારવા જ બેઠો છે. સવારે મારું મોઢું નહીં ભાળો-લાશ ભાળશો.’

નાનીબહેન અમીરબાઈની લાશ અત્યારે જ નજર સામે પડતી હોય એમ અહલ્યાબાઈ માથું કૂટવા માંડી: ‘અરેરે! હું શું કરું ? આપ તો મોટા નામી વકીલ છો- મારી બહેનને અત્યારે જ છોડાવો. તમે કહો એટલી ફી આપીશ, પણ મને મારી બહેન જીવતી પાછી અપાવો.’

‘પણ તમે સીધા પોલીસચોકીએ કેમ ન ગયાં, બહેન ?’

‘ગઈ હતી, સાહેબ,’ એ બોલી : ‘માહીમ પોલીસસ્ટેશને પણ ગઈ હતી, પણ પેલો એનો મળતિયો ફોજદાર ત્યાં જ હતો. એણે ફરિયાદ લેવાની ના પાડી. અને કહ્યું કે એ એની ઓરત છે – તલ્લાક થયા જ નથી. તલ્લાકનામું તમે ઊભું કરેલું, બોગસ બનાવટી છે. અંદર હિમાલયાશેઠની સાચી સહી જ ક્યાં છે ? બહુ ડખડખ કરશો તો ખોટી સહીને લીધે તમને જ જેલમાં ખોસી દઈશ.’

છેલ્લાં વાક્યો સાંભળીને તો છેલભાઈની આંખમાં પણ લોહી ધસી આવ્યું. અને રસિકભાઈનું પણ લોહી ગરમ થઈ ગયું. બંને એ જ ક્ષણે ઊભા થઈ ગયા : ‘ચાલો, અત્યારે જ ચાલો,’ છેલભાઈ બોલ્યા: ‘જુલમ સામે લડવા માટે ફીની રાહ જોવાની ના હોય. અત્યારે જ ચાલો.’

                                      **** **** ****

સવા અગિયારના સુમારે માહીમની પોલીસચોકીએ છેલભાઈ જેવા પ્રખર વકીલને જોઈને ઈન્સ્પેક્ટર શિયાંવીયાં થઈ ગયો. પણ ખુરશીના કરંટે કરીને એ ફરીથી ફોજદાર બની ગયો. અહલ્યાબાઈની રોતી સૂરત તરફ એક કરડી નજર કરીને એણે છેલભાઈના કરડા ચહેરા પર નરમ નજર કરી : ‘આવો સાહેબ, શું તસ્દી લીધી આટલી અર્ધી રાતે ?’

‘આ બાઈની ફરિયાદ કેમ લખતા નથી ?’

(અમીરબાઈ)

‘આ ગાનારી છે, સાહેબ! તમે ઓળખતા નહીં હો.’ એ બોલ્યો : ‘એની બહેન એના ધણીને ઘેર રહે છે એ એનાથી સંખાતું નથી.’

‘તમારી વાતમાં વજુદ નથી.’ ઈન્સ્પેક્ટર બોલ્યા : ‘એના તલ્લાક થઈ ગયા છે.’

‘તલ્લાકનામું તર્કટી છે.’

છેલભાઈના મોં પર કડકાઈ પથરાઈ ગઈ : ‘એ જોવાનું કામ તમારું નથી, ઈન્સ્પેક્ટર, તમે હસ્તાક્ષર નિષ્ણાત નથી. તમારે ફરિયાદ નોંધવી જ પડશે.’

(એક ફિલ્મમાં હિમાલયા)

‘ફરિયાદ રજિસ્ટરના પાનાં વધારાનાં નથી, વકીલસાહેબ.’ ઈન્સ્પેક્ટર બોલ્યો અને બેફિકરાઈથી પોતાનું બીજું કામ કરવા માંડ્યો. છેલભાઈના મોંએ અનેક દલીલો આવી, આવી, અને અટકી ગઈ. દલીલો પણ સમય માગે છે, એવો સમય કે જે અમીરબાઈના ચિત્કારો સાથે ઘોળાયેલો હતો. એને એમ વહેવા ન દેવાય.

એમણે અવાજમાં પ્રયત્નપૂર્વકની નમ્રતા લાવીને પૂછ્યું : ‘હું તમારા સુપ્રિન્ટેન્ડેન્ટને ફોન કરી શકું ?’ આમ પૂછીને એમણે ઈન્સ્પેક્ટરની ‘હા’ની રાહ જોયા વગર પોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટને ઘેર ફોન જોડ્યો. સારી વાર રીંગ ગયા પછી ઘરના નોકરે રિસીવર ઉપાડ્યું : ‘સાહેબ ફલાણા ટોકિઝમાં ફિલ્મ જોવા ગયા છે.’

ટોકિઝમાં ફોન કર્યો. છેલભાઈનું નામ પડતાંવેત સુપ્રિન્ટેન્ડેન્ટ ચાલુ ફિલ્મે બહાર આવ્યા. ફિલ્મમાં કદાચ અમીરબાઈનું જ ગાણું ચાલતું હશે એટલે અધૂરું છોડવા બદલ થોડી ચીડ ભળેલી હશે, છતાં એમણે ટોકિઝની ઓફિસમાંથી છેલભાઈ સાથે વાત કરી. અમીરબાઈના ગાયનના લયને બદલે એનો અસલી ચિત્કાર એમના કાને પડ્યો હશે. એમણે કહ્યું : ‘અમારા ઈન્સ્પેક્ટરને ફોન આપો.’

કશું પણ બોલ્યા વગર છેલભાઈએ ઈન્સ્પેક્ટરને ફોન આપ્યો. અને પછી સંતોષપૂર્વક ઈન્સ્પેક્ટરનું ફોન પર બોલાતું ‘જી, જી,જી, જી જી’ સાંભળી રહ્યા. જી-પાટ પૂરી થયા પછી ઈન્સ્પેક્ટરે ફોન મૂકીને પેન હાથમાં લીધી. ‘લખાવો ફરિયાદ, શું લખાવવું છે?’ એમ બોલ્યા તો ખરા, પણ વળી ‘હમણાં આવું’ કહીને બાજુના ખંડમાં ગયા. ત્યાં બીજો ફોન હતો. જઈને ઉપાડ્યો. મેળવ્યો અને કોઈક સાથે વાત શરૂ કરી,જે રસિકભાઈ કે જે દીવાલને કાન માંડીને ઊભા હતા તેમના કાને પડી. ‘અમારે આવવું તો પડશે જ. અમારા સાહેબનું દબાણ છે. પણ તમને ચેતવી દઉ છું. તમે બધો બંદોબસ્ત કરી લેજો, પછી કહેતા નહીં કે કહ્યું નહોતું.’

રસિકભાઈએ છેલભાઈને કહ્યું : ‘ઈન્સ્પેક્ટરે સામી પાર્ટીને ચેતવી દીધી.હવે શું કરીશું ? આપણું કર્યુંકારવ્યું પાણીમાં તો નહીં જાય ને?’

છેલભાઈ મુત્સદીગીરીભર્યું મરક્યા. કંઈ બોલ્યા નહીં.

અંતે ફોજદારે એકડા ઘૂંટવાની ઝડપે ફરિયાદ લખવી શરૂ કરી. કદાચ એમને સમય કાઢવો હતો. અહલ્યાબાઈના દરેક મુદ્દા ઉપર એ હઠીલી માખીની જેમ બેસતા હતા. એમને ઉડાડી ઉડાડીને આગળ ધકેલવા પડતા હતા.

એવામાં જ ફોનની ઘંટડી રણકી. અહલ્યાબાઈના ઘેરથી જ નાની બહેન ગૌહરબાઈ કર્ણાટકીનો ફોન હતો. ‘અમીરબાઈ ઘેર આવી ગઈ છે. જલ્દી આવો.’

ફરિયાદ પૂરી કરાવીને તરત જ છેલભાઈ અને રસિકભાઈ અહલ્યાબાઈ સાથે એને ઘેર પહોંચ્યા ત્યારે રાતના બાર સવા બાર થયા હતા, છતાં બહાર માણસોનું મોટું ટોળું જમા હતું. ગણગણાટ ફરી વળેલો હતો વાતાવરણમાં. હિમાલયા શેઠની મોટર કઈ દિશામાં ગઈ એની લોકો વાતો કરતા હતા.

અંદર જઈને જોયું તો અમીરબાઈ કર્ણાટકી, મશહૂર ફિલ્મી ગાયિકા, અંદરના ઓરડામાં ડરેલી ડરેલી, સંકોચાયેલી, ત્રસ્ત સસલીની જેમ થરથર કાંપતી બેઠી હતી. એનું મોં સૂઝીને દડા જેવું થઈ ગયું હતું. અંદરથી સૂરીલા એવા એના ગળા ઉપર બહારના ભાગે નહોરિયાંનાં નિશાન હતાં. વાળ વિખરાયેલા અને આંખે લાલ દોરા ફૂટી આવ્યા હતા.

‘અમીર..’અહલ્યાબાઈ એની નજીક આવી, બાથમાં લીધી અને પછી ડુમાયેલા અવાજે કહ્યું : ‘બહાર નીકળ બહેન, તને છોડાવનાર આ મરદ વકીલ સાથે વાત તો કર.’

અમીરબાઈએ નીતરતી આંખે ઊંચે જોયું. પણ વાત ન કરી. આંખમાં જબાન ઊગી પણ જબાન પર શબ્દો ન આવ્યા. એને એમ હતું કે હિમાલયા શેઠે દયા કરીને એને છોડી હતી. એના બદલામાં આવતી કાલે એને ઢગલાબંધ રૂપિયા આપવાના છે –નહીં તો કાલે પોતાનું ખૂન થઈ જશે.

પણ અહલ્યાબાઈએ એને ઢંઢોળી – કહ્યું : ‘એને એમ કહ્યું હતું કે તને એ બાન પકડીને પૈસા ખંખેરશે. પણ અમારી તજવીજથી ડરીને તને એ મૂકી ગયો છે. તને એ અહીં મૂકવા આવવા નીકળ્યો એ પહેલાં કોઈનો ફોન નહોતો આવ્યો ?’

અમીરબાઈને બધું યાદ તો આવતું હતું. ગાળો અને મારની રમઝટ વચ્ચે કોઈનો ફોન તો આવ્યો હતો. હિમાલયા શેઠે એ ફોન લીધો પણ હતો. પણ પછી એકાએક એનામાં પલટો આવી ગયો હતો. દાનવી-દયા એણે બતાવી હતી.

અમીરબાઈના મનમાં ધીરેધીરે આખી હકીકત ઊપસી. એ સાથે જ છેલશંકર વ્યાસનો ઉપકાર એના મનમાં પહોંચ્યો. એણે આભારવશ નજરે એમના સામે જોયું.

પણ રસિકલાલને અમીરબાઈની આંખોમાં હજુ ભયનો ઓથાર દેખાતો હતો. એમણે છેલભાઈને કહ્યું :’હજુ એની બીક નથી ગઈ, મોટાભાઈ! હિમાલયા શેઠના નામથી એ થરથર ધ્રૂજે છે. એની બીક કાઢો.’

એ બીક કાઢવાનો મોકો પણ બહુ જલ્દી આવી ગયો. કોર્ટના કમ્પાઉન્ડમાં જ એક વાર હિમાલયા શેઠ અમીરબાઈની નજીકથી પસાર થઈને ડોળા તતડાવવા માંડ્યો. બરાબર એ જ વખતે છેલશંકર વ્યાસ ત્યાંથી નીકળ્યા, જોયું અને જેમ જ્વાળામુખી ફાટે તેમ ફાટ્યા. હિમાલયા શેઠ એટલો બધો ડઘાઈ ગયો કે કશું બોલી શક્યો નહીં. છેલભાઈએ એને મિનિટમાં કોડીનો કરી નાખ્યો. અમીરબાઈ કર્ણાટકીની નજરમાંથી એની સિંહની ખાલ ઊતરી ગઈ, શિયાળનો સીનો છતો થયો.

**** **** ****

જૂનાગઢમાં માંગનાથ રોડ ઉપર લોહાણા ખડકીમાં રહેતા રસિકલાલ વ્યાસે અમીરબાઈના હસ્તાક્ષરવાળો એનો ફોટો બતાવીને મને કહ્યું : ‘એણે મને અને છેલભાઈને જિંદગી આખી ધર્મના ભાઈઓ માન્યા. પાછળથી એણે બદરી કાચવાલા સાથે શાદી કરી.’

(રસિકલાલ વ્યાસ પાછલી વયે)

અમીરબાઈનું પેલું ગીત મને યાદ આવી ગયું : ‘માર કટારી મર જાના, હો અખીયાં કિસીસે મિલાના ના.’

‘અખીયાં મિલાવવા’નાં આ પરિણામ!


નોંધ-અમીરબાઇ કર્ણાટકી- જન્મ ૧૯૧૨-અવસાન ૧૯૬૫


નોંધ- રસિકલાલ ગિરધરલાલ વ્યાસ કે જેમનો આ લેખમાં ઊલ્લેખ છે તે આ લેખકના જરા મોટી વયના મિત્ર હતા, જે વીસેક વર્ષ અગાઉ અમેરિકામાં કેલિફોર્નીયામાં અવસાન પામ્યા. છેલશંકર વ્યાસ તેમની યુવાવસ્થામાં આ લેખકના પિતા જ્યારે શિક્ષક હતા ત્યારે તેમના વિદ્યાર્થી હતા. જો કે તેમની તસ્વીર મળી શકી નથી. આ એ જ છેલશંકર વ્યાસ કે જેમણે એક જમાનામાં વર્ષો સુધી ’મુંબઇ સમાચાર’માં ‘ઊઘાડે છોગે’નામની નિર્ભિક વાતો કથતી કટાર ચલાવી, જે તેમના અવસાન પછી તંત્રી જેહાન દારુવાલાએ ચલાવી હતી.


લેખકસંપર્ક :
રજનીકુમાર પંડ્યા.,
બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક, મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦
મો. +91 95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન- +91 79-25323711/ ઇ મેલ: rajnikumarp@gmail.com

Author: Web Gurjari

1 thought on “‘માર કટારી મર જાના, કિ અંખીયા કિસીસે મિલાના ના’

  1. ખ્યાતનામ હસ્તીઓ પણ કનડગતથી બાકાત નથી હોતા તેનો દાખલો. રજનીકુમારજી જ આપણને આવો આસ્વાદ કરાવી શકે.

Leave a Reply

Your email address will not be published.